જોકે રિઝર્વ બૅન્કે નવું બૂસ્ટર આપ્યું હોવાથી હવે પછીનો ટ્રેન્ડ મક્કમ તેજીનો બની શકે. એમ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાનાં ચોક્કસ પરિબળો માથા પર લટકતી તલવારની જેમ ઊભાં રહેશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજારને હાલ વધવાનાં અને ઘટવાનાં બન્ને કારણો મળતાં રહે છે, જેથી એકધારી કોઈ ચાલ બનતી નથી. જોકે રિઝર્વ બૅન્કે નવું બૂસ્ટર આપ્યું હોવાથી હવે પછીનો ટ્રેન્ડ મક્કમ તેજીનો બની શકે. એમ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાનાં ચોક્કસ પરિબળો માથા પર લટકતી તલવારની જેમ ઊભાં રહેશે. અલબત્ત, આ પરિબળો જે કરેક્શન આપશે એને લૉન્ગ ટર્મ તક બનાવી શકાશે
ગયા શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસે જે અપેક્ષા હતી એ પૂરી થઈ. રેપો-રેટમાં એણે પચાસ બેસિસ પૉઇન્ટ (અડધા ટકા)નો ઘટાડો જાહેર કર્યો એટલું જ નહીં, કૅશ રિઝર્વ રેશિયો (CRR)માં એક ટકાનો ઘટાડો પણ કર્યો અને બજારને ભાવતું હતું ને વૈધે કીધું થઈ ગયું. માર્કેટે ઉછાળા સાથે આ પગલાને આવકાર આપ્યો. રિઝર્વ બૅન્કના આ પગલાંથી ઇકૉનૉમીને મોમેન્ટમ મળશે તેમ જ લઘુ-મધ્યમ એકમો અને રીટેલ વર્ગને ધિરાણ મેળવવામાં સરળતા થશે, કારણ કે બૅન્કો પાસે પ્રવાહિતા વધશે, જેને લીધે બૉરોઇંગ કૉસ્ટ હળવી થવાની અને એને પગલે લોનના હપ્તાનો બોજ હળવો થવાની અને વપરાશ વધવાની આશા પણ વધી છે.
ADVERTISEMENT
પ્રૉફિટ-બુકિંગની અસર રહેશે
શૅરબજાર જેવું વધે છે કે પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે એવી ચર્ચા આપણે ગયા વખતે કરી હતી, જેનું એક કારણ આવી રહેલા ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ્સ (IPO) પણ છે. આમ તો IPOની લાઇન લાંબી છે જેમાં તાજેતરમાં સૌથી વધુ ચર્ચામાં નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જ (NSE)ના ઇશ્યુની છે. હવે એચડીએફસી બૅન્કની સબસિડિયરી એચડીબી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ પણ ચર્ચામાં આવી ગઈ છે, જેના અનલિસ્ટેડ શૅરમાં પણ કરન્ટ રહેતો હતો. નિયમન સંસ્થા SEBIએ તાજેતરમાં આ કંપનીના ઇશ્યુને મંજૂરી આપી દીધી છે. આ સાથે અન્ય પાંચ કંપનીઓને પણ SEBIની લીલી ઝંડી મળી છે જેમાં વિક્રમ સોલર, એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા, શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલ, ડોર્ફ-કૅટલ કેમિકલ્સ ઇન્ડિયા અને શ્રીજી શિપિંગ ગ્લોબલનો સમાવેશ થાય છે. ૨૦૨૫ના અત્યાર સુધીના સમયગાળામાં ૧૬ કંપની એમના ઇશ્યુ મારફત ૨૭,૦૦૦ કરોડથી વધુ રૂપિયાનું ભંડોળ ઉપાડી ચૂકી છે અને હાલ આ પ્રવાહ ચાલુ છે ત્યારે શૅરબજારમાં શૅરો વેચી નાણાં છૂટાં કરનારા રોકાણકારોનાં નાણાં IPO તરફ વળી રહ્યા હોવાની શક્યતા છે, જેને કારણે પણ વેચવાલી આવતી રહે છે.
RBIનું બૂસ્ટર લાંબું કામ કરશે
ગયા સોમવારની શરૂઆત કરેક્શનથી થઈ, પરંતુ ટ્રેડિંગ સત્ર દરમ્યાન સતત રિકવરી ચાલતી રહી, જેનાં કારણોમાં GDP ગ્રોથ રેટને લીધે ઇકૉનૉમી પ્રત્યે વધેલો વિશ્વાસ અને ઇન્વેસ્ટર્સ કૉન્ફિડન્સ તેમ જ રિઝર્વ બૅન્ક તરફથી રેટ-કટની આશા તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારાનો સમાવેશ થતો હતો. મંગળવારે રિકવરી વિનાનું કરેક્શન આગળ વધ્યું હતું જે માટે બજારને વધુ નક્કર નેગેટિવ કારણો હાથ લાગ્યાં હતાં. જોકે પૉઝિટિવ ગ્લોબલ સંકેતોને લીધે બુધવારે સાધારણ સુધારો-રિકવરી જોવાયાં હતાં. ગુરુવારે બજારે બીજા દિવસે-શુક્રવારે રિઝર્વ બૅન્ક તરફથી રેટ-કટ અવશ્ય આવશે એવી આશાએ અને ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદીને કારણે રિકવરીનો રાહ પકડ્યો હતો. શુક્રવારે રિઝર્વ બૅન્કે એ આશા પૂરી કરી રંગ રાખ્યો અને વર્તમાન વૈશ્વિક સંજોગો ફાઇનૅન્શ્યલ અને હાઉસિંગ સેક્ટર સહિત વચ્ચે વેપાર-ઉદ્યોગને બૂસ્ટ મળે એવાં કદમ ભરતાં બજારને તેજીનો નવો કરન્ટ મળ્યો હતો. રિઝર્વ બૅન્કે ગ્રોથરેટનો આશાવાદ પણ ઊંચો દર્શાવ્યો છે જેને પગલે સેન્સેક્સ ૮૨,૦૦૦ ઉપર અને નિફ્ટી ૨૫,૦૦૦ આસપાસ પહોંચી ગયા હતા. દરમ્યાન અમેરિકન જૉબડેટા મજબૂત રહેતાં એની પૉઝિટિવ અસર પણ જોવાશે. આમ ભારતીય માર્કેટમાં હાલ તો બુલિશ ટ્રેન્ડ લાંબો ચાલવાની આશા વધી છે. એમ છતાં પ્રૉફિટ-બુકિંગ કરેક્શન લાવશે એ નક્કી મનાય છે. રોકાણકારો સિલેક્ટિવ બની રહેશે તો સંપત્તિસર્જનનો અવકાશ વધશે. આગામી દિવસોમાં ગ્લોબલ ઘટનાઓ પર બજારની નજર રહેશે.
માર્કેટ-કરેક્શનનાં આ પણ કારણો
અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની તાજેતરમાં વેચવાલી પાછી વધી હોવાની પણ માર્કેટ પર અસર જોવાઈ હતી. યુક્રેન અને ઈરાનના તનાવને લીધે ક્રૂડના ભાવની અસર પણ બજારને નડી છે. ક્રૂડના ઊંચા ભાવ ભારતને ભારે પડતા હોય છે. વધુમાં યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ પણ શાંત પડતું નહીં હોવાથી જિયોપૉલિટિકલ સિચુએશનની અનિશ્ચિતતા વધી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટૅરિફના મામલે હજી ભારે મતભેદો-વિવાદ પ્રવર્તી રહ્યા હોવાથી પણ વૈશ્વિક સ્તરે ચિંતા રહ્યા કરે છે. દરમ્યાન ઑર્ગેનાઇઝેશન ફોર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)ના મતે ભારતનો વિકાસદર ૨૦૨૬માં ઘટવાની સંભાવના છે. જોકે તેણે અમેરિકાનો ગ્રોથ રેટનો અંદાજ પણ નીચો મૂક્યો છે.
વૅલ્યુએશન હજી પણ ઊંચાં કહી શકાય?
વર્ષ ૨૦૨૫ના અત્યાર સુધીના ગાળામાં વાસ્તવમાં અર્થતંત્રની ગતિ ધીમી પડવાની ચિંતામાં અને વૅલ્યુએશનને ધ્યાનમાં રાખીને ભારતીય બજાર પણ ઇમર્જિંગ બજારોની તુલનાએ એકંદરે ધીમું પડ્યું છે. તાજેતરના કરેક્શન બાદ પણ ભારતીય સ્ટૉક્સના વૅલ્યુએશન એના અર્નિંગ્સની સરખામણીએ ઊંચાં જણાય છે જે નિરાશાજનક બાબત છે. આને પરિણામે મોટા ભાગના સમયમાં FII નેટ સેલર્સ રહ્યા બાદ હાલ પૉઝિટિવ બન્યા છે. દરમ્યાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ટેકો મોટો રહ્યો છે. ૨૦૨૫ના આરંભથી એપ્રિલ મધ્ય સુધી માર્કેટમાં FIIએ ૧૬.૫ અબજ ડૉલર પાછા ખેંચી લીધા હતા, જ્યારે એની સામે સ્થાનિક રોકાણકારોએ ૨.૦૬ લાખ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. વૈશ્વિક નબળા સંજોગોને લીધે ખાનગી અને જાહેર રોકાણમાં પણ મંદ પડ્યા છે. નિકાસ ડિમાન્ડ પણ ધીમી પડી છે. ઓવરઑલ ઇકૉનૉમિક રિકવરીને હજી સમય લાગશે એવો અંદાજ છે. આવા સમયમાં રિઝર્વ બૅન્કના આ વખતના પગલાં ગ્રોથને ગતિ મળવાની આશા જગાવે છે.
લૉન્ગ ટર્મ સ્ટોરી જોવામાં શાણપણ
હાલ જયારે ગ્લોબલાઇઝેશનનો યુગ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ દેશો એકબીજા સાથે વધુ સંકળાયેલા રહે છે જે હાલ સમગ્ર વિશ્વની કૉમ્પ્લેક્સિટી પણ વધારે છે. આપણે જોયું કે માત્ર અમેરિકાની ટ્રેડ-પૉલિસીએ સમગ્ર વિશ્વને અચંબા અને આંચકામાં મૂકી દીધું અને હજી પણ એ અનિશ્ચિતતામાં છે, કેમ કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણયો સતત બદલાતા રહે છે. જોકે ઇતિહાસ કહે છે કે આવી ઘટનાઓની અસર ટૂંકા ગાળાની હોય છે. એને પરિણામે સર્જાતી વૉલેટિલિટી પણ શૉર્ટ ટર્મ ગણાય છે, જેમાં લાંબા ગાળે તો માર્કેટ રિકવરી તરફ જાય છે. આ માટે રોકાણકાર વર્ગમાં ધીરજ, શિસ્ત અને પ્લાનિંગ હોવાં જરૂરી બને છે. આ સમયમાં ઇન્વેસ્ટમેન્ટનું વૈવિધ્યકરણ અત્યંત આવશ્યક બને છે.
જેફરીઝની ભલામણો સમજવા જેવી
જાણીતી ગ્લોબલ બ્રોકરેજ કંપની જેફરીઝના તાજેતરના અભ્યાસ મુજબ ભારતીય માર્કેટમાં હિન્દુસ્તાન ઍરોનૉટિકસ, સિમેન્સ, લાર્સન-ટુબ્રો, KEI ઇન્ડસ્ટ્રીઝને બેસ્ટ બાય સ્ટૉક્સ ગણાવ્યા છે. ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ક્ષેત્રની આ કંપનીઓની ઑર્ડર બુકની પોઝિશનને ધ્યાનમાં રાખીને આ ભલામણ થઈ છે. આ ટ્રેન્ડ ચાલુ વર્ષ દરમ્યાન વેગમાં રહેશે એવી આશા પણ એણે વ્યકત કરી છે.
સેન્સેક્સ દસ વર્ષમાં ત્રણ લાખ થવાની આગાહી
મોતીલાલ ઓસવાલ જેવી જાયન્ટ બ્રોકિંગ કંપનીના ચૅરમૅન અને કો-ફાઉન્ડર રામદેવ અગ્રવાલે જાહેર કરેલા મત મુજબ સેન્સેક્સ આગામી પાંચ વર્ષમાં, એટલે કે ૨૦૩૦માં દોઢ લાખ થઈ જશે. આ આશાવાદ નાનો લાગતો હોય તો તેમની બીજી આગાહી કે ધારણા કહે છે કે સેન્સેક્સ ૨૦૩૫ સુધીમાં એટલે કે દાયકામાં ત્રણ લાખના વિક્રમી આંકડે પહોંચી જશે. તેઓ આ ધારણા ભારતના અર્થતંત્રની લાંબા ગાળાની ગ્રોથ-સ્ટોરી અને ક્ષમતાને આધારે બાંધી રહ્યા છે. તેમના અભ્યાસ મુજબ છેલ્લાં ૪૫ વર્ષનો ઇતિહાસ કહે છે કે ભારતીય માર્કેટ દર પાંચ વર્ષે બમણું થાય છે. અર્થાત્ ૧૫ ટકાના દરે કમ્પાઉન્ડિંગ ગ્રોથના દરે વધે છે.
વિશેષ ટિપ
કરેક્શન એ માર્કેટની યાત્રાનું અભિન્ન અંગ છે. માર્કેટ ઘટે છે, કારણ કે એ વધી શકે. રોકાણકારોએ કરેક્શનનાં કરેક્ટ કારણો સમજવાં જોઈએ અને કરેક્ટ સમયની રાહ પણ જોવી જોઈએ.

