Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દિવાળીનું સેલિબ્રેશન હવે શરૂ થવામાં છે, તમે પરિવારનું સ્માર્ટ ફેસ્ટિવ-બજેટ બનાવ્યું કે નહીં?

દિવાળીનું સેલિબ્રેશન હવે શરૂ થવામાં છે, તમે પરિવારનું સ્માર્ટ ફેસ્ટિવ-બજેટ બનાવ્યું કે નહીં?

Published : 28 October, 2026 02:53 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

બજેટ એટલે શોખ પર કાપ નહીં, સ્માર્ટ પ્લાનિંગ. કપડાં, સજાવટ, નાસ્તાથી લઈને ગિફ્ટિંગમાં આખો પરિવાર સાથે મળીને ખિસ્સાંને પોસાય એવું પર્ફેક્ટ આયોજન કરશે તો ઉત્સવનો આનંદ પણ બેવડાઈ જશે

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)


તહેવારની ખરી મજા ત્યારે જ આવે જ્યારે ઉત્સવ પત્યા પછી ક્રેડિટ કાર્ડનાં બિલ કે ખાલી બૅલૅન્સ જોઈને ટેન્શન ન થાય. બજેટ એટલે શોખ પર કાપ નહીં, સ્માર્ટ પ્લાનિંગ. કપડાં, સજાવટ, નાસ્તાથી લઈને ગિફ્ટિંગમાં આખો પરિવાર સાથે મળીને ખિસ્સાંને પોસાય એવું પર્ફેક્ટ આયોજન કરશે તો ઉત્સવનો આનંદ પણ બેવડાઈ જશે

દિવાળી કે કોઈ પણ મોટો તહેવાર નજીક આવે એટલે વાતાવરણમાં એક અનોખો ઉત્સાહ અને હળવાશ ભળી જાય છે. ઘરોમાં સાફસફાઈ અને રંગકામ શરૂ થાય, બજારો રોશનીથી ઝળહળી ઊઠે અને દુકાનો પર જાતજાતના ડિસ્કાઉન્ટનાં બોર્ડ લાગી જાય. જોકે આ હરખ અને ઉમંગની પાછળ-પાછળ એક છૂપો તનાવ પણ ધીમા પગલે પ્રવેશે છે. એ છે વધતા જતા ખર્ચાને પહોંચી વળવાની ચિંતા. તહેવાર આવતાં જ ખિસ્સામાંથી પૈસા ક્યાં સરકી જાય છે એનો અંદાજ પણ નથી રહેતો. નવાં કપડાં, ઘરની સજાવટ, જાતજાતના નાસ્તા અને મીઠાઈઓ, ફટાકડા, ગિફ્ટ્સ અને બહાર જમવાના પ્લાનિંગ વચ્ચે ક્યારેક બજેટ વેરવિખેર થઈ જાય છે. તમારી પાસે અઢળક પૈસા હોય કે પછી લિમિટેડ બજેટ, તહેવારનો સાચો આનંદ ત્યારે જ મળે જ્યારે ઉત્સવ પૂરો થયા પછી ક્રેડિટ કાર્ડનાં બિલ કે ખાલી થયેલું બૅન્ક-બૅલૅન્સ જોઈને અફસોસ ન થાય. આ માટે સૌથી જરૂરી પગલું છે આખા પરિવારે સાથે બેસીને બનાવેલું પ્રૅક્ટિકલ અને પર્ફેક્ટ ફેસ્ટિવલ બજેટ.



બજેટ એટલે કાપકૂપ નહીં, જરૂરિયાત મુજબનું પ્લાનિંગ
બજેટ બનાવવાનો સાચો મતલબ શું છે અને તહેવારમાં એ કેમ જરૂરી બને છે એ સમજાવતાં શાહ ઇન્વેસ્ટમેન્ટ્સના પાર્ટનર આકાશ શાહ કહે છે, ‘ઘરમાં બજેટ શબ્દ બોલાય એટલે તરત બધાને એમ લાગે કે કોઈના શોખ પર કાતર ફરશે કે મોજમસ્તી અટકી જશે. જોકે સાચું કહીએ તો બજેટ કોઈ રોકટોક નથી, પૈસાને યોગ્ય જગ્યાએ વાપરવાનો સ્માર્ટ પ્લાન છે. આપણી પાસે પૈસા મર્યાદિત છે પણ ઇચ્છાઓ અગણિત છે એટલે ઓછાં સાધનો અને લિમિટેડ પૈસામાં પણ વધુમાં વધુ ખુશી કેવી રીતે મેળવવી એ જ બજેટનો અસલી મતલબ છે. સામાન્ય દિવસોમાં આપણે દરેક ખર્ચ વિચાર કરીને કરતા હોઈએ છીએ, પણ તહેવાર આવતાં જ ફેસ્ટિવ મોડમાં આવી જઈએ છીએ. હરખમાં અને ઉત્સાહમાં આવીને હાથ છૂટો થઈ જાય છે અને આડેધડ ખરીદી થઈ જાય છે. એવામાં જો પહેલેથી બજેટ નક્કી કરેલું હોય તો આ બેફામ ખર્ચા પર એક હળવી બ્રેક લાગે છે અને પાછળથી પસ્તાવાનો વારો નથી આવતો.’


બધા ફૅમિલી મેમ્બર્સનું ઇન્વૉલ્વમેન્ટ જરૂરી
તહેવાર એ કોઈ એક વ્યક્તિનો નહીં પણ આખા ઘરનો ઉત્સવ છે એટલે એનું પ્લાનિંગ પણ બધાએ સાથે મળીને કરવું જોઈએ. બજેટ બનાવતી વખતે ફૅમિલીના બધા સભ્યોને એમાં ઇન્વૉલ્વ કરવા કેમ જરૂરી છે એ વિશે વાત કરતાં આકાશ શાહ કહે છે, ‘દરેક ઘરમાં ફૅમિલી મેમ્બર્સની પસંદગી અલગ-અલગ હોય છે. પરિવારમાં યુવાનો કે બાળકોને કદાચ ફટાકડા ફોડવામાં કે લેટેસ્ટ ફૅશનનાં કપડાં લેવામાં રસ હોય; વડીલોને પૂજાપાઠ, પરંપરાગત વસ્ત્રો અને સગાંવહાલાંને આપવાની ભેટમાં રસ હોય; જ્યારે ખાણી-પીણીના શોખીનોને અવનવા નાસ્તા અને રેસ્ટોરાંમાં જમવામાં રસ હોય. જો ઘરમાં કોઈ એક જ વ્યક્તિ - સામાન્ય રીતે ઘરના વડીલ - પોતાની જાતે જ બધું નક્કી કરી લે તો બાકીના મેમ્બર્સને એમ લાગે કે તેમની ખુશીનું કોઈ મહત્ત્વ જ નથી. બીજી બાજુ જો કોઈ પ્લાનિંગ જ ન હોય તો છેલ્લી ઘડીએ ધડાધડ થતી ખરીદી આખા મહિનાનું બજેટ વેરવિખેર કરી નાખે છે. આખો પરિવાર જ્યારે સાથે બેસીને પ્લાન કરે છે ત્યારે જવાબદારી વહેંચાઈ જાય છે અને દરેકને લાગે છે કે આ તહેવાર તેમનો પોતાનો છે.’

સંતાનોને બજેટિંગ શીખવવાનો બેસ્ટ મોકો


તહેવારનું પ્લાનિંગ એ બાળકોને પૈસાની ખરી કિંમત સમજાવવાનો સૌથી સારો અને પ્રૅક્ટિકલ રસ્તો છે. બાળકોમાં ફાઇનૅન્શિયલ સમજ કેળવવાનો એક સરળ રસ્તો બતાવતાં આકાશ શાહ કહે છે, ‘આપણે દિવાળીના બજેટ-પ્લાનિંગમાં સંતાનોને સાથે રાખીએ તો ભવિષ્યમાં તેઓ ‘જરૂરિયાત અને મોજશોખ’ વચ્ચેનો ફરક આપોઆપ શીખી જશે. તેમને અલગથી કોઈ લેક્ચર આપવાની જરૂર નહીં પડે, કારણ કે દિવાળીનું બજેટ બનાવતી વખતે તેઓ આ વાત પ્રૅક્ટિકલી અનુભવી રહ્યાં છે. તમે સંતાનો માટે ભલે પાંચ કરોડ કે દસ કરોડ રૂપિયા મૂકીને જાઓ, પણ જો તેમનામાં પૈસા વાપરવાની અને સાચવવાની આવી સમજણ નહીં હોય તો ગમે એટલા પૈસા પણ ઓછા જ પડશે. એને બદલે જો બાળકો એ શીખી જાય કે બજેટમાં રહીને પણ સરસ પ્લાનિંગ સાથે પૂરી મજા માણી શકાય છે તો આપણે તેમને જિંદગીભર કામ લાગે એવો ફાઇનૅન્સનો સૌથી મોટો પાઠ ભણાવી રહ્યા છીએ.’

સાચો આનંદ સંબંધોમાં છે, દેખાડામાં નહીં
તહેવારનો અસલી મતલબ છે પરિવારનો સાથ, એકબીજા પ્રત્યેનો પ્રેમ અને ઘરમાં નવી ઊર્જા. એ વાત હંમેશાં યાદ રાખવા જેવી છે કે ઘરના દીવા કેટલા મોંઘા છે કે રંગોળી કેટલી મોટી છે એનાથી તહેવાર સારો નથી બનતો, ઘરમાં રહેલા લોકોના ચહેરા પર કેટલું હાસ્ય અને શાંતિ છે એનાથી તહેવારની ખરી રોનક દેખાય છે. જ્યારે ખર્ચાનું પ્લાનિંગ પહેલેથી જ ક્લિયર હોય ત્યારે તહેવાર પૂરો થયા પછી કોઈ ટેન્શન કે અફસોસ નથી રહેતો. પરિવારના દરેક સભ્યને સંતોષ રહે છે કે તેમની ખુશીનું પણ ધ્યાન રખાયું અને ઘરનું બજેટ પણ સચવાઈ રહ્યું.

છેલ્લી ઘડીના નકામા ખર્ચાથી કેવી રીતે બચવું?
તહેવારના બજેટમાં સૌથી મોટું નુકસાન છેલ્લી ઘડીની ખરીદી કરાવે છે. જ્યારે આપણે ઉતાવળમાં બજારમાં નીકળીએ છીએ ત્યારે ભાવ પૂછવાનો કે સરખાવવાનો સમય નથી રહેતો અને ન જોઈતી ઘણીબધી વસ્તુઓ પણ થેલીમાં આવી જાય છે. છેલ્લી ઘડીમાં આવું ઇમ્પલ્સ બાઇંગ અટકાવવા માટે આકાશ શાહ કેટલીક સ્માર્ટ ટિપ્સ આપે છે. 
 લિસ્ટ બનાવીને જ માર્કેટમાં જાઓ : જે સામાનની ખરેખર જરૂર હોય એનું લિસ્ટ પહેલેથી બનાવી લો. લિસ્ટ વગર ક્યારેય મૉલ કે માર્કેટમાં જવાની ભૂલ ન કરો.
 રોકડ કે અલગ UPI લિમિટ રાખો : ક્રેડિટ કાર્ડ આડેધડ સ્વાઇપ કરવાને બદલે શૉપિંગ માટે અલગ રાખેલી કૅશ અથવા ચોક્કસ રકમવાળું UPI વૉલેટ વાપરો, જેથી પૈસા 
પતવા આવે ત્યારે તરત જ ખ્યાલ આવી જાય.
 સેલ અને ઑફર્સની જાળથી સાવધ રહો : એક પર એક ફ્રી કે ૫૦ ટકા ઑફ જોઈને જરૂર ન હોય એવી વસ્તુ ખરીદવી એ બચત નથી પણ નુકસાન છે. જરૂર વગરની સસ્તી ચીજ પણ આખરે નકામો ખર્ચ જ સાબિત થાય છે.

ફેસ્ટિવલ-બજેટ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

તહેવારનું બજેટ બનાવવા માટે કોઈ જટિલ ફાઇનૅન્શિયલ ગણતરીઓની જરૂર નથી હોતી. બસ, કેટલીક વ્યવહારુ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. આને લઈને આકાશ શાહ કેટલાંક પ્રૅક્ટિકલ સ્ટેપ્સ સમજાવે છે. 
૧. ટોટલ કૅપ નક્કી કરો
સૌથી પહેલાં એ નક્કી કરી લો કે આ તહેવારમાં કુલ કેટલા રૂપિયા વાપરવા છે, જેથી ખિસ્સાં પર ભાર ન પડે. આ રકમ તમારા રેગ્યુલર સેવિંગ્સ કે ઇમર્જન્સી ફન્ડમાંથી ન હોવી જોઈએ. જો તહેવાર માટે પહેલેથી જ દર મહિને થોડા પૈસા અલગ રાખ્યા હોય તો બસ એ જ વાપરો. એક વાર ટોટલ રકમ નક્કી થઈ જાય પછી એના પર ટકી રહેવું એ પહેલો નિયમ છે.
૨. કૅટેગરાઇઝેશન
કુલ બજેટ નક્કી થઈ ગયા પછી એને મુખ્ય પાંચ-છ ભાગમાં વહેંચી દો.
કપડાં અને લુક : પરિવાર માટે નવાં કપડાં, ફુટવેઅર અને સલૂન કે પાર્લરનો ખર્ચ.
ઘરની સજાવટ અને લાઇટિંગ : 
તોરણ, દીવા, રંગોળી, પડદા કે ઘરનો અન્ય ડેકોરેશનનો સામાન.
ખાણી-પીણી અને નાસ્તા : ઘરમાં બનતા પરંપરાગત નાસ્તા, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ અને બહાર હોટેલિંગનો ખર્ચ.
ગિફ્ટિંગ અને બોનસ : સગાંવહાલાં અને મિત્રો માટે ભેટ તેમ જ હાઉસહેલ્પ અને સ્ટાફ માટે દિવાળીનું બોનસ.
મનોરંજન અને ફટાકડા : ફટાકડા, મૂવી કે તહેવારની રજાઓમાં બહાર આઉટિંગ/પિકનિકનો ખર્ચ.
ઇમર્જન્સી બફર : કુલ બજેટના પાંચથી ૧૦ ટકા રકમ અણધાર્યા કે છેલ્લી ઘડીના ખર્ચા માટે અલગ જ મૂકી રાખો.
૩. પરિવારનું વિશ-લિસ્ટ મગાવો
પરિવારના દરેક મેમ્બરને પૂછો કે આ તહેવારમાં તેમના માટે સૌથી વધુ મહત્ત્વનું શું છે. કોઈને બ્રૅન્ડેડ કુરતો લેવાનો શોખ હોય તો કોઈને પોતાની ફેવરિટ સ્વીટ ખાવી હોય. બધાની એકાદ-બે મેઇન ઇચ્છા જાણીને એને લિસ્ટમાં પહેલાં રાખો, જેથી કોઈને એમ ન લાગે કે તેમની ખુશી સાઇડમાં રહી ગઈ.

પરિવારની ખુશી અને સ્માર્ટ બચત
બજેટ સાચવવાના ચક્કરમાં તહેવારની મજા જરાય ઓછી ન થવી જોઈએ. થોડા સ્માર્ટ અને ક્રીએટિવ આઇડિયા અપનાવીને ખર્ચ પણ ઘટાડી શકાય અને તહેવારનો આનંદ પણ વધારી શકાય.
કપડાં અને ફૅશનમાં સ્માર્ટનેસ : દર તહેવારે માથાથી પગ સુધી બધું નવું જ ખરીદવું પડે એવો કોઈ નિયમ નથી. જૂનાં ટ્રેડિશનલ આઉટફિટ્સને નવા અંદાજમાં મિક્સ ઍન્ડ મૅચ કરીને પહેરી શકાય. મમ્મીની જૂની સુંદર સિલ્ક કે બાંધણી સાડીમાંથી દીકરી માટે સરસ કુરતી, અનારકલી કે લેહંગો તૈયાર કરાવી શકાય. સાદા કુરતા પર કોઈ સારો સ્ટેટમેન્ટ દુપટ્ટો, જૅકેટ કે ટ્રેન્ડી જ્વેલરી ઉમેરીને એને એકદમ નવો ફેસ્ટિવ લુક આપી શકાય. આનાથી નવાં કપડાં પાછળ થતો મોટો ખર્ચ બચે છે અને એક યુનિક સ્ટાઇલ પણ મળે છે.
ઘરની સજાવટમાં DIY અને ફૅમિલી ટાઇમ : બજારમાંથી મોંઘી પ્લાસ્ટિકની કે ચાઇનીઝ સજાવટ લાવવાને બદલે ઘરમાં જ હાથબનાવટનું ડેકોરેશન કરો. કુંભાર પાસેથી સાદાં માટીનાં કોડિયાં લાવીને ઘરનાં બાળકો અને વડીલો સાથે મળીને એને ઍક્રિલિક કલર્સથી રંગી શકો છે. જૂની બંગડીઓ કે ઊનમાંથી તોરણ બનાવી શકાય. આનાથી બાળકોમાં ક્રીએટિવિટી વધશે, આખો પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે અને ઘરની સજાવટમાં એક અંગત લાગણી ઉમેરાશે.
નાસ્તા અને મીઠાઈ : ટેસ્ટ અને ક્વૉલિટી : બહારથી તૈયાર આવતી મોંઘી અને ઘણી વાર ભેળસેળવાળી મીઠાઈઓ કરતાં ઘરમાં જ બનતાં મઠિયાં, ચોળાફળી, ઘૂઘરા કે સુખડી હેલ્થ અને ખિસ્સાં બન્ને માટે બેસ્ટ છે. જો દોડધામને કારણે બહારથી ખરીદવું જ પડે તો જથ્થા કરતાં ક્વૉલિટી પર ધ્યાન આપો. ઘણી વાર ઉત્સાહમાં આવીને વધારે પડતો નાસ્તો ખરીદી લેવાય છે, જે તહેવાર પૂરો થયા પછી બગડે છે અને ફેંકવો પડે છે. એટલે જરૂર પૂરતું જ ખરીદવું સમજદારી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 02:53 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK