ભારત વપરાશ આધારિત અર્થતંત્ર હોવાથી તાજેતરનાં ટૅરિફયુદ્ધની એના પર બહુ અસર થશે નહીં
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારની અત્યારની ચાલ સમજાય છે? ક્યાંથી સમજાય? જ્યારે બજાર ઘટવું જોઈએ ત્યારે વધે છે. માની લઈએ કે બજાર ભલે બહુ ઘટે નહીં, પણ બહુ વધે કેમ છે એ સમજવામાં પણ મૂંઝવણ થાય એવું બની રહ્યું છે. રોકાણકારો-ખેલાડીઓને બજાર વધે છે એનો આનંદ થવા કરતાં આશ્ચર્ય વધુ છે, કારણ કે આવા સંજોગોમાં અચાનક તૂટવાનું જોખમ અને નવું ખરીદવાની શંકા વધતી હોવાથી સમજીને આગળ વધવું, તેજી સમજી તણાઈ જવું નહીં. હા, ટ્રમ્પ પર સતત નજર રાખવી
વીતેલા સપ્તાહની ઝલક જોઈએ તો શૅરબજારે સોમવારે રજા પાળ્યા બાદ મંગળવારે જબ્બર ઉછાળો દર્શાવ્યો હતો, બુધવારે પણ રિકવરીનો દોર આગળ વધાર્યો હતો. ગુરુવારે ફરી ચમત્કાર થયો હોય એમ સાધારણ ચાલવાળું બજાર અચાનક ૧૫૦૦ પૉઇન્ટનો ઉછાળો મારી બંધ રહ્યું હતું, જેમાં નિફ્ટીએ ૪૦૦ પૉઇન્ટનો હાઈ જમ્પ માર્યો હતો. બજારમાં આશ્રર્ય એ વાતનું હતું કે આટલો મોટો ઉછાળો કઈ ખુશીમાં આવ્યો? કયા સમાચાર કામ કરી ગયા કે કયાં તત્ત્વો રમત રમી રહ્યાં છે? આટલા મોટા ઉછાળા માટે બજાર પાસે કોઈ પરિબળ કે કારણ છે જ નહીં, તો પછી બજાર આમ વધે છે શા માટે? શુક્રવારે બજાર બંધ રહ્યું હોવાથી સપ્તાહમાં માર્કેટ સુધારા સાથે જાણે તેજીમય ટોનમાં આવી ગયું હોય એવો તાલ બતાવી ગયું હતું. સેન્સેક્સ ૭૮,૫૦૦ની ઉપર અને નિફ્ટી ૨૩,૮૦૦ ઉપર બંધ રહ્યા હતા, આ એક ફાસ્ટેસ્ટ રિકવરી ગણાય. હવે નવા સપ્તાહમાં નફો બુક થાય છે કે નવી ખરીદી ચાલુ રહે છે એના વિશે હાલ અવઢવ છે. અલબત્ત, નજર ટ્રમ્પ પર જ રહેવાની છે અને રાખવી પણ પડશે.
ADVERTISEMENT
ભારતીય અર્થતંત્ર સામે મોટું સંકટ નહીં
નિષ્ણાતોના મતમાં તથ્ય લાગે છે, તેમના મત મુજબ ભારત વપરાશ આધારિત અર્થતંત્ર હોવાથી તાજેતરનાં ટૅરિફયુદ્ધની એના પર બહુ અસર થશે નહીં. વધુમાં અમેરિકા ભારતને યુકે, જપાન અને સાઉથ કોરિયાની જેમ પોતાનું મુખ્ય વેપાર-પાર્ટનર માને છે. જેથી આ દેશો સાથે વેપાર બાબતે એ અગ્રતા રાખવાની આશા છે. આમ પણ ભારતે સતત ચોથા વર્ષે વધુ વેપાર કર્યો છે. આ ઉપરાંત અમેરિકા-ચીન વેપાર ટૅરિફ-યુદ્ધને પરિણામે પણ ભારતને લાભ થવાની શક્યતા ઊંચી છે. જાણકારો માને છે કે આ વખતની રૅલી યા રિકવરી લાંબા ગાળાની બની શકે, એ માત્ર શૉર્ટ ટર્મ નહીં રહે, કારણ કે લાર્જ કૅપ સ્ટૉક્સ પર વધુ ફોકસ થઈ રહ્યું છે. બૅન્ક-સ્ટૉક્સ પણ બુલિશ મૂડમાં છે. છેલ્લા ઘણા સમયથી સતત નેટ સેલર્સ રહેલા ફૉરેન ઇન્વેસ્ટર્સ ખરીદીમાં સક્રિય બની રહ્યા છે.
અમેરિકા-ભારત વાટાઘાટ પર નજર
દરમ્યાન ભારત-અમેરિકા વેપાર-વાતચીત કે વાટાઘાટ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. મે મહિનામાં આ વાટાઘાટ પર્સનલ ધોરણે થવાની આશા છે. અત્યારે ભારતમાંથી નિકાસ બાબતે અમેરિકામાં થતી એક્સપોર્ટ સૌથી ઊંચી ગણાય છે. આ માહોલમાં ભારત અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર-કરાર વહેલી તકે ફાઇનલ કરવા માગે છે, જેથી સંભવત: અનિશ્ચિતતા વહેલી દૂર થઈ શકે. જોકે હાલ તો ત્રણ મહિનાનો પોઝ-પિરિયડ હોવાથી સંજોગો અધ્ધર રહેશે અને ત્યાં સુધી માર્કેટ અને ઇકૉનૉમી પણ અધ્ધર રહે એ સહજ છે. આવા સંજોગોમાં માર્કેટ માટે કોઈ પણ દિશા નક્કી કરવાનું કઠિન બનશે. હા, ભારતીય ઇકૉનૉમી માટે પૉઝિટિવ પરિણામની આશા ઊંચી છે.
અમેરિકાની ઇકૉનૉમી હજી મજબૂત : ફેડરલ રિઝર્વ
ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલે તાજેતરમાં કરેલા નિવેદનને પણ સમજવું જોઈશે. તેમણે કહ્યું છે કે ફેડ અત્યારે વ્યાજદર બાબતે કોઈ પગલું ભરશે નહીં. એ પહેલાં ટ્રમ્પનાં ટૅરિફ તથા આર્થિક નીતિઓનાં પગલાંઓની અસર જોવાનું રાખશે. હાલ ફેડ બહેતર સ્થિતિમાં છે જેથી એણે કોઈ કદમ ભરતાં પહેલાં સિચુએશનની ક્લૅરિટી જાણવી-સમજવી જરૂરી છે. પૉવેલે કહ્યું હતું કે ‘અમેરિકા ઇકૉનૉમી હજી મજબૂત સ્થિતિમાં છે. ગ્રોથ ધીમો પડ્યો છે એ ખરું, પરંતુ ટૅરિફ-યુદ્ધને ધ્યાનમાં રાખીને શૅરબજારો ડામાડોળ ફીલ કરી રહ્યાં છે, આ સંજોગોમાં ફેડરલ માટે પણ વેઇટ ઍન્ડ વૉચ કરવું આવશ્યક બને છે.’
મૉર્ગન સ્ટૅનલી ભારત માટે શું માને છે?
વૈશ્વિક બ્રોકરેજ હાઉસ મૉર્ગન સ્ટૅનલીના અભ્યાસ મુજબ ટૅરિફની વર્તમાન ગ્લોબલ સમસ્યાને લીધે ભારતના ગ્રોથને અને કૉર્પોરેટ અર્નિંગ્સને અસર થશે, જેને ધ્યાનમાં રાખી એણે સેન્સેક્સનો ટાર્ગેટ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અગાઉ ૯૩,૦૦૦ મૂક્યો હતો એ હવે ઘટાડીને ૮૨,૦૦૦ કર્યો છે. એણે ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP)ના દરની ધારણા પણ ઘટાડીને ૬.૫ ટકા સામે ૬.૩ ટકા કરી છે.
જેનસોલના કૌભાંડનો કિસ્સો ચેતવણી સમાન
અત્યારના અનિશ્ચિતતાવાળા સંજોગોમાં પણ મૂડીબજારમાં કેવા-કેવા ગોટાળા અને છેતરપિંડીના કિસ્સા બને છે એનું તાજું ઉદાહરણ જેનસોલ એન્જિનિયરિંગ છે, જેને જાહેર ક્ષેત્રની પાવર ફાઇનૅન્સ કંપની અને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેવાં સાહસોએ બહુ મોટું ભંડોળ ધિરાણમાં આપ્યું હતું. જેનસોલે આ ફન્ડનો દુરુપયોગ કર્યો હોવાનું અને અન્યત્ર ડાઇવર્ટ કરી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. SEBIએ આ કેસની તપાસ કરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે, જયારે ધિરાણકર્તા કંપનીઓ પણ કાનૂની કદમ લેવા માંડી છે. આ કંપનીના શૅરના ભાવ પણ તૂટ્યા છે અને હવે એ પાછા નહીં ફરે એ મુજબ તૂટ્યા છે. આ કેસ રીતસરનું એક કૌભાંડ જ છે. રસપ્રદ-ચર્ચાસ્પદ વાત એ છે કે આ કંપનીમાં મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પાદુકોણે પણ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બાકી હજારો લોકોનાં રોકાણનું પણ નાહી નાખવાનું આવશે. આ લેટેસ્ટ કિસ્સો રોકાણકારો માટે એક ચેતવણી સમાન છે, કારણ કે બોગસ અને લેભાગુઓનાં કારનામાં ચાલુ જ છે. લોકોએ રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે. આગામી દિવસોમાં તેજીનો માહોલ ચાલુ રહ્યો તો ઘણી નવી કંપનીઓ IPO-પબ્લિક ઇશ્યુ સાથે આગળ આવવાની કતારમાં છે, જેની સામે પણ લાલબત્તી ધરતી આ ઘટના કહી શકાય.
વિશેષ ટિપ
મોટા ભાગના રોકાણકારો શૅરબજારમાં નાણાં ગુમાવતા હોવાનું કારણ એ છે કે તેઓ ગાડરિયા પ્રવાહમાં ભળીને નિર્ણય લે છે. તેમના નિર્ણય ઇમોશન્સ આધારિત હોય છે, જ્યારે કે લોકોએ માર્કેટ અને ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ પર જ વધુ જોર આપવું જોઈએ. હાલનો સમય પણ ફન્ડામેન્ટલ્સ પર ધ્યાન આપવાનો છે.

