ગોલ્ડ લોન કંપની મુથૂટ ફાઇનૅન્સ અને મણપ્પુરમ ફાઇનૅન્સમાં ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક : BSE લિમિટેડમાં નવું શિખર, MCX નવી ટોચે જઈને પાછી પડી
પ્રતીકાત્મક તસવીર
રૅર-મિનરલ્સની ક્રાઇસિસને લઈ મારુતિ સુઝુકી તરફથી ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં ઉત્પાદનકાપ જાહેર : ગોલ્ડ લોન કંપની મુથૂટ ફાઇનૅન્સ અને મણપ્પુરમ ફાઇનૅન્સમાં ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક : BSE લિમિટેડમાં નવું શિખર, MCX નવી ટોચે જઈને પાછી પડી : વિસુવિયસ ઇન્ડિયા એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકા ઊંચકાઈ, વીટીએમ અને સમીરા ઍગ્રો એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ સુધારામાં : જૈનિક પાવર પ્રથમ દિવસે ૭૨ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૭ રૂપિયા
બૅન્કિંગ ફાઇનૅન્સ પ્રૉફિટ-બુકિંગમાં, ડિફેન્સ શૅરમાં સુધારો
ADVERTISEMENT
બે દિવસની પીછેહઠ બાદ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૨ શૅરના સથવારે એક ટકો વધ્યો છે. ડેટા પેટર્ન્સ પોણાબે ગણા વૉલ્યુમે પોણાછ ટકા કે ૧૬૯ રૂપિયા ઊછળી ૩૧૨૩ થયો છે. મિશ્ર ધાતુ નિગમ ૫.૧ ટકા, એસ્ટ્રા માઇક્રો ૩.૫ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ બે ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ ૧૦ ટકા કે ૧૧૭ રૂપિયા, અવાન્ટેલ દોઢ ટકા, આઇડિયા ફોર્જ ૧.૪ ટકા, ઍક્સિસ કેડસ બે ટકા, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો, નાઇબ લિમિટેડ ૮.૪ ટકા કે ૧૪૦ રૂપિયા, પ્રીમિયર એકસ્પ્લોસિવ્ઝ ૧.૬ ટકા, GOCL કૉર્પ પાંચ ટકા, માઝગાવ ડૉક પોણો ટકો પ્લસ થયો છે. સામે કોચીન શિપયાર્ડ બે ટકા, ગાર્ડન રિચ સવા ટકો, યુનીમેક ઍરોસ્પેસ ૧.૧ ટકા, એમટાર ટેક્નૉ. પોણો ટકો નરમ રહી છે.
બૅન્ક નિફ્ટી તાજેતરની રૅલીમાં વિરામ લેતાં ગઈ કાલે ૧૨માંથી ૮ શૅરની પીછેહઠમાં ૨૧૦ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં અડધો ટકો ડાઉન હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૨૬ શૅર માઇનસ થયા છે. ઉજજીવન સ્મૉલ બૅન્ક ૫.૭ ટકાની મજબૂતીમાં ૫૧ હતો. ઇક્વિટાસ બૅન્ક ૨.૮ ટકા, જેકે બૅન્ક ૩.૭ ટકા, DCB બૅન્ક બે ટકા વધી છે. યુનિવર્સલ બૅન્કિંગ લાઇસન્સ મેળવવા સક્રિય બનતાં જના સ્મૉલ બૅન્ક પ્રારંભિક તેજીમાં ૫૫૩ નજીક ગઈ હતી. જોકે છેલ્લે નજીવા સુધારે ૫૨૦ રહી છે. ઉત્કર્ષ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ સિંધ બૅન્ક, બંધન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સવાથી અઢી ટકા ઘટી હતી. આરબીએલ બૅન્ક સર્વાધિક ૩.૬ ટકા બગડી ૨૨૨ હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨,૮૬૮ના બેસ્ટ લેવલે જઈ ૧૫૭માંથી ૯૬ શૅરની નબળાઈમાં અડધો ટકો ઘટીને ૧૨,૭૬૧ હતો. એસએમસી ગ્લોબલ ૮.૭ ટકા, માસ્ટર ટ્રસ્ટ ૭.૪ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ સવાછ ટકા, નૉર્ધન આર્ક કૅપિટલ પાંચ ટકા, પીટીસી ઇન્ડિયા ફાઇનૅન્સ સર્વિસિસ પોણાછ ટકા મજબૂત બની છે. જિયોજિત ફાઇનૅન્સ ૩.૫ ટકા, નિપ્પોન લાઇફ ૩.૨ ટકા, ડેમ કૅપિટલ ત્રણ ટકા, સુમિત સિક્યૉરિટીઝ ત્રણ ટકા, એડલવાઇઝ અઢી ટકા ઘટી છે. MCX ૮૦૩૩ના નવા શિખર બાદ પોણો ટકો ઘટી ૭૮૯૦ રહી છે. BSE લિમિટેડ ૩૦૩૦ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સામાન્ય સુધારામાં ૩૦૦૨ વટાવી ગઈ છે.
સેન્સેક્સમાં મંગળવારે ૪ દિવસનો સુધારો અટક્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૯૯ પૉઇન્ટ જેવો પ્લસ, ૮૨,૬૪૪ ખૂલી છેવટે ૫૩ પૉઇન્ટની પીછેહઠમાં ૮૨,૩૯૨ બંધ થયો છે. બજારમાં વધઘટની રેન્જ ઘણી સાંકડી, માંડ ૪૪૦ પૉઇન્ટની રહી હતી. શૅર આંક ઉપરમાં ૮૨,૬૮૧ નજીક જઈ નીચામાં ૮૨,૨૪૦ થયો હતો. સેન્સેક્સની પરચૂરણ પીછેહઠ સામે નિફ્ટી પૉઝિટિવ બાયસમાં એક પૉઇન્ટ વધીને ૨૫,૧૦૪ના લેવલે ફ્લૅટ બંધ આવ્યો છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૧૯૯ અને નીચામાં ૨૫,૦૫૫ દેખાયો હતો. બન્ને બજારનાં મોટા ભાગનાં ઇન્ડાઇસિસ પ્લસ હતાં. આઇટી ઇન્ડેક્સ સર્વાધિક ૧.૬ ટકા વધ્યો છે. એના ૫૯માંથી ૪૦ શૅર વધ્યા હતા. તાતાની નેલ્કો પોણાનવ ટકાની તેજીમાં ૯૭૬ વટાવી અત્રે મોખરે હતી. ઑરેકલ ફાઇનૅન્સ ચાર ટકા કે ૩૬૯ રૂપિયા ઊચકાઈ છે. લાર્સન ટેક્નૉ તથા એફલી સાડાત્રણ ટકા મજબૂત થઈ છે. પાવર યુટિલિટીઝ બેન્ચમાર્ક એક ટકા આસપાસ ઝળક્યા છે. સામે રિયલ્ટી સવા ટકો, ટેલિકૉમ-ફાઇનૅન્સ અને પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો માઇનસ હતા. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ પૉઝિટિવ ઝોનમાં હોવાથી માર્કેટ બ્રેડ્થ હકારાત્મક રહી છે. NSEમાં વધેલા ૧૬૦૯ શૅર સામે ૧૩૦૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪૨,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૫૫.૪૦ લાખ કરોડ થયું છે.
ચાઇનીઝ નિકાસબંધીને લઈ રેર મિનરલ્સની અછત વકરવા માંડી છે. રેર-મિનરલ્સની કટોકટીના પગલે મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિકલ વેહિકલ્સના ઉત્પાદનમાં કાપ જાહેર કર્યો છે. અન્ય ઑટો ઉત્પાદકો પણ લાઇનમાં હોવાનું કહેવાય છે. ટેક્સટાઇલ કંપની વીટીએમ લિમિટેડ બે શૅરદીઠ ત્રણ બોનસમાં બુધવારે એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે બે ટકા વધી ૨૨૫ બંધ થયો છે. સમીરા ઍગ્રો ઍન્ડ ઇન્ફ્રા એક શૅરદીઠ ચાર બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ અઢી ટકા વધીને ૯૬ નજીક હતી. વિસુવિયસ ઇન્ડિયા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે પાંચ ટકાની મજબૂતીમાં ૬૨૦ બંધ રહી છે. ઇથોસ લિમિટેડ ૧૦નો એક એવા ૪૩ શૅરદીઠ ચાર શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૧૮૦૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં ૧૨ જૂને એક્સ-રાઇટ થશે. ભાવ ગઈ કાલે BSEમાં બે ટકા વધી ૨૯૯૮ તો NSEમાં સવાબે ટકા વધી ૩૦૦૯ બંધ થયો છે.
પ્રાઇમરી સેગમેન્ટમાં SME કંપની જૈનિક પાવરનો શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૫૧૩૦ લાખ રૂપિયાનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૭૨ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સાત રૂપિયા સંભળાય છે. સચિરોમ લિમિટેડનો શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૬૧૬૨ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ બુધવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૩૨.૩ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી અત્યારે ૩૭ બોલાય છે. પશ્ચિમ બંગાળની મોનોલિથીક ઇન્ડિયા શૅરદીઠ ૧૪૩ના ભાવે ગુરુવારે ૮૨૦૨ લાખનો SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી અત્યારે ૨૮ થયું છે. શુક્રવારે મેઇન બોર્ડમાં હરિયાણાની ઓસવાલ પમ્પ્સ એક રૂપિયાના શૅરદીઠ ૬૧૪ની અપર બૅન્ડમાં ૪૯૭ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૩૮૭ કરોડનો આઇપીઓ કરવાની છે. ઑફર ફૉર સેલના ૪૯૭ કરોડ રૂપિયા સીધા પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૫૧ રૂપિયા બોલાય છે. શુક્રવારે અમદાવાદી કંપની એટેન પેપર્સ ૧૦ના શૅરદીઠ ૯૬ની અપર બૅન્ડમાં ૩૧૬૮ લાખનો BSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં સોદા નથી.
રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રામાં નવાં ઊંચા શિખર
નિફ્ટી ખાતે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પોણાચાર ટકા કે ૧૦૦ નજીકની તેજીમાં ૨૭૦૮ બંધ આપી બેસ્ટ ગેઇનર બની છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર સવાત્રણ ગણા વૉલ્યુમે સવાબે ટકા ઊચકાઈ ૧૬૧૪ના બંધમાં ટૉપ ગેઇનર રહી છે. અન્યમાં ડૉ. રેડ્ડીઝ લૅબ સવાબે ટકા, તાતા મોટર્સ બે ટકા, વિપ્રો દોઢ ટકા નજીક, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો, અદાણી એન્ટરપ્રાઇઝ અને HCL ટેક્નૉ ૧.૨ ટકા, હિન્દાલ્કો ૧.૨ ટકા વધી છે. ઇન્ફોસિસ દોઢ ટકાના સુધારામાં ૧૫૯૫ બંધ આપી બજારને ૭૧ પૉઇન્ટ ફળી છે. TCS ૧.૨ ટકા વધી ૩૪૬૩ બંધ રહેતાં એમાં બીજા ૩૪ પૉઇન્ટનો ઉમેરો થયો છે.
સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૧.૩ ટકા અને નિફ્ટીમાં ટ્રેન્ટ ૧.૭ ટકા બગડી ટૉપ લૂઝર બની છે. મારુતિ સુઝુકી ૧.૩ ટકા ઘટી ૧૨,૪૭૪ હતી. બજાજ ફાઇનૅન્સ ૧.૨ ટકા, તાતા સ્ટીલ એક ટકો, બજાજ ફીનસર્વ એક ટકા નજીક નરમ હતા. HDFC બૅન્ક ૦.૬ ટકા ઘટી ૧૯૬૬ બંધ આપી બજારને સર્વાધિક ૮૩ પૉઇન્ટ તથા ICICI બૅન્ક પોણા ટકાના ઘટાડામાં ૮૪ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ પોણા ટકા નજીક ૧૪૩૮ બંધ આવી છે.
‘એ’ ગ્રુપ ખાતે રેટન ઇન્ડિયા પાવર ૧૯.૮ ટકા તથા રેટન ઇન્ડિયા ૧૮.૫ ટકા ઊછળીને મોખરે રહી છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર ૭૨.૨૬ની મલ્ટિયર ટૉપ બનાવી સવાદસ ટકાની તેજીમાં ૭૧ ઉપર બંધ થઈ છે. અનિલ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા પણ ૪૧૦ની નવી મલ્ટિયર ટૉપ હાંસલ કરી સવાત્રણ ટકા ઊચકાઈને ૪૦૪ વટાવી ગઈ છે. કૉફી ડે એન્ટરપ્રાઇઝિસ બીજા દિવસની રૅલીમાં સાડાનવ ટકાના જમ્પમાં ૩૬ ઉપર બંધ થઈ છે. સનફ્લૅગ આયર્ન સવાચાર ટકાના ઘટાડામાં ૨૭૮ બંધ રહી ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. મૅકડૉનાલ્ડ ફેમ વેસ્ટ લાઇફ ફૂડ વર્ક્સ પોણાચાર ટકા ઘટી ૭૧૦ હતી. ગોલ્ડ લોન કંપની મુથૂટ ફાઇનૅન્સ સતત ત્રીજા દિવસે વધી ૨૫૭૦ના શિખરે જઈ અડધો ટકો વધી ૨૫૫૪ બંધ આવી છે. મણપ્પુરમ ફાઇનૅન્સ પણ આવાજ રંગમાં ૨૭૪ની નવી ઊંચી સપાટી નોંધાવી સામાન્ય સુધારે ૨૬૫ હતી. મુથૂટ કૅપિટલ બે ટકા અને મુત્રૂટ માઇક્રોફીન એક ટકો વધી છે.

