માર્ચ ૨૦૨૬ના અંતે સેન્સેક્સ ૮૮,૧૦૦ થવાનો ચાર્ટવાળાનો વરતારો
પ્રતીકાત્મક તસવીર
નિફ્ટી મેટલ ઇન્ડેક્સ નવી ટોચે, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, JSW સ્ટીલ, જિન્દલ સ્ટીલ નવા શિખરે : નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૬ શૅરની મજબૂતીમાં સર્વાધિક બે ટકા વધ્યો : તાતા કૅપિટલનો ઇશ્યુ ખૂલવાની પૂર્વસંધ્યાએ તાતા ઇન્વેસ્ટમેન્ટ નવી વિક્રમી સપાટી બનાવી ૫૬૭ રૂપિયા ગગડ્યો : ૧૨માંથી ૧૧ સરકારી બૅન્કોના સથવારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા બાઉન્સ બૅક : કૅનેરા બૅન્ક અને ઇન્ડિયન બૅન્ક નવી ટોચે : સતત ખોટ કરતી KIOCL ૨૦ ટકાની ઉપલી સર્કિટે નવા બેસ્ટ લેવલે : પાકિસ્તાની શૅરબજાર મારફાડ તેજીમાં ૧.૭૦ લાખ ભણી
ચાલુ વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં ૧૨,૬૭૪ પૉઇન્ટની સ્વિંગ કે બે-તરફી વધઘટ દાખવી સેન્સેક્સ છેવટે ૨૮૫૩ પૉઇન્ટ કે ૩.૭ ટકા વધીને ૮૦,૨૬૮ બંધ થયો છે ત્યારે હવે બાકીના છ માસના અંતે એ ક્યાં હશે એની ચર્ચા ચાલી રહી છે. ચાર્ટવાળા માર્ચના અંત ભાગમાં સેન્સેક્સ માટે ૮૮,૧૦૦નું લેવલ લાવ્યા છે. જ્યારે નિફ્ટી તેમને ૨૭,૦૦૦નો દેખાય છે. બાય ધ વે, પ્રથમ છ માસમાં નિફ્ટી ૧૦૯૨ પૉઇન્ટ કે ૪.૬ ટકા વધીને ૨૪,૬૧૧ થયો છે. જોકે બજારની હાલત બગડે, મંદીનો દૌર જામે તો માર્ચના અંતે સેન્સેક્સ ૭૨,૫૦૦ અને નિફ્ટી ૨૧,૫૦૦ થાય એવું પણ તેઓ ભાખે છે. માર્ચનું માર્ચમાં જોયું જશે, હાલની વાત કરીએ, ધિરાણ-નીતિનો કરન્ટ જાળવી રાખતાં શુક્રવારે પણ બજાર પૉઝિટિવ ઝોનમાં બંધ થયું છે. શરૂઆત જોકે નબળી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૨૯૯ પૉઇન્ટ ઢીલો, ૮૦,૬૮૪ ખૂલી નીચામાં ૮૦,૬૪૯ દેખાયો હતો. અઢી વાગ્યા સુધી સાંકડી રેન્જમાં રેન્જબાઉન્ડ રહેલું માર્કેટ મૂડમાં આવ્યું હતું. સેન્સેક્સ શાર્પ બાઉન્સબૅકમાં ઉપરમાં ૮૧,૨૫૨ બતાવીને અંતે ૨૨૪ પૉઇન્ટ વધી ૮૧,૨૦૭ બંધ થયો છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૫૮ પૉઇન્ટ ઊંચકાઈને ૨૪,૯૦૫ થઈને છેવટે ૫૮ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૮૯૪ થયો છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ પ્લસમાં હતાં. નિફ્ટી મેટલ ૧૫માંથી ૧૪ શૅરની મજબૂતીમાં ૧૦,૩૪૭ના શિખરે જઈને ૧૮૪ પૉઇન્ટ કે ૧.૮ ટકાના જોરમાં ૧૦,૨૭૭ બંધ રહ્યો છે. ટેલિકૉમ ૧.૨ ટકા, કૅપિટલ ગુડ્સ એક ટકો, યુટિલિટીઝ એકાદ ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૨ ટકા, પાવર તેમ જ ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક અડધા ટકાથી વધુ, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૧ ટકા, બૅન્ક નિફ્ટી અડધા ટકા નજીક વધ્યા છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૬ શૅરના સથવારે સર્વાધિક બે ટકા ઊંચકાયો છે. હેલ્થકૅર, રિયલ્ટી તથા નિફ્ટી ઑટો ઇન્ડેક્સ નામ પૂરતા નરમ હતા. સ્મૉલકૅપ એક ટકાથી વધુ, મિડકૅપ પોણો ટકો તથા બ્રૉડર માર્કેટ અડધા ટકા જેવું વધતાં ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૧૪૨ શૅર સામે ૯૬૦ કાઉન્ટર નરમ હતાં. માર્કેટકૅપ ૨.૪૮ લાખ કરોડ વધીને ૪૫૭.૮૨ લાખ કરોડ થયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૮૧ પૉઇન્ટ અને નિફ્ટી ૨૩૯ પૉઇન્ટ વધ્યા છે જે એક ટકાનો સુધારો કહી શકાય.
ADVERTISEMENT
વિશ્વ બજારો ઉપર નજર કરીએ તો એશિયા ખાતે સાઉથ કોરિયા રજામાં હતું. હૉન્ગકૉન્ગ અડધો ટકો ઘટ્યું છે. બાકીનાં તમામ અગ્રણી બજાર પ્લસ હતાં. જૅપનીઝ નિક્કેઈ પોણાબે ટકા કે ૮૨૨ પૉઇન્ટની તેજીમાં નવા બેસ્ટ લેવલની નજીક ગયો છે. તાઇવાન ૧.૪ ટકાની મજબૂતીમાં ૨૬,૭૬૧ની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. ચાઇના ઇન્ડોનેશિયા થાઇલૅન્ડ અડધા ટકાની આસપાસ તો સિંગાપોર સાધારણ વધ્યું છે. ફ્રાન્સને બાદ કરતાં યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકો ઉપર ચાલતું હતું. લંડન ફુત્સી તેમ જ જર્મન ડેક્સમાં નવી ઊંચી સપાટી નોંધાઈ છે. બ્રેન્ટક્રૂડ નરમાઈની હૅટ-ટ્રિક બાદ રનિંગમાં અડધા ટકાના સુધારે ૬૪.૫૦ ડૉલર ઉપર દેખાયું છે. બિટકૉઇન રનિંગમાં દોઢેક ટકાના સુધારામાં ૧,૨૦,૪૮૦ ડૉલર ક્વોટ થતો હતો.
પાકિસ્તાની શૅરબજાર નીતનવાં શિખરના ચાળે ચડેલું છે. કરાંચી શૅરબજારનો ઇન્ડેક્સ ૧,૬૮,૪૮૯ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૬૯,૯૮૮ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૧૪૪૫ પૉઇન્ટની તેજીમાં ૧,૬૯,૯૩૫ ચાલતો હતો. વર્ષમાં અહીં ૧૦૫ ટકાની તેજી આવી ચૂકી છે.
ગુજરાત પીનટમાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઉછાળીને ફસાવવાનો ખેલ, લિસ્ટિંગમાં ૧૬ ટકાની મૂડી સાફ
ગઈ કાલે મેઇન બોર્ડમાં જીનકુશલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૨૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૫૧થી શરૂ થયા બાદ નીચામાં ૧૭ થઈ છેલ્લે બોલાતા ૨૦ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૨૫ ખૂલીને ૧૨૧ બંધ રહેતાં ૬૦ પૈસા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. તો ટ્રુઆલ્ટ બાયોએનર્જી ૧૦ના શૅરદીઠ ૪૯૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૫૪થી શરૂ થયા બાદ ઉપરમાં ૧૦૯ થઈ છેલ્લે ૯૦ ઉપર આવેલા પ્રીમિયમ સામે ૫૫૦ ખૂલી ૫૩૧ બંધ થતાં સાત ટકા કે શૅરદીઠ ૩૫ રૂપિયા લિસ્ટિંગ ગેઇન મળેલ છે. SME સેગમેન્ટમાં ચૅટરબૉક્સ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૧૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૩૮થી શરૂ થયા બાદ નીચામાં ૧૪ બતાવી છેલ્લે બોલાતાં ૨૧ના પ્રીમિયમ સામે ૧૩૫ ખૂલી ૧૨૯ બંધ થતો ૧૨ ટકા લિસ્ટિંગ ગેઇન, ગુજરાત પીનટ ઍન્ડ ઍગ્રિ પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૮૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૭થી શરૂ થયા બાદ ઊછળી છેલ્લે ૫૫ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૬૪ ખૂલીને ૬૭ બંધ રહેતાં શૅરદીઠ ૧૩ રૂપિયા કે ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ, ઇઅરકાર્ટ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૧૩૫ ખૂલી ૧૪૨ બંધ થતાં એમાં ૫.૪ ટકા લિસ્ટિંગ ગેઇન તેમ જ તેલગી પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૧૦૮ ખૂલી ૧૧૦ બંધ થતાં સવાબે ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે.
સોમવારે SME કંપની ભાવિક એન્ટરપ્રાઇજિસ, માનસ પૉલિમર્સ, અમીનજી રબર, MPK સ્ટીલ્સ, રૂકમણિદેવી ગર્ગ ઍગ્રો ઇમ્પેક્સ તેમ જ KVS કાસ્ટિંગ્સનું લિસ્ટિંગ થવાનું છે. આ ઉપરાંત મેઇન બોર્ડની પેસ ડીજીટેક પણ સોમવારે લિસ્ટિંગમાં જશે. હાલ પેસ ડીજીટેકમાં ૧૨ રૂપિયા તથા રૂકમણિદેવી ગર્ગમાં પાચં રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
વીવર્ક ઇન્ડિયા પ્રથમ દિવસે ૪ ટકા ભરાયો, પ્રીમિયમ ગગડી પાંચ રૂપિયા
શુક્રવારે મેઇન બોર્ડનાં બે સહિત કુલ ૧૦ ભરણાં બંધ થયાં છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની ઓમફ્રેઇટ ફૉર્વર્ડર્સના ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૧૨૨ કરોડ પ્લસનો IPO કુલ ૩.૯ ગણા તથા જયપુરની ઍડ્વાન્સ ઍગ્રોલાઇફનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો આશરે ૧૯૩ કરોડનો ઇશ્યુ કુલ ૫૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ ઍડ્વાન્સ ઍગ્રોમાં ૧૪ રૂપિયા અને ઓમ ફ્રેઇટમાં બે રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
SME સેગમેન્ટમાં જે આઠ ભરણાં બંધ થયાં છે એમાં વાલપ્લાસ્ટ ટેક્નૉલૉજીઝનો શૅરદીઠ ૫૪ના ભાવનો ૨૬૫૮ લાખનો BSE SME ઇશ્યુ કુલ સવા ગણો, BAG કન્વર્જન્સનો શૅરદીઠ ૮૭ના ભાવનો ૪૮૭૨ લાખનો NSE SME ઇશ્યુ ૧.૪ ગણો, ઝેલિઓ ઈ-મોબિલિટીનો શૅરદીઠ ૧૩૬ના ભાવનો ૭૮૩૪ લાખનો BSE SME ઇશ્યુ દોઢ ગણો, શીલ બાયોટેકનો શૅરદીઠ ૬૩ના ભાવનો ૩૪૦૨ લાખનો NSE SME IPO કુલ ૧૬ ગણો, ઇન્ફિનિટી ઇન્ફોવેનો શૅરદીઠ ૧૫૫ના ભાવનો ૨૪૪૨ લાખનો BSE SME ઇશ્યુ ૨૭૭ ગણા, મુનીશ ફોર્જનો શૅરદીઠ ૯૬ના ભાવનો ૭૩૯૨ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ ૩.૫ ગણો, સનસ્કાય લૉજિસ્ટિક્સનો બેના શૅરદીઠ ૪૬ના ભાવનો ૧૬૮૪ લાખનો BSE SME ઇશ્યુ કુલ દોઢ ગણો તેમ જ ચિરહરિત લિમિટેડનો એકના શૅરદીઠ ૨૧ના ભાવનો ૩૧૦૭ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૧.૯ ગણો ભરાઈને પૂરો થયો છે હાલ ઇન્ફિનિટીમાં ૫૦ રૂપિયા, ચિરહરિતમાં ઝીરો, શીલબાયો ટેકમાં પાચં રૂપિયા, મુનીશ ફોર્જમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.
ગઈ કાલે મેઇનબોર્ડમાં ખોટ કરતી વીવર્ક ઇન્ડિયાનો શૅરદીઠ ૬૪૮ની અપરબૅન્ડ સાથે ૩૦૦૦ કરોડનો પ્યૉર ઑફર ફોર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૪ ટકા ભરાયો છે. ૧૫ રૂપિયાવાળું પ્રીમિયમ તૂટી પાંચ થયું છે. ભરૂચની શ્લોકા ડાઇઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડ સાથે ૬૩૫૦ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ માત્ર બે ટકા ભરાયો છે. ભરણું સોમવારે બંધ થશે તો નિયત મુદતમાં નબળા પ્રતિભાવને કારણે ફ્લૉપ થયેલા જે ઇશ્યુની મુદત લંબાવાઈ છે. એમાં નવી દિલ્હીની DSM ફ્રેશ ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપર બૅન્ડવાળો ૫૯૦૬ લાખનો BSE SME IPO અત્યાર સુધીમાં કુલ ૯૪ ટકા ભરાયો છે. ભરણું સોમવારે બંધ થશે. જ્યારે મધ્ય પ્રદેશના ભોપાલની NSB બીપીઓ સોલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ઘટાડેલી ૧૪૦ની અપરબૅન્ડ સાથે ૭૪૨૦ લાખનો BSE SME ઇશ્યુ હજી સુધી ૪ ટકા જ ભરાયો છે. ભરણું મંગળવારે બંધ થવાનું છે.
સોમવારે તાતા કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૩૨૬ની અપરબૅન્ડ સાથે આશરે ૮૬૬૬ કરોડની OFS સહિત કુલ ૧૫,૧૧૨ કરોડનો મેગા ઇશ્યુ ખૂલવાનો છે. ગ્રેમાર્કેટ ખાતે ૩૦ રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ ઘટાડાતરફી વલણમાં ૨૦ થયા બાદ હાલ ૧૯ ચાલે છે.
ઍક્સિસ બૅન્કમાં મૉર્ગન સ્ટૅનલી ૧૪૫૦ના ટાર્ગેટ સાથે બુલિશ
મેટલ શૅરમાં વિવિધ કારણસર તેજી આગળ વધવા માંડી છે જેમાં ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈ, યુરોઝોન તરફથી સ્ટીલની આયાત ઉપર ટૅરિફ, ફ્રેડરેટમાં એકથી વધુ વખત ઘટાડાની શક્યતા, ઘરઆંગણે GDP સ્ટ્રૉન્ગ રહેવાના રિઝર્વ બૅન્કના વરતારા જેવાં કારણ અપાય છે. ગઈ કાલે તાતા સ્ટીલ અઢી ગણા કામકાજે ૧૭૫ નજીક નવી ટૉપ બનાવી સાડાત્રણેક ટકાની તેજીમાં ૧૭૩ બંધ આપી બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત JSW સ્ટીલ દોઢ ટકો વધી ૧૧૬૪, હિન્દાલ્કો ૧.૯ ટકા વધી ૭૮૦, જિન્દલ સ્ટીલ સવા ટકો વધી ૧૦૭૭ના શિખરે બંધ રહ્યા છે. મેટલ ઇન્ડેક્સમાં લૉઇડસ મેટલ્સ ઍન્ડ એનર્જી છ ટકાથી વધુના ઉછાળે ૧૩૧૧ વટાવી ઝળક્યો હતો. નાલ્કો ત્રણ ટકા તથા હિન્દુસ્તાન ઝિન્ક સવાબે ટકા મજબૂત હતી.
ઍક્સિસ બૅન્કમાં મૉર્ગન સ્ટૅનલીએ ૧૪૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ આપતાં શૅર બે ટકા જેવો વધી ૧૧૮૨ નજીક ગયો છે. કોટક બૅન્ક પોણા બે ટકા વધ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની મજબૂતીમાં ૧.૧ ટકા વધ્યો છે. ઇન્ડિયન બૅન્ક ૪ ટકાની આગેકૂચમાં ૭૬૬ તથા કૅનરા બૅન્ક ૧.૮ ટકા વધી ૧૨૬ની નવી ટોચે બંધ થયો છે. બૅન્ક ઑફ બરોડા તથા પીએનબી દોઢ-દોઢ ટકો વધ્યા હતા. નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૧.૯ ટકાથી વધુ ઊંચકાયો છે. એસ્ટ્રા માઇક્રોવેવ ૧૧ ટકા કે ૧૦૯ રૂપિયાના જમ્પમાં ૧૧૧૪ થયો છે. ડેટા પૅટર્ન્સ નિફ્ટી ખાતે સાડાસાત ટકા, પારસ ડિફેન્સ સવાપાંચ ટકા, મિશ્રધાતુ નિગમ સવાચાર ટકા, સોલર ઇન્ડસ્ટ્રીઝ ૪૭૧ રૂપિયા કે સાડાત્રણ ટકા, ગાર્ડનરિચ પોણાત્રણ ટકા, એમટાર ટેક્નૉલૉજીઝ સવાબે ટકા જોરમાં હતા. સેન્સેક્સ નિફ્ટી ખાતે વધવામાં મોખરે રહેલા અન્ય શૅરમાં પાવરગ્રીડ ૩.૨ ટકા, લાર્સન ૧.૭ ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ દોઢ ટકો, ટાઇટન ૧.૪ ટકા સામેલ છે, ઇન્ફી ફ્લૅટ હતી. TCS તથા રિલાયન્સ ૦.૪ ટકા ઘટ્યા છે.
સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર ૧.૧ ટકા તથા નિફ્ટીમાં મૅક્સ હેલ્થકૅર ચારેક ટકા ગગડી ટૉપલૂઝર બન્યા છે. અન્યમાં કોલ ઇન્ડિયા ૧.૩ ટકા, આઇશર સવા ટકો, મારુતિ સુઝુકી એક ટકો, અલ્ટ્રાટેક પોણો ટકો, ICICI બૅન્ક અડધો ટકો, SBI લાઇફ ૦.૯ ટકા, તાતા કન્ઝ્યુમર તથા HDFC લાઇફ અડધા ટકાથી વધુ નરમ હતા. તાતા મોટર્સનું ગયા માસનું વેચાણ ૪૭ ટકા વધીને આવતાં શૅર પ્રારંભિક સુધારામાં ૭૩૯ વટાવી ગયા પછી ખરડાઈ નીચામાં ૭૧૪ થઈ સામાન્ય ઘટાડે ૭૧૬ બંધ આવ્યો છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સ રિલેટેડ શૅરોમાં ગરમી વધી
ChatGPT કે ઓપન AIનું વૅલ્યુએશન પ્રાઇવેટ ડીલના પગલે ૩૦૦ અબજ ડૉલરથી ઘટીને ૪૯૭ અબજ ડૉલર, કહો કે હાફ ટ્રિલ્યન ડૉલરે પહોંચતાં ઘરઆંગણે પણ AI અને ડેટા સેન્ટર્સથી થીમમાં રંગ પુરવણી જામી છે. ગઈ કાલે ઓરિએન્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૨૫ નજીક બંધ થઈ છે. સાઇબરટેક સિસ્ટમ્સ પાંચ ગણા વૉલ્યુમે ૨૭૫ના શિખરે જઈને પોણાસત્તર ટકા ઊછળીને ૨૭૨ રહી છે. નેટવેબ ટેક્નૉલૉજીઝ બુલરન જાળવી રાખીને ૪૩૮૬ની વિક્રમી સપાટી નોંધાવી છ ટકા કે ૨૪૩ની તેજીમાં ૪૩૦૪ વટાવી ગઈ છે. ફેસવૅલ્યુ બેની છે. બ્લૅક બૉક્સ લિમિટેડ પાચં ટકાની ઉપલી સર્કિટમાં ૫૫૯ તો E2E નેટવર્કસ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૬૮ રૂપિયાનો જમ્પ મારીને ૩૫૩૩ નજીક સરકી છે. AAA ટેક્નૉલૉજીઝ ૧૬ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૫ વટાવી ગઈ હતી.
તાતા ઇન્વેસ્ટમેન્ટ પોણાચાર ગણા કામકાજે ૧૧,૮૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી હેવી પ્રૉફિટ બુકિંગમાં ૯૮૧૪ થઈ છેલ્લે ૫.૪ ટકા કે ૫૬૭ રૂપિયાની ખરાબીમાં ૧૦,૦૧૫ નજીક બંધ આપી એ-ગ્રુમાં ટૉપ લૂઝર હતો. ખોટ કરતી સરકારી કંપની KIOCL (કુદ્રમુખ આયર્ન ઓર) નવ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૨૮ ઉપર નવા બેસ્ટ લેવલે બંધ થયો છે. ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ ૨૮ ગણા કામકાજે ઉપરમાં ૫૭૦૬ બતાવી ૧૯.૫ ટકા કે ૯૨૮ રૂપિયાની છલાંગ લગાડી ૫૬૮૩ રહ્યો છે. સાંઈ સિલ્કસ બિઝનેસ અપડેટ પાછળ ૨૦ ટકાની તેજીમાં ૧૮૬ નજીક બંધ આવ્યો છે. વીમાર્ટ રીટેલ પણ ઊજળા બિઝનેસ આઉટલુકમાં ૧૯૭ ગણાથી વધુના જંગી વૉલ્યુમે ઉપરમાં ૮૬૯ વટાવી છેવટે સાડાસોળ ટકા કે ૧૧૯ના જમ્પમાં ૯૪૪ દેખાયો છે. ગોદાવરી પાવર તરફથી મોટો કૉન્ટ્રૅક્ટ મળતાં જૉન કોકરિલ ઇન્ડિયા ૬૬૦૦ નજીકની ટૉપ બનાવી સાડાછ ટકા કે ૩૯૦ના ઉછાળે ૬૪૨૭ થયો છે.


