વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૨૪ કલાકના ગાળામાં ૨.૦૩ ટકા વધીને ૩.૪૨ ટ્રિલ્યન ડૉલર થયું છે
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં સૌથી વધુ વેચાયેલા મનાતા પુસ્તક ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ના લેખક રૉબર્ડ કિયોસાકીએ બિટકૉઇનના ભાવમાં હજી વૃદ્ધિ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એમનું સાંભળ્યું હોય એમ બિટકૉઇન મંગળવારે ૦.૯૧ ટકા વધીને ૧,૦૮,૬૨૯ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. એક સમયે આ ક્રિપ્ટોકરન્સીનો ભાવ ૧,૧૦,૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો. કિયોસાકીનું કહેવું છે કે ગૃહયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા તથા અન્ય દેશોની આ ઘટનાઓ દર્શાવે છે કે વિશ્વમાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે. એમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરના સંદેશમાં કહ્યું છે કે લૉસ ઍન્જલસમાં મોટાપાયે હિંસાચાર થઈ રહ્યો છે. આ જ રીતે જપાન, ચીન, ફ્રાન્સ અને અન્ય દેશોમાં પણ રમખાણો ચાલી રહ્યાં છે. કેન્દ્રીય બૅન્કો કોઈ પણ અનામત વગરની ચલણી નોટો છાપ્યે રાખતી હોવાથી નાણાંનું મૂલ્ય ઘટી રહ્યું છે. ફુગાવો એક પ્રકારની સંસ્થાકીય લૂંટ છે. બિટકૉઇન નાણાકીય ભ્રષ્ટાચારની સામે રક્ષણ પૂરું પાડે છે. આવામાં સોનું, ચાંદી અને બિટકૉઇન પરંપરાગત નાણાકીય વ્યવસ્થા પડી ભાંગવાની સ્થિતિમાં લોકોને રક્ષણ આપી શકે છે એથી લોકોએ એમાં રોકાણ કરવું જોઈએ.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૨૪ કલાકના ગાળામાં ૨.૦૩ ટકા વધીને ૩.૪૨ ટ્રિલ્યન ડૉલર થયું છે. ઇથેરિયમમાં ૮.૧૨ ટકાનો વધારો થઈને ભાવ ૨૭૪૫ ડૉલર થયો છે. એક્સઆરપીમાં ૦.૮૬ ટકા અને સોલાનામાં ૧.૭૩ ટકા વૃદ્ધિ થઈ છે.

