° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


એચડીએફસી ટ‍્વિન્સની આગેવાની હેઠળ બજાર સુધારાની ચાલમાં ૬૧,૦૦૦ની ઉપર બંધ થયું

19 January, 2023 03:45 PM IST | New Delhi
Anil Patel

ટીવીએસ ઇલેક્ટ્રો ૧૫ ટકા ઊછળી નવા બેસ્ટ લેવલે, નાયકા સતત પાંચમા દિવસની ખરાબી સામે નવા વર્સ્ટ બૉટમમાં : સિપ્લાએ નવી મલ્ટિપર્પઝ મેડિકલ ડિવાઇસિસ લૉન્ચ કરી, પણ શૅરમાં કરન્ટ ન આવ્યો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અદાણી એન્ટરનો ૨૦,૦૦૦ કરોડનો ફૉલોઑન ઇશ્યુ આવવાની તૈયારીમાં, શૅર સવા ટકો ડાઉન, હજી ઘટશે : એચડીએફસી ટ‍્વિન્સના જોરમાં બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સ સુધર્યા, સરકારી બૅન્કોમાં ઘટાડો આગળ વધ્યો : સીમેન્સ તથા ઍગ્રોટેક ફૂડ્સમાં સેંકડાની તેજી, નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ સતત ઉપલી સર્કિટે બંધ : ટીવીએસ ઇલેક્ટ્રો ૧૫ ટકા ઊછળી નવા બેસ્ટ લેવલે, નાયકા સતત પાંચમા દિવસની ખરાબી સામે નવા વર્સ્ટ બૉટમમાં : સિપ્લાએ નવી મલ્ટિપર્પઝ મેડિકલ ડિવાઇસિસ લૉન્ચ કરી, પણ શૅરમાં કરન્ટ ન આવ્યો

બજારનો ટેક્નિકલ સુધારો બીજા દિવસે પણ આગળ ધપ્યો છે, જેમાં સેન્સેક્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોન પકડી રાખીને ૩૯૦ પૉઇન્ટ વધી ૬૧,૦૪૬ તથા નિફ્ટી ૧૧૨ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮,૧૬૫ થયો છે. શૅરઆંક ઉપરમાં ૬૧,૧૧૦ થયો હતો. બુધવારે મોટા ભાગનાં અગ્રણી શૅરબજારો પ્લસમાં બંધ થયાં છે. જોકે જૅપનીઝ નિક્કીની અઢી ટકા જેવી મજબૂતી બાદ કરતાં અન્યત્ર સુધારો નહીંવતથી સાધારણ રહ્યો છે. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ અડધો ટકો તો ઇન્ડોનેશિયા નામજોગ નરમ હતું. ગોલ્ડમૅન સાક્સ તરફથી ૨૦૨૩ના વર્ષ માટે ચાઇનીઝ આર્થિક વિકાસદરનો અંદાજ અપવર્ડ કરીને ૫.૫ ટકાનો કરાયો છે, પરંતુ ત્યાંનું શૅરબજાર ૩૨૨૪ના લેવલે ફ્લૅટ રહ્યું છે. હૉન્ગકૉન્ગ અડધા ટકાની નજીક અપ હતો. યુરોપ રનિંગમાં નહીંવત વધ-ઘટે ફ્લૅટ જણાતું હતું. 

૨૦૨૩માં ૧૬ જાન્યુઆરી સુધી એકધારી નેટ સેલર રહેલી એફઆઇઆઇ પ્રથમ વાર મંગળવારે નેટ બાયર બની છે. જોકે નેટ લેવાલીનો આંકડો ૨૧૧ કરોડ જેવો ઘણો નાનો હતો, પરંતુ વેચવાલી અટકી એ એક સારા સામાચાર છે. બજારનાં બધાં સેક્ટોરલ વધ્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી વધુ સવા ટકો ઘટ્યો છે. યુટિલિટી અને રિયલ્ટીમાં ય અડધા ટકા નજીકનો ઘટાડો હતો. મેટલ ઇન્ડેક્સ સર્વાધિક ૨.૪ ટકા કે ૫૧૯ પૉઇન્ટ મજબૂત હતો. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩૫,૫૩૮ની ઑલટાઇમ હાઈની નજીક સરકતાં ઉપરમાં ૩૫,૧૨૬ થઈ ૧.૫ ટકાની મજબૂતીમાં ૩૫,૦૬૧ થયો છે. ઑટો, ઑઇલ-ગૅસ, પાવર અને એનર્જી ઇન્ડેક્સ મામૂલી વધ-ઘટે બંધ હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૧૦૬૮ શૅરની સામે ૯૨૬ શૅર માઇનસ થયા છે. 
લોઢા ગ્રુપની નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ૧૦ ટકાની એક ઓર ઉપલી સર્કિટમાં ૮૨૯૨ થઈ છે. આ સતત પાંચમી ઉપલી સર્કિટ છે. પાંચ દિવસમાં જ આ શૅર ૧૦૯ ટકા જેવો વધી ચૂક્યો છે. ૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ અહીં ૧૭,૮૮૬નું ઑલટાઇમ ટૉપ બન્યું હતું. ત્યાંથી વધ-ઘટે ઘટાડાની ચાલમાં ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અત્રે ૩૧૧૧ની મિડ સપ્ટેમ્બર ૨૦૨૧ પછીની બૉટમ બની હતી. જૂન ૨૦૨૦ સુધી આ શૅર સતત ત્રણ આંકડાની અંદર, ૧૦૦થી નીચે રહેતો હતો. ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ ૪૪૮ના બેસ્ટ લેવલે જઈ ૧૫.૪ ટકાની છલાંગમાં ૪૩૯ બંધ થયો છે. ૨૦ જૂનના રોજ અહીં ૧૬૬ની વર્ષની બૉટમ બની હતી, જ્યારે ૨૩ ડિસેમ્બરે ભાવ ૨૫૫ બંધ હતો. 

લાર્સનમાં નવા શિખર જારી, તાતા સ્ટીલ, હિન્દાલ્કોમાં ઝમક આવી 

સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર વધ્યા છે. હિન્દાલ્કો ત્રણ ટકા ઊંચકાઈ ૫૦૨ના બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતો. તાતા સ્ટીલ દોઢા વૉલ્યુમ સાથે ૨.૭ ટકા વધી ૧૨૩ થયો છે. લાર્સન આગેકૂચમાં ૨૨૭૪ના નવા શિખર બાદ ૨.૪ ટકા વધી ૨૨૬૬ રહ્યો છે. એચડીએફસી બૅન્ક ૧.૮ ટકાની મજબૂતીમાં ૧૬૩૭ બંધ આપી બજારને સર્વાધિક ૧૧૦ પૉઇન્ટ ફળી છે, જ્યારે એચડીએફસી ૧.૭ ટકા ઊંચકાઈ ૨૬૮૬ના બંધમાં ૭૩ પૉઇન્ટ પ્રદાન કરી બીજા ક્રમે રહી છે. કોલ ઇન્ડિયા, યુપીએલ, વિપ્રો, ભારતી ઍરટેલ, દીવીસ લૅબ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, ગ્રાસીમ, એસબીઆઇ લાઇફ એકથી બે ટકો પ્લસ હતા. તાતા મોટર્સ ૧.૭ ટકા, અલ્ટ્રાટેક ૧.૩ ટકા, એચડીએફસી લાઇફ દોઢ ટકા ડાઉન હતા. રિલાયન્સ ઉપરમાં ૨૪૯૧ વટાવ્યા પછી નીચામાં ૨૪૬૦ થઈને ચાર રૂપિયા ઘટીને ૨૪૭૪ રહ્યો છે. 

અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨૦,૦૦૦ કરોડનો ફૉલોઑન ઇશ્યુ લાવવા સક્રિય બની છે. સેબીને ફાઇલ કરેલા ડૉક્યુમેન્ટ્સ અનુસાર આ ઇશ્યુ ૨૭ જાન્યુઆરીએ ખૂલી ૩૧ જાન્યુઆરીએ બંધ થશે. ફૉલોઑન ઇશ્યુ પાર્ટપેઇડ ધોરણે હશે અર્થાત અરજી સાથે આંશિક રકમ ભરવાની રહેશે. ફૉલોઑન જંગી હોવાથી શૅરના ભાવ ઘટવાની ગણતરી છે. શૅર ગઈ કાલે વૉલ્યુમ સાથે સવા ટકો ઘટી ૩૫૯૫ થયો છે. અદાણી પાવર સવા ટકો, અદાણી ગ્રીન સાડાત્રણ ટકા, અદાણી ટોટલ દોઢ ટકો, અદાણી ટ્રાન્સ. સવા ટકો, અદાણી વિલ્મર એક ટકો, અદાણી પોર્ટ અડધો ટકો ઘટ્યા છે. અંબુજા સિમેન્ટ અડધો ટકો, એસીસી એક ટકો અને એનડીટીવી સવા ટકો પ્લસ હતા. 

બૅન્ક નિફ્ટીમાં ધીમો સુધારો જારી, પણ સરકારી બૅન્કો બીજા દિવસેય ડાઉન

સિલેક્ટિવ બાઇંગમાં બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૨૨૩ પૉઇન્ટ વધીને ૪૨,૪૫૮ થયો છે. અત્રે ૧૨માંથી ૬ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના ઘટાડામાં વધુ સવા ટકો કપાયો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૨ શૅર સુધર્યા છે, જેમાંથી બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કોટક બૅન્ક, ડીસીબી બૅન્ક, આઇડીબીઆઇ, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક નામપૂરતા પ્લસ હતા. સીએસબી બૅન્ક ૩.૪ ટકા, યસ બૅન્ક સવા ટકો, ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક ૧.૩ ટકા અપ હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅન્ક, યુકો બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સૂર્યોદય સ્મૉલ બૅન્કથી સવાચાર ટકા બગડ્યાં છે. સ્ટેટ બૅન્ક સાધારણ નરમ તો ઍક્સિસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ એક-અડધા ટકાથી વધુના સુધારામાં જોવાયા છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૭૧ શૅરના સથવારે અડધા ટકાથી વધુ પ્લસ હતો. મોનાર્ક ૧૫.૨ ટકાના જમ્પમાં ૩૮૦ નજીક ગયો છે. ધાની સર્વિસિસ ૭ ટકા મજબૂત થઈ છે. સ્ટાર હેલ્થ પાંચ ટકા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ચાર ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ પોણાચાર ટકા, મુથુટ ફાઇ. સવાત્રણ ટકા, આવાસ ફાઇનૅન્સર્સ ત્રણેક ટકા ડૂલ હતા. પેટીએમ ૦.૯ ટકાના સુધારે ૫૩૧, પૉલિસી બાઝાર ૧.૪ ટકા વધીને ૪૪૮, એલઆઇસી મામૂલી વધીને ૭૦૭ નજીક બંધ હતા. નાયકા સતત પાંચમા દિવસની નરમાઈમાં ઑલટાઇમ બૉટમની હૅટ-ટ્રિક બનાવી ૧૨૩ થઈ ૩.૨ ટકા ગગડી ૧૨૯ થયો છે. ઝોમૅટો ૧.૭ ટકા સુધર્યો છે. 

આ પણ વાંચો : ફુગાવો બાવીસ મહિનાના તળિયે જવા છતાં શૅરબજાર મૂડમાં ન આવ્યું, આઇટીમાં આકર્ષણ

આઇટી ફ્રન્ટલાઇન સુસ્ત, વિપ્રો અપવાદ, સીમેન્સમાં ૧૨૯ રૂપિયાની તેજી આવી 

આઇટી બેન્ચમાર્ક ૬૦માંથી ૨૪ શૅરના ઘટાડા વચ્ચે ૧૦૦ પૉઇન્ટ કે ૦.૩ ટકા વધ્યો છે. વિપ્રો પોણાબે ટકા વધી ૪૦૩ વટાવી જતાં આ આંકને ૩૬ પૉઇન્ટ મળી ગયા હતા. ઇન્ફી, ટીસીએસ, ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક્નૉ સાધારણ ૦.૩ ટકા જેવા સુધર્યા છે. ન્યુક્લિયસ ૫.૯ ટકા ગગડી ૪૨૦ની અંદર ગયો છે. ટેક્નૉલૉજી સ્પેસમાં જસ્ટ ડાયલ મજબૂત વલણ જાળવી રાખતાં છ ટકા વધી ૬૭૪ થયો છે. તાતા ટેલી પાંચ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ અઢી ટકા અને ભારતી ઍરટેલ દોઢ ટકા નજીક પ્લસ હતા. ટીવી૧૮ વધુ પોણાબે ટકા બગડ્યો છે. એમટીએનએલ પોણાઆઠ ટકા ઊછળી ૨૭ વટાવી ગયો છે. 

તમામ ૧૦ શૅરના સથવારે મેટલ બેન્ચમાર્ક ૫૧૯ પૉઇન્ટ કે અઢી ટકા જેવો ઊંચકાયો છે. સેઇલ અને અપોલો એપીએલ ૪-૪ ટકા, હિન્દુ. ઝિન્ક ૩.૭ ટકા, હિન્દાલ્કો ત્રણેક ટકા, તાતા સ્ટીલ પોણાત્રણ ટકા, જિંદલ સ્ટીલ ૨.૭ ટકા, વેદાન્ત બે ટકા વધ્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૩ શૅરના સુધારામાં દોઢ ટકો કે ૫૦૩ પૉઇન્ટ પ્લસ હતો. સિમેન્સ સાડાત્રણ ગણા કામકાજે ૪.૪ ટકા કે ૧૨૯ રૂપિયાની તેજી દાખવી ૩૦૭૩ થયો છે. કાર્બોરેન્ડમ યુનિવર્સલ, એબીબી, સીજી પાવર, ભેલ, પોલીકેબ, ભારત ફોર્જ, જીએમઆર ઇન્ફ્રા એકથી પોણાબે ટકા વધ્યા છે. લાર્સન ૨.૪ ટકા વધી ૨૨૬૬ ઉપર બંધ થતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૪૦૬ પૉઇન્ટનો ફાયદો થયો છે. 

ફાઇઝરમાં વર્ષની બૉટમ બની, ઍગ્રોટેક ફૂડ્સે સેન્ચુરી ફટકારી 

હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો સુધર્યો છે. અત્રે ૯૬માંથી ૫૩ શૅર પ્લસ હતા. એચસીજી તથા ઇન્દ્રપ્રસ્થ મેડિકલ પોણાપાંચ ટકા ઊંચકાયા હતા. ઝાયડ્સ લાઇફ સુધારાની ચાલમાં ૨.૭ ટકા વધી ૪૪૩ થયો છે. અહીં ચાર્ટવાળા નજીકમાં ૫૧૦નો ભાવ લાવ્યા છે. સિપ્લા દ્વારા મલ્ટિપર્પઝ નવી મેડિકલ ડિવાઇસિસ લૉન્ચ કરાઈ છે, જે ૩થી ૧૫ મિનિટમાં ડાયાબિટીઝ, ઇન્ફેક્શન્સ, કાર્ડિઍક પ્રૉબ્લેમ ઇત્યાદી સહિત વિવિધ બીમારીમાં તરત ટેસ્ટિંગ માટે ઉપયોગી હોવાનું કહેવાય છે. શૅર જોકે સાધારણ ઘટી ૧૦૬૪ બંધ હતો. સન ફાર્મા, દીવીસ લૅબ, ટોરન્ટ ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, લુપિન, એબોટ ઇન્ડિયા, ગ્લૅન્ડ ફાર્મા જેવી જાતો અડધાથી બે ટકા સુધી વધેલી હતી. ફાઇઝર ૪૦૫૫નું વર્ષનું બૉટમ બનાવી અડધો ટકો ઘટી ૪૧૫૪ રહ્યો છે. આ ઉપરાંત ઇન્ટ્રા-ડેમાં ગ્લૅન્ડ ફાર્મા, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, નાટકો ફાર્મા, ન્યુરેકા, શિલ્પા મેડી, થાયરૉકૅરમાં પણ નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. 

એફએમસીજી ઇન્ડેક્સ ૮૧માંથી ૪૭ શૅરના સહારે અડધો ટકો વધ્યો છે. ઍગ્રોટેક ફૂડ્સના પરિણામ ૨૪મીએ છે. શૅર ૪૦ ગણા કામકાજે સવાબાર ટકા કે ૧૦૩ રૂપિયા ઊછળી ૯૫૦ નજીક પહોંચ્યો છે. હિન્દુ. યુનિલીવર અડધો ટકો, આઇટીસી પોણો ટકો અને બ્રિટાનિયા સાધારણ પ્લસ હતા. સાગર ઉદ્યોગના ૩૮માંથી ૨૨ શૅર વધ્યા છે. મગધ શુગર, પિકાડેલી શુગર, સર શાદીલાલ, એસબીઈસી શુગર અને કેસર એન્ટર સવાબેથી પાંચ ટકા મીઠા બન્યા છે. પોનીઇરોડ, રિગા શુગર, દાવણગીરી, બન્નારી અમાન સાડાત્રણથી પાંચેક ટકા ડાઉન હતા. એનર્જી ઇન્ડેક્સ ફ્લૅટ હતો, પણ ઑઇલ ઇન્ડિયા સવાત્રણ ટકા વધીને ૨૩૩ થયો છે. ઓએનજીસી એક ટકો વધ્યો છે. 

19 January, 2023 03:45 PM IST | New Delhi | Anil Patel

અન્ય લેખો

Union Budget 2023: શરૂ થઈ ગયું કાઉન્ટડાઉન, નાણાં મંત્રાલયમાં યોજાયો આ ખાસ સમારોહ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં સ્થિત નાણાં મંત્રાલયમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

26 January, 2023 05:37 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

આપણા અંગત બજેટ માટે ફાઇનૅ​ન્શિયલ પ્લાનિંગનો ઉત્તમ માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ

મ્યુચ્યુઅલ ફન્ડનો સૌથી બહેતર ઉપયોગ આપણા ફાઇનૅન્શિયલ  પ્લાનિંગ માટે થઈ શકે છે. દરેક વ્ય​ક્તિના નાણાકીય આયોજન માટે મ્યુચ્યુઅલ ફન્ડ ઉત્તમ માર્ગ કે માધ્યમ છે. 

26 January, 2023 05:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શૅરબજારમાં ૨૭મી જાન્યુઆરીથી તમામ શૅરમાં ટી પ્લસ વન સેટલમેન્ટ અમલી બનશે

સેબીએ તબક્કાવાર આ સિસ્ટમનો અમલ કરવાના અંતિમ તબક્કામાં હવે ૨૫૬ કંપનીઓના શૅરમાં શુક્રવારથી આ સિસ્ટમનો અમલ શરૂ થઈ જશે

26 January, 2023 05:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK