બિટકોઈનને રાખવા તેમ જ માઈનિંગ માટે દસ વર્ષની જેલ

Published: Jun 08, 2019, 13:03 IST | નવી દિલ્હી

કેન્દ્ર સરકાર ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર નવાં નિયંત્રણો માટે ટૂંક સમયમાં ખરડો લાવશે

બિટકોઈન
બિટકોઈન

ભારત સરકાર દેશમાં બિટકોઈન અને તેના જેવી ક્રિપ્ટોકરન્સી ઉપર વધારે નિયંત્રણો લાવી રહી છે. આ માટે તૈયાર થયેલું બેનિંગ ઓફ વિધેયક ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન બિલ, ૨૦૧૯ ટૂંક સમયમાં સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

નવા કાયદા અનુસાર ભારત સરકાર બિટકોઈન કે અન્ય કોઇપણ ક્રિપ્ટોકરન્સી કોઈ ભારતીય નાગરિક રાખશે કે તેનું માઈનિંગ કરશે તો તેને એક વર્ષથી દસ વર્ષ જેલની સજા પણ થઈ શકે છે. નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગના વડપણ હેઠળ સેબી, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ અને અન્ય એજન્સીના સભ્યોની બનેલી એક સમિતિએ આ ખરડો તૈયાર કર્યો છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ ક્રિપ્ટોકરન્સીનું માઈનિંગ, રાખવી, વેચાણ કરવું, તબદીલ કરવું કે તેનો વેપાર કરનારને એક વર્ષથી દસ વર્ષની જેલ થઈ શકે છે એવી જોગવાઈ આ સૂચિત ખરડામાં કરવામાં આવી છે. સજા કેટલી થવી જોઈએ એ અંગે કેન્દ્ર સકરાર નોટિફિકેશન બહાર પાડી શકે છે. આ માટેનો ગુનો જામીનપાત્ર અને બિનજામીનપાત્ર બન્ને ગણાશે.

ભારતમાં અત્યારે પણ ક્રિપ્ટોકરન્સી એક ચલણ તરીકે માન્ય નથી કારણ કે આ પ્રકારના ડિઝિટલ ચલણ ઉપર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્કે મૂકેલો પ્રતિબંધ અને અન્ય શરતો સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે.

ખરડામાં એવી પણ જોગવાઈ છે કે આ પ્રકારના ગુનામાં સામેલ વ્યક્તિ સામે સજા કોર્ટ નક્કી કરશે. સજા ઉપરાંત દંડ પણ વસૂલવામાં આવી શકે છે. દંડ માટે ખરડો જણાવે છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારના ચલણમાં કામકાજ કરતો મળી આવે તો તેનાથી સિસ્ટમને થયેલું નુકસાન ગણવામાં આવશે અને એ નુકસાનના ત્રણ ગણા કે વ્યક્તિને થયેલા ફાયદાના ત્રણ ગણામાંથી જે વધારે હોય એ સુધી દંડ વસૂલી શકાય છે.

ખરડો એવું પણ સૂચવે છે કે જો ક્રિપ્ટોકરન્સી સંબધિત ગુનો કોઈ કૉર્પોરેટ બોડી કે સંસ્થાએ કર્યો હોય તો તેના ડિરેક્ટર, મેનેજિંગ કમિટીના સભ્યો, સીઇઓ અને અન્ય એક્ઝિક્યુટીવ સામે દાખલ થઈ શકે છે.

ડિજિટલ કરન્સીને માન્યતાની રિઝર્વ બૅન્કને સત્તા

આ ખરડામાં રિઝર્વ બૅન્કને કોઈ પણ વિદેશી ચલણને ભારતમાં ડિઝિટલ ચલણ તરીકે માન્યતા આપવી કે નહીં તેની સત્તા આપે છે. આ સત્તા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ઍક્ટ (ફેમા) હેઠળ આપવામાં આવશે.

ડિજિટલ રૂપી આવશે?

ભારત સરકારે પોતાનું માન્ય અને કાયદેસર હોય તેવું ડિઝિટલ ચલણ શરૂ કરવા માટેની વિચારણા કરવા માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્કને ખરડામાં સત્તા આપી છે. જોકે, ખરડામાં સ્પષ્ટ છે કે આવું ડિઝિટલ રૂપી નામનું ચલણ રિઝર્વ બૅન્ક સાથે વિગતવાર મસલત પછી જ બહાર પાડવામાં આવવું જોઈએ.

બિટકોઈનની તેજી-મંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી મોટા ડિઝિટલ ચલણ બિટકોઈનનો ભાવ અત્યારે ૭૯૩૨ ડૉલર ચાલી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭ના ૧૯,૭૮૩ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. એ સમયે બિટકોઈનને અમેરિકન બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરીકે માન્યતા મળશે, દુનિયાના અલગ-અલગ દેશ આ ચલણને સ્વીકારશે એવો આશાવાદ હતો. આ પછી તેજીનો પરપોટો ફૂટી ગયો હતો અને એક જ વર્ષમાં ભાવ ઘટી ૩૧૮૩ ડૉલર થયા હતા. છેલ્લા પાંચ મહિનામાં તેમાં ફરી તેજી આવી છે. ભારતીય ચલણમાં બિટકોઈનનો સૌથી વધુ ભાવ રૂ. ૧૨,૫૯,૦૩૫ હતો જે આજે માત્ર રૂ. ૫,૫૧,૫૭૯ ચાલી રહ્યો છે.

ભારતમાં ડિજિટલ કરન્સીની ટાઈમલાઈન

ડિસેમ્બર ૨૦૧૩ :  રિઝર્વ બૅન્કે ક્રિપ્ટોકરન્સીમાં વ્યવહાર જોખમી હોવાની જાહેરાત કરી.

ફેબ્રુઆરી ૨૦૧૭ : રિઝર્વ બૅન્કે સ્પષ્ટતા કરી કે પોતે ભારતમાં કોઇપણ ડિઝિટલ કે ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી. જો કોઈ એમાં રોકાણ કરશે તો એ પોતાના અંગત જોખમે હશે.

જુલાઈ ૨૦૧૭ : સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ થઈ કે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક ડિઝિટલ કરન્સી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે.

નવેમ્બર ૨૦૧૭ : વધુ એક પિટિશનમાં સરકાર અને રિઝર્વ બૅન્ક પોતાના નિયમો સ્પષ્ટ કરે એવી માગણી થઈ.

ડિસેમ્બર ૨૦૧૭ : રિઝર્વ બૅન્કે વધુ એક વખત જાહેર જનતાને ક્રિપ્ટોકરન્સી જોખમી હોવાની જાણ કરી.

એપ્રિલ ૨૦૧૮ : ત્રણ મહિનાનો સમય આપી રિઝર્વ બૅન્કે ક્રિપ્ટોકરન્સી માટે નાણાકીય બૅન્કોના પ્લેર્ફોમનો થતો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી.

આ પણ વાંચો : ફોર્બ્સ 2019ની યાદી જાહેર, કિસ્મત બનાવનાર 80 USની મહિલાઓમાં 3 ભારતીય

એપ્રિલ ૨૦૧૮ : દિલ્હી હાઈ કોર્ટમાં રિઝર્વ બૅન્કના પ્રતિબંધને પડકારવામાં આવ્યો.

મે ૨૦૧૮ : સુપ્રીમ કોર્ટમાં રિઝર્વ બૅન્કના પ્રતિબંધને પડકારવામાં આવ્યો.

ફેબ્રુઆરી ૨૦૧૯ : સુપ્રીમ કોર્ટે ચાર મહિનામાં ક્રિપ્ટોકરન્સી અંગે નીતિ કે અન્ય નિયમો ઘડવાનો કેન્દ્ર સરકારને સમય આપ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK