Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટની પૂર્વસંધ્યાએ બજાર પ્રારંભિક સુધારો ટકાવી રાખવામાં નિષ્ફળ, બૅન્કિંગમાં બાઉન્સબૅક

બજેટની પૂર્વસંધ્યાએ બજાર પ્રારંભિક સુધારો ટકાવી રાખવામાં નિષ્ફળ, બૅન્કિંગમાં બાઉન્સબૅક

01 February, 2023 02:08 PM IST | Mumbai
Anil Patel

બારેબાર શૅરોમાં તગડા સુધારા સાથે પીએસયુ બૅન્ક નિફ્ટી સવાચાર ટકા ઊછળ્યો : બજેટને લઈ રેલવે સંબંધિત શૅરો લાઇમલાઇટમાં : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અબુ ધાબી વહારે આવતાં અદાણી એન્ટર.નો ફૉલોઑન ઇશ્યુ પાર થયો, ગ્રુપના ૧૦માંથી ૭ શૅર વધ્યા, ત્રણ મંદીની સર્કિટમાં ગયા : તગડા પરિણામ પાછળ અપાર ઇન્ડ. ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં, બજેટ પૂર્વે જ્વેલરી શૅરોમાં ચમક : આઇટીમાં સાઇડ શૅરો મજબૂત, પણ હેવી વેઇટ્સના ભારમાં આંક ઘટ્યો : બારેબાર શૅરોમાં તગડા સુધારા સાથે પીએસયુ બૅન્ક નિફ્ટી સવાચાર ટકા ઊછળ્યો : બજેટને લઈ રેલવે સંબંધિત શૅરો લાઇમલાઇટમાં : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી

શૅરબજાર મંગળવારે ૨૭૧ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલ્યા પછી છેવટે ૪૯ પૉઇન્ટના નજીવા સુધારે ૫૯,૫૫૦ બંધ થયું છે. શૅર આંક ઉપરમાં ૫૯,૭૮૮ તથા નીચામાં ૫૯,૧૦૪ દેખાયો હતો. નિફ્ટી ૧૩ પૉઇન્ટ વધી ૧૭,૬૬૨ રહ્યો છે. દિવસ દરમ્યાન માર્કેટ લગભગ માઇનસ ઝોનમાં જ સાંકડી વધ-ઘટે ઉપર-નીચે થતું રહ્યું હતું. આ સાથે છેલ્લા એક સપ્તાહમાં સેન્સેક્સ ૧૪૨૯ પૉઇન્ટ કે ૨.૩ ટકા અને નિફ્ટી ૪૫૬ પૉઇન્ટ કે અઢી ટકા ડાઉન થયા છે. જ્યારે કે એક માસની રીતે સેન્સેક્સ ૨.૧ ટકા અને નિફ્ટી ૨.૪ ટકા ડૂલ થયા છે. વિશ્વબજારોથી ભારતીય શૅરબજારની ચાલ વિપરીત રહી છે. દુનિયાભરનાં અગ્રણી બજારો જાન્યુઆરીમાં બે ટકાથી લઈને નવેક ટકા જેવા વધ્યાં છે. કોવિડના કકળાટ વચ્ચે ઇવન ચાઇના સાડાચાર ટકા પ્લસ થયું છે. બાય ધ વે, ખુવાર થઈ ગયેલા પાકિસ્તાન ખાતે પણ ૦.૩ ટકાનો સુધારો નોંધાયો છે, જ્યારે આપણે ત્યાં એકંદર પ્રોત્સાહક પરિણામ, ફુગાવામાં ઘટાડો, માથે બજેટ જેવા સારાં કારણ સાવ એળે ગયાં છે અને એમાં હિન્ડનબર્ગ રિપોર્ટ નોંધપાત્ર ભાગ ભજવી ગયો છે. તાઇવાન, હૉન્ગકૉન્ગ અને કોરિયાની એકથી દોઢ ટકાની નરમાઈ સાથે ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજારો ઢીલાં હતાં. યુરોપ પણ રનિંગમાં અડધો-પોણો ટકો માઇનસ દેખાયું છે. બુધવારે યુએસ ફેડની મીટિંગ છે. વ્યાજદર ૦.૨૫ ટકા વધવાની ગણતરી રખાય છે. ત્યાર પછી વળતા દિવસે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠક છે, એમાં અડધા ટકાની વ્યાજદરમાં વૃદ્ધિ થવાની ધારણા રખાય છે. આપણે ત્યાં મંગળવારે મોટા ભાગનાં સેક્ટોરલ સુધર્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સવાચાર ટકાની તેજીમાં મોખરે હતો. નિફ્ટી મીડિયા અઢી ટકા નજીક, પાવર તથા યુટિલિટીઝ બે-સવાબે ટકા, ટેલિકૉમ બે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૯ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૭ ટકા મજબૂત હતા. સામે ઑઇલ-ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ એક ટકા નજીક તો આઇટી ટેક્નૉ ઇન્ડેક્સ પોણા ટકો જેવા કટ થયા છે. ચાલુ બજારે જ અદાણીનો મેગા ફૉલોઑન ઇશ્યુ સુખરૂપે પાર પડી જવાના અહેવાલ આવ્યા હતા, જેનો બજારને સારો સધિયારો મળ્યો છે. ખાસ કરીને રોકડું અને બ્રૉડર માર્કેટ ડિમાન્ડમાં રહેતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈ ખાતે ૧૫૫૬ શરના સુધારા સામે ૪૬૬ કાઉન્ટર નરમ હતાં.


વેચાણના આંકડાની પૂર્વસંધ્યાએ મહિન્દ્ર ઑલટાઇમ હાઈ થયો 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૪ શૅર સુધર્યા છે. મહિન્દ્ર અઢી ગણા કામકાજે ૧૩૮૫ની ઑલટાઇમ ટૉપ બતાવી સાડાત્રણ ટકાના ઉછાળે ૧૩૭૮ ઉપરના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. વાહનોનાં વેચાણના આંકડા બુધવારે હોવાથી મોટા ભાગના ઑટો શૅર ફેન્સીમાં હતા. તાતા મોટર્સ બે ટકા, મારુતિ પોણા ટકાથી વધુ, અશોક લેલૅન્ડ ચારેક ટકા, આઇશર અઢી ટકા, હીરો મોટોકૉર્પ સવાબે ટકા પ્લસ હતા. બજાજ ઑટો અડધો ટકો ઘટ્યો છે. મેઇન બેન્ચમાર્કમાં અલ્ટ્રાટેક, પાવરગ્રીડ, સ્ટેટ બૅન્ક, આઇટીસી, ટાઇટન, ભારત પેટ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટર પોણાબેથી ત્રણેક ટકા વધ્યા છે. રિલાયન્સ પાંખા કામકાજે નામપૂરતો સુધરી ૨૩૫૪ થયો છે. બજાજ ફાઇનૅન્સ તથા ટીસીએસ સવાબે ટકાથી વધુની ખરાબીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. ટેક મહિન્દ્ર, સનફાર્મા, બ્રિટાનિયા, એચડીએફસી લાઇફ, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ, દીવીસ લૅબ સવાથી બે ટકા ડાઉન હતા. 


અપાર ઇન્ડસ્ટ્રીઝ પરિણામના પગલે સાડાઆઠ ગણા કામકાજે ૧૩૫૭ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૬૮૯ થઈ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૮૧ના જમ્પમાં ત્યાં જ બંધ થયો છે. જીટીએલ ઇન્ફ્રા ૧૯ ટકા તથા સૂઝલોનનો પાર્ટપેઇડ સાડાબાર ટકા ઊંચકાયો છે. 

આ પણ વાંચો : Stock Market & Union Budget 2023: બજેટ પહેલાં શૅરબજારમાં તેજી, NIFTY SENSEX અપ

અદાણીને મોટી રાહત, ફૉલોઑન પાર પડ્યો, માર્કેટ કૅપ માત્ર ૨૧૭૭ કરોડ ઘટ્યું

ત્રણ દિવસની ખુવારી પછી મંગળવાર અદાણી ગ્રુપ માટે એકંદર મોટી રાહતનો પુરવાર થયો છે. અદાણી એન્ટરનો ૨૦,૦૦૦ કરોડનો મેગા ફૉલોઑન ઇશ્યુ એના આખરી દિવસે કુલ ૧.૧૨ ગણો ભરાઈ ગયો છે. ક્યૂઆઇબી પોર્શન ૧.૩ ગણો તથા એચએનઆઇ પોર્શન ૩.૩ ગણો છલકાયો છે, પણ રીટેલ પોર્શન માત્ર ૧૨ ટકા ભરાયો છે. કંપનીના એમ્પ્લૉઇઝ માટેનો ક્વોટા પણ ૫૫ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૨૫-૨૭વાળું ડિસ્કાઉન્ટ હવે ૩૨ થઈ ગયું છે. અદાણી એન્ટરનો શૅર ગઈ કાલે ૩.૪ ટકા વધીને ૨૯૭૫ બંધ થયો છે. અદાણી પોર્ટ્સ ૨.૭ ટકા વધીને ૬૧૩ નજીક ગયો છે. અદાણી ટ્રાન્સમિશન ૧૫૬૨નું નવું બૉટમ બનાવી ઉપરમાં ૧૮૩૬ દેખાડી પોણાચાર ટકા વધીને ૧૭૭૪ થયો છે. અદાણી ગ્રીન પણ ૧૦૭૪ નીચે નવા તળિયે જઈ બાઉન્સબૅકમાં ત્રણ ટકા ઊંચકાઈને ૧૨૨૪ હતો. એસીસી ૩.૭ ટકા અને અંબુજા સિમેન્ટ સાડાત્રણ ટકા અપ હતા. એનડીટીવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૩૧ થયા બાદ ઉપરમાં ૨૫૨ થઈ સવા ટકો સુધરી ૨૪૭ નજીક બંધ હતો. સામે પક્ષે અદાણી ટોટલ નવી સુધારેલી લિમિટમાં ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૧૧૩, અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૨૪ તથા અદાણી વિલ્મર પાંચ ટકાની મંદીની સર્કિટે ૪૬૭ બંધ આવ્યો છે. ત્રણ દિવસની ખુવારીમાં આ શૅર ૫.૫૭ લાખ કરોડ રૂપિયા કે ૬૮.૩ અબજ ડૉલરના ધોવણા બાદ ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં માત્ર ૨૧૭૭ કરોડ રૂપિયાનો જ ઘટાડો થયો છે. જોકે અદાણી સાથે પરોક્ષ સંબંધ છે એવી કંપનીઓમાં ક્વિન્ટ ડિજિટલ મીડિયા ૧૧૫ની નવી બૉટમ બનાવીને સવાબાર ટકા બગડી ૧૨૩ થઈ છે. એલઆઇસી વધુ અડધો ટકો ઘટીને ૬૫૪ નીચે ગઈ છે. 

સરકારી બૅન્કોમાં સ્ટ્રૉન્ગ બાઉન્સબૅક, રેલવે સંબંધિત શૅરોમાં આકર્ષણ

અદાણીના પડખામાં ધોવાયેલું બૅન્કિંગ ગઈ કાલે બાઉન્સ થયું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે ૨૬૮ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપીને ૪.૩ ટકા ઊછળ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી એચડીએફસી બૅન્ક ૦.૭ ટકા અને ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ૦.૪ ટકા નરમ હતા, તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક ફ્લૅટ હતા. બાકીના ૩૩ શૅર સુધર્યા છે. ૧૨ સરકારી બૅન્કો પોણાત્રણ ટકાથી લઈને સવાછ ટકા જેવી ઊછળી છે. કૅનેરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, યુનિયન બૅન્ક, યુકો બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પીએનબી, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક ૪થી સવાછ ટકા મજબૂત હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકો તો સ્ટેટ બૅન્ક ૨.૯ ટકા પ્લસ હતા. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૩૦ પૉઇન્ટ જેવો સામાન્ય વધ્યો છે, પણ એના ૧૩૭માંથી ૧૧૨ શૅર સુધર્યા હતા. અદાણી સાથેના સંપર્કને લઈ આગલા દિવસે ખરડાયેલો મોનાર્ક નેટવર્થ સવાદસ ટકાના જમ્પમાં ૨૯૨ વટાવી ગયો છે. આઇઆઇએફએલ સાડાનવ ટકા વધી ૫૧૪ થયો છે. આઇઆરએફસી, આઇડીએફસી, ટીએફસીઆઇ, કેનફીન હોમ્સ, પીએનબી હાઉસિંગ, આરઈસી, હુડકો સાડાચારથી છ ટકા ઊંચકાયા છે. નાયકા સવાબે ટકા અને પૉલિસી બાઝાર બે ટકા અપ હતા. પેટીએમ અડધો ટકો ઘટ્યો છે. રેલવિકાસ નિગમ પાંચ ટકા, ઇરકોન ૪ ટકા, આઇઆરસીટીસી બે ટકા, રેલટેલ સવાત્રણ ટકા, ટીટાગર વૅગન્સ ૩.૯ ટકા, ટેક્સમાકો રેલ સવા ચાર ટકા, કારનેક્સ માઇક્રો પાંચ ટકા મજબૂત હતા. 

ગોલ્ડ ડ્યુટીમાં ઘટાડાની આશામાં જ્વેલરી શૅર ઝળક્યા, આઇટી નરમ

બજેટમાં સોના પરની ડ્યુટીમાં રાહતનો આશાવાદ પ્રબળ બનતાં ગઈ કાલે જ્વેલરી શૅરોમાં ઝમક હતી. કલ્યાણ જ્વેલર્સ સવાબાર ટકા, રાજેશ એક્સપોર્ટ્સ ચાર ટકા, ગોલ્ડિયમ ઇન્ટર આઠ ટકા, થંગમયિલ સવાચાર ટકા, ઝોડિયાક જેઆરડી ૧૧ ટકા, વીરકૃપા પાંચ ટકા, પામ જ્વેલ્સ ત્રણેક ટકા, વૈભવ ગ્લોબલ બે ટકા વધ્યા છે. સામે પીસી જ્વેલર્સ ૫ ટકા, રાધિકા જ્વેલ ૪ ટકા, ઉદય જ્વેલરી ત્રણ ટકા, આરઓ જ્વેલ્સ પાંચ ટકા ડાઉન થયા છે. 

આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૬૦માંથી ૪૩ શૅર વધવા છતાં પોણો ટકો ઘટ્યો છે, કેમ કે ટીસીએસ સવાબે ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, લાટિમ પોણાબે ટકા, એચસીએલ ટેક્નૉ એક ટકો, વિપ્રો પોણા ટકાથી વધુ તો ઇન્ફી ૦.૪ ટકા નરમ હતા. સાઇડ કાઉન્ટર્સમાં કેપીઆઇટી ટેક્નૉ સાડાસાત ટકા, રેટગેઇન પોણાછ ટકા, સેરેબ્રા પાંચ ટકા, વકરાંગી ૪.૯ ટકા, સિએન્ટ ૪.૮ ટકા, ડીલિન્ક સવાચાર ટકા, ઝેનસાર પોણાચાર ટકા મજબૂત હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ભારતી ઍરટેલ ૭૭૦ના લેવલે ફ્લૅટ રહેવા છતાં બે ટકા રણક્યો છે. ઑપ્ટિમસ ૯.૯ ટકા, રાઉટ મોબાઇલ ૫.૮ ટકા, તેજસ નેટ ૫.૮ ટકા, તાતા ટેલી ૫ ટકા, ઇન્ડ્સ ટાવર ૪.૫ ટકા, વોડાફોન ૪ ટકા મજબૂત હતા. ટેલિકૉમ શૅરની સાથે નેટવર્ક ૧૮, ટીવી-૧૮, જસ્ટ ડાયલ, ઝી એન્ટર, તાન્લા, સનટીવી અઢીથી પાંચ ટકા વધવા છતાં આઇટી હેવી વેઇટ્સના ભારના લીધે ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પોણા ટકા નજીક નરમ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 02:08 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK