Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જબરદસ્ત ગ્લોબલ અનિશ્ચિતતા અને વૉલેટિલિટી માર્કેટને મોંઘી પડી રહી છે!

જબરદસ્ત ગ્લોબલ અનિશ્ચિતતા અને વૉલેટિલિટી માર્કેટને મોંઘી પડી રહી છે!

09 January, 2023 02:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્સેક્સ ૬૦ હજાર અને નિફ્ટી ૧૮ હજારની નીચે આવી ગયા છે. ગ્લોબલ સિચુએશન-અનિશ્ચિતતા સૌથી મોટી ચિંતાનું કારણ બની ફરી રહી હોવાથી માર્કેટનું સ્થિર થવું કે એકધારું આગળ વધવું કઠિન છે. વૉલેટિલિટીની રમત ચાલુ રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવા વરસ ૨૦૨૩નો પ્રથમ ટ્રેડિંગ દિવસ પૉઝિટિવ શરૂ થયો હતો, સે​ન્ટિમેન્ટ સાનુકૂળ હતું, જીએસટી કલેક્શનના આંકડા ડિસેમ્બરમાં પણ સારા આવ્યા હતા. ડિસેમ્બરમાં પર્ચેઝિંગ મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ (પીએમઆઇ) પણ વધ્યો હતો. આ ઇન્ડેક્સ નવેમ્બરના ૫૫.૭થી વધીને ૫૭.૮ થયો છે, જે છેલ્લા ૨૬ મહિનામાં સૌથી ઊંચો રહ્યો. જીએસટી કલેક્શનની વૃ​​દ્ધિ અને ઉત્પાદનની ગતિવિધિ આર્થિક વિકાસની સાક્ષી પૂરે છે. કોવિડની ભીતિ ઓછી થતી હોવાના અણસાર બહાર આવતા રહ્યા હતા. સેન્સેક્સ ૩૨૭ પૉઇન્ટ અને નિફ્ટી ૯૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. મંગળવારે પ્લસ-માઇનસ થયા બાદ માર્કેટ પૉઝિટિવ રહ્યું, સેન્સેક્સ ૧૨૬ અને નિફ્ટી ૩૫ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. બુધવારે બજારે નેગેટિવ ટર્ન લઈ સતત ઘટાડાતરફી ગતિ રાખી હતી, કેમ કે એફએમઓસી (ફેડરલ ઓપન માર્કેટ કમિટી) મિનટ્સમાં શું આવે છે એના પર માર્કેટની મીટ હતી, જેમાં અગાઉ વ્યાજદર વધારો ચાલુ રહેવાના સંકેત અપાયા જ હતા.

કરેક્શનનાં કારણોફેડરલ રિઝર્વે એના મંતવ્યમાં જણાવ્યું હતું કે એ ઇન્ફ્લેશનના ઉપાય તરફ આગળ વધી રહ્યું છે, પણ અણધાર્યા સંજોગો એમાં અવરોધ બની શકે છે. આ સ્ટેટમેન્ટને પગલે ગુરુવારે માર્કેટ મિશ્ર અસર સાથે શરૂ થયું અને સતત ઘટાડા બાદ થોડી રિકવરીને પગલે નિફટી ગુરુવારે ૧૮ હજારની નીચે ઊતરી ગયો અને સેન્સેક્સ ૬૦ હજારની નજીક પહોંચી ગયો હતો. શુક્રવારે કરેક્શને હૅટ-ટ્રિક નોંધાવી હતી. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી હજી વ્યાજદર વધારવાની ફરજ પડશે એવા સંકેતને પરિણામે સેન્સેક્સ ૪૫૩ પૉઇન્ટના ઘટાડા સાથે ૬૦ હજારની નીચે અને નિફટી ૧૩૩ પૉઇન્ટ માઇનસ થઈ બંધ રહ્યો હતો. જોકે શુક્રવારનો ઘટાડો મુખ્યત્વે ચાર કારણોને લીધે હતો, આ ચાર કારણોમાં યુક્રેને રશિયાની સીઝફાયરની દરખાસ્ત રિજેક્ટ કરતાં યુદ્ધ ચાલુ રહેવાનાં એંધાણ, એફઆઇઆઇનું વેચવાલીનું દબાણ, રિઝર્વ બૅન્કના ગવર્નરે ફુગાવા અને વૈશ્વિક વેપાર વિશે વ્યક્ત કરેલી ચિંતા, ઊંચા જણાતા વૅલ્યુએશન અને યુએસ ફેડના અભિગમનો સમાવેશ થયો હતો. નવા સપ્તાહમાં બજાર વૉલેટાઇલ રહેવાની શક્યતા વધુ છે. કરેક્શનને હજી અવકાશ વધતો જાય છે.  


આઇએમએફના નિરાશાજનક સંકેત

દરમ્યાન ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (આઇએમએફ)એ ગ્લોબલ આઉટલુકમાં નિરાશા દર્શાવીને કહ્યું હતું કે યુએસ, ચીન અને યુરોપ જેવા મેજર ઇકૉનૉમીવાળા દેશોની આર્થિક ગતિવિધિની નબળાઈને કારણે ૨૦૨૩ ગ્લોબલ સ્તરે પડકારરૂપ રહેશે. ફન્ડના મતે આ બધા દેશો પર કોવિડ, ઇન્ફલેશન, વ્યાજદર અને યુક્રેન-રશિયાની નેગેટિવ અસર ચાલુ છે, જે તેમના આર્થિક સંજોગોને દબાણ હેઠળ રાખશે. આ અહેવાલ કરેક્શનના સંકેત આપતા હતા. ગ્લોબલ સંજોગોની અનિશ્ચિતતામાં ભારતનાં જે સેક્ટર્સ સારી કામગીરી બજાવી શકશે એમાં બૅન્કિંગ, ઑટો, કૅપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ (જેમાં રીટેલ ટૂરિઝમ, ટ્રાવેલ, હૉસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટેશન વગેરેનો આવે છે)નો સમાવેશ થાય છે, જયારે આઇટી અને મેટલ્સ સેક્ટર સામે પડકાર રહેવાની શક્યતા વ્યક્ત થાય છે. 


માત્ર મોટા કડાકામાં જ ખરીદી કરો

વર્તમાન સંજોગોમાં બને ત્યાં સુધી મોટા કડાકામાં જ ખરીદી કરો, અન્યથા ઊંચા ભાવે ઇ​ક્વિટી ખરીદવાનું ટાળો. ઑલરેડી માર્કેટ વધુપડતું ઊંચું ગયું છે, જયારે કે એની પાસે આ માટેનાં નક્કર-વાજબી કારણો નથી. મહદ્ંશે ગ્લોબલ સિચુએશનનો એને લાભ અને ગેરલાભ બન્ને મળી રહ્યા છે. યાદ રાખો, હજી માર્કેટ સામે ઑઇલ-એનર્જીના ઊંચા ભાવ, ઇન્ફલેશનનો-ઊંચી ટ્રેડ ડેફિસિટનો પડકાર ઊભો છે. ગ્લોબલ અનિશ્ચિતતાની ચિંતા ઊભી છે. વ્યાજદરનો વધારો હજી માથે લટકતો ગણાય. કડક નાણાનીતિ પણ પ્રવાહિતા સામે કયાંક નકારાત્મક પરિબળ બની શકે. કોવિડ હજી અધ્ધરતાલ હોવા છતાં ડરાવ્યા કરશે, પણ એની ઉપેક્ષા થઈ શકશે નહીં. ભારતીય માર્કેટ માટે સૌથી મોટી ચિંતા ગ્લોબલ વૉલેટિલિટીની ગણાય છે, કારણ કે રશિયા-યુક્રેનના વિવાદ હજી પૂર્ણપણે શાંત થયા નથી. આ બધામાંથી પાર નીકળી શકાય તો ભારતીય માર્કેટ ૨૦૨૩માં ફરી એકવાર સુપર વરસ સાબિત થઈ શકશે, પણ જો ગ્લોબલ સંજોગો બગડ્યા તો માર્કેટ ૨૦૨૨ કરતાં નીચે જઈ શકે. 

સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટર્સનો ફાળો

વીતેલા વરસ ૨૦૨૨માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદીનો પ્રવાહ સતત ચાલુ રાખીને બજારને ટેકો આપ્યો હતો. એકલા ડિસેમ્બરમાં જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૨૪ હજાર કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. આખા ૨૦૨૨માં તેમણે ૨.૭૬ લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ અને રીટેલ રોકાણકારોનો અલગથી ફાળો ગણાય. આમ એકંદરે ભારતીય બજાર હવે માત્ર ફૉરેન ઇન્વેસ્ટર્સ પર નિર્ભર રહ્યું નથી, અલબત્ત, ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદી કે વેચાણની માર્કેટ પર અસર જરૂર થાય છે, પરંતુ માત્ર તેમનું વર્ચસ જ રહે એ દિવસો હવે ઘણેખરે અંશે ગયા હોવાનું પ્રતિત થાય છે. મ્યુચ્યુઅલ ફન્ડના એસઆઇપીનો સાતત્યપૂર્ણ ટેકો પણ માર્કેટને ટકાવી રાખવામાં નિમિત્ત બને છે. બૅન્ક ઑફ અમેરિકાના રિસર્ચ મુજબ ૨૦૨૩માં પેન્શન ફન્ડ, પ્રોવિડન્ટ ફન્ડ, ઇન્શ્યૉરન્સ ફન્ડ અને એસઆઇપી સંયુકત રીતે મળીને ૨૦ અબજ ડૉલરનું રોકાણ બજારમાં કરશે. બજારને બુસ્ટ આપવામાં આ પ્રવાહ મહત્ત્વની ભૂમિકા ભજવશે. 

સ્માર્ટ ઇન્વેસ્ટર્સ કોણ બનશે?

આ મહિનામાં વૉલેટિલિટી સાથે તેજીનો કરન્ટ ચાલુ રહેવાની ધારણા છે, આ વરસે આવનારું બજેટ એ આગામી વરસ ૨૦૨૪ના જનરલ ઇલેક્શન પહેલાંનું બજેટ હશે. સામાન્ય ટ્રેન્ડ એવો રહ્યો છે કે આવા સમયે માર્કેટમાં તેજીનો મૂડ ટકી રહે છે, કારણ કે ઇલેક્શન પહેલાંના બજેટમાં સારી-પૉઝિટિવ જાહેરાતોની આશા પણ ઊંચી હોય છે, જે ઇકૉનૉમીને વધુ વેગ-પ્રોત્સાહન આપતું તેમ જ સામાજિક લક્ષ્યો પર પણ વધુ ધ્યાન આપતું હોય છે. આ વખતના બજેટમાં ડ્રામેટિક ચે​ન્જિસની સંભાવના જણાય છે. જોકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહના હાલ-હવાલ જોતાં માર્કેટ ઘટતું રહીને હાઈ વૅલ્યુએશનની સમસ્યામાંથી હળવું થઈ રહ્યું છે. એક આશા એવી ખરી કે વાજબી વૅલ્યુએશન પર ખરીદી પાછી ફરશે. જોકે વાજબી વૅલ્યુએશનની હાલ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ હાલના કરેક્શનને ખરીદી માટેનો સમય ગણનારા માર્કેટ માટે સ્માર્ટ ગણાશે. 

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2023 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK