Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હાલના સંજોગોમાં ડેટ સાધનોમાં રોકાણ બાબતે શું કરવું?

હાલના સંજોગોમાં ડેટ સાધનોમાં રોકાણ બાબતે શું કરવું?

20 June, 2022 03:13 PM IST | Mumbai
Khyati Mashru Vasani

ઇક્વિટી માર્કેટમાં ઘણી વૉલેટિલિટી હોય ત્યારે ડેટ સાધનોમાં કરાયેલું રોકાણ આંચકા પચાવવાની શક્તિ પૂરી પાડે છે

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર


આજકાલ સમગ્ર વિશ્વમાં વ્યાજદર વધારવાનું વલણ જોવા મળી રહ્યું છે. આમ કરવા પાછળનો હેતુ ફુગાવાને એટલે કે મોંઘવારીને અંકુશમાં રાખવાનો છે. આ સંજોગોમાં રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં રહેલાં ડેટ સાધનો બાબતે કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે કેમ એના વિશે આજે આપણે વાત કરીશું...
ઇક્વિટી માર્કેટમાં ઘણી વૉલેટિલિટી હોય ત્યારે ડેટ સાધનોમાં કરાયેલું રોકાણ આંચકા પચાવવાની શક્તિ પૂરી પાડે છે. એનું કારણ એ છે કે ડેટમાં ઇક્વિટી કરતાં ઓછો ચડાવ-ઉતાર આવતો હોય છે.
ડેટ સાધનોમાં બે પ્રકારનું વળતર મળતું હોય છે. એક, દરેક સાધન માટે નિશ્ચિત કરવામાં આવેલો વ્યાજદર અને બે, ડેટ સાધનના ભાવમાં આવતા ફેરફારને લીધે મળતું વળતર.  
બૉન્ડના ભાવ અને વ્યાજદરનો વ્યસ્ત સંબંધ હોય છે. બગીચામાં રખાયેલા ઊંચક-નીચકમાં જ્યારે એક બાજુની વ્યક્તિ નીચી હોય ત્યારે સામેની વ્યક્તિ ઊંચી હોય છે. આ જ રીતે વ્યાજદર નીચા હોય ત્યારે બૉન્ડના ભાવ વધી જાય છે અને વ્યાજદર ઊંચા હોય ત્યારે બૉન્ડના ભાવ ઘટી જાય છે. આમાં એક બીજું પાસું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. વ્યાજદરમાં વધારા કે ઘટાડા વખતે બૉન્ડના ભાવમાં આવતો ફરક પાકતી મુદતને કેટલી વાર છે એના આધારે અલગ-અલગ હોય છે. જો પાકતી મુદતને ઘણી વાર હોય તો બૉન્ડના ભાવમાં ઉતાર-ચડાવ વધારે હોય છે. બૉન્ડ કે સરકારી સિક્યૉરિટી ડેટ સાધન ગણાય છે. એની મુદત જેટલી વધારે હોય એટલું એના પર મળતું વ્યાજ વધારે હોય છે, કારણ કે લાંબી મુદત સુધી કોઈ પણ વસ્તુને રાખી મૂકવામાં જોખમ વધી જતું હોય છે. જોખમ અને વળતરને સીધો સંબંધ હોય છે, એ આપણે જાણીએ જ છીએ.
દરેક મુદતના બૉન્ડ પર મળતા વ્યાજદરને ‘યીલ્ડ કર્વ’ કહેવાય છે. અલગ-અલગ મુદત માટેના યીલ્ડ કર્વમાં રહેલા તફાવતને ‘ટર્મ સ્પ્રેડ’ કહેવાય છે. દા.ત. ભારત સરકારે ઇશ્યુ કરેલા એક વર્ષની મુદતના ટ્રેઝરી બિલ પરનો વ્યાજદર ૫.૫૦ ટકા છે અને ૧૦ વર્ષની સરકારી સિક્યૉરિટી પરનો વ્યાજદર ૭.૪૦ ટકા છે. આમ, તેમનું ટર્મ સ્પ્રેડ ૧.૯૦ ટકા થાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ટર્મ સ્પ્રેડ સરેરાશ એકથી દોઢ ટકા જેટલું હોય છે. એનો અર્થ એ થયો કે હાલનું સ્પ્રેડ એના કરતાં વધારે હોવાને લીધે આકર્ષક છે.
હવે બધાની ધારણા છે કે રિઝર્વ બૅન્કે તાજેતરમાં બે વખત વ્યાજદર વધાર્યા બાદ હજી એમાં વધારો કરવામાં આવશે. આ સ્થિતિમાં લાંબા ગાળા કરતાં ટૂંકા ગાળાના બૉન્ડમાં યીલ્ડ કર્વ વધારે હશે. હકીકતમાં આ યીલ્ડ કર્વ વધી જ ગયો છે, કારણ કે રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારશે એવું બધાને લાગી રહ્યું છે.
ડેટ રોકાણકારોને કહેવાનું કે તેઓ અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાં કે બૉન્ડમાં એકસાથે મોટી રકમનું રોકાણ કરવાનું ટાળે, કારણ કે આગામી સમયમાં વ્યાજદરમાં વધારો થતાં તેમને વધારે વળતર મળી શકે છે. ડેટ મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોની વાત કરીએ તો, ત્રણ કરતાં વધારે વર્ષ સુધી જેઓ ડેટ ફન્ડમાં રોકાણ કરવા માગે છે તેમણે કુલ ભંડોળનાં આશરે ૪૦-૫૦ ટકા નાણાં એકથી ત્રણ વર્ષની મુદત ધરાવતાં બૅન્કિંગ અને પીએસયુ ફન્ડ્સ તથા કૉર્પોરેટ ડેટ ફન્ડ્સમાં રોકવાં. એનું કારણ એ છે કે આ પ્રકારનાં ફન્ડ્સમાં વ્યાજદરના વધારાની અસર પ્રમાણમાં ઓછી થશે, કારણ કે તેમનો સમયગાળો ઓછો છે. બીજાં ૧૦-૨૦ ટકા નાણાં એક વર્ષ કરતાં ઓછી મુદતનાં લિક્વિડ કે અલ્ટ્રા શૉર્ટ ટર્મ ફન્ડ્સમાં રોકી શકાશે. આ પ્રકારનાં ફન્ડ્સમાં યીલ્ડ વધવાનું શરૂ થશે. ઉપરાંત, આ ફન્ડ્સ જેમાં રોકાણ કરે છે એ બૉન્ડના ભાવ પર અને એકંદર વળતર પર વ્યાજદરની વૃદ્ધિની અસર ઓછામાં ઓછી થશે. જ્યારે બૅન્કિંગ અને પીએસયુ ડેટ અથવા ક્રેડિટ રિસ્ક ફન્ડ્સ પરની યીલ્ડ એટલે કે ઊપજ વધશે ત્યારે લિક્વિડ ફન્ડ્સનાં નાણાં એ શ્રેણીમાં ખસેડી શકાશે. સરકારી સિક્યૉરિટીઝ પરના મધ્યમથી લાંબા ગાળા (પાંચથી દસ વર્ષ) માટેની ઊપજ વચ્ચેનો તફાવત સારો એવો હોવાથી કુલ ભંડોળનાં આશરે ૨૫થી ૩૫ ટકા નાણાંનું રોકાણ મધ્યમથી લાંબા ગાળાની સરકારી સિક્યૉરિટી ધરાવતાં ડેટ ફન્ડ્સ અથવા ડાયનેમિક બૉન્ડ ફન્ડ્સમાં કરી શકાય છે.
એક બીજો વિકલ્પ એ છે કે જે સરકારી સિક્યૉરિટીઝની પાકતી મુદતને હજી પાંચથી સાત વર્ષનો સમય બાકી હોય એવી સિક્યૉરિટીઝ ધરાવતાં પેસિવ અથવા રોલ ડાઉન ઇન્ડેક્સ ફન્ડમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ સિક્યૉરિટીઝની પાકતી તારીખ સુધી રાખીને મૂકી શકાય છે. ટર્મ સ્પ્રેડ વધારે હોવાને લીધે આ સિક્યૉરિટીઝ પર આકર્ષક વળતર મળી રહ્યું છે. રોલ ડાઉન ફન્ડ્સમાં એક્સપેન્સ રેશિયો ઍક્ટિવલી મૅનેજ્ડ ફન્ડ્સ કરતાં ઓછો હોવાને લીધે રોકાણકારને લાગુ પડતો ખર્ચ ઘટી જાય છે.  
હાલ ઇક્વિટી અને બૉન્ડ માર્કેટ બન્નેમાં વૉલેટિલિટી ચાલી રહી હોવાથી રોકાણકારોને બેચેની વર્તાય એ સ્વાભાવિક છે, પરંતુ યાદ રાખવું કે ઓછા વળતર બાદ ઊંચા વળતરનો સમય આવતો જ હોય છે. રોકાણકારે વચગાળાની વૉલેટિલિટી પર ધ્યાન આપવાને બદલે રોકાણ પાછળના પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખવું અને ઍસેટ અલોકેશન પ્લાનને વળગી રહેવું. ટૂંકા ગાળાના ઉતાર-ચડાવથી વિચલિત થવું નહીં, એ જ આજનો સંદેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 03:13 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK