Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધમાં ચાલુ રસાકસી વચ્ચે સીઝફાયરના પડીકામાં બજાર ૫૯૦ પૉઇન્ટ ઘટીને ૭૮૭ પૉઇન્ટ પ્લસ થયું

યુદ્ધમાં ચાલુ રસાકસી વચ્ચે સીઝફાયરના પડીકામાં બજાર ૫૯૦ પૉઇન્ટ ઘટીને ૭૮૭ પૉઇન્ટ પ્લસ થયું

Published : 07 April, 2026 09:32 AM | IST | Mumbai
Anil Patel

પેટ્રોલ, ડીઝલ, જેટ-ફ્યુઅલ ઉપર એક્સપોર્ટ-ડ્યુટીના પગલે રિલાયન્સ ગગડ્યો, માર્કેટકૅપ ૩૨,૩૮૫ કરોડ ઘટીને ૧૭.૬૫ કરોડે : રેવન્યુમાં ૨૦ ટકા વધારાના પગલે ટ્રેન્ટ ૨૮૦ રૂપિયાની તેજીમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ધિરાણનીતિ માટે રિઝર્વ બૅન્કની ૩ દિવસની બેઠક શરૂ, બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર વધ્યા
  2. પાવરિકા તથા સાઈ પેરેન્ટરલ્સમાં નવાં બેસ્ટ લેવલ, હાઇનેસ માઇક્રો નવા તળિયે
  3. ઓલા ઇલેક્ટ્રિક સહિતના ઈ-વ્હીકલ્સ શૅર મજબૂત

બક્ષીબાબુની ભાષામાં કહીએ તો નપુંસકને ગુંડાગીરી સૂઝે ત્યારે શરૂ થતી પ્રવૃત્તિ આદરતાં ટ્રમ્પે ૪૮ કલાકની ઈરાનને મોહલત આપી છે. અમેરિકન સમય પ્રમાણે મંગળવારે ૮ વાગ્યા સુધીમાં હોર્મુઝ ખાડી ઈરાન નહીં ખોલે તો પછી જોવા જેવી કરી નાખવાની વારતા માંડી છે. એના જવાબમાં ઈરાને ફક્ત એટલું જ કહ્યું છે કે ચાવી તો ખોવાઈ ગઈ છે. મતલબ કે ખાડી નહીં ખોલાય, થાય એ કરી લો... દરમ્યા રૉઇટર્સે સૂત્રોના હવાલાથી પાકિસ્તાન-ચાઇના તરફથી ઇરાન-અમેરિકા વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાના અહેવાલ વહેતા થયા છે. એના પગલે આગલા બંધથી ૫૯૦ પૉઇન્ટ ઘટીને નીચામાં ૭૨,૭૨૯ની અંદર ગયેલો સેન્સેક્સ ઝડપી બાઉન્સબૅકમાં ઉપરમાં ૭૪,૨૦૭ થઈ ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઉપરમાં ૧૧૨ નજીક જઈને રનિંગમાં પોણા ટકાના ઘટાડે ૧૦૮ ડૉલર જોવાયું છે. બાય ધ વે, બ્રેન્ટક્રૂડના જે ભાવ હાલ ક્વોટ થાય છે એને વાસ્તવિકતા સાથે કશી નિસબત નથી, કેમ કે સ્પૉટમાં એટલે કે ૧૦થી ૩૦ દિવસમાં ડિલિવરી લેવી હોય તો ભાવ ૧૪૧ ડૉલર પ્રમાણે ચૂકવવા પડે છે એમ CNNનું કહેવું છે. એશિયન બજાર સુધારાના વલણમાં હતા. સાઉથ કો​રિયા સવા ટકો, જપાન પોણો ટકો તથા સિંગાપોર અડધો ટકો પ્લસ હતા. સામે ચાઇના, હૉન્ગગકૉન્ગ, થાઇલૅન્ડ તથા તાઇવાન રજામાં હતા. યુરોપ પણ રજામાં હતું. ડાઉ ફ્યુચર સાધારણ સુધારે ૪૬,૬૦૧ ચાલતો હતો. ડૉલર સામે ૯૩.૧૧ના આગલા બંધ સામે રૂપિયો ૯૨.૭૦ બતાવી રનિંગમાં ૯૩.૦૬ ચાલતો હતો.

સેન્સેક્સ આગલા બંધથી ૧૫૮ પૉઇન્ટ પ્લસ ૭૩,૪૭૭ ખૂલ્યા પછી ઘટાડાતરફી ચાલમાં નીચામાં ૭૨,૭૨૯ની અંદર ઊતરી ગયો હતો. સીઝફાયરનો તખતો તૈયાર થઈ રહ્યો હોવાનો તગડો પ્રચાર શરૂ થતાં બજાર બાઉન્સ બૅક થઈને ઉપરમાં ૭૪,૨૦૭ બતાવી ૭૮૭ પૉઇન્ટ ઊંચકાઈને ૭૪,૧૦૬ બંધ થયું છે. નિફ્ટી નીચામાં ૨૨,૫૪૩ થયા બાદ ઉપરમાં ૨૨,૯૯૮ થઈ ૨૫૫ પૉઇન્ટ વધીને ૨૨,૯૬૮ બંધ આવ્યો છે. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૫૧૧ શૅર સામે ૭૪૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫.૧૪ લાખ કરોડ વધીને ૪૨૭.૫૧ લાખ કરોડ થયું છે.



માર્ચ ક્વૉર્ટરની રેવન્યુ ૨૦ ટકા વધ્યાના અહેવાલે ટ્રેન્ટ પાંચ ગણા કામકાજે ઉપરમાં ૩૮૫૯ થઈ ૭.૮ ટકા કે ૨૮૦ રૂપિયાના ઉછાળે ૩૮૩૪ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. ટાઇટન ૩.૬ ટકા, લાર્સન ૩.૧ ટકા, ઇન્ડિગો અઢી ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૯ ટકા, અલ્ટ્રાટેક ૩.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩.૬ ટકા, SBI લાઇફ ૩.૫ ટકા, કોલ ઇન્ડિયા સવાબે ટકા મજબૂત બની છે. HDFC બૅન્ક બજારને ૨૫૯ પૉઇન્ટ, ઍક્સિસ બૅન્ક ૧૧૪ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૯૨ પૉઇન્ટ ફળી છે. રિયલ્ટી ઇન્ડેક્સ સવાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૩ ટકા, પાવર સવા ટકો, યુટિલિટીઝ બે ટકા, ફાઇનૅન્સ ૨.૧ ટકા, બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૩ ટકા વધ્યો હતો. IT ઇન્ડેક્સ ૮૦માંથી ૫૭ શૅરના સુધારા વચ્ચે ૧૭૨ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો હતો. નેલ્કો આઠ ટકા ઊછળીને ૬૦૬ થઈ છે. 


રિલાયન્સ ૧૧ મહિનાના તળિયે જઈને બજારને ૨૬૩ પૉઇન્ટ નડ્યો

સરકાર તરફથી પેટ્રોલ, ડીઝલ તથા જેટ-ફ્યુઅલની નિકાસ ઉપર લીટરદીઠ ૨૧.૫૦થી ૨૯.૫૦ રૂપિયાની એક્સપોર્ટ-ડ્યુટી નાખવામાં આવતાં માર્જિનને માઠી અસર થવાની ભીતિ કામે લાગતાં રિલાયન્સ ગઈ કાલે ૧૨૯૦ની ૧૧ મહિનાની નીચી સપાટી બતાવીને ૩.૪ ટકા ખરડાઈ ૧૩૦૫ બંધમાં બજારને ૨૬૩ પૉઇન્ટ નડ્યો છે. કંપનીનું માર્કેટકૅપ ૬૨,૩૮૫ કરોડ રૂપિયા ગગડીને હવે ૧૭.૬૫ લાખ કરોડે આવી ગયું છે. ગઈ કાલે એનર્જી ઇન્ડેક્સ એક ટકા તથા ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક એક ટકા ડાઉન થયો એમાં પણ રિલાયન્સનો સિંહફાળો હતો. ONGC ૧.૯ ટકા, IOC સાધારણ નરમ, ભારત પેટ્રો સાધારણ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પોણો ટકો પ્લસ હતી. ચેન્નઈ પેટ્રોલિયમ પાંચ ટકા, MRPL ૧.૮ ટકા, એજીસ વોપેક અડધો ટકો, IRM એનર્જી બે ટકા ડાઉન થઈ છે. સામે LPG/CNG/PNG સપ્લાયર કૉન્ફિડન્સ પેટ્રોલિયમ બમણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૭.૬૪ થઈને ત્યાં જ બંધ રહી છે. ઍરસ્પ્લોરેશન કંપની ઍન્ટોપ્લસ સેલાન એનર્જી તેજીની સર્કિટમાં ૬૫૦ વટાવીને ૮ ટકા ઊછળીને ૬૩૮ હતી. પ્રભા એનર્જી ૫.૬ ટકા તો ગુજરાત ગૅસ ૩.૯ ટકા વધી છે.


નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૯માંથી ૧૮ શૅરના સથવારે ૧.૬ ટકા અપ હતો. ભારત ડાયનૅમિક્સ સવાત્રણ ટકા ઘટીને ૧૨૨૪, મિશ્ર ધાતુ નિગમ ૪.૩ ટકા ઊંચકાઈને ૩૦૫, ઍક્સિસ કેડસ બે ટકા વધીને ૧૬૬૩, ડેટા પેટર્ન્સ ૨.૮ ટકા વધીને ૩૧૪૨, તનેજા ઍરોસ્પેસ ૫.૩ ટકા ઊછળીને ૨૫૨, રસેલ ટૅક્સિસ ૩.૬ ટકા વધીને ૭૫૦, અપોલો માઇક્રો ૧.૭ ટકા વધીને ૨૦૦ તથા હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ૧.૮ ટકા વધીને ૩૭૫૧ બંધ રહી છે.

પુણેની સેડમૅક મેક્ટ્રોનિક્સ નવા શિખર સાથે તગડી તેજીમાં

ક્રૂડના વધતા ભાવ ઓલા ઇલેક્ટ્રિકને લાભદાયી નીવડ્યા છે. શૅર સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૩૦.૩૯ની ૭ વીકની ટોચે જઈને ૩ ટકા વધીને ૨૯.૧૨ ગઈ કાલે બંધ થયો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ૩ ગણું હતું. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ સેગમેન્ટમાં પ્રવૃત્ત અન્ય કંપની વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ પણ સતત ત્રીજા દિવસે વધી ઉપરમાં સાડાછ રૂપિયા નજીક જઈને ૪.૪ ટકા ઊંચકાઈ સવાછ થઈ છે. સુપરટેક ઇવી લિમિટેડ  પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૩.૬૫ થઈ ત્યાં જ બંધ હતી. એથર એનર્જી ૭૯૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩ ટકા વધીને ૭૮૫ રહી છે, ફેસવૅલ્યુ એકની છે. TVS મોટર ૩ ટકા વધીને ૩૪૯૧ અને બજાજ ઑટો બે ટકા વધીને ૮૯૩૫ રહી છે. ઇન્ડક્શન સગડી અને કુકર્સ બનાવતી કંપનીઓમાં ટીટીકે પ્રેસ્ટિજ ઉપરમાં ૪૫૮ વટાવીને ૨.૭ ટકા વધી ૪૫૬, બટરફ્લાય ગાંધીમતી ૬૨૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો સુધરીને ૬૧૫ તો સ્ટોવક્રાફટ ઉપરમાં ૪૮૯ બતાવી અઢી ટકા વધીને ૪૮૮ થઈ છે.

તાજેતરમાં લિસ્ટેડ થયેલી પુણેની સેડમૅક મેક્ટ્રોનિક્સ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં કન્ટ્રોલ ઇન્ટેન્સિવ  ઇલેક્ટ્રૉનિક કન્ટ્રોલ યુનિટ્સ (ECU)નું વેચાણ ૬૫ ટકા વધીને ૧૦.૪૩ લાખ નંગ થયું હોવાની જાણ કરાઈ છે. આના પગલે શૅર ગઈ કાલે ૧૭૦૯ ઉપર ઑલટાઇમ હાઈ બનાવી ૯.૮ ટકા કે ૧૪૯ રૂપિયા ઊછળીને ૧૬૭૧ બંધ થયો છે. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ તરફથી જગપ્રકાશ નામનું ઑઇલ ટૅન્કર વસલ્સ વેચાણ કરી દેવાયું હોવાની જાણ કરાઈ છે. શૅર ઉપરમાં ૧૫૦૦ થઈને ૧.૭ ટકા વધીને ૧૪૬૨ બંધ થયો છે. અરબિંદો ફાર્મા દ્વારા શૅરદીઠ મહત્તમ ૧૪૭૫ સુધીના ભાવે આશરે ૫૪.૨૪ લાખ શૅરના બાયબૅક માટેની રેકૉર્ડ ડેટ ૧૭ એપ્રિલ નક્કી કરાઈ છે. શૅર ઉપરમાં ૧૩૫૬ થઈને નહીંવત્ સુધરી ૧૩૩૭ બંધ થયો છે. ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ્સમાં મૉર્ગન સ્ટેનલી દ્વારા ૫૧૮૮ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ ચાલુ થયો છે. શૅર દોઢા કામકાજે ૪૫૬૦ વટાવીને ૪.૪ ટકા ઊછળી ૪૫૫૧ બંધ આવ્યો છે.

સારા બજારમાં અમીરચંદ ૧૦ ટકાના ગાબડામાં નવા તળિયે

લખનઉની સેફ્ટી કન્ટ્રોલ ઍન્ડ ડિવાઇસિસ ગઈ કાલે ૧૦ના શૅરદીઠ ૮૦ની અપરબૅન્ડમાં કુલ ૪૮ કરોડનો BSE SME IPO લઈને મૂડીબજારમાં પ્રવેશી છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં ૪૨ ટકા સહિત કુલ ૩૧ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. રાજસ્થાનના જયપુરની એમિયાક ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડમાં ૩૨ કરોડનો BSE SME ઇશ્યુ લઈને છેક ૨૭ માર્ચથી મૂડીબજારમાં આવેલી છે. ભરણું આઠમીએ બંધ થવાનું છે. ઇશ્યુ અત્યાર સુધીમાં રીટેલમાં ૯૫ ટકા સહિત કુલ એકાદગણો ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ પહેલેથી ઝીરો છે. નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેકનો SME IPO આજે મંગળવારે લિસ્ટેડ થશે. ૧૦ના શૅરદીઠ ૫૫૫ રૂપિયાની ભારેખમ ઇશ્યુ પ્રાઇસવાળું કુલ ૧૩૧ કરોડનું આ ભરણું રીટેલમાં ફક્ત ૩૬ ટકા સહિત કુલ ૧૦૬ ટકા ભરાયું હતું. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ હોવા છતાં અહીં પહેલેથી પ્રીમિયમ નથી.

દરમ્યાન સવા ટકાની લિસ્ટિંગ લૉસમાં ગુરુવારે ૩૯૦ બંધ રહેલી મુંબઈના નરીમાન પૉઇન્ટની પાવરિકા લિમિટેડ ગઈ કાલે ૩૯૮ ઉપર નવી ટોચે જઈને પોણાબે ટકા વધીને ૩૯૭ રહી છે. જ્યારે પોણાચારેક ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૪૦૬ બંધ થયેલી હૈદરાબાદી સાઈ પેરેન્ટરલ્સ ૪૨૪ના શિખરે જઈને નજીવા ઘટાડે ૪૦૬ હતી. સવાસત્તર ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૭૫ બંધ થયેલી નવી દિલ્હીની અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સ ગઈ કાલે ૧૫૮ના વર્સ્ટ લેવલે જઈ ૧૦ ટકા તૂટીને ૧૫૮ બંધ આવી છે. આઠેક ટકા લિસ્ટિંગ ગેઇન આપનાર મુંબઈના અંધેરીની હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રૉનિક ૧૨૯ના બંધ સામે ગઈ કાલે ૧૨૩ની નીચી સપાટીએ જઈને પાંચ ટકા તૂટી ૧૨૩ રહી છે.

પાંચ બૅન્કોની મજબૂતીથી સેન્સેક્સને ૫૨૬ પૉઇન્ટ ફાયદો

નવા નાણાવર્ષમાં રિઝર્વ બૅન્કની પ્રથમ ધિરાણનીતિ માટે ૩ દિવસની બેઠક ગઈ કાલથી શરૂ થઈ છે. એનું આઉટકમ આઠમીએ જાહેર થશે. વ્યાજદરમાં ઘટાડાને આ વેળા કોઈ અવકાશ નથી, પરંતુ હાલના કપરા આર્થિક સંજોગોને લઇ રિઝર્વ બૅન્ક શું આકલન આપે છે એના ઉપર સૌની નજર છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅર પ્લસમાં આપી ૧૦૬૦ પૉઇન્ટ કે ૨.૧ ટકા વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના વધારા સાથે ૨.૩ ટકા વધ્યો છે. બૅ​ન્કિંગના કુલ ૪૧ શૅરમાંથી ૩૯ શૅર ગઈ કાલે વધ્યા હતા. આરબીએલ બૅન્ક ૯ ગણા કામકાજે ઉપરમાં ૩૨૦ બતાવી પોણાછ ટકા વધીને ૩૧૮ બંધ થઈ છે. અન્યમાં સૂર્યોદય બૅન્ક ૪.૭ ટકા, જના સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૩.૧ ટકા, બંધન બૅન્ક સાડાચાર ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૮ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪ ટકા પ્લસ હતી. સેન્સેક્સ ખાતે ઍ​ક્સિસ બૅન્ક ૪ ટકા ઊછળીને ૧૨૪૫, HDFC બૅન્ક ૨.૭ ટકા વધીને ૭૭૧, ICICI બૅન્ક સવા ટકાના વધારે ૧૨૩૧, સ્ટેટ બૅન્ક ૧.૩ ટકાના વધારામાં ૧૦૩૩ તથા કોટક બૅન્ક ૦.૭ ટકા વધીને ૩૬૦ રહી છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક તથા IDBI બૅન્ક પોણો ટકો પ્લસ હતી. કરુર વૈશ્ય બૅન્ક ૧.૪ ટકા ઘટીને ૨૬૯ હતી.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૨૩૯ પૉઇન્ટ જેવો કે બે ટકા હતો. એના ૧૯૦માંથી ૧૬૦ શૅર પ્લસ થયા હતા. સ્ટાર હેલ્થ ૫૦ ટકા કામકાજે નીચામાં ૪૫૧ થઈને અડધો ટકો ઘટીને ૪૬૬ રહી છે. રેલિગેર એન્ટરપ્રાઇઝ ૨.૭ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ ૧.૪ ટકા, કેનફિન હોમ્સ સવા ટકો, પિરામલ ફાઇનૅન્સ અઢી ટકા ઘટી છે. એનર્જી એક્સચેન્જ ૫.૬ ટકાની મજબૂતીમાં ૧૨૬ થઈ છે. એમસીએક્સ ૪.૫ ટકા ઊંચકાઈને ૨૯૮૨ હતી. HDB ફાઇનૅન્સ ૫૬૭ના ઑલટાઇમ તળિયે જઈને દોઢ ટકો વધીને ૫૮૮ હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 09:32 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK