Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં નબળા જૉબ ડેટાથી સોનાને તેજી માટે વધુ એક કારણ મળ્યું

અમેરિકામાં નબળા જૉબ ડેટાથી સોનાને તેજી માટે વધુ એક કારણ મળ્યું

08 June, 2019 01:07 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

અમેરિકામાં નબળા જૉબ ડેટાથી સોનાને તેજી માટે વધુ એક કારણ મળ્યું

ગોલ્ડ

ગોલ્ડ


અપેક્ષા કરતાં નબળા રોજગારીના આંકડા પછી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. હાજર સોનું એક તબક્કે ૧૩૩૫ ડૉલર હતું જે વધીને ૧૩૪૪.૯૦ ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગયું છે. આ ભાવ ગુરુવારના ભાવ કરતાં ૮.૮૦ ડૉલર કે ૦.૬૮ ટકાનો વધારો સૂચવે છે. કૉમેક્સ ઉપર ઑગસ્ટ વાયદો ૩.૧૦ ડૉલર વધી ૧૩૪૫.૭૦ ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે જુલાઈ ચાંદી ૧૪.૯૮ ડૉલર પ્રતિ ઔંસ છે.

ઊંચા મથાળે સોનાની બજારમાં થોડો નફો બાંધવાની વૃત્તિ જોવા મળી શકે છે, પણ ધારણા કરતાં નબળા બેરોજગારીના આંકડા અને નબળો ડૉલર બજારને સતત ટેકો આપતા રહેશે. બજારમાં ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજનો દર ઘટાડશે એવી આશા છે જે સોના અને ચાંદીની બજારમાં દરેક ઘટાડે નવી ખરીદીને પ્રોત્સાહન આપે અને બજાર વધુ ઘટતું અટકાવે. ટેક્નિલ ચાર્ટ પર ૧૩૪૯.૮૦ સૌથી મોટું સ્તર છે જ્યાં બજારમાં થોડો નફો બાંધવાની વૃત્તિ જોવા મળે છે. જો આ સ્તર પાર થાય તો ૧૩૬૧ ડૉલર સુધી સોનું જઈ શકે છે. ઘટાડે સોના માટે ૧૩૩૪.૩૦નો ટેકો છે અને એ ઘટે તો બજાર ૧૩૩૦થી ૧૩૨૫ ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે છે.



નવી રોજગારીમાં ઉમેરો ધારણા કરતાં ઓછો


અમેરિકામાં નવી રોજગારીમાં ઉમેરો ધારણા કરતાં ઘણો ઓછો આવ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર નવી રોજગારીનો ઉમેરો માત્ર ૭૫,૦૦૦ રહ્યો છે જે ૧,૮૫,૦૦૦ની ધારણા કરતાં ઘણો ઓછો છે. અમેરિકામાં બેરોજગારીનો દર ૩.૬ ટકા ઉપર સ્થિર રહ્યો છે જે ૧૯૬૯ પછી સૌથી ઓછો છે. રોજગારીમાં ઉમેરો ઓછો આવ્યો છે એ અમેરિકન અર્થતંત્રની નબળાઈ દર્શાવે છે. બજારમાં એવી અપેક્ષા છે કે અર્થવ્યવસ્થા મંદ પડશે, ફેડરલ રિઝર્વ વ્યાજના દર ઘટાડશે. જો વ્યાજદર ઘટે તો ડૉલર નબળો પડે અને સોનામાં આવેલી તેજી ચાલુ રહે.

માગ ઘટતાં ભારતમાં સોનું ડિસ્કાઉન્ટમાં


એક સપ્તાહમાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આવેલા ઉછાળા પછી, ભારતમાં ઊંચા ભાવે માગ ઘટતાં સોનાના સ્થાનિક ભાવ વેશ્વિક ભાવ કરતાં ડિસ્કાઉન્ટમાં આવી ગયા છે. બીજી તરફ એશિયાનાં અન્ય બજારોમાં પ્રીમિયમ ઘટી ગયું છે. આ સપ્તાહ દરમ્યાન સોનાના ભાવ ભારતમાં ૧૦૦૦ રૂપિયા જેટલા પ્રતિ ગ્રામ વધી ગયા છે. વાયદા બજારમાં સોનાનો ભાવ ૩૨,૮૩૪ રૂપિયાની બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ઊંચા ભાવે ગ્રાહકોની ખરીદી મંદ પડી જાય છે.

ગયા સપ્તાહમાં ભારતમાં સોનાના સ્થાનિક ભાવ ૫૦ સેન્ટ પ્રીમિયમમાં ચાલી રહ્યા હતા, જ્યારે આ સપ્તાહે ભાવ ૫૦ સેન્ટ ડિસ્કાઉન્ટમાં છે. ભારતમાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ પર ૧૦ ટકા આયાત ટૅક્સ અને ત્રણ ટકા વેચાણવેરા સહિત ગણવામાં આવે છે. મે મહિનામાં ભારતમાં સોનાની કુલ આયાત ૪૯ ટકા વધીને ૧૧૬ ટન જેટલી થઈ છે. ગયા મહિને થયેલી ભારે ખરીદી અને સ્ટૉકિસ્ટના હાથ પર પૂરતો માલ હોવાથી આયાતકાર પ્રીમિયમ ઘટાડીને ડિસ્કાઉન્ટમાં માલ વેચવા મજબૂર બન્યા છે.

ચીનમાં અત્યારે ઔંસદીઠ ૭થી ૧૦ ડૉલરનું પ્રીમિયમ ચાલી રહ્યું છે જે ગયા સપ્તાહમાં ૧૪થી ૧૮ ડૉલર હતું. સિંગાપોરમાં પ્રીમિયમ ગયા સપ્તાહના ૮૦ સેન્ટ સામે ઘટીને ૫૦ સેન્ટ અને હૉન્ગકૉન્ગમાં ૬૦ સેન્ટથી ઘટીને ૪૦ સેન્ટ ચાલી રહ્યું છે.

ભારતીય બજારમાં એમસીએક્સ પર ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨૭૨૧ ખૂલી, ઉપરમાં ૩૨૮૮૩ અને નીચામાં ૩૨૬૭૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫ રૂપિયા વધીને ૩૨૮૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૦ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૨૫૯૭૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૨૬૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૯ રૂપિયા વધીને બંધમાં ૩૨૭૫૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

દરમ્યાન, મુંબઈ હાજર બજારમાં સોનું ૯૯૯ ૧૧ રૂપિયા વધી ૩૨,૭૫૭ રૂપિયા ઉપર મજબૂત હતું. દિવસ દરમ્યાન સોનાના વિદેશી બજારના ભાવમાં થોડો ઘટાડો જોવા મYયો, પણ સામે ભારતીય ચલણ રૂપિયો ડૉલર સામે નબળો પડતાં બજારમાં મજબૂતી જણાતી હતી.

ડૉલરમાં નબળાઈ બરકરાર

નવી રોજગારીના આંકડા જાહેર થયા પછી ડૉલરમાં વૈશ્વિક ચલણ સામે નબળાઈ જોવા મળી હતી. ડૉલર ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટી ૯૬.૬૦ પટકાયો હતો જે આંકડા આવ્યા એ પહેલાં ૯૬.૯૮ હતો.  આ આંકડાને કારણે અમેરિકામાં વ્યાજદર ઘટશે એવી અટકળોને બળ મળ્યું છે અને ડૉલર નબળો પડી રહ્યો છે. બીજી તરફ અમેરિકન ૧૦ વર્ષના બૉન્ડનાં યીલ્ડ પણ ઘટી ૨.૦૬ ટકા ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : બિટકોઈનને રાખવા તેમ જ માઈનિંગ માટે દસ વર્ષની જેલ

મે મહિનામાં ગોલ્ડ ઈટીએફ હોલ્ડિંગ ઘટ્યું

વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં સોનાનો સ્ટૉક મે મહિનામાં ૨.૨ ટકા ઘટી ૨૪૨૧ ટન થયો છે એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે. જોકે સોનાના ભાવ વધતાં મૂલ્યની દૃષ્ટિએ સ્ટૉક ૧ ટકા વધી ૧૦૧ અબજ ડૉલર થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર મે મહિના સુધી પૂરા થતા ૧૨ મહિનામાં ગોલ્ડ હોલ્ડિંગ ૧૯ ટન ઘટ્યપં છે, કારણ કે ફેબ્રુઆરી, એપ્રિલ અને મેના પ્રારંભમાં સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી અને રોકાણકારો ઈટીએફમાંથી બહાર નીકળી રહ્યા હતા. મે મહિના દરમ્યાન યુરોપમાં કાર્યરત ગોલ્ડ ઇટીએફમાં હોલ્ડિંગ ૧૫.૯ ટન વધ્યું છે, જ્યારે અમેરિકામાં ૧૩.૭ ટન ઘટ્યપં છે. એશિયામાં હોલ્ડિંગ ૪.૧ અને અન્ય વિસ્તારમાં ૦.૫ ટન ઘટ્યપં છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ ફન્ડમાં મે મહિનામાં ૩.૫ ટનનો ઘટાડો થયો છે. જ્યારે બ્રિટનના ઇન્વેસ્ટર  ફન્ડમાં ૪.૬ ટન સ્ટૉક વધ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 01:07 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK