એફઆઇઆઇનો ઇન્ડિયન માર્કેટમાં રસ વધ્યો, મે મહિનામાં અત્યાર સુધી ૯૬૦૦ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ડૉલર સામે રૂપિયો નબળો પડીને ૮૨ને પાર : તાતા મોટર્સ ૧૫ મહિનાના શિખરે : ઑટો-એફએમસીજી ઇન્ડેક્સ ઇન્ટ્રાડે બાવન સપ્તાહની ટોચે : નિફ્ટી પીએસયુ બૅન્ક ઉપલા સ્તરેથી ૩.૭ ટકા ડાઉન : આઇટીસીને લીધે સેન્સેક્સને ૫૮ પૉઇન્ટ્સનો ફટકો : તાજેતરની અસાધારણ તેજી બાદ રેલવે સ્ટૉક્સમાં કરેક્શન : એફઆઇઆઇનો ઇન્ડિયન માર્કેટમાં રસ વધ્યો, મે મહિનામાં અત્યાર સુધી ૯૬૦૦ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી
સોમવારે અમેરિકન માર્કેટમાં કોઈ પણ પૉઝિટિવ અથવા તો નેગેટિવ ટ્રિગરના અભાવે સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. આજે રાત્રે મોંઘવારીના આંકડાની થનારી જાહેરાત અગાઉ યુએસ માર્કેટ કન્સોલિડેશનના મૂડમાં હતા. સંપૂર્ણ સેશન દરમ્યાન ડાઉ જોન્સ માંડ ૨૫૦ પૉઇન્ટ્સની રેન્જમાં રહીને છેવટે ૫૫ પૉઇન્ટ્સ ઘટ્યો હતો. નૅસ્ડેક અને એસઍન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ નજીવા સુધારા સાથે બંધ થયા હતા. તાજેતરમાં ફોકસમાં રહેલી નાની યુએસ બૅન્ક પેકવેસ્ટના કાઉન્ટરમાં ભારે વૉલેટિલિટી નોંધાઈ હતી. એશિયાસ્થિત જપાનનો નિક્કી ૧ ટકાના (૨૯૨ પૉઇન્ટ્સ) ઉછાળા સાથે ક્લોઝ થયો હતો, જ્યારે હૅન્ગસેંગ ૪૩૦ પૉઇન્ટ્સ કટ થયો હતો. તાઇવાન અને કોસ્પી લગભગ ફ્લૅટ ક્લોઝ થયા હતા. યુરોપિયન માર્કેટ ગઈ કાલે સાંજે અડધા ટકાની નરમાઈ સાથે કામ કરી રહ્યાં હતાં. ઘરઆંગણે સોમવારના ૭૦૦ પૉઇન્ટ્સના સુધારા બાદ ગઈ કાલે ટ્રેડિંગના પ્રારંભથી જ માર્કેટમાં સેન્ટિમેન્ટ પૉઝિટિવ જણાય રહ્યું હતું અને બપોર સુધી માર્કેટ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે સેકન્ડ હાફમાં ઉપલા સ્તરેથી પ્રૉફિટ બુકિંગ થવાના લીધે છેવટે માર્કેટનો તમામ સુધારો ધોવાઈ ગયો હતો અને માર્કેટ ઑલમોસ્ટ ફ્લૅટ બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩ પૉઇન્ટ્સ નબળો પડીને ૬૧,૭૬૧ પર ક્લોઝ થયો હતો, જ્યારે નિફ્ટી ૧.૫૫ પૉઇન્ટ્સના સુધારા સાથે ૧૮,૨૬૬ પર બંધ થયો હતો. બૅન્ક નિફ્ટી ૮૬ પૉઇન્ટ્સ કટ થઈને ૪૩,૧૯૮ પર બંધ થયો હતો. લાર્જ કૅપની જેમ રોકડાના સ્ટૉક્સમાં પણ મોટી મૂવમેન્ટનો અભાવ હતો. નિફ્ટી મિડ કૅપ માત્ર ૧૨ પૉઇન્ટ્સ (૦.૦૪ ટકા) વધીને ૩૨,૪૮૯ પર, જ્યારે બીએસઈનો સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૧૦૪ પૉઇન્ટ્સ (૦.૩૫ ટકા)ની નબળાઈમાં ૨૯,૩૪૪ પર બંધ થયો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સના ૩૦માંથી ૧૭ સ્ટૉક્સ વધ્યા હતા, જ્યારે ૧૧ સ્ટૉક્સ ઘટીને બંધ થયા હતા અને બે સ્ટૉક્સ સ્થિર બંધ થયા હતા. નિફ્ટી-૫૦ સ્ક્રિપ્સમાંથી ૨૫ સ્ક્રિપ્સ વધીને અને ૨૫ સ્ક્રિપ્સ ઘટીને બંધ થઈ હતી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. કુલ ૩૬૪૦ કંપનીઓમાંથી ૧૬૧૮ કંપનીઓ વધીને, ૧૮૭૩ કંપનીઓ ઘટીને અને ૧૪૯ કંપનીઓ વગર કોઈ ફેરફારે બંધ રહી હતી. માર્કેટમાં સુસ્તીના માહોલ વચ્ચે પણ ૧૮૦ સ્ટૉક્સને તેજીની સર્કિટ લાગી હતી. માર્કેટ કૅપમાં આશરે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો. નિફ્ટીના સેક્ટરલ ઇન્ડાઇસિસમાં માત્ર આઇટી, ઑટો, ફાર્મા અને હેલ્થકૅર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં આશરે ૩ ટકાની તેજી સાથે ડિવીઝ લૅબ ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. ત્યાર બાદ ઇન્ડસઇન્ડ બૅન્ક, કોલ ઇન્ડિયા, ટીસીએસ, ઍક્સિસ બૅન્ક અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સવાથી એક ટકાની રેન્જમાં વધ્યા હતા. યુપીએલ ૩ ટકાની નબળાઈ સાથે નિફ્ટીનો સૌથી મોટો લૂઝર સાબિત થયો હતો.
નિફ્ટી આઇટીના તમામ ૧૦ સ્ટૉક્સ વધ્યા
મંગળવારે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પોણો ટકો એટલે કે ૨૦૫ પૉઇન્ટ્સ સુધરીને ૨૮,૧૨૫ પર ક્લોઝ થયો હતો. નિફ્ટી આઇટીની બધી ૧૦ કંપનીઓ વધીને બંધ થઈ હતી. એલટીઆઇ માઇન્ડ ટ્રી ૨.૨ ટકા (૧૦૧ રૂપિયા) સુધરીને ૪૬૧૯ રૂપિયા પર બંધ થયો હતો. ટીસીએસ ૪૧ રૂપિયાની તેજીમાં ૩૨૯૨ રૂપિયા પર ક્લોઝ થયો હતો. વિપ્રો બે રૂપિયાની તેજીમાં ૩૮૩ રૂપિયા પર બંધ થયો હતો. એલટીટીએસ, ઇન્ફોસિસ, એમ્ફેસિસ, ટેક મહિન્દ્ર, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને એચસીએલ ટેક લગભગ અડધા ટકો સુધરીને બંધ થયા હતા. બિરલાસૉફ્ટ લિમિટેડ ખોટમાંથી પ્રૉફિટમાં આવતાં કાઉન્ટરમાં ભારે વૉલ્યુમ સાથે જબરદસ્ત તેજી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે બિરલાસૉફ્ટનું કાઉન્ટર ૭ ટકાની (૨૦.૫ રૂપિયા) તેજીમાં ક્લોઝ થયું હતું. અન્ય આઇટી કંપની ફર્સ્ટસોર્સ સૉલ્યુશન્સનો સ્ટૉક આશરે ૧૧ ટકા વધીને ૧૨૭.૫ રૂપિયા પર બંધ થયો હતો. ગઈ કાલે બીએસઈ પર ફર્સ્ટસોર્સના કાઉન્ટરમાં ભારે તેજી વચ્ચે વૉલ્યુમ આશરે ૨૩ ગણું વધ્યું હતું. સૉફ્ટવેર કન્સલ્ટિંગ કંપની ઇન્ટલેક્ટ ડિઝાઇન એરેના લિમિટેડનો સ્ટૉક ૬ રૂપિયાની આસપાસ સુધરીને ૪૬૪ રૂપિયા પર બંધ થયો હતો. નઝારા ટેક ૨૩ રૂપિયાના ઉછાળા સાથે ૫૮૯ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ટેલિકૉમ ઇક્વિપમેન્ટ કંપની આઇટીઆઇ ૩.૫ ટકાની તેજીમાં ૧૦૬.૬૫ રૂપિયાએ બંધ થયો હતો.
નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સે ઇન્ટ્રાડેમાં ૪૮,૭૦૮નો નવો હાઈ બનાવ્યો હતો. આ ઇન્ડેક્સમાં ૩ ટકાના જમ્પ સાથે વરુણ બેવરેજીસ ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. મારિકો ૧ ટકાની તેજીએ ૫૩૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ડાબર, કોલગેટ પામોલિવ અને ગોદરેજ સીપી આશરે પોણો ટકો અપ રહ્યા હતા. પૅકેજ ફૂડ કંપની પ્રતાપ સ્નેક્સ આશરે પાંચેક ટકાના જમ્પ સાથે બંધ થયો હતો. આઇટીસી પોણાબે ટકાના ધોવાણ સાથે ૪૨૪ રૂપિયા પર બંધ થયો હતો.
સતત બીજા સેશનમાં પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાં કડાકો
સોમવારના ૧ ટકાના કરેક્શન બાદ ગઈ કાલે સતત બીજા સેશનમાં પીએસયુ બૅન્ક સ્ટૉક્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીનો પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે પોણાત્રણ ટકાના કડાકા સાથે ૪૦૦૨ પર ક્લોઝ થયો હતો. નિફ્ટી પીએસયુ બૅન્કની બધી જ ૧૨ કંપનીઓ ઘટીને બંધ થઈ હતી. ઇન્ડિયન બૅન્ક ૭ ટકાની ખુવારીમાં આ ઇન્ડેક્સનો ટૉપ લૂઝર રહ્યો હતો. ઇન્ડિયન બૅન્ક ૨૧ રૂપિયા તૂટીને ૨૯૪ રૂપિયા પર બંધ થયો હતો. ત્યાર બાદ પીએનબી, કૅનેરા બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક આશરે ૩.૫ ટકા ડાઉન થયા હતા. બૅન્ક ઑફ બરોડા ૩ ટકાની નબળાઈમાં ૧૭૭.૫ રૂપિયા પર જ્યારે બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૭૫ ટકાના ઘટાડા સાથે ૭૮.૯ રૂપિયા પર બંધ થયા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૦ રૂપિયાની નરમાશમાં ૫૭૩.૭ રૂપિયા પર ક્લોઝ થયો હતો.
નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સમાં ઇન્ડસઇન્ડ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક આશરે ૧ ટકો અપ હતા. આરબીએલ બૅન્ક બે રૂપિયાની આસપાસ ડાઉન થઈને ૧૫૦.૬ રૂપિયા પર બંધ થયો હતો. બંધન બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક બૅન્ક અને ફેડરલ બૅન્ક ૦.૫૦-૦.૨૫ ટકા કટ થયા હતા. બજાજ ફાઇનૅન્સ દોઢેક ટકાના કરેક્શનમાં ૬૫૫૨ રૂપિયા પર બંધ થયો હતો. બજાજ ફિનસર્વ પાંચ રૂપિયાના સામાન્ય ઉછાળા સાથે ૧૪૧૦ રૂપિયા પર બંધ થયો હતો. ગયા સપ્તાહે ઈડી ઍક્શનને લીધે જોવા મળેલા નોંધપાત્ર કરેક્શન બાદ ગઈ કાલે સતત બીજા સેશનમાં મન્નપુરમ ફાઇનૅન્સમાં ખરીદી જોવા મળી હતી અને સ્ટૉક ૪ ટકાની તેજીમાં ૧૧૫.૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. શ્રીરામ ફાઇનૅન્સ ૧૩૪૮ રૂપિયા પર ફ્લૅટ ક્લોઝ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ટ્રાડે આ કાઉન્ટરમાં ૧૩૯૯ રૂપિયાનું શિખર જોવા મળ્યું હતું. અન્ય એનબીએફસી કંપનીઓ જેમ કે પીટીસી ઇન્ડિયા ફાઇનૅન્શિયલ ૯ ટકા અને ઇન્ડોસ્ટાર કૅપિટલ ફાઇનૅન્સ પાંચ ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.
સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના સ્ટૉક્સ તેજીમાં
માર્ચ ક્વૉર્ટરમાં સારા રિઝલ્ટને પરિણામે ગઈ કાલે મહાનગર ગૅસના કાઉન્ટરમાં તેજી જોવા મળી હતી અને સ્ટૉક ૭૫ રૂપિયા (૭.૫ ટકા) વધીને ૧૦૭૪ રૂપિયા પર બંધ થયો હતો. મહાનગર ગૅસના સ્ટૉક્સમાં તેજીની અસર અન્ય સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પર પણ જોવા મળી હતી. ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૧૧ રૂપિયાના સુધારા સાથે ૪૯૯ રૂપિયા પર બંધ થયો હતો. ગુજરાત ગૅસ ૧.૫ ટકાના ઉછાળા સાથે ૪૬૭ રૂપિયા પર બંધ રહ્યો હતો. એમઆરપીએલ ૩ ટકાની તેજીમાં ૬૩ રૂપિયાની આસપાસ ક્લોઝ થયો હતો. અદાણી ટોટલ ગૅસના કાઉન્ટરમાં સતત બીજા સેશનમાં મંદી જોવી મળી હતી અને આ કાઉન્ટર ૩ ટકા જેટલું ઘટીને ૮૪૫ રૂપિયા પર બંધ થયું હતું.
એનએએમ એસ્ટેટ્સ અને એમ્બેસી વનના મર્જર પર પ્રતિબંધને યથાવત્ રાખવાના એનસીએલટી ચંડીગઢ બેન્ચના નિર્ણય બાદ ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૨૦ ટકાની મંદીની સર્કિટે ૫૫.૪ રૂપિયા પર બંધ થયો હતો. પ્રેસ્ટિજ એસ્ટેટ ૧૨ રૂપિયા ડાઉન થઈને ૪૭૯ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ગોદરેજ પ્રૉપર્ટીઝ, ડીએલએફ અને ઑબેરૉય રિયલ્ટી ૧ ટકાની આસપાસ નરમ પડ્યા હતા. ઇન્વેસ્કોએ પ્રતિસ્પર્ધી કંપની સ્વિગીનું વૅલ્યુએશન ૩૨.૯ ટકા ઘટાડવાના અહેવાલ બાદ ઝોમૅટોનું કાઉન્ટર ૬ ટકા ખરડાઈને ૬૧ રૂપિયા પર ક્લોઝ થયું હતું.
મેનકાઇન્ડ ફાર્માનું ધમાકેદાર લિસ્ટિંગ
કૉન્ડોમ અને પ્રેગ્નન્સી કિટનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની મેનકાઇન્ડ ફાર્માની કાલે ભારતીય શૅરમાર્કેટમાં જબરદસ્ત એન્ટ્રી થઈ હતી. ૧૦૮૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ ધરાવતો આ સ્ટૉક બન્ને એક્સચેન્જ ખાતે ૧૩૦૦ રૂપિયા પર લિસ્ટ થયો હતો. આમ ઇન્વેસ્ટરોને આ કાઉન્ટરમાં ૨૦ ટકાથી પણ વધુનો લિસ્ટિંગ ગેઇન પ્રાપ્ત થયો હતો. ઇન્ટ્રાડે ઉપરમાં ૧૪૩૦ રૂપિયા સુધી ગયા બાદ છેવટે આ સ્ટૉક ૧૪૨૪ રૂપિયા પર ક્લોઝ થયો હતો. મેનકાઇન્ડ ફાર્માએ ૪૩૨૬ કરોડ રૂપિયાના આઇપીઓ માટે ૧૦૨૬-૧૦૮૦ રૂપિયાની પ્રાઇસ બેન્ડ તેમ જ ૧૩ શૅર્સની લોટ સાઇઝ નક્કી કરી હતી. સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ માટેનો આ ઇશ્યુ સબ્સક્રિપ્શન માટે ૨૫-૨૭ એપ્રિલ દરમ્યાન ખુલ્યો હતો. આ ઇશ્યુ રીટેલ સેગમેન્ટમાં ૦.૯૨ ગણો અને નૉન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર સેગમેન્ટમાં ૩.૮ ગણો ભરાયો હતો. જોકે ક્યુઆઇબી સેગમેન્ટમાં ૪૯.૧૬ ગણા સબ્સક્રિપ્શનના દમ પર ઓવલઑલ આ ઇશ્યુ ૧૫.૩૨ ગણો ભરાયો હતો.
ગઈ કાલે સતત નવમાં સેશનમાં એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર)એ ઇન્ડિયન માર્કેટમાંથી નેટ ખરીદી કરી હતી. એફઆઇઆઇએ કાલે ૧૯૪૨ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઇઆઇ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર)એ પણ આશરે ૪૦૫ કરોડ રૂપિયાનું નેટ પર્ચેઝ કર્યું હતું.


