રિપલનું એક્સઆરપી લેજર સૌથી વધુ સમયથી ચાલી રહેલા નેટવર્કમાંનું એક બ્લૉકચેઇન નેટવર્ક છે.
પ્રતીકાત્મક તસવીર
રિપલના એક્સઆરપી લેજરમાં મંગળવારે અચાનક બ્લૉકનું નિર્માણ એકાદ કલાક માટે અટકી ગયું હતું. જોકે એ ખોટકો આપોઆપ દૂર થઈ ગયો હતો અને કોઈ પણ ઍસેટ કે વ્યવહારનું નુકસાન થયું નહોતું. ૯,૩૯,૨૭,૧૭૩ની લેજર હાઇટ પર બ્લૉકનું નિર્માણ અટકી ગયું હોવાનું રિપલના ચીફ ટેક્નૉલૉજી ઑફિસર ડેવિડ સ્ક્વૉર્ટ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું. લેજર અટકી જવાને લીધે વૅલિડેશન પ્રકાશિત કરવાનું કામકાજ બંધ થઈ ગયું હતું અને બ્લૉકચેઇનમાં આવશ્યક એવી કૉન્સેન્સસની પ્રક્રિયા વિલંબમાં મુકાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ભલે કોઈ નાણાકીય નુકસાન થયું ન હતું, પરંતુ નેટવર્કની સુરક્ષા અને વ્યવહારની સલામતી બાબતે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. સ્ક્વૉર્ટ્ઝે જણાવ્યા મુજબ રિપલનાં સર્વર ખામીને ઓળખી ગયાં હતાં અને અજાણ્યા લેજરનું પ્રોસેસિંગ થયું નહોતું. નોંધનીય છે કે રિપલનું એક્સઆરપી લેજર સૌથી વધુ સમયથી ચાલી રહેલા નેટવર્કમાંનું એક બ્લૉકચેઇન નેટવર્ક છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડાનું વલણ રહ્યું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૮૫ ટકા ઘટી ગયું હતું, જ્યારે બિટકૉઇન અને ઇથેરિયમમાં અનુક્રમે ૧.૯૫ ટકા અને ૧.૭૯ ટકા ઘટાડો નોંધાયો હતો. એક્સઆરપીમાં ૫.૯૯ ટકા, સોલાનામાં ૪.૮૪ ટકા, ડોઝકૉઇનમાં ૨.૮૪ ટકા, કાર્ડાનોમાં ૧.૩૧ ટકા અને ચેઇનલિન્કમાં ૫.૪૧ ટકા ઘટાડો થયો હતો.


