કાયદાનો અમલ ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી થવાનો છે. વિયેટનામ ક્રિપ્ટોકરન્સી અપનાવવામાં મોખરે રહ્યું છે, પરંતુ એને કાનૂની સ્વરૂપ આપવામાં વિલંબ થઈ રહ્યો હતો
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અગ્નિએશિયાના દેશ વિયેટનામે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ ઍસેટ્સને સત્તાવાર રીતે કાનૂની સ્વરૂપ આપી દીધું છે. દેશની ધારાસભાએ ૧૪ જૂનના રોજ ડિજિટલ ટેક્નૉલૉજી ઉદ્યોગ માટે સર્વાંગી કાયદો ઘડતો ઠરાવ પસાર કર્યો હતો. કાયદાનો અમલ ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી થવાનો છે. વિયેટનામ ક્રિપ્ટોકરન્સી અપનાવવામાં મોખરે રહ્યું છે, પરંતુ એને કાનૂની સ્વરૂપ આપવામાં વિલંબ થઈ રહ્યો હતો. હવે ત્યાં ડિજિટલ ઍસેટ્સને વર્ચ્યુઅલ ઍસેટ્સ અને ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સ એમ બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જોકે એને પરંપરાગત સ્વરૂપની સિક્યૉરિટી કે પરંપરાગત ચલણ તરીકે માન્યતા આપવામાં આવી નથી. નવા કાયદાને પગલે હવે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ અને રોકાણને કાનૂની સ્વરૂપ મળ્યું છે.
દરમ્યાન અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) નાણાકીય નીતિ સંબંધેનું નિવેદન કરે એની પહેલાં સોમવારે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં સુધારો નોંધાયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૮૬ ટકા વધીને ૩.૩૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇન ૧,૦૬,૭૨૮ ડૉલરના ભાવની આસપાસ ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૩.૬૪ ટકાની વૃદ્ધિ થઈને ભાવ ૨૬૧૭ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૪.૩૨ ટકા, સોલાનામાં ૫.૨૮ ટકા, ટ્રોનમાં ૨.૫૬ ટકા, ડોઝકૉઇનમાં ૧.૧૩ ટકા અને કાર્ડાનોમાં ૨.૬૦ ટકા વૃદ્ધિ થઈ હતી.


