Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નૅસ્ડૅક વધવા છતાં ITમાં નરમાઈની હૅટ-ટ્રિક બજાર શરૂમાં વધીને ઘટાડામાં બંધ

નૅસ્ડૅક વધવા છતાં ITમાં નરમાઈની હૅટ-ટ્રિક બજાર શરૂમાં વધીને ઘટાડામાં બંધ

Published : 23 September, 2026 10:53 AM | IST | Mumbai
Anil Patel

ક્ષમતા-વિસ્તરણના પગલે મુંબઈની ટ્રાન્સરેલ લાઇટિંગ ૪૧ ગણા કામકાજે ૧૫.૨ ટકાની તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડિફેન્સ શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી, રસેલ ટૅક્સિસ, સિગ્મા ઍડ્વાન્સ્ડ, રેમન્ડ તથા યુનિમૅક ઍરો નવા શિખરે ઃ NSEનું લિસ્ટિંગ ગુરુવારે થશે, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૫૧ ઃ UBSના બુલિશ-વ્યુ પાછળ મિશો લિમિટેડ ઝળકી ઃ નૅસ્ડૅક સવાબે ટકા વધીને બંધ આવવા છતાં ITમાં નરમાઈની હૅટ-ટ્રિક ઃ ક્ષમતા-વિસ્તરણના પગલે મુંબઈની ટ્રાન્સરેલ લાઇટિંગ ૪૧ ગણા કામકાજે ૧૫.૨ ટકાની તેજીમાં ઃ TBZ સતત ઉપલી સર્કિટ સાથે ૬૬૫ની નવી સર્વોચ્ચ સપાટીએ

બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર અંદર ગયા પછી એકાદ ટકો વધી ૧૦૧ ડૉલર ઉપર આવ્યું છે. બિટકૉઇન મજબૂતીની નવી ચાલમાં ૮૭,૨૬૫ ડૉલરની આઠેક માસની ટૉપ બનાવી રનિંગમાં દોઢ ટકો ઘટી ૮૫,૨૫૯ ડૉલર આસપાસ રહ્યો છે. ૨૦૨૬ના કૅલેન્ડર વર્ષમાં અમેરિકન ફેડ કમસે કમ હજી એક વખત વ્યાજદર વધારશે એવા વરતારા વધ્યા છે. ઇન્ડોનેશિયાની ૧.૭ ટકાની નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર મંગળવારે પણ વધ્યાં છે. જપાન રજામાં છે. સિંગાપોર એક ટકો, થાઇલૅન્ડ અડધો ટકો પ્લસ થઈ સુધારામાં મોખરે હતું. યુરોપ રનિંગમાં 
અડધો-પોણો ટકો પ્લસ જણાયું છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૪૨ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૭૪,૯૦૧ ખૂલી છેવટે ૩૩૦ પૉઇન્ટ ઘટીને ૭૪,૫૨૯ તથા નિફ્ટી ૮૫ પૉઇન્ટ ઘટી ૨૩,૩૨૯ બંધ થયો છે. પૉઝિટિવ બાયસમાં ઓપનિંગ બાદ ઉપરમાં ૭૫૦૩,૯ થયેલો શૅરઆંક ગઈ કાલે નીચામાં ૭૪,૪૨૪ દેખાયો હતો. કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૪,૬૫૩ અને નિફ્ટી ૨૩,૩૪૯ હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં નિફ્ટી વધેલા ૧૬૭૯ શૅરની સામે ૧૮૬૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ સવા લાખ કરોડ ઘટી ૪૮૦.૩૦ લાખ કરોડ રહ્યું છે. 
સેન્સેક્સ નિફ્ટી ખાતે વિપ્રો ૧૬૩ની છ વર્ષની બૉટમ બનાવી સાધારણ સુધારે ૧૬૫ રહી છે. નૅસ્ડૅક સવાબે ટકા વધીને બંધ આવ્યા છતાં ઘરઆંગણે IT ઇન્ડેક્સ સતત ત્રીજા દિવસે માઇનસ થયો છે. નિફ્ટી IT ૦.૯ ટકા તો BSEનો IT ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. ૬૩ મૂન્સ સાડાપાંચ ટકા બગડી ૮૪૫ બંધમાં મોખરે રહી છે. વૅલ્યુ બાઇંગની થીમમાં આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી પ્રોટીન e-GOV. ઉપરમાં ૬૫૬ બતાવી ૫.૫ ટકા વધી ૬૨૦ હતી. IT હેવી વેઇટ્સમાં ઇન્ફોસિસ એક ટકો, ટેક મહિન્દ્ર અડધો ટકો, HCL ટેક્નૉલૉઝીસ પોણો ટકો, TCS એક ટકાથી વધુ તથા લાર્સન, માઇન્ડ ટ્રી ૩ ટકા ડાઉન હતી. તાતા ગ્રુપના શૅરોમાં બહુધા નરમાઈ હતી. તાતા કેમિકલ્સ ૩ ટકા, તાતા ટેક્નૉલૉઝીસ સવા ટકો, વૉલ્ટાસ સાડાત્રણ ટકા, ઇન્ડિયન હોટેલ્સ એક ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ સાધારણ, તાતા કમ્યુનિકેશન પોણાત્રણ ટકા, તાતા કૅપિટલ પોણો ટકો ઘટી છે. તાતા ઍલેક્સી ૩૨૦૦ની સવાપાંચ વર્ષની નીચી સપાટી બનાવી બે ટકા ઘટી ૩૨૨૦ હતી. 
બ્રોકરેજ હાઉસ UBS તરફથી મિશો લિમિટેડમાં ૨૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અપાતાં શૅર ઉપરમાં ૨૪૫ બતાવી ૯.૭ ટકા ઊચકાઈ ૨૪૦ થયો છે. જિયો પૉલિટિકલ ટેન્શન વધવા માડ્યું છે. એના પગલે ભારતના ડિફેન્સ બજેટમાં આગામી સમયમાં નોંધપાત્ર વધારો થતો રહેવાની તેમ જ સંરક્ષણ ક્ષેત્રે ખાનગી કંપનીઓની સામેલગીરી વધવાની ધારણા હેઠળ. ઍરોસ્પેસ અને ડિફેન્સ શૅર એકંદર ડિમાન્ડમાં છે. ગઈ કાલે નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ઉપરમાં ૯૫૧૯ થઈ અડધો ટકો વધી ૯૪૭૧ રહ્યો છે. રસેલ ટૅક્સિસ ૧૫૩૦ના શિખરે જઈ ૧૦ ટકા ઊછળી ૧૪૯૫, રેમન્ડ ૧૧૯૫ની મલ્ટિયર ટૉપ બતાવી અઢી ટકા વધી ૧૧૧૩, તનેજા ઍરોસ્પેસ ૧૪ ટકાની તેજીમાં ૩૬૪, અપોલો માઇક્રો ૫.૬ ટકા વધી ૪૦૮, સિગ્મા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ ૯૫૩ની ટોપ હાંસલ કરી સાડાચાર ટકા વધી ૯૪૯ બંધ હતી. અન્યમાં એક્વસ ૪.૯ ટકા, મિલવર્ક્સ અઢી ટકા, ઍક્સિસ કેડ્સ ૨.૭ ટકા, યુનિમૅક ઍરો ૨.૧ ટકા, DCX સિસ્ટમ્સ અડધો ટકો, કાવેરી ડિફેન્સ ૪.૩ ટકા અપ હતી. NSEનો IPO કુલ પોણા ગણા નજીક ભરાઈ પૂરો થયો છે પણ રીટેલ રિસ્પૉન્સ માત્ર ૧.૪ ગણો જ મળ્યો છે. પ્રીમિયમ  ઘટીને હાલ ૫૧ ચાલે છે. લિસ્ટિંગ ૨૪મીએ છે. 
નિફ્ટી ખાતે  કોલ ઇન્ડિયા ૩.૨ ટકા, ટાઇટન ૧.૧ ટકા, ઇન્ડિગો ૧.૮ ટકા, એટર્નલ ૧.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૧ ટકા વધી મોખરે હતા. તાતા કન્ઝ્યુમર ૧.૭ ટકા, નેસ્લે દોઢ ટકા, બજાજ ફિનસર્વ ૧.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ સવા ટકો નરમ હતી. સેન્સેક્સમાં એટર્નલ બે ટકા, ઇન્ડિગો દોઢ ટકા, ટાઇટન પોણો ટકો વધી હતી. 
રિલાયન્સ અડધો ટકો નરમ હતી. બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, બજાજ ફિનસર્વ ૧.૬ ટકા, સનફાર્મા સવા ટકો ઘટી છે. TBZ સતત ૪થી ઉપલી સર્કિટ મારી ૬૬૫ના નવા શિખરે ગઈ છે. ક્ષમતા વિસ્તરણના પગલે ટ્રાન્સરેલ લાઇટિંગ ૧૫.૨ ટકા વધી ૪૭૭ બંધ સાથે ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. 



લિસ્ટિંગમાં ગયેલાં ત્રણેય ભરણાંમાં ગઈ કાલે લૉસ મળી


ગઈ કાલે SME સેગમેન્ટમાં મુંબઈની બે સહિત કુલ ત્રણ કંપની લિસ્ટિંગમાં ગઈ છે. બોરીવલી-વેસ્ટની વામા વુવન ફેબ ૧૦ના શૅરદીઠ ૩૪૧ની મોટી ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલા પ્રીમિયમને ફૅન્સી જમાવવા ખેંચીને ઉપરમાં ૭૦ કરી દેવાયા પછી ગગડીને છેલ્લે બોલાતા ૩ના પ્રીમિયમ સામે ભાવ BSEમાં ૩૪૧ ખૂલી ૩૨૪ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. ગોરેગામ-ઈસ્ટની ક્વૉન્ટો ઍગ્રોવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૬૭ની ઇશ્યુ પ્રાઇસ તથા પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૬૭ ખૂલીને ૬૩.૬૫ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ એમાં મળી છે. ઇન્દોરની શક્તિ પૉલિટ્રેપ ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૬થી શરૂ થઈ નીચામાં પાંચ થયા બાદ છેલ્લે બોલાતા ૬ના પ્રીમિયમ સામે BSEમાં ૫૯ ખૂલી ૫૮ બંધ થતાં પોણા ટકાનો લિસ્ટિંગ લૉસ મળ્યો છે. બુધવારે હીરો મોટર્સ, જિંદલ સુપ્રીમ તથા એસ.એસ. રીટેલમાં ૧૪૭ અને જિંદલમાં ૨૯નું પ્રીમિયમ છે. 
દરમ્યાન પ્રથમ દિવસે હિમાલયા ન્યુટ્રા વેદિક્સનો શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૨૬૫૦ લાખનો SME ઇશ્યુ રીટેલમાં ૧૬ ટકા સહિત કુલ દસેક ટકા તથા આનંદ સિમલેસનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૫૫૨ લાખનો ઇશ્યુ રીટેલમાં પાંચેક ટકા સહિત કુલ ૬૦ ટકા ભરાયો છે. મેઇન બોર્ડમાં વરમોરા ગ્રેનિટોનો બેના શૅરદીઠ ૧૪૮ રૂપિયાના ભાવનો ૭૦૮ કરોડનો અતિ મોંઘો IPO પ્રથમ દિવસે રીટેલમાં ૨૦ ટકા સહિત કુલ ૧૨ ટકા ભરાયો છે. હાલ વરમોરામાં ૪નું, હિમાલયામાં ઝીરો અને આનંદમાં ઝીરો પ્રીમિયમ છે. 
SME સેગમેન્ટમાં બીજા દિવસના અંતે વિવેકાનંદ કોટસ્પિનનો શૅરદીઠ ૩૭ના ભાવનો ૨૨ કરોડનો ઇશ્યુ કુલ ૧૭ ટકા, એફએક્સ મલ્ટિટેકનો ૧૦ના શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૪૫ કરોડનો ઇશ્યુ કુલ ૪૦ ટકા તથા રોબોકિડ્સ એજ્યુવેન્યર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૩૧ કરોડનો ઇશ્યુ કુલ ૬૫ ગણો ભરાયો છે. હાલ રોબોકિડ્સમાં પંચાવન પ્રીમિયમ છે. બરોડાની એક્ઝિઓમ ગૅસનો પાંચના શૅરદીઠ ૫૪ના ભાવનો ૫૧ કરોડનો SME IPO રીટેલમાં ૧.૯ ગણા સહિત કુલ ૧.૪ ગણો ભરાઈ પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ પહેલેથી નથી. 

IPOના રસિયા માટે બુધવારે બહાર જામશે, એકસાથે ૯ ભરણાં આજે ખૂલશે


૯ સપ્ટેમ્બરે એકસાથે ૯ ભરણાં ખુલ્યાં હતાં, એ દિવસે બુધવાર હતો. હવે ૨૩ સપ્ટેમ્બરે એકસાથે કુલ ૯ IPO મૂડીબજારમાં આવવાનાં છે એ પણ બુધવારનો જ દિવસ છે. આજે ખૂલનારાં કુલ ૧૦ ભરણાંમાંથી ૪ મેઇન બોર્ડના છે. મુંબઈના લોઅર પરેલની એલિવેટ કૅમ્પસિસ એકના શૅરદીઠ ૩૬૨ની અપર બેન્ડમાં કુલ ૨૧૦૦ કરોડનો IPO આજે લાવશે. QIB પોર્શન ૭૫ ટકા છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે છે એ ઑન-કૅમ્પાસ સ્ટુડન્ટ્સ માટે અકૉમોડેશનની સુવિધા પૂરી પાડે છે. હાલમાં દેશનાં ૧૫ શહેરો તેમ જ UAE ખાતેના એક શહેરમાં કુલ મળીને ૮૦,૨૫૫ વિદ્યાર્થીઓને અકૉમોડેશન પૂરું પાડવાની ક્ષમતા કંપની ધરાવે છે. એમાંથી ૨૦,૩૬૮ બેડની ક્ષમતાવાળા ૭ કૅમ્પાસ તેની માલિકીના છે. બાકીના તે મૅનેજ કરે છે. ગત વર્ષે ૫૩ ટકા વધારામાં ૬૦૩ કરોડની આવક ઉપર ૨૪૯ ટકા વૃદ્ધિદરથી ૧૭૪ કરોડ નજીક નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૩૬૨ કરોડ અને નફો ૩૯૬૯ લાખ હતો. દેવું આ ગાળામાં ૯૮૫ કરોડથી વધી ૪૧૨૦ કરોડ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૭૫૦ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૧૧૦૦ કરોડ વિસ્તરણમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૪નું છે. થાણેના ભિવંડી ખાતેની એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૩૪ની અપર બેન્ડમાં ૧૫૧ કરોડનો ઇશ્યુ કરશે. એમાંથી ૧૮૦૯ લાખ OFS મારફત પ્રમોટર્સ લઈ જશે. ૧૯૯૫માં સ્થપાયેલી આ કંપની પ્રોપેલર શાફ્ટ તેમ જ ટોર્ક ટ્રાન્સમિશન ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ગત વર્ષે પાંચ ટકા વધારામાં ૧૪૩ કરોડ આવક ઉપર ૪૪ ટકા વધારામાં ૨૬૧૬ લાખ નફો કર્યો છે. દેવું ૫૨૪૦ લાખ છે. પ્રીમિયમ ૩૭થી શરૂ થયા બાદ હાલ ૩૨ ચાલે છે. ત્રીજી કંપની જયપુરની સ્વસ્તિકા ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૧૮૫ની અપરબેન્ડમાં ૧૬૧ કરોડનું ભરણું કરશે. એમાંથી OFS પેટે ૩૨ કરોડ છે જે બહુધા પ્રમોટર્સ લઈ જશે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની પાવર ટ્રાન્સમિશન-ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે OFS પેટે ૩૨ કરોડ છે જે બહુધા પ્રમોટર્સ લઈ જશે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની પાવર ટ્રાન્સમિશન-ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે EPC ધોરણે કામકાજ કરે છે. ગત વર્ષે ૪૩ ટકા વધારામાં ૫૦૫ કરોડ આવક ઉપર ૫૧ ટકા વૃદ્ધિદરથી ૪૧૪૩ લાખ નફો કર્યો છે. દેવું ૧૧૫ કરોડ નજીક છે. ઇશ્યુમાંથી ૯૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. પ્રીમિયમ પાંચથી શરૂ થયા બાદ ૩ થઈ હાલમાં ૧૦ છે. ચોથી કંપની અમદાવાદની આર્મી ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૩૭૫ની અપરબેન્ડમાં ૩૦૦ કરોડનો IPO આજે લાવશે. QIB પોર્શન ૨૫ ટકા તથા રીટેલ પોર્શન ૫૨.૫ ટકા છે. આ રેશિયો પણ કંપનીના મૂળાક્ષર પ્રમાણેના નામ જેવો જ કંઈક અલગ કે વિચિત્ર કહીં શકાય. ૨૦૦૩માં સ્થપાયેલી આ કંપની IT ક્ષેત્રે કામ કરે છે, એને આર્મી સાથે કશી નિસ્બત નથી. ગત વર્ષે ૭ ટકા વધારામાં ૧૪૧૦ કરોડ આવક ઉપર ૯ ટકા વૃદ્ધિદરથી ૪૫૪૭ લાખ નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૧૦૨૪ કરોડ અને ચોખ્ખો નફો ૫૦૧૩ લાખ હતો. દેવું આ ગાળામાં ૨૭ કરોડથી મોટા વધારામાં ૧૭૪ કરોડ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૧૫૫ કરોડ નવા પ્રોજેક્ટ મેળવીને બિઝનેસનું વિસ્તરણ કરવા, ૬૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા માત્ર સાડાછ કરોડ દેવું પાછું ચૂકવવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ એક રૂપિયાથી  શરૂ થઈ અત્યારે ૧૨ ચાલે છે. 
SME સેગમેન્ટમાં આજે, બુધવારે પાંચ ભરણાં ખૂલશે. નવી દિલ્હીની પૂજા લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૧૫ની અપરબેન્ડમાં ૪૪ કરોડનો NSE SME IPO કરશે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની પેરીશેબલ ગુડ્સની હેરફેર માટે રેફ્રીજરેટેડ ટ્રક્સ મારફત ટેમ્પરેચર-કન્ટ્રોલ્ડ લૉજિસ્ટિક્સ સર્વિસીસ પૂરી પાડે છે. ગત વર્ષે ૧૧ ટકાના વધારામાં ૧૬૮ કરોડ આવક ઉપર ૧૨ ટકા વૃદ્ધિદરથી ૧૨૩૪ લાખ નફો કર્યો છે. દેવું ૩૯૨૧ લાખ છે. ઇશ્યુમાંથી આશરે ૩૪ કરોડ નવાં વાહનોની ખરીદીમાં વપરાશે. પ્રીમિયમ હાલ શરૂ થયું નથી. મુંબઈના અંધેરી-ઈસ્ટ મરોલ ખાતેની કોરઇન્ટીગ્રા કન્સલ્ટિંગ સર્વસીસ ૧૦ના શૅરદીઠ ૭૮ની અપરબેન્ડમાં ૨૨ કરોડનો NSE SME IPO કરશે. QIB પોર્શન દસેક ટકા તથા રીટેલ પોર્શન ૪૫ ટકા પ્લસનો છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની સ્ટાફિંગ,ઍડ્વાઇઝી, વેન્ડર મૅનેજમેન્ટ, લૅબર લો સંબંધિત દેખરેખ ઇત્યાદીને આવરી લેતાં ઇન્ટિગ્રેટેડ HR સર્વિસીસ પૂરી પાડે છે. ગત વર્ષે ૨૮ ટકા વધારામાં ૫૧૬ કરોડની આવક ઉપર ૩૦ ટકાના વધારામાં ૪૫૧ લાખ નફો કર્યો છે. બે વર્ષે પૂર્વે આવક ૩૬૮ કરોડ અને નફો ૪૯૪ લાખ હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. 
લિક્વિડ ડિજિટલ ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૫૪ની અપરબેન્ડમાં ૩૯ કરોડનો BSE SME IPO આજે લાવશે. એમાંથી ૪૮૭ લાખ OFS દ્વારા પ્રમોટર્સના ઘરમાં જશે. મુંબઈના અંધેરી-ઈસ્ટ ચકાલા ખાતેની ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની ડિજિટલ માર્કેટિંગ અને મીડિયા સૉલ્યુશન્સ ક્ષેત્રે કામ કરે છે. સ્ટૅન્ડ અલોન ધોરણો ૨૦૨૪-૨૫માં ૩૭ ટકા વધારામાં ૨૫૦૨ લાખની આવક ઉપર ૧૮.૫ ટકા વૃદ્ધિદરથી ૨૨૪ લાખ નફો કર્યો છે. ત્યાર પછી ગત વર્ષે કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે ૬૦૮૯ લાખની આવક ઉપર ૮૦૩ લાખ નફો બતાવી દીધો છે. દેવું હાલ દસેક કરોડ છે. ઇશ્યુમાં QIB પોર્શન ૩૦ ટકા અને રીટેલ પોર્શન ૩૫ ટકા રખાયો છે. ગ્રમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. ચોથી કંપની ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેની એસ. કે. ઑફ્ફસેટ ૧૦ના શૅરદીઠ ૧૨૫ની અપરબેન્ડમાં ૨૯ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન ૪૦.૮ ટકા અને રીટેલ પોર્શન ૪૪.૧ ટકા છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની ઇન્ટિગ્રેટેડ ધોરણે પ્રિન્ટિંગ તેમ જ પૅકેજિંગ સર્વિસીસ આપે છે. ગત વર્ષે ૩૮ ટકા વધારામાં ૬૭ કરોડ આવક ઉપર ૩૮૪ ટકાના ભારે વૃદ્ધિદરથી ૭૪૮ લાખ નફો બતાવી દીધો છે. બે વર્ષ પૂર્વે આવક ૨૩૩૧ લાખ અને નફો ફક્ત ૭૨ લાખ હતો. દેવું આ ગાળામાં ૧૪૭૦ લાખથી ઊછળીને ૩૪૫૮ લાખ થઈ ગયું છે. પ્રીમિયમ ઝીરો છે. પાંચમી કંપની મુંબઈના અંધેરી-વેસ્ટની યુનિટેક ફાઇબર્સ ૧૦ના શૅરદીઠ ૮૮ની અપરબેન્ડમાં ૩૪ કરોડનો BSE SME IPO કરશે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની રીસાઇકલ્ડ પૉલિયેસ્ટર સ્ટેપલ ફાઇબર્સ તેમ જ પેટ ફ્લેક્સ અને ચિપ્સ તથા કન્ઝ્યુમર પૉલિયેસ્ટર વેસ્ટમાંથી સસ્ટેનેબલ પૉલિયેસ્ટર ફાઇબર્સ બનાવે છે. ગત વર્ષે કંપનીએ એક ટકા ઘટાડામાં ૨૨૫ કરોડ જેવી આવક ઉપર ૮ ટકાની પીછેહઠમાં ૭૬૦ લાખ નેટ નફો કર્યો છે. દેવું બે વર્ષ પહેલાં ૧૫૭૨ લાખ હતું એ આજે ૭૭૧૯ લાખે પહોંચ્યું છે. છેલ્લાં ૩ વર્ષ દરમ્યાન કંપનીની આવક અને નફામાં કશો ગ્રોથ દેખાતો નથી. ઇશ્યુમાંથી ૩૧ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમના કામકાજ શરૂ થયાં નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 10:53 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK