Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં નેગેટિવ ન્યુઝનાં પૉઝિટિવ પરિણામ મેળવવા સમય, સંયમ અને સમજણ અનિવાર્ય

શૅરબજારમાં નેગેટિવ ન્યુઝનાં પૉઝિટિવ પરિણામ મેળવવા સમય, સંયમ અને સમજણ અનિવાર્ય

19 December, 2022 03:56 PM IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટ છેલ્લા ત્રણેક દિવસમાં કરેક્શન આપીને પોતાના વૅલ્યુએશનને કરેક્ટ કરી રહ્યું હોવાનું કહી શકાય. જોકે કરેક્શનનું મુખ્ય કારણ ગ્લોબલ સિચુએશન છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કહેવાય છે કે નો ન્યુઝ ઇઝ ગુડ ન્યુઝ, પૉઝિટિવ ન્યુઝ ઇઝ ગુડ ન્યુઝ; પરંતુ નેગેટિવ ન્યુઝ ઇઝ ગુડ ન્યુઝ કોઈ કહે તો કેવું લાગે? યસ, શૅરબજારમાં જરા જુદી દૃષ્ટિએ જોવાનો પ્રયાસ કરીએ તો ઘણી વાર એવું બને છે કે નેગેટિવ ન્યુઝ પછીથી વેરી-વેરી ગુડ ન્યુઝ બનીને સામે આવે છે, કારણ કે નેગેટિવ ન્યુઝની અસરે ઘટતા જતા માર્કેટમાં ખરીદવાની ઉત્તમ તક મળે છે, જે એનો લાભ લઈ શકે કે લેવાની હિંમત કરે તેને પૉઝિટિવ પરિણામ મળે. ચાલો, આ વિચિત્ર લાગતી વાતને સરળ ભાષામાં સમજીએ. દરમ્યાન માર્કેટ છેલ્લા ત્રણેક દિવસમાં કરેક્શન આપીને પોતાના વૅલ્યુએશનને કરેક્ટ કરી રહ્યું હોવાનું કહી શકાય. જોકે કરેક્શનનું મુખ્ય કારણ ગ્લોબલ સિચુએશન છે


શૅરબજારને સમજવા માટે એના સમયને અને એના અનુભવોને જોતા રહેવું પડે. આ સમજ અને અનુભવની ઝલક જોવાથી વાતની શરૂઆત કરીએ. હાલ ગ્લોબલ ક્રાઇસિસ અને રિસેશનની વાતો જોરમાં છે. સિચુએશન આપણી નજર સામે છે. ૨૦૦૮માં એટલે કે ૧૪ વરસ પહેલાં યુએસએ ફાઇનૅ​ન્શિયલ ક્રાઇસિસમાં હતું, ૧૨ વરસ પહેલાં ઊંચો વ્યાજદર અને ઊંચો ફુગાવો હતો, ૧૧ વરસ પહેલાં યુએસ ડાઉનગ્રેડ ચાલ્યું, ૧૦ વરસ પહેલાં ફેડ ટેપરિંગ હતું, નવ વરસ અગાઉ ડેફિસિટ અને રૂપિયાનો ઘસારો જોયો, સાત વરસ પહેલાં નબળું ચોમાસું જોયું, છ વરસ પહેલાં બ્રેક્ઝિટ ક્રાઇસિસ જોઈ, પાંચ વરસ પહેલાં નોટબંધી-ડિમોનેટાઇઝેશનનાં દર્શન કર્યાં, ચાર વરસ પહેલાં જીએસટીની અસરો અનુભવી, ત્રણ વરસ પહેલાં હાઈ એનપીએ, ડિફૉલ્ટ, પીએનબી સ્કૅમ વગેરે સહન કર્યાં અને કોવિડનો કારમો સમય પણ જોયો. આ વરસે યુક્રેન-રશિયાનું યુદ્ધ, યુએસ ઇન્ફ્લેશન-ઇન્ટરેસ્ટ રેટ જોયા અને હજી ચીન સહિત યુરોપની સમસ્યા પણ નજર સામે જ છે. એમ છતાં મજાની વાત એ જુઓ કે આ આઠ વરસમાં સેન્સેક્સ ૮૦૦૦ની સપાટીથી ૬૨,૦૦૦ પાર થઈ ગયો. આનો શું અર્થ કરવો? દરેક જણ પોતાની રીતે નક્કી કરી શકે. અલબત્ત, આ ૧૪ વરસમાં માર્કેટે ઘણી ઊથલપાથલ જોઈ-બતાવી, પરંતુ એકંદરે ગ્રોથ જોવામાં આવે તો વાત કંઈક જુદી જ બને છે. જેથી રોકાણકાર વર્ગે એ હકીકત યાદ રાખવી જોઈએ કે નેગેટિવ સમાચાર કે નેગેટિવ ઘટનાઓથી પૅનિકમાં આવી જવાની જરાય જરૂરી નથી. હા, આવી ઘટનાઓ ચિંતા કરાવી શકે, પણ એને સમય આપો તો એ તમને લાંબે ગાળે સંપત્તિસર્જનમાં સહાયરૂપ થાય છે. 



મોસમ અને સ્ટૉક્સના ભાવમાં ચઢાવ-ઉતાર


વિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ ગુરુ પીટર લિન્ચ કહે છે કે સ્ટૉક્સના ભાવો ઘટે એ કોઈ આશ્રર્યજનક ઘટના ગણાય નહીં, આ તો ચાલતી રહેતી ઘટના છે, જેમ તમે શિયાળાની ઠંડી મોસમમાં ફ્રિઝિંગ ટેમ્પરેચરની ધારણા બાંધો છો, એ પછી એ ઝીરો લેવલથી નીચે જાય છે ત્યારે તમે પુનઃ નવી ઠંડીની અપેક્ષા રાખતા નથી, કેમ કે હવે ઉનાળો બેસવાનો હોય છે. આવું સ્ટૉક્સ સાથે પણ થાય છે. એક લેવલથી સ્ટૉક્સના ભાવ પાછા ફરે જ છે, મોસમ અને મૂડ બદલાય છે, કુદરતની જેમ એ બજારની સાઇકલ છે. વાસ્તવમાં ખરીદીની ખરી મજા નીચા બજારમાં આવે. જો હવે માર્કેટ સતત વધતું જ રહે તો તેજીનો આનંદ ભલે થાય, પરંતુ એની સાથે બજાર નીચે આવવાની ચિંતા પણ ઉમેરાશે. કોઈ પણ ટ્રેન હોય કે કોઈ પણ મુસાફરી હોય, સ્ટેશન કે પડાવ ન આવે એવું ક્યારેય બની શકે નહીં. પડાવ એ ઉતાર-ચઢાવની એક પ્રક્રિયા છે. 

કાચબા અને સસલાની કથા


કાચબા અને સસલાની રેસની વાર્તા આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. સસલાની ગતિ કેટલી પણ તેજ હોય, મંઝિલ પર પહોંચે છે કાચબો, કારણ કે કાચબો ધીમી તો ધીમી ગતિએ ચાલતો રહે છે, એની ચાલમાં સાતત્ય છે, જયારે સસલા ઓવર કૉન્ફિડન્ટમાં વચ્ચે-વચ્ચે વિરામ કરે છે. શૅરબજારની ભાષામાં સસલું વધુપડતો આત્મવિશ્વાસ કે પછી ગુમાન ધરાવતું હોવાથી ઉતાવળ કરે છે, સાતત્ય જાળવતું નથી, પરિણામે મંઝિલ પર મોડું પહોંચે છે. ખૈર, શૅરબજારમાં સૌથી વધુ મહત્ત્વનું પરિબળ ધીરજ પણ છે. આજે નાણાં રોક્યાં અને કાલે કમાઈ લીધાં કે છ મહિનામાં ડબલ કરી લીધાં એ વાસ્તવમાં ખરું રોકાણ નથી, પણ પ્યૉર જુગાર અને સટ્ટો છે, જેમાં કાયમ જોખમ ઊંચું રહે છે.

માર્કેટ કરેક્શન મોડમાં 

દરમ્યાન સપ્તાહના પ્રથમ દિવસે જ સારા સંકેતરૂપે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૬ ટકા નીચે ઊતરીને ૫.૮૮ ટકા રહ્યો હતો, જે ઇકૉનોમી અને માર્કેટ માટે સારા સંકેત છે. જોકે ઇન્ડેક્સ ઑફ ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં ઑક્ટોબરમાં ઘટાડો નોંધાયો હતો. બાકી માર્કેટ સોમવારે ચારસો પૉઇન્ટ ઉપર ઘટીને રિકવર થયું હતું, જે માર્કેટમાં કરેક્શન પર લેવાલી આવી જતી હોવાના પુરાવાસમાન છે. અર્થાત્ અંડરટોન તેજીનો છે. રીટેલ ફુગાવો ઘટવાને પરિણામે અને યુએસનું ઇન્ફ્લેશન પણ ઘટવાના સંકેતને પગલે મંગળવારે રિકવરી સાથે સેન્સેક્સ ૪૦૦ અને નિફ્ટી ૧૧૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે આ રિકવરીનો ટોન ચાલુ રહ્યો, જોકે વધઘટ બાદ સેન્સેક્સ ૧૪૪ અને નિફટી બાવન પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા. ગુરુવારે માર્કેટ ફેડના વ્યાજ વધારાના નિર્ણયથી ફરી નેગેટિવ થયું, ખાસ કરીને આઇટી સ્ટૉક્સ તૂટ્યા હતા. ફેડરલ રિઝર્વે હજી વ્યાજ વધારાના સંકેત આપતાં માર્કેટ વધુ ડહોળાયું હતું. ગ્લોબલ નેગેટિવ સંકેતોને લીધે માર્કેટે કાતિલ કરેક્શન નોંધાવ્યું હતું, સેન્સેક્સ ૮૭૮ પૉઇન્ટ અને નિફ્ટી ૨૪૫ પૉઇન્ટ તૂટીને અનુક્રમે ૬૨ હજારની નીચે અને ૧૮,૫૦૦ની નીચે ઊતરી ગયા હતા. હજી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને ઈસીબી તરફથી પણ વ્યાજ વધારાની શક્યતા ઊભી છે. 

માર્કેટની ચિંતા ચાલુ રહેશે

શુક્રવારે બજારે ગ્લોબલ સંજોગોને કારણે કરેક્શનનો દોર ચાલુ રાખતાં સેન્સેક્સ ૪૬૧ અને નિફટી ૧૪૬ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ગ્લોબલ રિસેશનના અણસાર પણ માર્કેટને મંદી તરફી બનાવી રહ્યા હોવાનું ચર્ચાય છે. બીજી બાજુ ભારતમાં હોલસેલ ફુગાવો નીચે આવ્યો હતો. ભારત માટે એક સારા અહેવાલ એ છે કે રશિયા એને નીચા ભાવે ક્રૂડ આપવા રાજી છે. વધુમાં ઘણા દેશો ભારત સાથે રૂપિયા આધારિત પેમેન્ટ સેટલમેન્ટ માટે તૈયાર છે, જેમાં ભારતના ડૉલરની બચત થશે. હાલ તો માર્કેટમાં વધુ કરેક્શનની ધારણા ફરે છે. જેની માટે મુખ્યત્વે યુએસ-ગ્લોબલ સંજોગોને કારણભૂત માનવામાં આવે છે. દરમ્યાન વૉલેટિલિટીને લીધે રોકાણકારોનો મૂડ સાવચેતીનો બનતો જાય છે, પરંતુ ઘટાડામાં ખરીદવાની મનોવૃત્તિ પણ ખરી. ઘણા નિરાશાવાદી નિષ્ણાંતો માને છે કે બજારના ખરાબ દિવસો આવી રહ્યા છે. જોકે એ ભારતીય માર્કેટને કેટલી અસર કરશે એ સવાલ ઊભો રહેશે.

શૅરબજારની દશા અનારકલી જેવી : નીલેશ શાહ

કોટક મ્યુચ્યુઅલ ફન્ડના નીલેશ શાહ બજારના વર્તમાન વિશે કહે છે કે હાલ માર્કેટની દશા મુગલ-એ-આઝમ ફિલ્મની અનારકલી જેવી છે, જેમાં બાદશાહ અકબર તેને ચેતવણી આપે છે, સલીમ કી મોહબ્બત તુમ્હે મરને નહીં દેગી ઔર મહાબલી અકબર તુમ્હે જીને નહીં દેંગે. અર્થાત્ ભારતીય અર્થતંત્રના સારા-સુધારાતરફી સંજોગો બજારને તૂટવા નહીં દે અને ગ્લોબલ વિપરીત અને અનિશ્ચિત સંજોગો માર્કેટને વધવા નહીં દે એવું કહી શકાય. માર્કેટ સામે હાલ ઇન્ફ્લેશન અને વ્યાજ વધારાનું પરિબળ સૌથી મોટી ચિંતા અને પડકાર છે.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 03:56 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK