Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કે સળંગ ચોથી વાર વ્યાજના દર ઘટાડ્યા

રિઝર્વ બૅન્કે સળંગ ચોથી વાર વ્યાજના દર ઘટાડ્યા

12 August, 2019 12:30 PM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

રિઝર્વ બૅન્કે સળંગ ચોથી વાર વ્યાજના દર ઘટાડ્યા

ડૉ. શક્તિકાંત દાસ

ડૉ. શક્તિકાંત દાસ


ગયે અઠવાડિયે રિઝર્વ બૅન્કે કરેલી મૉનિટરી પૉલિસીની જાહેરાતમાં વ્યાજના દર (પૉલિસી રેટસ)માં ૩૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. પૉલિસીના નોંધ લેવા પડે એવા કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે :

૧. આ ઘટાડો સળંગ ચોથી વારનો છે.



૨. મૉનિટરી પૉલિસી કમિટીના છએ છ સભ્યો ઘટાડાની તરફેણમાં છે - ચાર સભ્યો ૩૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડાની તરફેણમાં અને બે સભ્યો ૨૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડાની તરફેણમાં.


૩. છેલ્લા આઠ મહિનાના ૧૧૦ પૉઇન્ટના ઘટાડા સાથે આમ રેપો રેટ ઘટીને ૫.૪૦ ટકા થયો છે જે નવ વરસનો સૌથી નીચો છે.

૪. અત્યાર સુધી સામાન્ય રીતે વ્યાજના દરના ફેરફાર ૨૫ બેઝિસ પૉઇન્ટના ગુણાંક (૨૫ કે ૫૦)માં કરાતા હતા તે પ્રણાલીને રિઝર્વ બૅન્કે તિલાંજલિ આપી છે.


૫. તાજેતરના સમયનો આ સૌથી બીજો મોટો રેટ કટ છે. આ પહેલાં રિઝર્વ બૅન્કે બે વખત વ્યાજના દરમાં ૫૦ બેઝિસ પૉઇન્ટનોસૌથી મોટો ઘટાડો જાહેર કર્યો છે એપ્રિલ ૨૦૧૨માં અને સપ્ટેમ્બર ૨૦૧૫માં. 

૬. ૨૦૧૯-૨૦ના આર્થિક વિકાસના દરનો અંદાજ ૭.૦ ટકામાંથી ઘટાડીને ૬.૯ ટકાનો કરાયો છે અને ભાવવધારા (સીપીઆઈ)નો જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરનો દર ૩.૧ ટકાનો.

૭. રિટેલ કન્ઝ્યુમર લોન માટેનું રિસ્ક વેઈટેજ ૧૨૫ ટકામાંથી ઘટાડીને ૧૦૦ ટકાનું કર્યું છે. પરિણામે લોન માટેના પ્રૉવિઝનની જરૂરિયાત ઘટશે અને બૅન્કો વધુ લોનો અને તે પણ ઓછા દરે આપી શકશે. આને કારણે આવી લોનો આપવાનો બૅન્કોનો અણગમો ઘટશે અને પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓનો વપરાશ વધશે.

૮. કમિટીના બધા સભ્યો પૉલિસીનો સમજૂતીભર્યો (એકોમોડેટિવ) અભિગમ જાળવી રાખવાની તરફેણમાં છે.

ડૉ. શક્તિકાંત દાસે એપ્રિલ મહિનામાં વિશ્વ બૅન્ક અને આઈએમએફની વાર્ષિક બેઠકને સંબોધતા એવો વિચાર પ્રસ્તુત કરેલો કે કેન્દ્રવર્તી બૅન્ક દ્વારા ૨૫ બેઝિસ પૉઇન્ટના ગુણાંકમાં જ પૉલિસી રેટમાં કરાતા વધઘટના શિરસ્તામાં ફેરફાર કરવાનો સમય આવી પહોંચ્યો છે. પૉલિસી રેટમાં ૩૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કરીને પોતે કરેલા સૂચનના અમલની તેમણે શરૂઆત કરી છે.

ડૉ. દાસના કથન મુજબ મૉનિટરી પૉલિસી કમિટીના મતે ૨૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જરૂર કરતાં ઓછો પુરવાર થાત તે છેલ્લા છ મહિનામાં પૉલિસી રેટમાં કરાયેલ ૭૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડા અને લિક્વિડિટી વધારવાના લેવાયેલ અન્ય પગલાઓ પછી ૫૦ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જરૂર કરતાં વધુ સાબિત થાત તેને બદલે ૩૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો માપસરનો અને વિશ્વના અર્થતંત્રની વધતી જતી અનિશ્ચિતતાઓના હાલના સંદર્ભમાં યોગ્ય પુરવાર થઈ શકે.

ભાવવધારો અંકુશમાં હોય અને વપરાશ ખર્ચ અને મૂડીરોકાણનો વધારો ધીમો પડતો જતો હોય તે સ્થિતિ ભવિષ્યમાં આર્થિક વિકાસના દરના ઘટાડાનો નિર્દેશ કરે છે. આ સંદર્ભમાં મૉનિટરી પૉલિસીનું ફૉકસ ભાવવધારાના ઘટાડા તરફથી અર્થતંત્રમાં કુલ માગ વધારવા અને તે દ્વારા આર્થિક વિકાસનો દર વધારવા તરફ બદલાયું છે. પ્રણાલિકાગત રીતે આ ફૉકસ ભાવવધારા અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલન જાળવવાનું રહ્યું છે.

હવે આ ફૉકસ નેગેટિવ આઉટપુટ ગેપ ઘટાડવા તરફી છે. નેગેટિવ આઉટપુટ ગેપ એટલે વાસ્તવિક આઉટપુટ (જીડીપી)ના વધારાનો દર લાંબા ગાળાની જીડીપીનો વાર્ષિક દર વધારવાની અર્થતંત્રની ક્ષમતા કરતાં ઓછો હોય તે પરિસ્થિતિ. જેમાં પૉલિસી રેટમાં કરાતો ઘટાડો બૅન્કો દ્વારા રોકાણકારો સુધી પહોંચે તો જીડીપીનો દર વધી શકે.

પૉલિસી રેટમાં ૨૫ બેઝિસ પૉઇન્ટના ગુણાંકમાં જ વધઘટ કરવાની પ્રણાલીને બાય બાય કરીને અને બૅન્કનો એકોમોડેટીવ અભિગમ જાળવી રાખીને ડૉ. દાસે ભવિષ્યમાં પૉલિસી રેટ કટની મજબૂત સંભાવનાનો નિર્દેશ કર્યો છે. બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (રોકડ નાણાં)ની છત હોય (વિપુલ પ્રમાણમાં હોય) એ સંજોગોમાં બૅન્કે લીધેલ આવાં પગલાં કે તેના આ સ્ટેન્ડને કારણે માર્કેટમાં કૉલ મની રેટ (વેઈટેડ એવરેજ) પૉલિસી રેટ કરતાં પણ નીચો ગયો છે. આદર્શ રીતે આ બન્ને રેટ એકસરખા હોવા જોઈએ.

વિશ્વ વેપાર અને ચલણ બજારની વધતી જતી અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક - રાજકીય પરિસ્થિતિના વધતા જતા તણાવના સમયે રિઝર્વ બૅન્કે જે અભિગમ દાખવ્યો છે તેનાથી એક વાતની ખાતરી થાય છે કે પૉલિસી રેટનો વધારો નજીકના ભવિષ્ય માટે ચોક્કસપણે ભૂતકાળની બાબત બની જશે.

ગ્રામ્ય વિસ્તારોમાં ટુ-વ્હિલર અને ટ્રેક્ટરના અને શહેરી વિસ્તારોમાં કારનાં વેચાણમાં છેલ્લા કેટલાયે મહિનાઓથી અભૂતપૂર્વ ઘટાડો થયો છે. માગના અને મૂડીરોકાણના દરના ઘટાડાને કારણે ઉદ્ભવતો આર્થિક વિકાસનો હાલનો આ ઘટાડો સાઇક્લીકલ (ચક્રિય - અમુક વરસના આર્થિક વિકાસના વધારા પછી અમુક વરસ માટે આર્થિક વિકાસના દરનો ઘટાડો કે તેનાથી વિપરીત સ્થિતિ) હોવાનું અને માળખાકીય નહીં હોવાનું નિવેદન ડૉ. દાસે કર્યું છે. લાર્સન અૅન્ડ ટૉબરોના અધ્યક્ષ એ. એમ. નાયક, અગ્રગણ્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજ અને અગ્રગણ્ય બૅન્કર દીપક પારેખના અર્થતંત્રના સ્લોડાઉન અંગેના તાજેતરના નિવેદનોના સંદર્ભમાં ડૉ. દાસનું નિવેદન સૂચક બની રહે છે.

હાલનું સ્લોડાઉન સાઇક્લીકલ જણાય છે. છતાં ઘરેલુ બચતમાં થઈ રહેલ સતત ઘટાડો અને પ્રાથમિક ચીજવસ્તુઓની માગનો ઘટાડો હાલના સ્લોડાઉન માટે અર્થતંત્રમાં થઈ રહેલ માળખાકીય ફેરફારો પણ કારણભૂત હોવાનું સૂચવે છે. એટલે ચોક્કસ પ્રકારના માળખાકીય સુધારાઓ માટે જરૂર અવકાશ છે એવો ડૉ. દાસનો નિર્દેશ પણ પ્રસ્તુત છે. તેમનું આ નિવેદન નાણામંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાવા જોઈતાં પગલાઓ તરફ અંગૂલિનિર્દેશ કરે છે. અગ્રગણ્ય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ઑટો સેક્ટર પરનો જીએસટી અને સેસ ઘટાડીને આ સેક્ટરને જીવંત બનાવવાનું સૂચન કર્યું છે.

સવાલ એ છે કે રિઝર્વ બૅન્કનો આ બુસ્ટર ડૉઝ વત્તા સિંગલ એનબીએફસીને અપાતા ધિરાણના ધોરણો (નોર્મ્સ)ની છૂટછાટ અર્થતંત્રને દોડતું કરી શકશે કે કેમ? આમ થવાની શક્યતા ઓછી છે સિવાય કે સરકાર દ્વારા રિઝર્વ બૅન્કના પગલાને પૂરક બને એવાં પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવે.

અભૂતપૂર્વ કૂનેહ અને પૉલિટિકલ વીલ દાખવીને કાશ્મીરનું સાત દાયકાથી ગૂંચવાયેલું કોકડું ઉકેલવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી વડા પ્રધાન તેમની ૨.૦ ટર્મમાં ઘસડાઈ રહેલ અર્થતંત્રને દિશા આપવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરશે એવી આશા અસ્થાને નથી. વિશ્વની કે દેશની આર્થિક પરિસ્થિતિ કપરી છે અને એ કપરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકે એવા વડા પ્રધાન આજે દેશ પાસે છે. એમની સરકાર દ્વારા લેવાતાં પગલાઓનાં પરિણામ થોડા પ્લસ-માઈનસ હોઈ શકે પણ આ પગલાઓ પાછળના ઉદ્દેશો અસંદિગ્ધ છે અને એ વિષે લેશમાત્ર શંકાને અવકાશ નથી. કાશ્મીરમાં આતંકવાદ ઘટવાની સંભાવના વચ્ચે ત્યાં પણ મૂડીરોકાણ અને આર્થિક વિકાસ વધે એ માટે નજીકના ભવિષ્યમાં ઈન્વેસ્ટમેન્ટ સમીટનું આયોજન સરકાર વિચારી રહી છે. રિઝર્વ બૅન્કે આર્થિક વિકાસને વેગ આપવા માટે હાથ લંબાવ્યા પછી સરકારે પણ મદદનો હાથ લંબાવવા આગળ આવવું પડશે.

મૉનિટરી પૉલિસી કમિટીના સ્ટેટમેન્ટ પ્રમાણે લિક્વિડિટી (રોકડ નાણાં) નો અભાવ અર્થતંત્રના વિકાસમાં બધા પાસે નથી. બૅન્કો પાસે વણવપરાયેલ પડેલ બે લાખ કરોડ રૂપિયા જેવી મોટી રકમ રિઝર્વ બૅન્કે વ્યાજે લેવી પડી છે.

પૉલિસી રેટમાં ફેબ્રુઆરીથી જૂન વચ્ચે કરાયેલ ૭૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડા સામે બૅન્કોએ તેમના ધિરાણદરમાં માત્ર ૨૯ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. તેની સામે મની માર્કેટના એવરેજ વેઈટેડ વ્યાજના દરમાં ૭૮ પૉઇન્ટનો અને ૧૦ વરસના સરકારી બૉન્ડના વળતરમાં ૧૦૨ બેઝિસ પૉઇન્ટ જેટલો મોટો ઘટાડો થયો છે. જોકે પૉલિસીની જાહેરાતના ગણતરીના કલાકોમાં દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઇએ ધિરાણના દરમાં ૧૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. તેમ છતાં કન્ઝયુમર લોન પરના વધી રહેલ તણાવને કારણે આ લોનો સસ્તી થાય કે બૅન્કરો આવું ધિરાણ વધારવા તૈયાર થાય એવી શક્યતા ઓછી છે.
સમસ્યા છે બૅન્કો પાસેની એનપીએના મોટા ઢગલાની અને બૅન્કો દ્વારા લેવાતા ધિરાણના નિર્ણયો પરના સરકારના અવિશ્વાસની. એનબીએફસીના ધિરાણના ધોરણોની રિઝર્વ બૅન્ક દ્વારા કરાયેલ છૂટછાટ આવકાર્ય છે, પણ તે સક્રિય દેવાં બજારનો વિકલ્પ ન બની શકે.

રિઝર્વ બૅન્ક, સેબી અને સરકારેસાથે મળીને દેવાં બજાર (ડેટ માર્કેટ)ને સક્રિય અને ધબકતું બનાવવું પડશે જે માળખાકીય સવલતોના ઝડપી વિકાસ માટે મૂડીરોકાણકારોને મધ્યમ અને લાંબા ગાળાની લોનો પૂરી પાડી શકે.

આ પણ વાંચો : ટોચની સાત કંપનીઓના માર્કેટશેરમાં 88 કરોડની વૃદ્ધી

રાજ્યસભાના ચાલુ સત્રમાં નંબરના અભાવ છતાં તત્કાલ ટ્રિપલ તલાકની પ્રથાને બાય બાય કરતા, આરટીઆઈના કાયદામાં સુધારા કરતા અને કુલ મળીને જે ૩૧ બિલો પસાર કરાયાં તેના શિરમોર જેવા બંધારણની ૩૭૦મી અને ૩૫-એ કલમ નાબૂદ કરતા અને જમ્મુ-કાશ્મીર રાજ્યનું બે યુનિયન ટેરિટરીમાં (જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા સાથેની અને લદ્દાખની વિધાનસભા સિવાયની) વિભાજન કરતાં બિલો પસાર કરાવીને સરકારે તેની તાકાતનો પરિચય કરાવ્યો છે જેને કારણે સરકારની ચોમેરથી અને કેટલાક વિરોધ પક્ષો તરફથી પણ પ્રશંસા કરાઈ છે. આ સદ્ભાવના (ગૂડવિલ)ના માહોલમાં સરકાર પાસેથી આતંકવાદીઓ પરની સર્જિકલ સ્ટ્રાઇક જેવી અર્થતંત્રની ત્રુટિઓ દૂર કરી શકે તેવી બીજી એક સર્જિકલ સ્ટ્રાઇકની અપેક્ષા રાખવી વધુ પડતી ન ગણાય.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 12:30 PM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK