Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટનો પાયો વિસ્તૃત બનતો જાય છે લાંબું અને ઊંડું જોવાનું રાખજો

માર્કેટનો પાયો વિસ્તૃત બનતો જાય છે લાંબું અને ઊંડું જોવાનું રાખજો

29 April, 2024 06:56 AM IST | Mumbai
Jayesh Chitalia

છેલ્લાં અમુક વરસથી ખાસ કરીને કોવિડ અને ત્યાર બાદના સમયથી રોકાણકારો શૅરબજારમાં વધુ સક્રિય થયા છે અને ઉમેરાતા પણ ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

સ્ટોક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજાર બગીચામાં રહેતી ઊચક-નીચકની જેમ ઇન્ડેક્સ અને રોકાણકારોને વધઘટની ઊચક-નીચક કરાવ્યા કરે છે. હાલ સેન્સેક્સ રેન્જ ૭૨ હજાર નીચેમાં અને ૭૫ હજાર ઉપરમાં રહેવાનાં એંધાણ જણાય છે. માર્કેટ વધે તો પ્રૉફિટ બુક થાય, ઘટે તો નવી ખરીદી થાય એવો માહોલ છે; કેમ કે લાંબે ગાળે તેજીના ટ્રેન્ડનો આશાવાદ ઊંચો છે જેની સે​ન્ટિમેન્ટલ અસર કામ કરી રહી છે. બાકી ફન્ડામેન્ટલ્સની અસર પણ છે જ. હાલ તો સ્પીડબ્રેકર યા રોડબ્લૉક બની શકે એવું પરિબળ યુએસ ઇકૉનૉમી અને ગ્લોબલ સંજોગોનું છે અને રહેશે

છેલ્લાં અમુક વરસથી ખાસ કરીને કોવિડ અને ત્યાર બાદના સમયથી રોકાણકારો શૅરબજારમાં વધુ સક્રિય થયા છે અને ઉમેરાતા પણ ગયા છે. આ વર્ગમાં રીટેલ ઇન્વેસ્ટર્સ સામેલ હોવાની વાત નોંધનીય ગણાય. માત્ર ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિના પર જ નજર કરીએ તો એક અભ્યાસ મુજબ અનેક કંપનીઓમાં રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર વધી છે. આને રોકાણકારો અને માર્કેટનો પાયો વિસ્તૃત થયો કહી શકાય. માત્ર પાંચ સ્ટૉક્સનો જ દાખલો લઈએ તો NHPC (નૅશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન), IREDA (ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી), IRFC (ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશન), યસ બૅન્ક અને HDFC (હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ કૉર્પોરેશન) બૅન્કના શૅરધારકોની સંખ્યા ૭૫ લાખ જેટલી વધી છે. એકલા NHPCમાં) ૨૩ લાખ શૅરધારકો ઉમેરાયા છે. યસ બૅન્કમાં ૧૧ લાખ, સુઝલોનમાં ૮ લાખ શૅરધારકો નવા ઉમેરાયા છે. આ ઉપરાંત તાતા ટેક, અાલોક ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા વગેરેનો પણ આવી કંપનીઓમાં સમાવેશ થાય છે. 

FPI અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ
આ જ રીતે કેટલીક કંપનીઓમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ની સંખ્યા પણ  ઉલ્લેખનીય પ્રમાણમાં વધી છે જેમાં યુનિયન બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, GMR ઍરપોર્ટ‍્સ, NMDC (નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) અને BHEL (ભારત હેવી ઇલે​ક્ટ્રિકલ્સ લિમિટેડ)નાે સમાવેશ થાય છે; જ્યારે BPCL (ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ), સ્વૉન એનર્જી, HDFC  બૅન્ક, ITC (ઇન્ડિયન ટબૅકો કંપની) અને BSEમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની વધુ યોજનાઓની સહભાગિતા વધી છે. 

બજારની વધઘટના સંકેત સમજો
ગયા સોમવારે બજારે સુધારાને આગળ વધારીને આરંભ કર્યો, સેન્સેક્સ પુનઃ ૭૩ હજાર તરફ ગયો, યુદ્ધના ભયમાં ઘટાડો થયો હોવાની ચર્ચા હોવાથી માર્કેટે રિકવરી દર્શાવી હતી. મંગળવારે પણ વધઘટે બજાર પૉઝિટિવ રહ્યું, જોકે સેન્સેક્સ ૭૪ હજાર પાર કરી પાછો ફર્યો અને ૭૪ હજારની નીચે બંધ રહ્યો. બજાર પર હાલ ખેલાડીઓની અને સંજોગોની પકડ એવી છે કે એને બહુ વધવા નથી દેવામાં આવતું નથી અને ઘટવા પણ નથી દેવાતું. કરેક્શનમાં ખરીદી આવી જાય છે. ઇલેક્શનના સંકેત માર્કેટ પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરી રહ્યા છે જેને રોકાણકારોએ સમજવા પડે. બુધવારે પણ માર્કેટ સકારાત્મક રહેતાં સેન્સેક્સે પુનઃ ૭૪ હજાર ઉપર બંધ બનાવ્યો હતો. ગુરુવારે વૉલેટિલિટી સાથે રિકવરી ચાલુ રહેતાં સેન્સેક્સ ૪૮૬ અને નિફટી ૧૬૮ પ્લસ બંધ રહ્યા હતા. શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે માર્કેટે કરેક્શનનાં દર્શન કરાવ્યાં હતાં, જેમાં સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટ અને નિફટી ૧૫૦ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા. રોકાણકારોએ પ્રૉફિટ-બુકિંગનો માર્ગ પસંદ કર્યો હતો, કારણ કે આગળનાં પાંચ સત્ર સતત પૉઝિટિવ રહ્યાં હતાં. જોકે મજાની વાત એ હતી કે બેન્ચમાર્ક ઇન્ડેક્સના ઘટાડા સામે સ્મૉલ-મિડકૅપ્સ વધ્યા હતા. યુએસનો આર્થિક વિકાસદર આ ક્વૉર્ટરમાં ધારણા કરતાં વધુ ધીમો પડ્યો હોવાના અહેવાલની અસરે યુએસ માર્કેટમાં ઘટાડો હતો, જેની અસરે ભારતીય માર્કેટમાં પણ કરેક્શન હતું, જોકે ભારતીય અર્થતંત્રની ગતિવિધિ જોવામાં આવે તો ગ્રોથ મહત્તમ દેખાશે. 



એક-બે મહિનાની ચાલનું ન વિચારો
આગામી વરસોમાં આ ગ્રોથનો દર અને ગતિ પણ વધવાની ઉમ્મીદ છે. વર્તમાન સરકારે જે લક્ષ્યો નક્કી કર્યાં છે એ દર્શાવે છે કે ઇકૉનૉમી કઈ દિશામાં જશે અને કેવો આકાર પામશે. સમજદારને આનાથી વધુ સમજાવવાની જરૂર રહેતી નથી. માત્ર છેલ્લા એક દાયકાના વિકાસ પર પણ નજર કરશો તો એનો ખ્યાલ મળી શકે છે. એટલે જ આજકાલનું કે મહિના-બે મહિનાનું નહીં વિચારો, લાંબું વિચારો, ઊંડું વિચારો અને મજબૂત કંપનીઓમાં દરેક મોટા ઘટાડે રોકાણ કરતા રહો. આ સમયમાં આવતું કરેક્શન તંદુરસ્તીની નિશાની છે. એ ન આવે તો બજારની તબિયતની ચિંતા કરવી પડે. હાલ માર્કેટ ૭૨ હજારથી ૭૫ હજારની વચ્ચે વધઘટ કર્યા કરે છે અને હાલના દિવસોમાં આ જ રેન્જમાં રહેવાની શક્યતા છે. માર્કેટમાં લાંબું અને ઊંડું જોનાર વધુ ફાવશે અને પામશે.


બજારનું ૭૫ ટકા ટ્રેડિંગ માત્ર ૦.૨ ટકા લોકોનું 
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ડેટા મુજબ શૅરબજારમાં તેજીની જે ધમાલ ચાલી રહી છે એમાં એક આંચકાજનક અને આશ્રર્યજનક વાત એ છે કે શૅરબજારનું ૭૫ ટકા ટ્રેડિંગ (સોદાઓ) દેશના કુલ રોકાણકારોના માત્ર ૦.૨ ટકા લોકો મારફત થાય છે. આમાં પણ મહત્તમ રોકાણ કામકાજ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી થાય છે. આ ૦.૨ ટકા રોકાણકારો હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ છે, જેઓ માર્કેટના ૭૫ ટકા હિસ્સા પર પ્રભુત્વ ધરાવે છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
બૅન્કિંગ, ડિફેન્સ અને ઇન્શ્યૉરન્સ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણ (FDI) સંબંધી સુધારા પાઇપલાઇનમાં છે. ચૂંટણીના પરિણામ બાદ સરકારના એજન્ડા પર આ બાબતો છે, આ ત્રણ સેક્ટરમાં વિદેશી રોકાણપ્રવાહ વધે એ માટેનું સરકારનું લક્ષ્ય છે, જેથી એના નિયમો હળવા કરવાની તૈયારી થઈ રહી છે. વિખ્યાત ગ્લોબલ બૅન્ક જેપી મૉર્ગન ચેઝના ચીફે તાજેતરમાં કરેલા નિવેદન મુજબ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઇકૉનૉમિક રિફૉર્મ્સ મારફત ભારતમાં જબરદસ્ત કાર્ય થઈ રહ્યાં છે, તેમના પ્રયાસને લીધે ૪૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેઓ ઇકૉનૉમિક કલબ ઑફ ન્યુ યૉર્કના સેમિનારમાં બોલી રહ્યા હતા. તેમણે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અસાધારણ વિકાસની પણ સરાહના કરી હતી. કોટક મહિન્દ્ર બૅન્ક સામે રિઝર્વ બૅન્ક દ્વારા લેવાયેલી ઍક્શનની અસર કોટક બૅન્કના શૅર પર પડી હતી, આ અસર શૅરધારકો માટે હાલ શંકા બની છે. હવે સ્વિગી પણ આઇપીઓ લાવવાની તૈયારીમાં છે, એણે પોતાનો ડ્રાફ્ટ સેબીમાં ફાઇલ કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:56 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK