Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > સેન્સેક્સ ત્રીજી ટ્રાયલમાં ૬૨ વટાવી નવી વિક્રમી સપાટીએ આવી ગયો, નિફ્ટીમાં નવી ક્લોઝિંગ ટૉપ બની

સેન્સેક્સ ત્રીજી ટ્રાયલમાં ૬૨ વટાવી નવી વિક્રમી સપાટીએ આવી ગયો, નિફ્ટીમાં નવી ક્લોઝિંગ ટૉપ બની

25 November, 2022 01:44 PM IST | Mumbai
Anil Patel

પેટીએમ નવા વર્સ્ટ લેવલે ગયો, રેલટેલ, ઇરકોન તથા હુડકો વિક્રમી સપાટી બતાવીને ઢીલા પડ્યા : વીર એનર્જી એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ૧૦ ટકા ડૂલ થયો, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝની આગેકૂચ .

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


સેન્સેક્સ ૭૬૨ પૉઇન્ટ તથા નિફ્ટી ૨૧૭ પૉઇન્ટ વધ્યા, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી, તમામ સેક્ટોરલ સુધર્યાં, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ અપવાદ: બૅન્ક નિફ્ટી, પીએસયુ બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં નવાં શિખર : રુસ્તમજીની કીસ્ટોનનું લિસ્ટિંગ ધારણા કરતાં સારું ગયું, બિકાજી ફૂડ્સ બૅકટુબૅક તેજીની સર્કિટમાં ૩૭૯ની નવી ટોચે બંધ : પેટીએમ નવા વર્સ્ટ લેવલે ગયો, રેલટેલ, ઇરકોન તથા હુડકો વિક્રમી સપાટી બતાવીને ઢીલા પડ્યા : વીર એનર્જી એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ૧૦ ટકા ડૂલ થયો, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝની આગેકૂચ .

ફ્રન્ટલાઇન તેમ જ ચલણી જાતોના સથવારે શૅરબજારે ગુરુવારે નવા માઇલસ્ટોન સર કર્યા છે. સેન્સેક્સ ત્રીજી ટ્રાયલે ૬૨ની ઉપર બંધ રહેવામાં સફળ થયો છે, એટલું જ નહીં, બજારે ઇન્ટ્રા-ડેમાં ૬૨૪૧૨ થઈ ૭૬૨ પૉઇન્ટના જમ્પમાં ૬૨૨૭૩ બંધ આવ્યું છે. આ બન્ને બજારની નવી સર્વોચ્ચ સપાટી છે. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૮૫૩૦ થયો હતો અને છેલ્લે ૨૧૭ પૉઇન્ટની આગેકૂચમાં ૧૮૪૮૪ રહ્યો છે જે એની ક્લોઝિંગની રીતે વિક્રમી સપાટીએ છે. ઇન્ટ્રા-ડેની ઑલટાઇમ હાઈ ૧૮૫૪૩ની તૂટવી બાકી છે. સેન્સેક્સ નિફ્ટી સવા ટકા જેવા અને લાર્જ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો જ સુધર્યા છે. બ્રૉડર માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી ટકી રહી છે. એનએસઈમાં ૧૧૪૯ શૅર વધ્યા છે. ૮૨૭ જાતો ઘટી છે. કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના નામ પૂરતા ઘટાડાને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે, આઇટી ઇન્ડેક્સ ૨.૩ ટકા, નિફ્ટી ફાઇનૅન્સ ૧.૩ ટકા તો ઑઇલ ગૅસ ઇન્ડેક્સ સવા ટકો અપ હતા. 


ચાઇનામાં કોવિડના નવા કેસની સંખ્યા દૈનિક ધોરણે ૩૧૫૦૦ જેવી વરવા વિક્રમે પહોંચી છે. એટલે ચાઇનાનું રીઓપનિંગ હમણાં ભૂલી જવાનું છે, પણ અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં વધારાની રફતાર ધીમી કરવાની, સંભવત: નાનકડો વિરામ લેવાની શક્યતાનો નિર્દેશ કરાયો છે. એની અસરમાં ગઈ કાલે હૉન્ગકૉન્ગ, જપાન, તાઇવાન, સાઉથ કોરિયાનાં બજારો પોણાથી સવાબે ટકા વધ્યાં છે. ચાઇના તથા સિંગાપોર નહીંવત્ નરમ હતાં. યુરોપ બહુધા રનિંગમાં અડધાથી એકાદ ટકો ઉપર હતું. બ્રેન્ટ ક્રૂડ પોણો ટકો ઘટીને ૮૫ ડૉલરની અંદર આવી ગયું છે. ડૉલર ઇન્ડેક્સ પીછેહઠમાં ૧૦૫ દેખાયો છે. 


સેન્સેક્સના ૩૦માંથી ૨૬ તો નિફ્ટીના ૫૦માંથી ૪૪ શૅર વધ્યા છે. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ અને એચડીએફસી લાઇફ સાડાચાર ટકા તથા ભારત પેટ્રો સવાત્રણ ટકાની મજબૂતી સાથે મોખરે હતા. તો સેન્સેક્સમાં ઇન્ફી ૨.૯ ટકા અને પાવરગ્રિડ અઢી ટકા ઝળક્યા છે. રિલાયન્સ એક ટકો વધીને ૨૫૮૨ થયો છે. હિન્દુ. યુનિલીવર, ટીસીએસ, ટેક મહિન્દ્ર, વિપ્રો, તાતા કન્ઝ્યુમર, એચડીએફસી બૅન્ક, સનફાર્મા પોણાબેથી ત્રણેક ટકા પ્લસ થયા છે. તાતા સ્ટીલ ફ્લૅટ હતો. સિપ્લા એક ટકો નરમ રહ્યો છે. રુસ્તમજીની કીસ્ટોન રિયલ્ટર્સ ૫૪૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ૫૫૫ ખૂલી ઉપરમાં ૫૬૮ અને નીચામાં ૫૫૫ થઈ ત્રણ ટકા કે ૧૭ રૂપિયા જેવા લિસ્ટિંગ ગેઇન સાથે ૫૫૮ બંધ થઈ છે. લિસ્ટિંગ ગેઇન ઘણો નાનો જરૂર છે, પણ એ ગ્રે માર્કેટની ધારણા કરતાં ત્રણેક ગણો મોટો છે.

બિસલેરીને ટેકઓવર કરવાની હવામાં તાતા કન્ઝ્‍યુમર વધ્યો 


રમેશ ચૌહાલની બિસલેરીને તાતા ગ્રુપની તાતા કન્ઝ્‍યુમર પ્રોડક્ટસ ૬૦૦૦થી ૭૦૦૦ કરોડમાં હસ્તગત કરશે એવા અહેવાલમાં તાતા કન્ઝ્યુ.નો શૅર ગુરુવારે પાંચ ગણા કામકાજ વચ્ચે ઉપરમાં ૭૯૫ થઈ ૨.૮ ટકા વધી ૭૯૨ બંધ રહ્યો છે. વર્ષે ૨૫૦૦ કરોડના ટર્નઓવર પર ૨૨૦ કરોડ જેવો નેટ પ્રૉફિટ કરતી બિસલેરી ઇન્ટરનૅશનલ દેશની લાર્જેસ્ટ પૅકેજડ વૉટર કંપની છે. એક અન્ય મહત્ત્વના અહેવાલમાં અદાણી પાવરને ૭૦૦૦ કરોડનો ટ્રાન્સમિશન કૉન્ટ્રૅક્ટ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને પસંદગીના ધોરણે આપ્યો હતો. એને પડકારતી તાતા પાવરની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી છે. હકીકતમાં આવા મોટા અને મહત્ત્વના સરકારી કૉન્ટ્રૅક્ટ ટેન્ડરથી કે બિડિંગ પ્રોસેસથી અપાનાં હોય છે. અહીં રેગ્યુલેટરી ઑથોરિટીએ એની મુનસફીથી પસંદગીના ધોરણે અદાણીને કૉન્ટ્રૅક્ટ આપી દીધો હતો, જેમાં સુપ્રીમ કોર્ટને કાયદાની આંટીઘુટીના આધારે કશું જ ખોટું દેખાયું નથી. તાતા પાવરનો શૅર ગઈ કાલે નીચામાં ૨૧૯ થઈ નજીવો ઘટીને ૨૨૧ બંધ હતો. અદાણી પાવર સામાન્ય ઘટાડે ૩૨૫ રહ્યો છે. બીએસએનએલ તરફથી ફોરજી નેટવર્ક લૉન્ચ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવા માટે ૧૬૦૦૦થી ૨૦૦૦૦ કરોડ રૂપિયાના નેટવર્કિંગ કૉન્ટ્રૅક્ટની ડીલ માટે ટીસીએસ સફળ બિડરની યાદીમાં મોખરે છે. આ સિવાય આઇટીઆઇનું નામ પણ એમાં સામેલ છે. ટીસીએસનો શૅર ઉપરમાં ૩૩૯૨ થઈ બે ટકા ઊંચકાઈને ૩૩૭૮ બંધ રહ્યા છે. જ્યારે આઇટીઆઇ લિમિટેડ અડધો ટકો સુધરીને ૧૧૨ હતો. બાય ધ વે ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧૧માંથી સાત શૅર પ્લસમાં આપીને ૦.૪ ટકા વધ્યો છે. પાવર ગ્રિડ અઢી ટકા, ટૉ રન્ટ પાવર સામાન્ય, એનએચપીસી ૩.૬ ટકા, એબીબી એક ટકા, સિમેન્સ દોઢ ટકા અપ હતા. 

ફીનો પેમેન્ટ બૅન્ક અને પૉલિસી બાઝારની તેજી આગળ વધી, પેટીએમ નવા તળિયે 

બૅન્કિંગ ડિમાન્ડમાં હોવાથી બૅન્ક નિફ્ટી ૪૩૧૬૩ની નવી વિક્રમી સપાટી બનાવી ૧૨માંથી ૮ શૅરની આગેકૂચ સાથે ૩૪૬ પૉઇન્ટ વધીને ૪૩૦૭૫ બંધ થયો છે અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૪૦૭૩ની નવી ઑલટાઇમ હાઇ બનાવી એક ટકો વધી ૪૦૪૭ રહ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૪ શૅર વધ્યા છે. બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, જેકે બૅન્ક, પીએનબી, યુનિયન બૅન્ક નવા બેસ્ટ લેવલે દેખાયાં છે. આગલા દિવસે ૨૦ ટકાની ઐતિહાસિક તેજી બાદ ફીનો પેમેન્ટ બૅન્ક ગુરુવારે પણ ૧૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૪ થઈ ૧૩.૫ ટકાના જમ્પમાં ૨૬૨ બંધ આવ્યો છે. જેકે બૅન્ક ૧.૯ ટકા વધી ૪૭ નજીક હતો. યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, સૂર્યોદય બૅન્ક બેથી પોણા ચાર ટકા અપ હતા. બંધન બૅન્ક  સવા ટકાના ઘટાડે ૨૧૨ રહી છે. આઇઓબી ૪.૮ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૨ ટકા નરમ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૯૦૦૫ની વર્ષની ટૉપ બતાવી ૧૩૯માંથી ૮૫ શૅરના સહારે એક ટકા વધ્યો છે. એલઆઇસી અડધો ટકો સુધરીને ૬૨૪ હતો. પૉલિસી બાઝાર અઢી ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૪૪૮ થઈ ૭.૯ ટકાની તેજીમાં ૪૩૨ જોવાયો છે. પેટીએમ અઢી ટકા ગગડ્યો ને ૪૪૧ના તળિયે હતો. આઇઆરએફસી ૩૨ નજીકની નવી ઊંચી સપાટી મેળવી ૫.૬ ટકાની મજબૂતીમાં ૩૧ થયો છે. રેલ વિકાસ નિગમ ૭૦ના નવા શિખર બાદ ૫.૩ ટકાના ઉછાળે ૬૭ તો ઇરકોન ઇન્ટર. ૬૪ નજીક નવા બેસ્ટ લેવલે જઈ ૩.૩ ટકા ઘટીને ૫૯ બંધ હતા. રેલ કૉર્પો. ૧૪૬ની નવી ટોચે જઈ ૩.૧ ટકા ઘટી ૧૩૯ થયો છે. પાવર ફાઇનૅન્સ ૧૩૦ની નવી ટૉપ દેખાડી ૫.૭ ટકાના જમ્પમાં ૧૨૯ હતો. સ્ટાર હેલ્થ ૪.૨ ટકા, રેપ્કો હોમ અઢી ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૩.૨ ટકા પ્લસ હતા. હુડકો ૫૧ પ્લસની નવી ટોચે જઇ ૨.૨ ટકા ઘટી ૫૦ નજીક હતો.

આઇસીઆઇસીઆઇ બૅન્કની હિસ્સેદારીથી ઇન્ડિયન ઑઇલ તથા ચેન્નઈ પેટ્રો મજબૂત 

વીરએનર્જી ૧૦ શૅરદીઠ ત્રણ બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાની છે. ભાવ ગુરુવારે ૯.૯ ટકા ગગડીને ૨૦ નીચે બંધ થયો છે. કમર્શિયલ સિનબૅગ્સ એક શૅરદીઠ બે બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ બે ટકા વધી ૩૨૮ હતો. મફતલાલ ઇન્ડ. ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં આજે, ગુરુવારે એક્સ-સ્પ્લિટ થશે. શૅર આગલા દિવસની સવા દસ ટકાની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૩૮૮ થઈ ૫.૯ ટકા ઊંચકાઈ ૩૮૩ રહ્યો છે. ઇન્ડિયન ઑઇલ તથા ચેન્નઈ પેટ્રોલિયમ વચ્ચેના સંયુક્ત સાહસમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક તરફથી ૫૦ હજાર કરોડમાં ૧૦ ટકા હિસ્સેદારી કરવાનું નક્કી થતાં ઇન્ડિયન ઑઇલ સવાત્રણ ગણા કામકાજમાં ત્રણ ટકા વધીને ૭૨ તો ચેન્નઈ પેટ્રો. ઉપરમાં ૨૦૬ બતાવી ૪.૨ ટકાની મજબૂતીમાં ૨૦૦ નજીક બંધ આવ્યા છે. ઇન્ડિયન બૅન્કની ૬૪.૮ ટકા માલિકીની સબસિડિયરી ઇન્ડ બૅન્ક મર્ચન્ટ બૅન્કિંગ સર્વિસિસ બાર ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૩૦ વટાવી ૩૦ બંધ થયો છે. જીએસપીએલ ૯.૬ ટકાની તેજીમાં ૨૬૧ હતી. 

આગલા દિવસે ૨૧માંથી ૧૭ શૅરમાં નોંધપાત્ર ઉછાળે ડિમાનન્ડમાં રહેલું ફર્ટિલાઇઝર સેક્ટર ગઈ કાલે એકંદર પ્રૉફિટ બુકિંગમાં હતું. આરસીએફ ૧૨૪ની મલ્ટિયર નવી ટોચે જઈ સાડાચાર ટકા વધી ૧૨૨ હતો. મદ્રાસ ફર્ટિ સાડાત્રણ ટકા અને ફેક્ટ ત્રણ ટકા વધ્યા હતા. સામે ખૈતાન કેમિકલ, નાગાર્જુના ફર્ટિ, મેંગ્લોર કેમિકલ્સ, ઝુઆરી એગ્રીટેક, શિવા એગ્રો, ફોસ્ફેટ કંપની જેવી જાતો દોઢથી અઢી ટકા ઘટી છે. સ્પીક તથા નૅશનલ ફર્ટિ સવા ટકાની આસપાસ પ્લસ હતા. 

આઇટીમાં ઘણા દિવસે ફ્રન્ટલાઇનમાં જોર દેખાયું, ઑઇલ ગૅસ શૅર ઝળક્યા 

ઘણા દિવસ બાદ આઇટી ઇન્ડેક્સ સવાબે ટકા કે ૬૮૧ પૉઇન્ટ જેવો ગણનાપાત્ર વધ્યો છે. અત્રે ૬૨માંથી ૪૪ કાઉન્ટર પ્લસ હતાં. ઇન્ફોસિસ ત્રણેક ટકા ઊછળી ૧૬૩૦ તથા ટીસીએસ બે ટકા વધી ૩૩૭૮ ઉપર બંધ આપીને સેન્સેક્સને ૨૧૧ પૉઇન્ટ ફળ્યા છે. વિપ્રો અને ટેક મહિન્દ્ર અઢી ટકા નજીક પ્લસ હતા. સુબેક્સ ૬.૧ ટકા, બ્રાઇટકૉમ ૫.૮ ટકા, બિરલા સોફ્ટ પાંચ ટકા, લાર્સન ઇન્ફોટેક સવાચાર ટકા મજબૂત હતા. તાતા એલેક્સી, બ્લૅક બૉક્સ, આર. સિસ્ટમ્સ દોઢથી અઢી ટકા ડાઉન થયા છે. ભારતી ઍરટેલ અડધો ટકો અપ તો વોડાફોન સવાબે ટકા ડાઉન થયો છે. આઇટી હેવીવેઇટ્સની સાથે પીવીઆર બે ટકા, આઇનોક્સ લિઝર પોણાબે ટકા, ટીવી૧૮ એક ટકા જેવો સુધરતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨.૧ ટકા ઊંચકાયો છે. સનટીવી બે ટકા ઢીલો હતો. 
ભારત પેટ્રો સાડાત્રણ ટકા, હિન્દુ. પેટ્રો સવાત્રણ ટકા, ઇન્ડિયન ઑઇલ ત્રણ ટકા, ઓએનજીસી બે ટકા, ગેઇલ દોઢ ટકો, રિલાયન્સ એક ટકો પ્લસ થતાં ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક સવા ટકો મજબૂત હતો. એમઆરપીએલ છ ટકા નજીકના ઉછાળે ૫૬ થયો છે. કોલ ઇન્ડિયા, અદાણી ટોટલ, ગુજરાત ગૅસ એક-દોઢ ટકો માઇનસ હતા. નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૪ શૅરના ઘટાડે નહીંવત્ વધ્યો છે, જે સનફાર્માની પોણાબે ટકાની મજબૂતીનું પરિણામ હતું. તો બીઓસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૪૩ શૅરના સુધારામાં અડધો ટકો વધ્યો છે. અહીં થેમિસ મેડી દસ ટકાની તેજીમાં ૯૮૯ થયો છે. આઇઓએલ કેમિકલ છ ટકા, અપોલો હૉસ્પિ. સાડાચાર ટકા, કોપરાન ચારેક ટકા વધ્યા હતા. 

25 November, 2022 01:44 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK