Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૉલેટિલિટી વચ્ચે માર્કેટ સે​ન્ટિમેન્ટ બુલિશ

વૉલેટિલિટી વચ્ચે માર્કેટ સે​ન્ટિમેન્ટ બુલિશ

16 January, 2023 03:25 PM IST | Mumbai
Jayesh Chitalia

ભારતમાં અને યુએસમાં ફુગાવાનો દર નીચે આવતાં સ્ટૉક માર્કેટનો ઇન્ડેક્સ પુનઃ ઉપર જવાનું શરૂ થયું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતમાં અને યુએસમાં ફુગાવાનો દર નીચે આવતાં સ્ટૉક માર્કેટનો ઇન્ડેક્સ પુનઃ ઉપર જવાનું શરૂ થયું છે. જોકે માથા પર બજેટની તારીખ અને ઓવરઑલ ગ્લોબલ સંજોગોની અનિશ્ચિતતા લટકતી હોવાથી વૉલેટિલિટી અકબંધ રહેશે એવું કહી શકાય. અલબત્ત, માર્કેટ માટેનું સે​ન્ટિમેન્ટ બુલિશ છે

સોમવારે બજાર ઊછળે અને મંગળવારે તૂટે, એક દિવસ તેજી, બીજા દિવસે મંદીનો ટોન, બજારની ચાલ પીધેલા માણસ જેવી થઈ ગઈ છે. માર્કેટની વધઘટનો આધાર યા કારણ કહો કે પરિબળ ગણો, હાલ તો એક જ છે; ગ્લોબલ અનિ​​​શ્ચિતતા. આ એક જ કારણ-પરિબળનાં પેટા કારણો-પરિબળો છે ગ્લોબલ સમસ્યા, મંદ વિકાસ, રિસેશનની ભીતિ, મોંઘવારીનો માર, વ્યાજદરનો ભાર, કોવિડનો ભય યા રાહતના અહેવાલ, એફઆઇઆઇની આક્રમક વેચવાલી કે પછી સ્થાનિક ફન્ડ્સની સતત લેવાલી, બજેટની આશા, આગામી સમયમાં રાજ્યોની ચૂંટણીની ચિંતા, કૉર્પોરેટ આવકની આશા-અપેક્ષા, પ્રવાહિતા અને સે​ન્ટિમેન્ટ વગેરે. આમાંથી બજાર કયા દિવસે કોના આધારે વધશે કે ઘટશે એ કળવું કઠિન થતું જાય છે. ગયા સોમવારે ધારણા કરેક્શન આગળ વધવાની હતી, પરંતુ આવી ગયો ઉછાળો. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં ઉતાવળ નહીં કરે કે ધીમી ગતિએ આગળ વધશે એવા સંકેતે બજારને ૮૦૦ પૉઇન્ટનો કૂદકો મરાવ્યો હતો. સેન્સેક્સ ફરી ૬૦ હજારની ઉપર અને નિફટી ૧૮ હજાર ઉપર આવી ગયા હતા. ત્યાં વળી ગ્લોબલ પ્રતાપે મંગળવારે પુનઃ ચાલ બદલાઈ અને માર્કેટમાં કરેક્શને કબજો લીધો હતો. સેન્સેક્સ ૬૩૧ પૉઇન્ટ અને નિફટી ૧૮૭ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. સોમવારનો સુધારો અડધા કરતાં વધુ ધોવાઈ ગયો હતો. ડૉલર સામે રૂપિયો વધુ તૂટ્યો હતો. 



યુએસ રિસેશનની ચિંતા ઘટી?


બુધવારે માર્કેટ નેગેટિવ ખૂલીને થોડા સમયમાં જ પૉઝિટિવ થઈ ગયું હતું. જોકે દિવસ દરમ્યાન ભારે વૉલેટાઇલ રહ્યા બાદ સેન્સેક્સ સાધારણ માઇનસ (૯ પૉઇન્ટ) અને નિફટી (૧૮ પૉઇન્ટ) બંધ રહ્યો, ફેડરલ રિઝર્વની મીટિંગનાં નિવેદનો-સંકેતોની અસર હતી. ગુરુવારે પણ માર્કેટ ડામાડોળ સ્થિતિમાં વધઘટ કરતું રહ્યું હતું. ટ્રેન્ડ નેગેટિવ વધુ હતો. રિસેશનની ચિંતા સૌથી વધુ અસર કરી રહી છે. સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ નીચે ઊતરી ફરી ૬૦ હજારની સપાટીની નીચે આવી ગયો હતો અને નિફટી ૩૭ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. યુએસ ઇન્ફલેશન ડેટા કેવા જાહેર થાય છે અને અન્ય આઇટી કંપનીઓની કામગીરી કેવી જાહેર થાય છે એના પર બજારની નજર હતી. દરમ્યાન વિશ્વ બૅન્કે ભારતનો જીડીપી અંદાજ ઘટાડ્યો હતો, એમ છતાં આ વિકાસદર બહેતર અને ઇન્ડિયન ઇકૉનૉમી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હોવાનું પણ જાહેર કર્યું હતું. યુએસ રિસેશનને રિસ્ક માનવામાં આવે છે એ વાત સાચી, પણ એની બહુ ગંભીર અસર થશે નહીં એવું કહેવાય છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદન સારું રહ્યું છે અને ડિમાન્ડ પણ વધી રહી છે. સરકાર મૂડી ખર્ચને વેગ આપે તો માર્કેટને પણ વેગ મળી શકે. ૨૦૨૩માં ડિફેન્સ, હેલ્થકૅર, ક્રેડિટ
ગ્રોથ, ગ્રામ્યમાગ, કેપેક્ષ (મૂડી ખર્ચ) જેવાં પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે માર્કેટની વૉલેટિલિટીને ધ્યાનમાં રાખતાં ટ્રેડર્સ માટે હાલ જોખમી સમય છે.

સકારાત્મક આર્થિક ડેટા


દરમ્યાન ગુરુવારે સાંજે સકારાત્મક આર્થિક આંકડા જાહેર થયા હતા, જે મુજબ ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શન ઇન્ડેક્સ નવેમ્બરમાં ૭.૧ ટકા વધ્યો હતો, જયારે રીટેલ ઇન્ફલેશન રેટ ડિસેમ્બરમાં ઘટીને ૫.૭ ટકા નોંધાયો હતો. બીજી બાજુ યુએસ ઇન્ફલેશન પણ સાધારણ અંશે હળવું થયું હતું, જે અઢી વરસમાં પહેલી વાર જોવા મળ્યું. આની અસરે ફેડ રિઝર્વ વ્યાજદરમાં પણ હળવું વલણ રાખે એવી અપેક્ષા જાગવી સહજ છે. જેનાં પરિણામ શુક્રવારે બજાર પર જોવાયાં, વૉલેટિલિટીને પકડી રાખી સપ્તાહના અંતે સેન્સેક્સ ૩૦૩ પૉઇન્ટ વધીને ૬૦ હજાર ઉપર બંધ રહ્યો અને નિફટી ૯૮ પૉઇન્ટ પ્લસ થઈ ૧૮ હજાર નજીક પહોંચ્યો. નવા સપ્તાહમાં પણ માર્કેટની ચાલ વૉલેટાઇલ રહેવાની શક્યતા જ ઊંચી છે. બજેટનો દિવસ નજીક આવતો જતાં આશા-અપેક્ષા અને બજેટ-સંકેતોને તેમ જ ગ્લોબલ સંજોગોને ધ્યાનમાં રાખી બજાર એની વધઘટ દર્શાવશે.

આ પણ વાંચો : નિવૃત્તિ આયોજન માટે એસડબ્લ્યુપીની તૈયારી વહેલી કરી લેવી જોઈએ

ફૉરેન ઇન્વેસ્ટર્સનું વલણ મહત્ત્વનું 

સેન્સેક્સ ૧ ડિસેમ્બરના ૬૩,૪૩૮ના ટૉપ લેવલથી ૩૨૦૦ પૉઇન્ટ નીચે આવી ગયો. હજી કરેક્શનની શક્યતા ઊભી છે. ફૉરેન એકધારી વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓ-ફન્ડ્સની એકધારી ખરીદી ચાલુ રહી છે, કેમ કે ભારતીય ઇકૉનૉમી પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. માર્કેટના ચોક્કસ લેવલે ફૉરેન રોકાણપ્રવાહ પણ પાછો વધીને આવતો થઈ શકે છે, કારણ કે હાલ પ્રત્યક્ષ કે પરોક્ષ રોકાણ માટે ભારત ઉત્તમ ડે​​સ્ટિનેશન ગણાય છે. જોકે ૨૦૨૨માં ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ રહ્યા છે અને જાન્યુઆરી ૨૦૨૩ના પ્રથમ આઠ ટ્રેડિંગ સત્રમાં પણ તેમણે એક અબજ ડૉલર (૧૩,૦૦૦ કરોડ રૂપિયા)નો માલ વેચ્યો છે. ૨૦૨૨માં તેમણે ૧૭ અબજ ડૉલરથી વધુનું વેચાણ કર્યું છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસનાં ક્વૉર્ટરલી પરિણામ અને આઇટી સેક્ટર વિશેના નબળા નિવેદનને પગલે પણ ફૉરેન ઇન્વેસ્ટર્સ વેચવાલીનો અભિગમ વધુ ધરાવી રહ્યા છે. હાલ ફૉરેન ઇન્વેસ્ટર્સનું અમુક રોકાણ સાઉથ કોરિયા, ચીન, થાઇલૅન્ડ, જપાન, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ફિલિપીન્સજેવા ઈસ્ટ એશિયન દેશો તરફ વળ્યું છે. જોકે ભારતીય કંપનીઓના ફન્ડામેન્ટલ્સ સામે કોઈ ગંભીર સમસ્યા જણાતી નથી.

યુએસ માર્કેટ હજી ઘટી શકે

દરમ્યાન ગ્લોબલ સ્ટ્રૅટેજિસ્ટ ક્રિસ વુડના મતે હાલ બે વિરોધાભાસી પરિબળો કામ કરી રહ્યાં છે, એક પૉઝિટિવ અને બીજું નેગેટિવ છે. આમાં નેગેટિવ પરિબળ એ છે કે યુએસ માર્કેટ ૨૦૨૨માં ૧૯ ટકાથી વધુ નીચે ગયું હોવા છતાં એ હજી પૂર્ણપણે ડિસ્કાઉન્ટ થયું નથી, જેથી એમાં ઘટાડાની સંભાવના હજી ઊભી છે. રિસેશનનો ભય આ માટેનું કારણ બની શકે, જેને લીધે અર્નિગ્સ પર વિપરીત અસર થઈ શકે. પૉઝિટિવ પરિબળ એ ગણી શકાય કે ફેડરલ રિઝર્વ બૅન્ક વધતાં જતાં રિસેશન રિસ્કને ધ્યાનમાં રાખી સતત એના પર ફોકસ કરી આ નવા વરસે એની પૉલિસીમાં યુ-ટર્ન લઈ શકે. આમ પણ ઇન્ફલેશનનો દર સાવ નજીવો તો નજીવો, પણ નરમ પડ્યો છે. જોકે આ બધા વચ્ચે ભારતની સ્ટોરી સારી રહી શકે છે, ભારતમાં ડિમાન્ડ સ્ટોરી ઇમર્જિંગ-એશિયા માર્કેટમાં ઉત્તમ રહેવાની શક્યતા છે. આમ ભારતીય માર્કેટ પ્રત્યે ગ્લોબલ સ્તરે સે​ન્ટિમેન્ટ બુલિશ હોવાનું જણાય છે. જેથી બજાર વધુ ઘટશે તો નવી ખરીદી ચોક્કસ આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 03:25 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK