Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રેડિટ પૉલિસી: 0.35 ટકાના ઘટાડા પછી રેપો-રેટ નવ વર્ષમાં સૌથી નીચો થયો

ક્રેડિટ પૉલિસી: 0.35 ટકાના ઘટાડા પછી રેપો-રેટ નવ વર્ષમાં સૌથી નીચો થયો

08 August, 2019 02:05 PM IST | મુંબઈ

ક્રેડિટ પૉલિસી: 0.35 ટકાના ઘટાડા પછી રેપો-રેટ નવ વર્ષમાં સૌથી નીચો થયો

આરબીઆઈ

આરબીઆઈ


ઘટી રહેલી ગ્રાહકોની માગણી અને ખાનગી મૂડીરોકાણના કારણે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે અને પાંચ મહિનામાં સતત બીજી વખત પોતાના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો કરતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે રેપો-રેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. આ ઘટાડા સાથે છેલ્લી ચાર બેઠકમાં આ ચોથો ઘટાડો છે અને હવે કુલ ૧.૧૦ ટકાના ઘટાડા સાથે રિઝર્વ બૅન્કનો રેપો-રેટ નવ વર્ષમાં સૌથી નીચો પહોંચી ગયો છે.

આ ઉપરાંત, મૉનિટરી પૉલિસી કમિટી કે જેની રચના ફુગાવો અંકુશમાં રાખે એવી ધિરાણનીતિ ઘડવાની છે, પરંતુ રિઝર્વ બૅન્કે ઘટી રહેલા આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ આજે જણાવ્યું હતું કે ‘ફુગાવો નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ સાથે દેશના આર્થિક વિકાસ અંગેની ચિંતાઓ, ખાસ કરીને માગ વધે અને મૂડીરોકાણ પણ વધે, દૂર કરવી હવે સર્વોચ્ચ સ્થાને છે.’ એટલે કે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ આર્થિક વિકાસને વેગવંતો બનાવવા માટે, જરૂર પડે ત્યારે વ્યાજનો દર વધારે ઘટે અને સિસ્ટમમાં નાણાપ્રવાહિતા વધારે રહે એ માટે કાર્યરત રહેશે.



જોકે રિઝર્વ બૅન્કે સતત બીજી બેઠકમાં આર્થિક વિકાસનો પોતાનો અંદાજ ઘટાડ્યો હતો. એપ્રિલમાં બૅન્કે વર્ષ ૨૦૧૯-’૨૦માં અર્થતંત્ર ૭.૨૦ ટકાના દરે વધશે એવી આગાહી કરી હતી જે જૂનમાં ઘટાડી ૭ ટકા અને આજે વધારે ઘટાડી ૬.૯૦ ટકા કરી હતી. જોકે વિશ્લેષકો માને છે કે ભારતનો વિકાસદર આનાથી પણ ઓછો ૬.૫૦થી ૬.૮૦ ટકા વચ્ચે રહેશે. ખુદ ગવર્નર શક્તિકાન્ત દાસે પત્રકારોને જણાવ્યું હતું કે જીડીપીના અંદાજો સામે હજી પણ ઘટાડાનું જોખમ રહેલું છે.


બૅન્કો જ્યારે નૉન-પર્ફોર્મિંગ ઍસેટની સમસ્યાથી ઝઝૂમી રહી હતી ત્યારે દેશમાં ધિરાણની જવાબદારી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ ઉઠાવી હતી. જોકે, આઇએલઍન્ડએફએસ, દીવાન હાઉસિંગ, ઝી ગ્રુપ, અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની દેવાની સમસ્યાથી અત્યારે આ ફાઇનૅન્સ કંપનીઓ પોતે તીવ્ર નાણાભીડ અનુભવી રહી છે. રિઝર્વ બૅન્કે આ કંપનીઓની ભંડોળની સમસ્યા હળવી બને એ માટે બૅન્કો દ્વારા અપાતું ધિરાણ ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા કર્યું છે એટલે કે બૅન્કો પોતાની પ્રાથમિક મૂડીના ૨૦ ટકા જેટલી રકમ કોઈ એક ચોક્કસ એનબીએફસીને આપી શકશે.

આ ઉપરાંત, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ જો પોતે કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણ માટે ૧૦ લાખ રૂપિયા સુધી, નાના અને મધ્યમ કદના એકમો માટે ૨૦ લાખ રૂપિયા સુધી અને ગૃહ ધિરાણ માટે ૨૦ લાખ રૂપિયા સુધીનું જો ધિરાણ બન્ક પાસેથી મેળવેલા ભંડોળમાંથી કરશે તો એ ધિરાણ બૅન્કોના પ્રાથમિક ક્ષેત્રના ધિરાણમાં ગણવામાં આવશે એવો ફેરફાર કર્યો છે.


આ પણ વાંચો : વ્યાજદર ઘટી રહ્યા હોવાથી સોનામાં વણથંભી તેજી

ડિસેમ્બરથી ૨૪ કલાક નેફ્ટ સુવિધા

ઑનલાઇન નાણાં ટ્રાન્સફર માટેની નેફ્ટ (નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર)ની સુવિધા અત્યારે રજા સિવાયના દિવસે સવારે આઠથી રાત્રે સાત સુધી ચાલે છે. હવે એના સ્થાને ડિસેમ્બર મહિનાથી એ ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 02:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK