Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રાઇવેટ બૅન્કિંગ-ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં તેજીના સથવારે સેન્સેક્સ ૭૧૦ પૉઇન્ટ્સ સુધર્યો, નિફ્ટી ૧૮,૨૫૦ને પાર બંધ

પ્રાઇવેટ બૅન્કિંગ-ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં તેજીના સથવારે સેન્સેક્સ ૭૧૦ પૉઇન્ટ્સ સુધર્યો, નિફ્ટી ૧૮,૨૫૦ને પાર બંધ

Published : 09 May, 2023 03:02 PM | IST | Mumbai
Anil Patel

બીએસઈ ખાતે ૧૯૧ સ્ક્રિપ્સ વર્ષની ટોચે : રિલાયન્સે સેન્સેક્સને ૯૧ પૉઇન્ટ્સ આપ્યા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


બૅન્ક નિફ્ટીમાં ૧.૫૦ ટકાનો જમ્પ : બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૭ ડૉલરને પાર : ફ્યુચર્સમાં એમઆરએફનો સ્ટૉક ૧ લાખના મૅજિકલ ફિગરે : એફએમસીજી ઇન્ડેક્સ અને આઇટીસી લાઇફ હાઈ પર : ધારણા કરતાં નબળાં રિઝલ્ટ બાદ કોલ ઇન્ડિયા નિફ્ટીનો ટૉપ લૂઝર : એબી ફૅશન્સ સાથેની ડીલને લીધે ટીસીએનએસ ક્લોધિંગમાં ૨૦ ટકાની મંદીની સર્કિટ : બીએસઈ ખાતે ૧૯૧ સ્ક્રિપ્સ વર્ષની ટોચે : રિલાયન્સે સેન્સેક્સને ૯૧ પૉઇન્ટ્સ આપ્યા

સતત ૪ સેશનના ઘટાડા બાદ ગયા શુક્રવારે અમેરિકાના શૅરમાર્કેટમાં જબરદસ્ત રિક્વરી જોવા મળી હતી. ઍપલનાં ધારણા કરતાં સારાં પરિણામ તેમ જ અમેરિકાસ્થિત એપ્રિલ મહિનાના જૉબ્સ ડેટા અંદાજ કરતાં ઘણા સારા આવતાં ડાઉમાં સપ્તાહના અંતિમ સત્રમાં અંદાજે ૫૫૦ પૉઇન્ટ્સની રૅલી જોવા મળી હતી. આ ઉપરાંત જેપી મૉર્ગન દ્વારા વેસ્ટર્ન અલાયન્સ, ઝીઓનસ બેનકૉર્પ અને કોમરિકાના શૅર્સને અપગ્રેડ કરીને ઓવરવેટનું રેટિંગ આપવાને લીધે રિજનલ બૅન્કોના શૅર્સમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. પેકવેસ્ટનો સ્ટૉક એક જ સેશનમાં ૮૨ ટકાના જમ્પ સાથે ક્લોઝ થયો હતો તેમ જ વેસ્ટર્ન અલાયન્સમાં ૪૯ ટકાનો તગડો સુધારો થયો હતો. આ સિવાય એશિયન માર્કેટમાં ગઈ કાલે નિક્કીને બાદ કરતાં તમામ બજારો સુધરીને બંધ રહ્યાં હતાં.



શાંઘાઈ કમ્પોઝિટ પોણાબે ટકાની તેજી સાથે ક્લોઝ થયો હતો અને હૅન્ગસેંગ, કોસ્પી અને તાઇવાન પણ ૧-૦.૫ ટકાના સુધારામાં બંધ રહ્યા હતા. શુક્રવારના કડાકા બાદ ગઈ કાલે પૉઝિટિવ ગ્લોબલ સંકેતોને લીધે ભારતીય શૅરબજારમાં ટ્રેડિંગના પ્રારંભથી જ ખરીદી જોવા મળી હતી અને કામકાજના અંત સુધી તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. પ્રાઇવેટ બૅન્ક અને ફાઇનૅન્શિયલ સેક્ટરના સ્ટૉક્સમાં ખરીદીને પરિણામે સેન્સેક્સ-નિફ્ટી આશરે ૧ ટકા વધીને બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૭૧૦ પૉઇન્ટ્સ વધીને ૬૧,૭૬૪ પર, જ્યારે નિફ્ટી ૧૯૫ પૉઇન્ટ્સ સુધરીને ૧૮,૨૬૪ પર ક્લોઝ થયા હતા. બૅન્ક નિફ્ટી ૬૨૩ પૉઇન્ટ્સ એટલે કે ૧.૪૬ ટકાની તેજીમાં ૪૩,૨૮૪ પર બંધ રહ્યો હતો. લાર્જ કૅપની સાથે-સાથે મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં પણ તેજી નોંધાઈ હતી. નિફ્ટી મિડ કૅપ ૧ ટકા અને બીએસઈ સ્મૉલ કૅપ આશરે અડધા ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.


બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના માર્કેટ કૅપમાં ગઈ કાલે ૨.૨૮ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી. કુલ ૩૮૧૧ સ્ટૉક્સમાંથી ૧૯૯૮ સ્ટૉક્સ વધીને જ્યારે ૧૬૫૪ સ્ટૉક્સ ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સની ૩૦માંથી ૨૭ કંપનીઓ વધીને જ્યારે ૩ કંપનીઓ ઘટીને બંધ રહી હતી. નિફ્ટી-૫૦માંથી ૪૨ સ્ક્રિપ્સ વધીને જ્યારે ૮ સ્ક્રિપ્સ ઘટીને બંધ થઈ હતી. નિફ્ટી-૫૦માં કૉલ ઇન્ડિયા ટૉપ લૂઝર પુરવાર થયો હતો. અનુમાન કરતાં નબળાં રિઝલ્ટને લીધે સ્ટૉક લગભગ બે ટકાના ઘટાડા સાથે ૨૩૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ત્યાર બાદ સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ અને બ્રિટાનિયા પોણાથી અડધા ટકાની રેન્જમાં ડૂલ હતા. એનએસઈ ખાતે સેક્ટરલ ઇન્ડાઇસિસમાં પીએસયુ બૅન્ક અને મીડિયાને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ વધ્યા હતા. 

પ્રાઇવેટ બૅન્કિંગ સ્ટૉક્સ મસ્તીમાં, પીએસયુ બૅન્ક સ્ટૉક્સ સુસ્તીમાં


ગઈ કાલે એનએસઈસ્થિત પ્રાઇવેટ બૅન્કિંગ અને પીએસયુ બૅન્ક સ્ટૉક્સમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૭૦ ટકા એટલે કે ૩૬૪ પૉઇન્ટ્સની તેજીમાં ૨૧,૮૪૩ પર બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના તમામ ૧૦ સ્ટૉક્સ વધીને ક્લોઝ થયા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક પાંચ ટકાના સુધારા સાથે ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. આરબીએલ બૅન્ક ૪ રૂપિયાની તેજીમાં ૧૫૩ રૂપિયા પર બંધ થયો હતો. બંધન બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ અને કોટક બૅન્ક આશરે ૧.૫૦ ટકા સુધરીને બંધ થયા હતા. એચડીએફસી બૅન્ક ૨૧ રૂપિયા અર્થાત ૧.૩ ટકા વધીને ૧૬૪૭ રૂપિયા પર જ્યારે આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧ ટકો (૧૧ રૂપિયા) સુધરીને ૯૩૮ રૂપિયા પર ક્લોઝ થયા હતા. પ્રાઇવેટ બૅન્કથી વિપરિત પીએસયુ બૅન્ક સ્ટૉક્સમાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. નિફટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આશરે ૧ ટકો ડૂલ થઈને ૪૧૧૫ પર બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સની ૧૨માંથી ફક્ત ૩ કંપનીઓ જ વધીને બંધ રહી હતી. સ્ટેટ બૅન્ક ૮ રૂપિયાના જમ્પમાં ૫૮૪ રૂપિયાની આસપાસ ક્લોઝ થયો હતો, જ્યારે સેન્ટ્રલ બૅન્ક પોણો ટકો અને આઇઓબી નામ કે વાસ્તે વધીને બંધ થયા હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા આશરે ૬ ટકાના કડાકા સાથે ૮૧.૩ રૂપિયા પર બંધ થયો હતો. ઇન્ડિયન બૅન્ક પાંચેક ટકાની નરમાઈમાં ૩૧૬ રૂપિયા પર અને યુનિયન બૅન્ક ૩ ટકાના ઘટાડા સાથે ૭૪ રૂપિયા પર બંધ રહ્યા હતા. 

પ્રાઇવેટ બૅન્ક સ્ટૉક્સની સાથે-સાથે ગઈ કાલે એનબીએફસી સ્ટૉક્સમાં પણ તેજીનું વલણ જોવા મળ્યું હતું. બજાજ ફાઇનૅન્સ ૪ ટકા (૨૬૯ રૂપિયા) વધીને ૬૬૫૭ રૂપિયા પર, જ્યારે બજાજ ફિનસર્વ ૩ ટકા (૪૫ રૂપિયા) સુધરીને ૧૪૦૪ રૂપિયા પર ક્લોઝ થયા હતા. મન્નપુરમ ફાઇનૅન્સ પાંચ ટકાની તેજીમાં ૧૧૧ રૂપિયા પર, જ્યારે એલઍન્ડટી ફાઇનૅન્સ ૨.૫ ટકાની તેજીમાં ૯૭ રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટૉક સવા ટકા વધીને ૨૪૭૧ રૂપિયા પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના સુધારામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધુ ૯૧ પૉઇન્ટ્સનો ફાળો રહ્યો હતો. 

ઑટો સ્ટૉક્સ ટૉપ ગિયરમાં, રિયલ્ટીના તમામ સ્ટૉક્સ વધીને બંધ

નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકાના જમ્પ સાથે ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. આ ઇન્ડેક્સની ૧૫માંથી ૧૩ કંપનીઓ વધીને બંધ રહી હતી. તાતા મોટર્સ પાંચ ટકાની તેજીમાં ૫૦૦ રૂપિયા પર ૧ વર્ષના શિખરે ક્લોઝ થયો હતો. ભારત ફોર્જ ૨.૫ ટકા એટલે કે ૧૯ રૂપિયાના સુધારા સાથે ૭૭૯ રૂપિયા પર તેમ જ મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર બાવીસ રૂપિયા વધીને ૧૨૩૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. બજાજ ઑટો, અશોક લેલૅન્ડ, મારુતિ સુઝુકી અને ટીવીએસ મોટર ૧.૮-૧.૨ ટકાની રેન્જમાં વધીને બંધ થયા હતા. હીરો મોટોકૉર્પ પચીસ રૂપિયા વધીને ૨૫૭૨ રૂપિયા પર બંધ થયો હતો. ઑટો સેક્ટરની સાથે-સાથે ઑટો એન્સિલરી સ્ટૉક્સમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેટીઈકેટી ઇન્ડિયા ૧૩ ટકા, તાતા મોટર્સ ડીવીઆર પાંચ ટકા, લ્યુમેક્સ ઑટો ટેક ૪ ટકા અને સોના બીએલડબ્લ્યુ પ્રિસિસન ૪ ટકાના જમ્પ સાથે ક્લોઝ થયા હતા. 

રિયલ્ટી ઇન્ડેક્સની તમામ ૧૦ કંપનીઓ સુધરીને બંધ રહેવામાં સફળ રહી હતી. નિફ્ટીનો રિયલ્ટી ઇન્ડેક્સ આશરે ૧.૫ ટકા વધ્યો હતો. મહિન્દ્ર લાઇફ અને લોઢા આશરે ૩.૫ ટકાના સુધારા સાથે બંધ થયા હતા. શોભા ડેવલપર્સ ૩ ટકાની તેજીમાં ૪૮૦ રૂપિયા પર તેમ જ ડીએલએફ ૮ રૂપિયા વધીને ૪૩૫ રૂપિયાની આસપાસ ક્લોઝ થયો હતો. ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઑબેરૉય રિયલ્ટી અને ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ ૧ ટકાની આસપાસ અપ હતા. 

ગઈ કાલે નિફ્ટીનો એફએમસીજી ઇન્ડેક્સ પોણા ટકાના સુધારા સાથે બાવન સપ્તાહના શિખરે બંધ થયો હતો. આ ઉપરાંત આ સેક્ટરની અગ્રણી કંપની આઇટીસી પણ ૩ રૂપિયા વધીને ૪૩૨ રૂપિયા પર બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજીમાં ગઈ કાલે મારિકોનો સ્ટૉક લગભગ ૮ ટકાના જમ્પ સાથે ૫૩૧ રૂપિયા પર ક્લોઝ રહીને આ ઇન્ડેક્સનો ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. 

અદાણી ગ્રુપના બે સ્ટૉક્સને એમએસસીઆઇની ફટકાર

એમએસસીઆઇ દ્વારા મે મહિનાના રિવ્યુમાં અદાણી ગ્રુપની બે કંપની અદાણી ટોટલ ગૅસ અને અદાણી ટ્રાન્સમિશનના ફ્રી ફ્લોટ ઘટાડવાની જાહેરાત બાદ આ બન્ને સ્ટૉક્સ પાંચ ટકાની મંદીની સર્કિટ પર ક્લોઝ થયા હતા. અદાણી ટોટલ ગૅસ ૮૭૨ રૂપિયા પર, જ્યારે અદાણી ટ્રાન્સમિશન ૯૪૯ રૂપિયા પર બંધ રહ્યા હતા. આ ઉપરાંત અદાણી ગ્રુપના અન્ય સ્ટૉક્સ જેમ કે અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૭૫ ટકા (૩૩ રૂપિયા) તૂટીને ૧૮૮૮ રૂપિયા પર, અદાણી ગ્રીન ૨.૫ ટકા ઘટીને ૯૧૭ રૂપિયા પર અને અદાણી વિલ્મર ૧ ટકો ઘટીને ૩૯૩ રૂપિયા પર ક્લોઝ થયા હતા. અદાણી પોર્ટ્સ નામ કે વાસ્તે ૮૫ પૈસાના સુધારામાં ૬૮૫ રૂપિયા પર બંધ થયો હતો. અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ સવા ટકાના વધારામાં ૪૦૬ રૂપિયા પર, જ્યારે એસીસી ૧ રૂપિયો વધીને ૧૭૬૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. અદાણી ગ્રુપની નવી મીડિયા કંપની ક્વિન્ટ ડિજિટલ દોઢેક રૂપિયાની તેજી સાથે ૧૩૪ રૂપિયા પર ક્લોઝ થયો હતો. 
એબી ફૅશન દ્વારા ૧૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ટીસીએનએસ ક્લોધિંગમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવાના ન્યુઝ બાદ બન્ને કાઉન્ટરમાં ખરાબી જોવા મળી હતી. ટીસીએનએસ ક્લોધિંગનો સ્ટૉક ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૧૭ રૂપિયા પર ક્લોઝ થયો હતો, જ્યારે ટીસીએનએસની મોંઘી ડિલને લીધે એબી ફૅશન પોણાચાર ટકાની ખરાબીમાં ૨૦૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ડ્રોન મૅન્યુફૅક્ચરિંગ કંપની ઝેન ટેક્નૉલૉઝિસ દ્વારા જબરદસ્ત રિઝલ્ટની જાહેરાત બાદ સ્ટૉક ૭.૫ ટકા ઊછળ્યો હતો. પેટીએમની ખોટમાં ઘટાડો થયા બાદ સ્ટૉક પાંચ ટકાના (૩૪ રૂપિયા) જમ્પ સાથે ૭૨૪ રૂપિયા પર બંધ રહ્યો હતો. 

સતત આઠમા સેશનમાં એફઆઇઆઇ નેટ બાયર્સ

ગઈ કાલે સતત આઠમા સેશનમાં એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ભારતીય શૅરબજારમાંથી ચોખ્ખી ખરીદી કરી હતી. એફઆઇઆઇનું ગઈ કાલનું નેટ બાઇંગ આશરે ૨૧૨૪ કરોડ રૂપિયા રહ્યું હતું. સામા છેડે ડીઆઇઆઇ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)એ કાલે ૨૪૫ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. એપ્રિલ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીના મોટા ભાગના મહિનાઓમાં એફઆઇઆઇ નેટ સેલર્સ રહ્યા છે. જોકે ત્યાર બાદ માર્ચ ૨૦૨૩માં એફઆઇઆઇએ ઇન્ડિયન માર્કેટમાં ૨૦૦૦ કરોડ રૂપિયાની અને એપ્રિલ ૨૦૨૩માં ૫૭૦૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. વર્તમાન મે મહિનાના માત્ર પાંચ સેશનમાં કુલ ૭૬૫૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી એફઆઇઆઇનો ભારતીય માર્કેટ માટેનો બદલાયેલો અભિગમ સૂચવે છે, એવું બજારના જાણકારોનું માનવું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 03:02 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK