Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મિશન બિઝનેસ : આવનારો સમય ૧૦૦ ટકા સારો છે

મિશન બિઝનેસ : આવનારો સમય ૧૦૦ ટકા સારો છે

01 March, 2019 04:31 PM IST |
જયેશ ચિતલિયા

મિશન બિઝનેસ : આવનારો સમય ૧૦૦ ટકા સારો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જૂની હિન્દી ફિલ્મના એક યાદગાર ગીતની પંક્તિમાં કંઈક આવું આવે છે જે પરમાત્માને કહેવાયું હોય છે : આશ-નિરાશ કે દો રંગો સે દુનિયા તૂને સજાયી હૈ, નૈયા સંગ તૂફાન બનાયા, મિલન કે સાથ જુદાઈ, જા દેખ લિયા હરજાઈ.

તમને થશે કે આટલું જૂનું ગીત અત્યારે યાદ કરવાનું શું કારણ? યસ, તમારો સવાલ વાજબી છે. આ ગીત યાદ કરવાનું કારણ એ છે કે વર્તમાનમાં આપણા દેશમાં પણ આશા અને નિરાશા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બહુબધું બગડી યા કથળી રહ્યું છે એવી નિરાશા વચ્ચે ઘણા સુધારા થયા છે અને હજી અનેક સુધારા થશે એવી આશા સેવાઈ રહી છે. આપણો દેશ હાલ એકસાથે અનેક સમસ્યાઓ-પડકારો વચ્ચે ઘેરાયેલો છે. એક તરફ જનરલ ઇલેક્શન, બીજી બાજુ આંતકવાદનું આક્રમણ અને યુદ્ધના કે પછી તનાવના સતત ભણકારા, રાજકારણમાં સતત ગરમાટા વચ્ચે આર્થિક સુધારા માટે સતત સંઘર્ષ, વૈશ્વિકસ્તરે અનિશ્ચિતતાના સંજોગો અને રાજકારણની અર્થતંત્ર પર સતત પડી રહેલી અસરો જેવા પડકારોને કેવી રીતે પાર કરશું? અર્થતંત્રના દિગ્ગજો આવનારા સમય પાસેથી કેવી આશાઓ સેવી રહ્યા છે એ સંદર્ભે તેમની સાથે થયેલી વાતચીત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.



ભારતનો યુવાવર્ગ ટેક્નૉલૉજીની શક્તિથી સંપત્તિવાન બનશે અને આપણું અર્થતંત્ર તેજ ગતિએ વધશે : આશિષ ચૌહાણ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર)


આગામી વરસોમાં આપણો દેશ ઊંચા આર્થિક વિકાસ સાથે સૌથી વધુ ઝડપ સાથે આગળ વધતો હશે એવું વિશ્વાસપૂર્વક કહી શકું છું. પરિવર્તનની તેજ ગતિ અને ટેક્નૉલૉજી ભારતને નવા શિખરે લઈ જશે. ‘મિડ-ડે’ આ વર્ષે ૨૪ પૂરા કરીને ૨૫મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ ૨૫નો ફિગર મને આગામી ૨૫ વર્ષમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચી જશે એનું સુંદર ચિત્ર બતાવે છે. ભારતમાં વર્તમાન સમયમાં સૌથી વધુ યુવા બળ છે. હાર્ડ વર્ક કરનાર વર્ગ છે. ટેક્નૉલૉજીથી સતત અપડેટ થઈ રહેલી આ યુવા વસ્તી ભારતને ચીનના ગ્રોથથી ઊંચા ગ્રોથ પર લઈ જશે. વીતેલાં ૧૦૦ વર્ષમાં જે ફેરફારો થયા નથી એ આગામી પચીસેક વર્ષમાં ભારત બતાવશે. નવી ટેક્નૉલૉજી સાથે નવી પેઢી અર્થાત્ યુવા પેઢી સૌથી વધુ સંપત્તિસર્જન કરશે એવો મને વિશ્વાસ છે.

એ ખરું કે ગ્લોબલ લેવલે અનિશ્ચિતતા રહેશે, ગ્રોથ પણ મંદ ગતિએ ચાલશે; જ્યારે ભારત એની વિપરીત અસર વચ્ચે પણ પ્રગતિ કરશે જેમાં એની ખરી શક્તિ યુવા પેઢી હશે. ચીન હવે વૃદ્ધોની મહત્તમ વસ્તીવાળો દેશ બની રહ્યો છે, જેથી એના વિકાસનો દર નીચો જઈ રહ્યો છે. એક સમયે મહત્તમ યુવા બળ સાથે જ્યાં ચીન હતું ત્યાં હવે આપણે આવી ગયા છીએ. અમેરિકા-ચીન વચ્ચેના વેપાર-તનાવની અસર વિશ્વ પર થશે, જેનાથી ભારત સાવ બાકાત નહીં રહી શકે. એમ છતાં ભારત વિશ્વ માટે આકર્ષક ડેસ્ટિનેશન છે અને રહેશે.


સરકાર માટે GST સૌથી મોટું રેવન્યુ સાધન બની જશે, કારણ કે GST એવું કરમાળખું છે જેમાં કરચોરી બહુ કઠિન છે અને વધુ કઠિન બનતી રહેશે. ટૅક્સની આ આવકથી સરકાર પોતાનું કરજ ઓછું કરી શકશે, ખર્ચમાં વધારો કરી શકશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ નાણાં ખર્ચી શકશે. ડીમૉનેટાઇઝેશનને કારણે પણ શરૂમાં તકલીફ થઈ હતી, પરંતુ હવે પછી લાંબા ગાળે આની અસરરૂપે ડિજિટલ વ્યવહારો વધતા જશે.

ભારત બેરોજગારીના મામલે અન્ય દેશોની તુલનાએ સારી સ્થિતિમાં છે. આપણા દેશમાં નોકરીના અભાવે કોઈ અશાંતિ કે તોફાન નથી જે દર્શાવે છે કે આ દર એવો વધુપડતો નથી. જોકે ભારતમાં હવેના સમયમાં સરકારી નોકરીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને બિનસંગઠિત ક્ષેત્રમાં રોજગારી અથવા સ્વરોજગાર વધી રહ્યા છે. દર વરસે ભારતમાં એક કરોડ લોકો જૉબ માટે બહાર આવે છે. એમાં હવે યુવા વર્ગ ઑન્ટ્રપ્રનરશિપ તરફ વળી રહ્યો છે. ઇન શૉર્ટ, આપણા દેશમાં સેલ્ફ-ક્રીએટેડ જૉબ વધી રહ્યા છે. IT, BPO, ઈ-કૉમર્સ સહિત સંખ્યાબંધ નવાં સેગમેન્ટ્સ વિકસી રહ્યાં છે. ભારતની યાત્રા એક ઉજ્જવળ ભાવિ તરફ જઈ રહી છે.

આશા છે કે સરકાર મહત્વની યોજનાઓને સફળ બનાવવા પ્રધાનો અને અમલદારોને વધુ જવાબદાર બનાવશે : પ્રદીપ શાહ (ઇન્ડ-એસિયા ફન્ડ ઍડ્વાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના ચૅરમૅન)

સામાજિક અને આર્થિક ક્ષેત્રે છેલ્લાં ૭૧ વરસમાં સૌથી વધુ અસર સર્જનાર કામ મોદી સરકારે આ ચાર વરસમાં કર્યું છે. આ ઉલ્લેખનીય કામોની યાદીમાં GST, ઇન્સૉલ્વન્સી ઍક્ટ, ઉજ્જવલા યોજના, જનધન અકાઉન્ટ્સ, આધાર, સબસિડીની ડાયરેક્ટ બૅન્કમાં ટ્રાન્સફર, મોદીકૅર-નૅશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ, સ્વચ્છ ભારત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ટૉઇલેટ, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ, શહેરી સુધારા, રોડ ડેવલપમેન્ટ, રેલવે આધુનિકીકરણ, ઍર કનેક્શન વગેરેનો સમાવેશ થઈ શકે. હજી સરકારે ઘણાં લક્ષ્યો પાર પાડવાનાં બાકી છે. હજી ગરીબી, ભૂખમરો, આરોગ્ય, સાક્ષરતા, પર્યાવરણનું રક્ષણ અને મહિલાઓ સામેના અન્યાય-ભેદભાવ વગેરે મુદ્દાઓ પર આપણી સરકારે ૨૦૦૦ની સાલમાં યુનાઇટેડ મિલેનિયમ ડેક્લેરેશનમાં સહી કરી હતી, જેમાં આ સમસ્યાઓને દૂર કરવાનું લક્ષ્ય છે.

ચોક્કસ રંજની બાબતો એ પણ છે કે હજી રાજકારણીઓ, સરકારી અમલદારો અને સંપત્તિવાન વર્ગ કાયદાથી ઉપર રહ્યા છે. આર્થિક અસમાનતા ઊંચી છે. વિકાસના નામે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. વડા પ્રધાને ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટનો કૉલ આપ્યો હોવા છતાં સરકારી યંત્રણા જ આ બાબતની ઉપેક્ષા કરી રહી છે. દેશ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે બહુ ઓછું બજેટ ફાળવે છે જે આપણને અન્ય દેશોની તુલનાએ પાછળ રાખે છે.

હજી પડકારો ઘણા છે, પરંતુ મોદી સરકારે ૨૦૧૪માં આવીને જે કામગીરી બજાવી છે એને ધ્યાનમાં લેતાં ૨૦૧૯ માટે પણ તેમના પર આશાની મીટ છે. સારી સરકાર દેશમાં ઘણું પ્રદાન કરી શકે છે. મોદી સરકાર આ પ્રથમ ટર્મના અનુભવમાંથી ઘણું શીખી હશે. ખાસ કરીને બધાં જ કામ માત્ર બ્યુરોક્રેટ્સ પર છોડી દેવાય નહીં, બલ્કે દરેક મિનિસ્ટરે એના પર સક્રિય નિગરાની રાખવી જોઈએ એવો સંદેશ આપીને મહત્વનું કાર્ય કર્યંન છે. મોદી સરકાર નવી ટર્મમાં ‘મિનિમમ ગવર્નમેન્ટ અને મૅક્સિમમ ગવર્નન્સ’, ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’, ‘ઈઝ ઑફ લિવિંગ’ના અમલને વધુ સફળ બનાવશે. પ્રધાનો અને અમલદારોને વધુ જવાબદાર બનાવશે. આશા છે કે વડા પ્રધાન એ સમજે છે. દેશની પ્રગતિના દુશ્મનો સરહદ કરતાં વધુ દેશની અંદર જ છે જે આળસુ, બિનકાર્યક્ષમ અને બેજવાબદાર અમલદારશાહીમાં છુપાયેલા છે.

રાષ્ટ્ર સામે સમસ્યાઓ ઘણી છે, પરંતુ ઉપાય પણ ઘણા છે : નીલેશ શાહ (કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર)

આપણો દેશ બદલાઈ રહ્યો છે, અહીં નવાં-નવાં ડેવલપમેન્ટ્સ આકાર પામી રહ્યાં છે; પરંતુ આપણી માનસિકતાનો બદલાવ એ ઝડપથી થઈ રહ્યો નથી. આપણે ત્યાં બિઝનેસ કરવાનું સરળ બની રહ્યું છે, પણ માઇન્ડ બદલાવાનું બાકી છે. GST અને ડીમૉનેટાઇઝેશન બાદ ટૅક્સ કમ્પ્લાયન્સ વધી રહ્યું છે, પણ લોકોની ટૅક્સ ટાળવાની કે કરચોરીની માનસિકતા બદલાવી જોઈએ. આપણું ફાઇનૅન્શિયલ સેવિંગ્સ વધ્યું છે જેથી સાહસિકોને વધુ ધિરાણ મળી શકે, પરંતુ આપણી સોનામાં રોકાણ કરવાની માનસિકતા કે આદતને બદલવાની જરૂર છે. આપણે વિશ્વમાં દૂધ અને હૉર્ટિકલ્ચરના ઉત્પાદનમાં સૌથી આગળ છીએ, પણ આપણા મધ્યસ્થીઓ ખેડૂતો અને ગ્રાહકોના લાભ પોતાની મલાઈની જેમ ખાઈ જાય છે.

તાજેતરની ઘટનાના સંદર્ભમાં વાત કરું તો આપણે દેશભરમાં આતંકવાદની સમસ્યામાંથી ઘણાખરા અંશે મુક્ત થયા છીએ, પરંતુ કાશ્મીરનો કોઈ ઉકેલ કરી શક્યા નથી. આપણે IT સર્વિસમાં ઘણી સિદ્ધિ મેળવી છે, જ્યારે ઉત્પાદનપ્રવૃત્તિમાં હજી પાછળ રહ્યા છીએ. આપણે પ્રવાહિતા પર અંકુશ રાખીને ફુગાવાને કાબૂમાં રાખી શક્યા છીએ. હવે વ્યાજદર ઘટાડીને પ્રવાહિતાને વેગ આપવો જોઈએ, જેને પગલે ગ્રોથને પ્રોત્સાહન આપી શકાય. આપણે ચીનથી બહુ આયાત કરી, હવે સ્વદેશી બનીને આપણા દેશને સર્પોટ કરવાની જરૂર છે. આપણે ભારતીયો દરેક વાતે દલીલો અને ચર્ચા બહુ કરીએ છીએ. આપણે ખરેખર તો એનો અમલ કરવાની તાતી જરૂર છે. આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પ્રદેશ વગેરે બાબતોથી વિભાજિત થયેલા છીએ. હવે આપણે ભારતને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા એક થવાનો સમય પાકી ગયો છે.

ભારતની નબળી બાજુ એ છે કે અહીં પડકારો-સમસ્યાઓ બહુ છે અને સબળી બાજુ એ છે કે આપણી બધી જ સમસ્યાઓના આપણી પાસે ઉપાયો પણ છે. આપણે આઝાદી બાદથી છેલ્લાં ૭૦ વરસમાં જપાન, ચીન, તાઇવાન, ઈન્ડોનેશિયા, થાઇલૅન્ડ, શ્રીલંકાથી ગ્રોથની બાબતમાં પાછળ રહી ગયા છીએ. આપણે ૧૯૭૧માં બંગલા દેશને ઊભું કરવામાં સહાય કરી. હવે આગામી અમુક વર્ષમાં બંગલા દેશ પણ આપણાથી આગળ નીકળી જશે. આપણને હવે માનસિકતાના પરિવર્તનની આવશ્યકતા છે. વિકાસને ઊંચે લઈ જવા આપણે એક થવાની જરૂર છે. એ માટે ટૅક્સ ભરવાની નીતિ, સાહસિકતાને બિરદાવવાની, સ્વદેશીને ટેકો આપવાની અને સાચા બિઝનેસ-મૉડલને અપનાવવાનો સમય છે.

૨૦૨૪ સુધીમાં ભારત પાંચ લાખ કરોડ ડૉલરની ઇકૉનૉમી બનવાની આશા : અમર અંબાણી (યસ સિક્યૉરિટીઝના પ્રેસિડન્ટ)

છેલ્લાં ચાર વરસમાં છ મોટાં કામને ધ્યાનમાં લઈએ અથવા એને સિદ્ધિ ગણીએ તો GSTનો અમલ, જનધન બૅન્ક અકાઉન્ટ યોજના, આધારનો અમલ, ડાયરેક્ટ ટ્રાન્સફર યોજના, માળખાકીય વિકાસનો ઝડપી અમલ અને ફુગાવાને ટાર્ગેટ મુજબ નીચે લાવવાના લક્ષ્યને કહી શકાય.

ડીમૉનેટાઇઝેશનના પગલાનો ઇરાદો સારો હતો, પરંતુ એના અમલમાં બહુ ક્ષતિઓ રહી હતી. આ પગલાને લીધે કાળાં નાણાંને ટાર્ગેટ કરવાનો આશય પૂર્ણપણે સફળ થયો નથી, પણ આંશિક સફળ કહી શકાય. આને લીધે ડિજિટલ વ્યવહારોને ઉત્તેજન મળવા લાગ્યું એ પણ ખરું. નોટબંધીની નેગેટિવ અસર કહું તો આ કદમથી ગ્રોથ મંદ પડી ગયો અને પ્રવાહિતા પર પણ બૂરી અસર થઈ. ધંધાપાણીની ગતિ કથળી-બગડી ગઈ. આ અસર હજી પણ સંપૂણપણે નાબૂદ થઈ નથી.

GSTના અમલમાં શરૂઆતમાં ઘણી તકલીફો પડી, પણ હવે લાગે છે કે એ સ્થિર થઈ રહ્યો છે. આની પૉઝિટિવ અસર હવે શરૂ થઈ છે. GSTના કલેક્શનમાં પણ હવે પછી વૃદ્ધિ થવાની આશા ચોક્કસ રાખી શકાય.

૨૦૧૪માં ચૂંટાઈ આવેલી બહુમતી સરકાર પાસેથી આશાઓ ઘણી હતી, પરંતુ ધરખમ ફેરફારો કાયમ પડકારરૂપ હોય છે. ખાસ કરીને રોજગાર સર્જનના મામલે નિરાશા જોવા મળી છે. વિવિધ રાજ્યોમાં ખેડૂતોની સમસ્યાઓ બહાર આવતી રહી છે. ઉત્પાદનપ્રવૃત્તિ પણ બહુ જોર પકડી શકી નથી. આગામી સમયમાં જે કોઈ સરકાર આવે એની પાસેથી બૅન્કોની બૅડ લોન્સની સમસ્યાના ઝડપી ઉકેલની આશા રહેશે. આ માટે ઇન્સૉલ્વન્સી ઍક્ટને વધુ મજબૂત બનાવવાની જરૂર રહેશે. ટૂરિઝમ જેવા બિઝનેસને વેગ આપવા પર ધ્યાન આપવું જોઈએ. પર્સનલ ઇન્કમ-ટૅક્સનો પાયો વિસ્તૃત બનવો જોઈએ.

૨૦૨૪ સુધીમાં ભારત પાંચ લાખ કરોડ ડૉલરની ઇકૉનૉમી બનવાની આશા છે, જેમાં મૂડીબજાર બેથી ત્રણગણું વધ્યું હશે. ચૂંટણીનાં પરિણામોની બહુ ચિંતા કરવા જેવી નથી. જ્યાં સુધી સ્થિર સરકાર હોય ત્યાં સુધી વાંધો નથી. આગામી સમયમાં ફાઇનૅન્શિયલ સાધનોમાં સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વધશે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે એટલે એની ગ્રોથસ્ટોરી સારી અને પૉઝિટિવ રહેવાની આશાઓ સહજ છે.

રિયલ એસ્ટેટ

ગયા સોમવારે જ સરકારે હાઉસિંગ સેક્ટર માટે GST બાબતે સારી રાહત આપી છે. એમાં બાંધકામ હેઠળનાં ઘરો પર GSTનો દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. જોકે પાંચ ટકા દર કરવાને લીધે બિલ્ડર્સને ઇનપુટ ક્રેડિટનો લાભ નહીં મળે. વધુમાં અફૉર્ડેબલ હાઉસિંગમાં GSTનો દર આઠ ટકાથી ઘટાડીને સીધો એક ટકો કરવામાં આવ્યો છે. આ સાથે અફૉર્ડેબલ હાઉસની વ્યાખ્યા પણ ઉદાર બનાવી છે. આની અસરરૂપે આ સેક્ટરને કંઈક અંશે ચોક્કસ વેગ મળશે એવી આશા રાખી શકાય.

રિયલ એસ્ટેટમાં છેલ્લા કેટલાક સમયથી મહદંશે મંદી જેવી સ્થિતિ ચાલી રહી છે. ખાસ કરીને નોટબંધી બાદ તો આ સેક્ટરની બૅન્ડ વાગી ગઈ. આ એક એવું સેક્ટર છે જેમાં મહત્તમ રોકડ કાળાં નાણાંના વ્યવહારો વરસોથી થતા રહ્યા હતા. બીજું, આ સેક્ટરમાં બેનામી ઇન્વેસ્ટમેન્ટ પણ મોટા પાયે થયા કરતું હોય છે. બેનામી ઍક્ટના અમલ બાદ દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જા‍ઈ ગઈ. આ બધા વચ્ચે આ સેક્ટરમાં શિસ્ત લાવવા અને ગેરરીતિ રોકવા સરકારે રેરા (RERA - રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ) લાગુ કર્યો. આ ચાર વરસમાં રિયલ એસ્ટેટ માર્કેટનું ચિત્ર એવું બદલાયું છે જેમાં સપ્લાય સ્ટૉક સતત વધતો રહ્યો અને બાયર્સ સતત ઘટતા રહ્યા. ઇન્વેસ્ટરો તો ગુમ થઈ ગયા, કેમ કે તેમની સામે બેનામી કાનૂન આવીને ઊભો રહી ગયો છે. અલબત્ત, ચાલાક લોકો છટકબારીઓ શોધી કાઢતા હોય છે, પરંતુ આ મામલે સ્કોપ ઓછો થઈ ગયો છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં શિસ્ત અને પારદર્શકતા વધી છે અને હજીયે વધશે : નિશાંત અગરવાલ (અવિઘ્ના ઇન્ડિયા લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર)

નોટબંધીની અને ઞ્લ્વ્ની અસર થોડો સમય જરૂર રહી, પરંતુ એ પછી કામકાજ વધુ પારદર્શક થવા લાગ્યાં છે. બેનામી ઍક્ટના ભયથી ઇન્વેસ્ટરો દૂર થઈ ગયા, પણ રેરા ઍક્ટના અમલ સાથે બિલ્ડર્સ-ગ્રાહક વર્ગમાં શિસ્ત અને પારદર્શકતા વધવાને કારણે નવેસરથી વિશ્વાસ વધવા લાગ્યો છે. આ બાબત બિલ્ડર્સ માટે શ્રેષ્ઠ બની રહી છે. જોકે આ સેક્ટરમાં ફેરફાર બહુ ઝડપથી થવા લાગ્યા, જેમાં ફ્ગ્જ્ઘ્ની સમસ્યા ઊભી થવાથી બિલ્ડર્સની ધિરાણ સાઇકલ અને પ્રોસેસને અસર થઈ છે. આ કંપનીઓ પાસેથી જે ધિરાણ મળતું હતું યા કમિટમેન્ટ્સ મળતાં હતાં એ સાવ ઘટી ગયાં. એમ છતાં જે કન્ઝર્વેટિવ બિલ્ડર્સ છે તેમને તકલીફ ઓછી પડી છે. અમે પોતે ફન્ડ માટે માર્કેટનાં નાણાં પર આધાર રાખ્યો નહીં એટલે ચાલ્યું. જોકે આ સમયમાં ઓવરઑલ ઇન્વેન્ટરી વધી ગઈ. રેડી પ્રોજેક્ટ બહુ ઓછા છે, જ્યારે અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ વધતા જાય છે.

ભાવ ઘટશે કે કેમ એ વિશે સતત સવાલો થતા રહે છે. કૉસ્ટ ઑફ કન્સ્ટ્રક્શનને ધ્યાનમાં રાખતાં ભાવ ઘટવાની શક્યતા ઓછી જણાય છે. સરકાર FSI વધારે આપે છે, પરંતુ એના ભાવ પણ ઊંચા હોય છે. સ્ટૅમ્પ-ડ્યુટી અને ગ્પ્ઘ્નું ઊંચું પ્રીમિયમ ભારે પડે છે. હવે સરકાર GST ઘટાડીને પાંચ ટકા કરવા માગે છે, જેનાથી બિલ્ડર્સને લાભ નહીં થાય પણ ગ્રાહકોને જરૂર ફાયદો થશે. હવે જ્યારે ચૂંટણી માથા પર છે ત્યારે આ સેક્ટરમાં થોડો સમય અનિશ્ચિતતા રહી શકે. બાકી પછીથી કોઈ પણ સરકાર હોય, ઘરની જરૂર તો બધાને જ રહેવાની એટલે રિયલ યુઝર્સની ડિમાન્ડ રહેશે. સારી બાબત એ છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કૉન્સોલિડેશન થઈ રહ્યું છે. જોકે નાના-સારા બિલ્ડર્સ માટે પણ આ ક્ષેત્રમાં સ્કોપ રહેશે જ.

રેરાના અમલ સાથે બિલ્ડર્સ-ડેવલપર્સ વર્ગ પર જબરદસ્ત અંકુશો આવી ગયા છે. પરિણામે બિલ્ડર્સમાં શિસ્ત વધી રહી છે. બૅન્કોની બૅડ લોન્સની સમસ્યાએ બિલ્ડર્સવર્ગ પર પણ અસર કરી છે, જેને કારણે આ વર્ગની હાલત વધુ કફોડી થઈ ગઈ છે.

ગ્રાહકોનો વિશ્વાસ તૂટી જતાં હવે મોટા ભાગના લોકો અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટીઝમાં બુકિંગ માટે ભાગ્યે જ તૈયાર થાય છે. હા, પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય બિલ્ડર હોય તો વાત જુદી છે. બિલ્ડર્સ પણ ગ્રાહકોને આકર્ષવા સતત નવી-નવી સ્કીમની ઑફર લાવી રહ્યા છે. આ સેક્ટરમાં સૌથી મોટો ફેરફાર એ જોવામાં આવ્યો છે કે કૉર્પોરેટ બિલ્ડર્સનું ચલણ વધી રહ્યું છે. ઘણી બ્રૅન્ડેડ કંપનીઓ આ સેક્ટરમાં પ્રવેશી છે અને જમાવટ પણ કરી રહી છે.

જોકે આ વરસે બજેટમાં સરકારે બિલ્ડર્સને રાહત થાય એવાં ચોક્કસ કદમ ભર્યા છે. એમાં એક ઘર વેચીને એ રકમમાંથી બે ઘર ખરીદનારને કૅપિટલ ગેઇન ટૅક્સમાં રાહત અપાઈ છે. આજની તારીખમાં હોમલોન પણ અગાઉનાં વરસોની સરખામણીએ ઘણી સસ્તી થઈ છે. ટૂંક સમયમાં હજી વ્યાજદરનો ઘટાડો આવવાની શકયતા છે.

ફાઇનૅન્શિયલ સાધનોમાં રોકાણનું ચલણ વધી રહ્યું છે અને હજી વધશે : ગૌરવ મશરૂવાળા (ફાઇનૅન્શિયલ પ્લાનર )

હવેના સમયમાં બચત અને રોકાણ એકલાનું મહત્વ રહ્યું નથી. એ સમય ગયો. હવે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ સાથે જ આ બન્ને કામ થવાં જોઈએ. તમે સરકારના બજેટની ચિંતા ન કરો, તમે તમારું-પરિવારનું બજેટ તૈયાર કરો અને એ મુજબ પ્લાન કરો.

આ પણ વાંચો : શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 212 અંકોની તેજી

તમારા માટે GST એટલે યૉર ગોલ સેટિંગ ટાર્ગેટ. કહેવાય છે કે મેકિંગ ઑફ મની ઇઝ વન થિંગ, બટ મૅનેજિંગ ઑફ મની ઇઝ અધર થિંગ, જે મુશ્કેલ પણ છે અને એના માટે યોગ્ય માર્ગદર્શન આવશ્યક હોય છે. મોંઘવારીને અને વર્તમાન લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખતાં સરકારી અને પરંપરાગત બચતસાધનોમાં રોકાણ કરવામાં ખાસ વળતર મળતું નથી, જે મોંઘવારીના દરને પહોંચી વળી શકે. તેથી હવે ફાઇનૅન્શિયલ સાધનોમાં રોકાણનું ચલણ વધી રહ્યું છે. એમાં શૅર, બૉન્ડ્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સની સ્કીમ જેવાં સાધનોનો સમાવેશ થાય છે. આ રોકાણ કરતાં પહેલાં પણ હેલ્થ અને સંભવિત જોખમો સામે મેડિકલ ઇન્શ્યૉરન્સ, જીવન વીમા જેવા પ્લાન પર્યાપ્ત માત્રામાં કરવા પડે. બચત અને રોકાણની દુનિયા અને એની તરાહ બદલાઈ રહી છે. નવાં સાહસો - નવાં સાધનો આવી રહ્યાં છે. આ વિષયમાં સતત અવેરનેસ અને શિક્ષણ જરૂરી બનતાં જાય છે. વિજ્ઞાનના વિકાસ સાથે માણસનું આયુષ્ય વધ્યું હોવાથી નિવૃત્તિ બાદ મોટા ભાગે લોકો બીજાં ૨૦થી ૨૫ વરસ જીવે છે, જેથી લાંબા ગાળાનું નિવૃત્તિ આયોજન પણ મોટું ફન્ડ માગી લે છે. આર્થિક સ્વનર્ભિરતા સૌથી મહત્વની બની ગઈ છે. વિભાજિત થતા પરિવારના માહોલે આનું મહત્વ ઑર વધારી દીધું છે. મહિલાઓમાં પણ આર્થિક સ્વતંત્રતા અને સ્વનિર્ભરતાનું પ્રમાણ વધી રહ્યું છે જે સારી બાબત છે. તમારી મહેનતનાં નાણાં કોઈ છેતરીને લઈ ન જાય અને ફસાવી ન દે એ માટે જાગ્રત રહેવું જોઈશે.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2019 04:31 PM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK