Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગાંડાની જેમ વધી રહેલા બજારને ડહાપણ આવ્યું?

ગાંડાની જેમ વધી રહેલા બજારને ડહાપણ આવ્યું?

18 January, 2021 11:43 AM IST | Mumbai
Jayesh Chitalia

ગાંડાની જેમ વધી રહેલા બજારને ડહાપણ આવ્યું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આખરે બજારે થોડો થાક ખાવાનું અને આરામ કરવાનું પસંદ કર્યું, ગયા શુક્રવારે કરેક્શન સાથે આ વાત બની. ૫૦૦૦૦ નજીક જઈ રહેલો સેન્સેક્સ ૪૯૦૦૦ તરફ પાછો વળી ગયો, જોકે માર્કેટમાં મૂડ હજી તેજીનો જ છે. હા, પ્રોફિટ બુક કરી લેવામાં શાણપણ લાગ્યું એ સારી વાત કહી શકાય, હવે પછીના દિવસોમાં માર્કેટની નજર બજેટનાં સંકેતો પર રહેશે. અલબત્ત હજી પણ નફો ઘરમાં લઈ લેવાનો અવસર ગણાય

બજાર ગાંડાની જેમ વધે છે, તમારે ડાહ્યા થઈને રહેવું પડશે એવું ગયા સપ્તાહમાં આપણે કહ્યું હતું, જોકે રોકાણકારો કેટલા ડાહ્યા થયા અને તેમણે કેટલો અને શેમાં પ્રોફિટ બુક કર્યો એ તો તેઓ જ જાણે, પરંતુ બજારને વિદેશી રોકાણનો કૅફ ચઢ્યો હોવાનું લાગે છે. ગયા સોમવારે બજારે કરેક્શનની ધારણા વચ્ચે વધારો જ નોંધાવ્યો, મંગળવારે કરેક્શન લાવ્યા બાદ આખરે તો નવી ઊંચાઈ જ બતાવી હતી.  માર્કેટની ટોપ કયાં? આ સવાલ હવે પુછાતો નથી, બલકે હવે અમારે ખરીદવું કે કેમ એવું પુછાય છે. સ્માર્ટ ઇન્વેસ્ટરો નફો લઈને થોડો સમય ક્વૉરન્ટીનમાં જવા લાગ્યા છે. જોકે આશાવાદી લોકો-વિદેશી રોકાણનો પ્રવાહ આવ્યા જ કરશે, સ્ટીમ્યુલસ પૅકેજનાં નાણાં ભારતીય માર્કેટમાં આવશે તે વધુ ઊંચે લઈ જશે એવી અપેક્ષા સાથે વર્તમાન ભાવે પણ ખરીદી કરી રહ્યા છે. આ વર્ગ લાંબા ગાળા માટે ખરીદી કરતો હશે તો ઠીક છે, અન્યથા ઊંચા ભાવે ભેરવાઈ શકે.



આમ ને આમ ચાલ્યું તો સેન્સેક્સ થોડા દિવસમાં જ ૫૦૦૦૦ થઈ જશે, જેની આગાહી ૨૦૨૧ માટે થઈ હતી, કિંતુ આ તો હજી ૨૦૨૧નો પહેલો જ મહિનો છે. એમાં વળી બજેટની જાહેરાતનો દિવસ સાવ નજીક આવી ગયો છે, વધુમાં નાણાપ્રધાને આ વખતના બજેટ માટે ઊંચી આશા જગાવી છે. બજારની ધારણા મુજબ આ વખતે બજેટ ઢગલાબંધ અને આક્રમક રિફૉર્મ્સ લઈને આવશે. ખૈર, આપણે હાલ તો બજારમાં નફો લેતા જવામાં ડહાપણ રહેશે. મોટા ઘટાડામાં ખરીદી સિલેક્ટિવ રાખવી જોઈશે. આગામી દિવસોમાં કેટલાક આઇપીઓ આવી રહ્યા હોવાથી તેમાં પણ નાણાપ્રવાહ જશે.


ગયા સપ્તાહમાં સેન્સેક્સ ૪૯૦૦૦ને પાર કરી ગયો હતો, જેમાં વિદેશી રોકાણકારોના રોકાણ પ્રવાહનું પરિબળ મુખ્ય હતું. તેમાં પણ આઇટી-ટૅક સ્ટૉક્સની રૅલીનો મહત્તમ ફાળો હતો, તેમાં પણ હજી બારીક નજર કરીએ તો ટીસીએસના પરિણામ અને તેના ભાવની ખાસ્સી અસર હતી. આમ ઇન્ડેકસમાં વેઇટેજ ધરાવતા સ્ટૉકસની કેવી અસર થાય છે તેનું આ વધુ એક ઉદાહરણ કહી શકાય, જોકે મજાની અને સારી વાત એ છે કે હાલના દિવસોમાં માર્કેટ બ્રોડબેઝ્ડ બનતું જાય છે, સ્મોલ અને મિડ કૅપ સ્ટૉકસ પણ સતત વધી રહ્યા છે. તેજી લાર્જ કૅપ સ્ટૉકસ પૂરતી મર્યાદિત રહી નથી, આ સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેજીના નામે અન્ય કેટેગેરીના નબળા શૅર ચાલવા માંડ્યા તો નથી ને? નહીંતર ભેરવાઈ જશો ભાઈ.

સેન્સેક્સના ૧૦૦૦ પૉઇન્ટના ઉછાળા


સેન્સેક્સની રસપ્રદ ચાલ પર નજર કરીએ તો તેને ૪૦૦૦૦થી ૪૧૦૦૦ થતાં ૨૧ દિવસ લાગ્યા હતા, ૪૧થી ૪૨૦૦૦ થતાં ૩ દિવસ, ૪૨થી ૪૩૦૦૦ થતાં માત્ર એક દિવસ, ૪૩થી ૪૪૦૦૦ થતાં સાત દિવસ, ૪૪થી ૪૫૦૦૦ થતાં ૧૨ દિવસ, ૪૫થી ૪૬૦૦૦ થતાં ૩ દિવસ, ૪૬થી ૪૭૦૦૦ થતાં ૧૩ દિવસ, ૪૭થી ૪૮૦૦૦ થતાં ૬ દિવસ અને ૪૮થી ૪૯૦૦૦ થતાં માત્ર પાંચ દિવસ લાગ્યા હતા. આમ સેન્સેક્સને ૪૦થી ૪૯૦૦૦ ઉપર પહોંચતા કેવળ ૭૧ દિવસ લાગ્યા હતા. અર્થાત ફક્ત ૭૧ દિવસમાં ૯૦૦૦ પૉઇન્ટનો વધારો થયો કહેવાય.

રિઝર્વ બૅન્કની ચિંતા

રિઝર્વ બૅન્કે ગયા સપ્તાહમાં ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે રિઅલ ઇકૉનૉમી અને ફાઇનૅન્શિયલ માર્કેટ વચ્ચેનો ગેપ બગડતો જાય છે. માર્કેટ ઇકૉનૉમી સાથે ચાલવાની વાત તો બાજુએ રહી, તેની સાવ વિરુદ્ધ ચાલી રહ્યું છે. આનો અર્થ એ થઈ શકે કે  શૅરબજારના આ ઉછાળા ગંભીરપણે જોખમી ગણી શકાય. બૅન્કોની ગ્રોસ એનપીએ ઊંચી જઈ રહી છે, જેની અસર કૉર્પોરેટ સૅકટર પર હોય જ, જ્યારે કે માર્કેટ વધ્યા કરીને નવાઈ પમાડે તેવું વર્તન કર્યા કરે છે. રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ શૅરબજારની તેજી પ્રત્યે શંકા વ્યક્ત કરી છે અને તેને અર્થતંત્ર સાથે કોઈ સંબંધ નહીં હોવાનો મત દર્શાવ્યો છે. જોકે અત્યારે તો વિદેશી પ્રવાહિતા ભારતીય તેજીને ઈંધણ આપતી રહે છે. 

બજારે થાક ખાધો-લોકોએ નફો

બુધવારે બજાર જાણે નાની-મોટી વધઘટ બાદ થાક ખાતું હોય તેમ અંતમાં ફલેટ રહ્યું હતું. બજારની ચાલ જોતાં તે વધઘટના ચક્કરમાં ઘૂમી રહ્યું હોવાનું લાગતું હતું. રોજેરોજની વોલેટિલિટીને ધ્યાનમાં લેવામાં આવે તો બજાર ઘટ્યા બાદ પાછું વધી જાય છે, વધ્યા બાદ પાછું ઘટી જાય છે. અર્થાત પ્રોફિટ બુકિંગ થાય છે અને ખરીદી પણ થાય છે. બજાર એક મોટી આશામાં ચાલી રહ્યું છે કે યુએસ પૅકેજને પગલે  ભારતમાં રોકાણપ્રવાહ વધશે. આ આશાને પરિણામે ટ્રેન્ડ સતત બુલિશ રહે છે. માર્કેટ સતત નવી ઊંચાઈ સાથે આગળ વધે છે. એક તરફ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો દર નીચે આવ્યો છે. જ્યારે કે ડિસેમ્બરનો ઇન્ફલેશનનો દર પણ નીચે આવ્યો છે. વ્યાજદર આ સંજોગોમાં ઘટવાની શક્યતા દેખાતી નથી.

ગુરુવારનો આરંભ પણ ઠંડો થયો હતો. જોકે વધઘટ બાદ ગુરુવારે પણ બજાર સામાન્ય પ્લસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. હવે વધવું કે ઘટવું એવી મૂંઝવણમાં બજાર લાગતું હતું અને ખરીદવું કે વેચવું એવી મૂંઝવણમાં રોકાણકારો જણાતા હતા.

સપ્તાહનો અંત સુખાંત

વિતેલા સપ્તાહનો અંત નેગેટિવ થયો હોવા છતાં તે સુખદ અંત કહી શકાય, કારણ કે જેની લાંબા સમયથી જરૂર હતી એ ખરું કરેક્શન બજારે શુક્રવારે બતાવ્યું કહી શકાય. યુએસ માર્કેટમાં જૉબ સમસ્યા, યુરોપિયન માર્કેટમાં લૉકડાઉન, ભારતીય માર્કેટના ઊંચા વેલ્યુએશન, ચીનમાં પણ હજી મોટો વર્ગ લૉકડાઉન હેઠળ વગેરે કારણો બજાર માટે નેગેટિવ બન્યા હતા, જેને પરિણામે  સેન્સેક્સ ૫૪૯ પૉઇન્ટ તૂટીને ૪૯૦૦૦ નજીક પહોંચી ગયો અને નિફ્ટી ૧૬૨ પૉઇન્ટ ઘટીને ૧૪૪૦૦ નજીક પહોંચી ગયો હતો. આ કરેક્શન આવશ્યક હતું, જે દેર આયે દુરસ્ત આયે કહી શકાય. અલબત્ત નફો બુક થવાનું કારણ કામ કરી ગયું હતું, હવે માર્કેટ વર્તમાન સ્તરેથી વધુ ઊંચે જવાનું કઠિન લાગતા અને બજેટનો દિવસ નજીક આવતા સાવચેતીનો અભિગમ પણ કામ કરવા લાગ્યો છે. જોકે સેન્ટિમેન્ટ પૉઝિટિવ હોવાનું જણાયું હતું.  હવે પછી બજારની નજર બજેટ પર મંડાયેલી રહેશે.

સારા સમાચારનાં સંકેત

એક સારા સમાચારનાં સંકેત એ છે કે સરકાર હવે ઈએસઆઇસી (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન)ના કોર્પસ ફન્ડના ૧૫ ટકા રકમનું ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારે છે જે બજેટમાં જાહેર થવાનું શક્ય છે. જેમ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડનું રોકાણ આ સાધનોમાં કરવા દેવાય છે તેમ ઈએસઆઇસીના ફન્ડનું પણ કરવા દેવાશે એવી શક્યતા બજાર માટે તેજીના વધુ એક નક્કર નિર્દેશ સમાન કહી શકાય.

ભારતીય ઇકૉનૉમી માટે સારા અહેવાલ એ છે કે વિશ્વની ટોચની અને સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ ભારતમાં પોતાની સબસિડિયરી કંપની સ્થાપી છે. જેની શરૂઆત આરએન્ડડી યુનિટથી થશે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક કારનો ઉત્પાદન પ્લાન્ટ સ્થપાશે.

અગ્રણી આઇટી કંપનીઓની કામગીરી સહિત કૉર્પોરેટ પરિણામની સારી અસર બજાર પર જોવા મળતી હતી.

તાતા ગ્રુપની કંપનીઓ હાલના દિવસોમાં સતત સક્રિય હોવાનું અને તેમના ભાવમાં પૉઝિટિવ કરન્ટ જોવાયો છે. આ ગ્રુપની જુદી-જુદી કંપનીઓના શૅરમાં માત્ર એક મહિનામાં જ ૭થી ૪૭ ટકાની રેન્જમાં વળતર  છૂટયું છે. બિઝનેસ હાઉસ તરીકે તાતા ગ્રુપ હાલ ટૉપ પર છે.

આટલું યાદ રાખો

ઈમર્જિંગ માર્કેટમાં ભારતીય માર્કેટ હાલ સૌથી મોંઘું માર્કેટ બન્યું છે. મોટા ભાગના સ્ટૉક્સના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચી ગયા છે. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સ પણ વધી રહ્યા છે. વિકસિત માર્કેટમાં યુએસ સૌથી મોંઘું બની ગયું છે. આ બન્ને પડશે ત્યારે સાથે પડશે એમ જણાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 11:43 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK