Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મેષ અને તુલા રાશિના સથવારે સેન્સેક્સ તથા નિફ્ટીમાં નવી સર્વોચ્ચ સપાટી સર થઈ

મેષ અને તુલા રાશિના સથવારે સેન્સેક્સ તથા નિફ્ટીમાં નવી સર્વોચ્ચ સપાટી સર થઈ

12 June, 2021 01:00 PM IST | Mumbai
Anil Patel

મેટલ, આઇટી, હેલ્થકૅર-ફાર્મા, ઍનર્જી, ટેક્નૉલૉજી સેક્ટર સવિશેષ લાઇમ લાઇટમાં જોવાયા : ઇ-કલેરેક્સ છ માસમાં બમણો અને વર્ષમાં ચારગણો થઈ ગયો

GMD Logo

GMD Logo


આગામી સપ્તાહે ૯૧૦૦ કરોડ ઊભા કરવા સાત કંપની મૂડીબજારમાં, ગ્રે માર્કેટમાં સળવળાટ : રિલાયન્સના પાર્ટલી પેઇડ શૅરની તેજીથી રોકાણકારો હતાશ, ભાવ સોમવારથી ઘટવા માંડશે! : મેટલ, આઇટી, હેલ્થકૅર-ફાર્મા, ઍનર્જી, ટેક્નૉલૉજી સેક્ટર સવિશેષ લાઇમ લાઇટમાં જોવાયા : ઇ-કલેરેક્સ છ માસમાં બમણો અને વર્ષમાં ચારગણો થઈ ગયો

માઇલ સ્ટોન સર કરવામાં મૂડમાં આવેલા માર્કેટમાં ૧૧ મે અને શુક્રવારે સેન્સેક્સ પણ લાઇફ ટાઇમ હાઈ થઈ ચૂક્યો છે, એકાદ દિવસના વિરામ પછી નિફ્ટીએ ઓલટાઇમ હાઈની નવી ઇનિંગ આરંભી છે. આજ પછી સેન્સેક્સ અને નિફ્ટી બન્ને એકથી વધુ વખત નવા વિક્રમ હાંસલ કરતાં જોવાશે. વિક્રમોની વણઝાર ક્યાં સુધી ચાલે છે તે જોતા રહો. ગઈ કાલે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૫૨૬૪૧ને વટાવી અંતે ૧૭૪ પૉઇન્ટની આગેકૂચમાં ૫૨૪૭૫ તથા નિફ્ટી ૧૫૮૩૫ની ટૉપ બાદ ૬૨ પૉઇન્ટ વધીને ૧૫૭૯૯ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડે તેમ જ ક્લોઝિંગની રીતે બન્ને બજારોની આ ઓલટાઇમ હાઈમાં મેષ તથા તુલા રાશિનો દબદબો જોવાયો છે. રિલાયન્સ ૧.૪ ટકા વધીને ૨૨૧૩ રૂપિયા, ઇન્ફોસિસ દોઢ ટકાની મજબૂતીમાં ૧૪૪૭ રૂપિયા તથા ટીસીએસ પોણા બે ટકા ઊંચકાઈ ૩૨૭૨ રૂપિયા બંધ રહેતા સેન્સેક્સને ૨૨૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. સેન્સેક્સ-નિફ્ટી ઉપરાંત ગઈ કાલે કન્ઝયુમર ડિસ્ક્રિશનરી, બેઝિક મટિરિયલ્સ, અૅનર્જી, હેલ્થકૅર, આઇટી, યુટિલિટી, ટેક્નૉલૉજઝીસ જેવા સેક્ટોરલ બીએસઈ ખાતે તથા એનએસઈમાં નિફ્ટી મીડિયા અને નિફ્ટી ફાર્મા નવા બેસ્ટ લેવલે ગયા છે. બન્ને બજારોમાં સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ લાઇફટાઇમ હાઈ થયા છે. પીએસયુ તેમ જ સેન્ટ્રલ પીએસયુ ઇન્ડેક્સમાંય વિક્રમી સપાટી નોંધાઈ છે. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૫ શૅર તથા નિફ્ટીમાં ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા. સેન્સેક્સમાં ડૉ. રેડ્ડીઝ લેબ ત્રણ ટકાની તેજીમાં ૫૪૫૧ રૂપિયા બંધ આપીને તથા નિફ્ટીમાં તાતા સ્ટીલ ૪.૪ ટકા, કોલ ઇન્ડિયા ૩.૭ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૮ ટકાની મજબૂતીમાં ટાગપ ગેઇનર હતા. માર્કેટ બ્રેડથ હકારાત્મક રહી છે. એનએસઈમાં વધેલી ૧૦૪૩ જાતો સામે ૯૧૦ શૅર નરમ જોવાયા છે. બજારનું માર્કેટ કૅપ ૨૩૧.૧૬ લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.



રિલાયન્સનો પાર્ટલી પેઇડ શૅર તેજીમાં, રોકાણકારો હતાશામાં
રિલાયન્સનો પાર્ટલી પેઇડ શૅર લિસ્ટિંગમાં નવા શિખરે ગયા બાદ ગઈ કાલે પણ ૧૫૯૯ની નવી ઓલટાઇમ હાઈ બતાવી દોઢ ટકાની આગેકૂચમાં ૧૫૭૮ બંધ રહ્યો છે. શૅરમાં તેજી સાથે રોકાણકારોની હતાશા પણ વધી છે. કેમકે ડિમેટમાં નવો પાર્ટલી પેઇડ શૅર ક્રેડિટ ન થતાં હજારો ઇન્વેસ્ટર્સ માલ વેચી શક્યા નથી. કહે છે કે અહીં T પ્લસ ટૂ સેટલમેન્ટ રૂલ્સ હોવાથી વીક-એન્ડમાં શૅર ખાતામાં જમા થશે, સોમવારે વેચી શકાશે. મતલબ કે બજાર ગમે તેવું હોય પણ સોમવારે રિલાયન્સનો પાર્ટલી પેઇડ શૅર અવશ્ય ઘટશે. રિલાયન્સનો ભાવ ૨૨૧૩ છે તે જોતાં પાર્ટલી પેઇડ શૅરનો વાસ્તવિક ભાવ ૧૧૦૭ જેવો હોવો જોઈએ. તેની જગાએ ૪૨ ટકાના પ્રિમિયમમાં છે. આ અવાસ્તવિક ગાળો ઝાઝો ટકવાનો નથી. નવેમ્બરમાં બાકીના ૬૨૮ રૂપિયાનો આખરી કૉલ આવશે અને પાર્ટલી પેઇડ શૅર કુલ પેઇડ શૅરમાં કન્વર્ટ થઈ જશે. રિલાયન્સની વાત થાય છે ત્યારે આગલા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટ મારનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ૫૯૪ નજીક નવું બેસ્ટ લેવલ બનાવી ૩.૫ ટકા વધી ૫૬૬ બંધ હતી. જ્યારે નેટવર્ક-૧૮, ટીવી-૧૮, ડેન નેટવર્ક, હેથવે કેબલ્સ, બાલાજી ટેલી પોણા ત્રણથી સાડા ત્રણ ટકા ડાઉન હતા.
હેથવે ભવાની એક વધુ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૧ રૂપિયા ઉપર બંધ હતો. જીટીપીએલ હેથવે પોણા ટકા જેવા સુધારામાં ૧૮૨ થયો છે. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જયકોર્પ ૧૩૫ રૂપિયાની નવી ટોચે જઈ ૩.૭ ટકાની નબળાઈમાં ૧૨૭ હતી.
આગામી સપ્તાહે સાત કંપનીઓ ૯૧૪૩ કરોડ ઊભા કરવા મૂડીબજારમાં ગોળનું માટલું હોય એટલે મંકોડાની ભરમાર રહેવાની. શૅરબજાર તેજીમાં છે, કોવિડનો પ્રકોપ અને લૉકડાઉન ખાસ્સા હળવું થયું છે, પરિણામે પરિસ્થિતિનો લાભ લેવા પ્રાઇમરી માર્કેટમાં નવા ભરણાની કતાર લાગવાનું શરૂ થઈ ગયું છે. વળી કોરોનાનો થર્ડ વેવ ચાર-છ મહિનામાં આવવાની દહેશત વ્યાપક છે. સરવાળે કંપનીઓ જેમ બને તેમ વહેલી તકે ભંડોળ ઊભું કરવા સક્રિય બની છે. આગામી સપ્તાહે ૧૪ જૂને ત્રણ આઇપીઓ ખૂલશે. શ્યામ મેટલિક્સનો ૩૦૩-૩૦૬ની પ્રાઇસ બેન્ડમાં ૯૦૯ કરોડનો, સોના BLW પ્રિસિઝન કે સોના કોમસ્ટારનો ૨૮૫થી ૨૯૧ની પ્રાઇસ બેન્ડમાં ૫૫૫૦ કરોડનો અને નવોદય એન્ટરપ્રાઇઝનો ૨૦ રૂપિયાની ફિક્સ પ્રાઇસ સાથે ૪૬૧ લાખનો એસએમઈ આઇપીઓ તેમાં સામેલ છે. ૧૫ જૂને આદેશ્વર મેડિટેક્સ શૅરદીઠ ૨૫ના ભાવે ૯૭૫ લાખ ઊભા કરવા એસએમઈ આઇપીઓ લાવી રહી છે, જ્યારે ૧૬ જૂને કીમ્સ (ક્રિશ્ના ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ) શૅરદીઠ ૮૧૫થી ૮૨૫ની પ્રાઇસ બેન્ડમાં આશરે ૨૧૪૪ કરોડ રૂપિયા, દુડલા ડેરી ૪૨૧-૪૨૮ની પ્રાઇસ બેન્ડમાં ૫૨૦ કરોડ રૂપિયા અને ટાઇમ્સ ગ્રીન એનર્જી ૬૧ રૂપિયાના ભાવે ૪૦૫ લાખ રૂપિયા ઊભા કરવા મૂડીબજારમાં પ્રવેશ કરનાર છે. પ્રાઇમરી માર્કેટ સાથે ગ્રે માર્કેટમાં પણ સળવળાટ છે. શ્યામ મેટલિક્સમાં ગ્રેમાર્કેટમાં પ્રિમિયમ ૧૩૦-૧૪૦ બોલાય છે. કોષ્ટકના રેટ ૪૫૦ જેવા અને સબ્જેક્ટ ટુમાં ૫૦૦૦ના ભાવ છે. સોના કોમસ્ટારમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ૨૦ આસપાસનું છે. ૫૫૫૦ કરોડના આઇપીઓમાંથી ૫૨૫૦ કરોડ ઑફર ફોર સેલ મારફત બ્લેકસ્ટોનના ઘરમાં જવાના છે. કંપનીને તો માંડ ૩૦૦ કરોડ મળશે. 
ઇક્લેરેક્સમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ, વર્ષમાં ભાવ ચારગણો થયો
આઇટી કંપની ઇક્લેરેક્સ સર્વિસિસ સારા રિઝલ્ટના જોરમાં ગઈ કાલે ૧૯ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને ૧૬૧૭ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. ગત વર્ષે ૧૨ જૂને ભાવ ૪૦૦ રૂપિયા હતો. બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ૨૮૮૧૧ની વિક્રમી સપાટી બતાવી દોઢ ટકો વધી ૨૮૬૯૭ બંધ રહ્યો છે. તેના ૫૦માંથી ૧૪ શૅર માઇનસ હતા. મજેસ્કો પાંચ ટકા, ફર્સ્ટસોર્સ પોણા ચાર ટકા અને ઝેન્ટેક સવા બે ટકા નરમ હતા. ખાસ વધેલા કાઉન્ટર્સમાં ટ્રાજેન ૧૧ ટકા, હિન્દુજા ગ્લોબલ ૫.૬ ટકા, ન્યુક્લીયસ અને એચસીએલ ઇન્ફો પાંચ-પાંચ ટકા, ઇન્ફીબીમ ૪.૮ ટકા તથા ઓરેકલ સવા ચાર ટકા મુખ્ય હતા. હેવી વેઇટ્સમાં ઇન્ફી અને ટીસીએસ ઉપરાંત એચસીએલ ટેકનો દોઢ ટકો, લાર્સન ઇન્ફોટેક ૩.૫ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો અને એમ્ફેસિસ પોણા બે ટકા અપ હતા. ટેલિકોમ તથા મીડિયા શૅર નરમ હતા પરંતુ આઇટી શૅરોની મજબૂતીને લઈ ટેક્નૉલૉઝીસ ઇન્ડેક્સ ૨૭માંથી ૧૬ શૅરના સુધારામાં ઑલટાઇમ હાઈ થઇને સવા ટકા નજીક વધી ૧૨૭૩૩ બંધ આવ્યો છે.
બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ તથા નિફ્ટી ફાર્મા પણ શુક્રવારે વિક્રમી સપાટીએ પહોંચી એકાદ ટકો વધીને બંધ રહ્યા છે. નોવાર્ટિસમાં ૧૭ જૂને પરિણામ માટે બોર્ડ મીટિંગ છે. શૅર ૧૬ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટે ૮૨૪ રૂપિયાના નવા શિખરે બંધ રહ્યો છે. માર્કસન્સમાંય ૨૦ ટકાની તેજી હતી. થાયરો કૅર સવા દસ ટકા, કેટલીન પૉઇન્ટ આઠ ટકા, આરપીજી લાઇફ આઠ ટકા, અરબિંદો ફાર્મા ૪.૭ ટકા, નેક્ટરલાઇફ ૬.૬ ટકા અપ હતા. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તથા નિફ્ટી મેટલ ૨.૭ ટકા વધ્યા છે. સેઇલ, તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જીંદાલ સ્ટીલ ૩.૮થી ૪.૯ ટકા ઊંચકાયા હતા. હિન્દાલ્કો બે ટકા, નાલ્કો એક ટકો, વેદાન્તા દોઢ ટકો સુધર્યા હતા. 
ટાઇડ વૉટરમાં ઉપલી સર્કિટ લાગી, કૉલ ઇન્ડિયા ફરીથી લાખેણી થઈ
ટાઇડ વૉટર ઑઇલમાં શૅરદીઠ એક બોનસ સાથે ૪૦૦૦ ટકાનું આખરી ડિવિડન્ડ અને પાંચના શૅરનું બે રૂપિયામાં વિભાજન ગુરુવારે બજાર બંધ થયા પછી જાહેર થયું હોઈ ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧૪૫૮ રૂપિયા બંધ રહ્યો છે. તેની સહપ્રમોટર એન્ડ્રુયેલ ૩૪ રૂપિયા નજીક નવી ટોચે જઈ બે ટકા વધીને ૩૩ રૂપિયા નજીક પહોંચી છે.
ઘણા દિવસ બાદ કૉલ ઇન્ડિયા ચાર ગણા કામકાજમાં ૧૬૫ નજીકની મલ્ટિયર ટૉપ બનાવી ચારેક ટકાના ઉછાળે ૧૬૩ નજીકની મલ્ટિયર ટૉપ બનાવી ચારેક ટકાના ઉછાળે ૧૬૩ નજીક રહી છે. આના કારણે કંપનીનું માર્કેટ કૅપ ફરી એકવાર છ આંકડે અર્થાત એક લાખ કરોડની પાર થયું છે. દીપક ફર્ટિલાઇઝર સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને ૩૮૦ રૂપિયા બંધ રહ્યો છે. ૧ જૂને ભાવ ૨૮૬નો હતો.
ગુરુવારે બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૩૩ શૅર વધ્યા હતા. ગઈ કાલે માત્ર આઠ શૅર જ પ્લસ હતા. ડીસીબી બૅન્ક ૭.૭ ટકા અને એયુ સ્મોલ બૅન્ક ૫.૭ ટકાની તેજી સાથે મોખરે હતા. ઇન્ડિયન બૅન્ક અને પંજાબ સિંધ બૅન્ક દોઢ પોણા બે ટકા ઢીલા હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો ડાઉન હતો જ્યારે બૅન્ક નિફટી તેનાથી અડધો અને ૮૪ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડામાં બંધ હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 01:00 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK