Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નબળી માર્કેટ બ્રેડ્થ વચ્ચે શૅરબજાર ૫૬૩ પૉઇન્ટ સુધર્યું, રિલાયન્સમાં સળવળાટ

નબળી માર્કેટ બ્રેડ્થ વચ્ચે શૅરબજાર ૫૬૩ પૉઇન્ટ સુધર્યું, રિલાયન્સમાં સળવળાટ

18 January, 2023 02:47 PM IST | Mumbai
Anil Patel

પ્રોવિઝનિંગમાં ૪૬૧ ટકાનો વધારો બૅન્ક ઑફ ઇન્ડિયાના નફાને ભારે પડ્યો, શૅર ગગડ્યો : રેલવેનો ઑર્ડર મળતાં સિમેન્સ ૧૦૯ રૂપિયા વધ્યા પછી હતો ત્યાં જ બંધ થયો : ઇન્ડસ ટાવર નવા તળિયે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોઢા ગ્રુપની નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ સતત ઉપલી સર્કિટે, ચાર દિવસમાં ૩૫૬૩ રૂપિયા તેજી : જેફરીઝ તરફથી ૩૫૦૦ના ટાર્ગેટ સાથે રિલાયન્સમાં બુલિશ વ્યુ : સોનાના ભાવમાં કરન્ટ વચ્ચે જ્વેલરી શૅરમાં નરમાઈ, નાયકા સતત ચોથા દિવસની નરમાઈમાં બૅક-ટુ-બૅક ઑલટાઇમ તળિયે, ઝોમૅટો અને પેટીએમ પટકાયા : પ્રોવિઝનિંગમાં ૪૬૧ ટકાનો વધારો બૅન્ક ઑફ ઇન્ડિયાના નફાને ભારે પડ્યો, શૅર ગગડ્યો : રેલવેનો ઑર્ડર મળતાં સિમેન્સ ૧૦૯ રૂપિયા વધ્યા પછી હતો ત્યાં જ બંધ થયો : ઇન્ડસ ટાવર નવા તળિયે

કોવિડનો કકળાટ અને રિયલ્ટી ક્રાઇસિસના પગલે ૨૦૨૨ના કૅલેન્ડર વર્ષે ચાઇનાનો જીડીપી ગ્રોથ અગાઉના ૮.૪ ટકાથી ગગડી ત્રણ ટકા નોંધાયો છે, જે છેલ્લાં ૪૬ વર્ષમાંનો સેકન્ડ વર્સ્ટ ગ્રોથ રેટ છે. જોકે આ રેટ વિશ્વ બૅન્કના ૨.૭ ટકાના અંદાજ કરતાં બેશક સારો કહી શકાય. ૨૦૨૦ના કોવિડના પીક ટાંકણે ચાઇનાએ ૨.૨ ટકાનો જીડીપી ગ્રોથ નોંધાવ્યો હતો, જે ૪૬ વર્ષની બૉટમ છે. ચાલુ વર્ષ માટે વર્લ્ડ બૅન્કે ૪.૩ ટકાના ચાઇનીઝ વિકાસદરની ધારણા મૂકેલી છે. દરમ્યાન ગયા વર્ષે ચીનનો ઔદ્યોગિક વિકાસદર ૩.૬ ટકા રહ્યો છે. ચાઇનીઝ જીડીપીની કમજોરી પાછળ મંગળવારે બહુમતી અગ્રણી એશિયન બજારો ઢીલાં હતાં. હૉન્ગકૉન્ગ પોણો ટકો તથા સાઉથ કોરિયા ૦.૯ ટકાના ઘટાડે મોખરે હતા. ચાઇનીઝ માર્કેટ નહીંવત્ નરમ હતું. બીજી તરફ જૅપનીઝ નિક્કી ૧.૨ ટકા અને ઇન્ડોનેશિયા સવા ટકો પ્લસ થયા છે. યુરોપ રનિંગમાં થોડુંક નબળું દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૮૪ ડૉલરે ટકેલું રહ્યું છે. 



ઘરઆંગણે સેન્સેક્સ ૫૦ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ખૂલી નીચામાં ૬૦,૦૭૨ તથા ઉપરમાં ૬૦,૭૦૪ થઈ ૫૬૩ પૉઇન્ટ વધી બંધ થયો છે. નિફ્ટી ૧૫૮ પૉઇન્ટ વધ્યો હતો. બહુમતી ઇન્ડાઇસિસ સુધર્યાં છે. પાવર, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ ઇન્ડેક્સ દોઢ ટકાની આસપાસ તો એફએમસીજી, રિયલ્ટી, ઑઇલ-ગૅસ, આઇટી પોણાથી એક ટકો અપ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૮ ટકા બગડ્યો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧.૩ ટકો માઇનસ હતો. હેલ્થકૅર, ફાર્મા, ટેલિકૉમ અને મેટલ ઇન્ડેક્સ નજીવી વધઘટે હતા. માર્કેટ બ્રેડ્થ જોકે કમજોર રહી છે. એનએસઈમાં વધેલા ૮૮૭ શૅરની સામે ૧૧૪૨ જાતો ઘટી છે. 


નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ ૨૦-૨૦ ટકાની ત્રણ ઊપલી સર્કિટ બાદ નવી સુધારેલી ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૫૩૮ બંધ રહ્યો છે. ચાર દિવસ પૂર્વે ભાવ ૩૯૭૫ આસપાસ હતો. કંપની લોઢા ગ્રુપની મેક્રોટેક ડેવલપર્સની ૭૩.૯ ટકા માલિકીની સબસિડિયરી છે. પબ્લિક હોલ્ડિંગ આમ તો ૨૬ ટકા છે, પણ ૨૧ ટકા માલ સાત હાઇનેટવર્ક ઇન્વેસ્ટર્સ પાસે છે. ૨૬૩૩ જેટલા નાના રોકાણકારો પાસે માત્ર ૫૫,૮૦૮ શૅર કે ૦.૩ ટકા જ માલ છે. પાંચ ટકા હોલ્ડિંગ બૉડી કૉર્પોરેટ પાસે છે. ઇક્વિટી કુલ બે કરોડ શૅરની કે ૨૦ કરોડ રૂપિયાની છે. આ ભૂમિકા જોતાં શૅરમાં તોફાન પાછળ ઑપરેટર્સનો હાથ હોવાની શંકા જાગે છે. 

લાર્સન વૉલ્યુમ સાથે નવા શિખરે જઈ બન્ને બજારમાં ટૉપ ગેઇનર 


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર વધ્યા હતા. સ્ટ્રૉન્ગ ઑર્ડર બુક સાથે સારાં પરિણામના આશાવાદે લાર્સન ત્રણ ગણા વૉલ્યુમે ૨૨૧૭ની વિક્રમી સપાટી બતાવી ૩.૫ ટકા ઊંચકાઈ ૨૨૧૩ના બંધમાં બન્ને બજાર ખાતે મોખરે હતો. હિન્દુ. યુનિલીવર ૨.૭ ટકા વધ્યો છે. અન્યમાં એચસીએલ ટેક્નૉ, એચડીએફસી ટ્વિન્સ, આઇશર, પાવરગ્રીડ, ટીસીએસ સવાથી પોણાબે ટકા પ્લસ હતા. રિલાયન્સમાં જેફરીઝે ૩૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ આવતાં શૅર ૧.૪ ટકાના સુધારામાં ૨૪૭૮ થયો છે. 

સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા બગડીને ૫૯૩ હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક, બજાજ ફિનસર્વ, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફાઇનૅન્સ, કૉલ ઇન્ડિયા, વિપ્રો જેવી જાતો અડધાથી પોણો ટકો નરમ હતી. અદાણી ગ્રીન આગલા દિવસની સાડાનવ ટકાની તેજી આગળ વધારતાં ઉપરમાં ૨૧૮૫ થઈ ૩.૫ ટકા વધી ૨૧૬૬ રહ્યો છે. અદાણી પાવર ૩.૨ ટકા, અદાણી ટોટલ ૪.૨ ટકા, અદાણી વિલ્મર અડધો ટકો, અદાણી એન્ટર ૦.૬ ટકો પ્લસ હતા. 

વિશ્વબજારની સાથે સ્થાનિકમાં સોનામાં કરન્ટ વર્તાય છે. ભાવ નવા શિખરે જવાના વરતારા થઈ રહ્યા છે. ગઈ કાલે કલ્યાણ જ્વેલર્સ, પીસી જ્વેલર્સ, ગોલ્ડિયમ ઇન્ટર, રેનેસા, સ્કાય ગોલ્ડ, રાધિકા જ્વેલ્સ, એસએમ ગોલ્ડ અડધાથી છ ટકા ડાઉન હતા. ટીબીઝેડ સામાન્ય અને થંગમચિય દોઢ ટકો વધ્યા હતા. 

આ પણ વાંચો : ફુગાવો બાવીસ મહિનાના તળિયે જવા છતાં શૅરબજાર મૂડમાં ન આવ્યું, આઇટીમાં આકર્ષણ

બૅન્કિંગમાં નરમાઈ, નાયકા નવા તળિયે, પેટીએમ ૪.૮ ટકા પટકાયો 

ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૨માંથી સાત શૅરની નરમાઈ વચ્ચે પણ ૬૭ પૉઇન્ટ સુધર્યો છે, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના બગાડમાં પોણાબે ટકાથી વધુ કટ થયો છે. બૅન્ક ઑફ ઇન્ડિયાનું પ્રોવિઝનિંગ ૪૬૧ ટકા વધી ૧૮૭૮ કરોડ થતાં નેટ પ્રૉફિટ માંડ ૧૨ ટકા વધી ૧૧૫૧ કરોડ થયો છે. શૅર ત્રણ ગણા કામકાજે વર્ષના મોટા કડાકામાં નીચામાં ૮૯ થઈ ૪.૬ ટકા ગગડી ૯૩ બંધ રહ્યો છે. ધનલક્ષ્મી બૅન્ક ૪ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૩.૧ ટકા, સિટી યુનિયન પોણાત્રણ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાત્રણ ટકા ડાઉન હતા. આઇઓબી, પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અઢી ટકાની આસપાસ કટ થયા છે. એચડીએફસી બૅન્ક દોઢ ટકો, કરૂર વૈશ્ય સવા ટકો, એયુ બૅન્ક ૧.૩ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૧.૨ ટકા અપ હતા. સરકારી બૅન્કોમાંથી કેવળ સેન્ટ્રલ બૅન્ક એક ટકાની નજીક વધી સામે પ્રવાહે રહી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૮૬૫ના લેવલે ફ્લેટ હતી. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ફક્ત ૪૭ શૅરના સુધારામાં ૦.૩ ટકા પ્લસ થયો છે. આઇઆઇએફએલ સાડાનવ ટકા ઊછળી ૫૧૬ વટાવી ગઈ છે. પેટીએમ પોણાપાંચ ટકા તૂટી ૫૨૭ નીચે બંધ હતો. પૉલિસી બાઝાર બે ટકા અને એલઆઇસી અડધો ટકો ડાઉન હતા. નાયકા ચાર ગણા વૉલ્યુમે ૧૩૨ની નવી વરવી સપાટી દેખાડી પાંચ ટકા તૂટી ૧૩૩ થયો છે. ઝોમૅટો પણ પાંચેક ટકા લથડી ૫૦ દેખાયો છે. પીએનબી હાઉસિંગ ૪ ટકા, મનપ્પુરમ ૩.૮ ટકા, રેલીગેર ૩.૭ ટકા, કેનફિન હોમ્સ ૩ ટકા માઇનસ હતા. 

કેસોરામ પરિણામ પાછળ લથડ્યો, સ્પેશ્યલિટી રેસ્ટોરાં છલાંગ મારી નવી ટોચે

કેસોરામ ઇન્ડ.ની ત્રિમાસિક ખોટ ૩૨ કરોડથી વધીને ૪૮ કરોડ આવતાં શૅર ત્રણ ગણા કામકાજે વર્ષના મોટા ધબડકામાં ૫૮ થઈ આઠ ટકાની ખરાબીમાં ૫૯ બંધ થયો છે. સિમેન્સને રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ૨૬,૦૦૦ કરોડનો ઑર્ડર મળતાં શૅર ૫ ગણા કામકાજે પ્રારંભિક સુધારે ૧૦૯ રૂપિયા ઊંચકાઈ ૩૦૫૨ થયા પછી પ્રૉફિટ બુકિંગમાં ૨૯૦૯ થઈ ૨૯૪૪ પર ફ્લેટ રહ્યો છે. કેપીઆઇ ગ્રીન એનર્જી શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ૧.૭ ટકા વધીને ૮૮૨ હતો. આરતી સર્ફકરન્ટ્સ એક્સ રાઇટ તથા ૩.૫ ટકાની નબળાઈમાં ૬૧૫ રહ્યો છે.

માર્કોલાઇન્સ પેવમેન્ટ પણ એક્સ રાઇટ થતાં એક ટકો ઘટીને ૧૫૧ હતો. ટીવી૧૮ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૨.૮ ટકાના વધારામાં ૧૭૬૮ કરોડની આવક પર ૭૯.૨ ટકાના ગાબડામાં ૪૨ કરોડ જેવો નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર નીચામાં ૩૬ અંદર જઈ ૧.૬ ટકા ઘટી ૩૬ ઉપર બંધ હતો. નેટવર્ક૧૮નો ત્રિમાસિક નેટ નફો ૩૦૭ કરોડથી ગગડી ૮૮૨ લાખ આવ્યો છે. એનો ભાવ પણ નીચામાં ૬૩ અંદર જઈ ૩.૩ ટકા ગગડી ૬૩ થયો છે. સ્પેશ્યલિટી રેસ્ટોરાંમાં ગયા મહિને નૉન-પ્રમોટર્સ એન્ટિટીઝની તરફેણમાં ૨૧૨ના ભાવે ૬૦ લાખ કન્વર્ટિબલ વૉરન્ટ્સ ઇશ્યુ કરવાના નિર્ણયના પગલે શૅરમાં આવેલો કરન્ટ આગળ વધ્યો છે. ભાવ ગઈ કાલે ૨૮૨ની નવી ટૉપ બનાવી ૯.૮ ટકાના ઉછાળે ૨૭૫ બંધ હતો. ભારત ઍગ્રિફર્ટ ૧૨૦૦ની નવી વિક્રમી સપાટી બનાવી પોણા ટકાની આગેકૂચમાં ૧૧૬૪ રહ્યો છે. રેડિયો સિટી અર્થાત્ મ્યુઝિક બ્રૉડકાસ્ટ ૧૬.૫૦ના નવા બૉટમ બાદ ત્રણ ટકાના ઘટાડે ૧૬.૫૫ હતો. 

ન્યુરેકા, સુપ્રિયા, ગ્લૅન્ડ ફાર્મા, પિરામલ ફાર્મા, નાટકો ફાર્મામાં નવાં બૉટમ બન્યાં 

પાવર, યુટિલિટી, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકાની આસપાસ વધ્યા છે. અત્રે એનએસપીસી, અદાણી ગ્રીન, અદાણી પાવર, લાર્સન ૩થી ૪ ટકા વધ્યા હતા. એફએમસીજી ઇન્ડેક્સ સવા ટકાની નજીક સુધર્યા છે. હિન્દુ. યુનિલીવરની સાથે-સાથે બ્રિટાનિયા, આઇટીસી, મારિકો, નેસ્લે, તાતા કન્ઝ્યુમર્સ, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમર જેની ચલણી જાતો વધીને બંધ રહી છે. એડીએફ ફૂડ્સ પોણાપાંચ ટકાની તેજીમાં હતો. 

ઑટો ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ હતો. તાતા મોટર્સ, બજાજ ઑટો, મારુતિ અને આઇશર અડધાથી દોઢ ટકો વધ્યા હતા. વિન્ડફોલ ટૅક્સ અને એક્સપોર્ટ ડ્યુટીમાં સાનુકૂળ પખવાડિક ફેરફારમાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૦.૯ ટકા અપ હતો. જોકે ભારત પેટ્રો નહીંવત્, ઇન્ડિયન ઑઇલ પોણો ટકો અને હિન્દુ. પેટ્રો દોઢ ટકો નરમ હતા. ઓએનજીસી નામપૂરતો સુધરી ૧૪૮ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ફ્લેટ હતો. ન્યુરેકા, ગ્લૅન્ડ ફાર્મા, સુપ્રિયા લાઇફ, આરતી ઇન્ડ., હેસ્ટર બાયો, લૌરસ લૅબ, નાટકો ફાર્મા, પિરામલ ફાર્મા, થાઇરોકૅર જેવી જાતો અત્રે નવા ઐતિહાસિક તળિયે ગઈ છે. ટેલિકૉમ ક્ષેત્રે ઇન્ડ્સ ટાવર ૧૭૫ની નવી બૉટમ બનાવી સવાત્રણ ટકા ગગડી ૧૭૬ થયો છે. ભારતી ઍરટેલ એકાદ ટકાના સુધારે ૭૬૬ નજીક ગયો છે. આઇટી ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. ટીસીએસ સવા ટકો અને ઇન્ફોસિસ એક ટકાની નજીક વધીને બંધ હતા. 

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 02:47 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK