Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વેનેઝુએલિયન એપિસોડથી ભારતને લાભની થિયરીમાં હરખાયેલું બજાર ઝડપથી બગડ્યું

વેનેઝુએલિયન એપિસોડથી ભારતને લાભની થિયરીમાં હરખાયેલું બજાર ઝડપથી બગડ્યું

Published : 06 January, 2026 09:15 AM | IST | Mumbai
Anil Patel

નિફ્ટી ૨૫૩૭૩ની ઑલટાઇમ હાઈ બતાવી ત્યાંથી ૧૬૩ પૉઇન્ટ ખરડાઈ ૭૮ પૉઇન્ટ નરમ : બજારનું માર્કેટકૅપ ૪૫૦૦૦ કરોડ રૂપિયા ઘટ્યું : રિલાયન્સ દોઢ વર્ષે સર્વોચ્ચ સપાટી બનાવી ૧ ટકો ઘટીને ૧૫૭૭ બંધ : બિઝનેસ અપડેટના વસવસામા HDFC બૅન્ક ટૉપ લૂઝર બની બજારને ૩૦૨ પૉઇન્ટ નડી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ફાઇનૅન્સ બૅન્કેક્સ, બૅન્ક નિફ્ટી, એનર્જી ઇન્ડેક્સ નવી ઊંચી સપાટી બાદ નરમ
  2. એશિયા, યુરોપનાં અગ્રણી શૅરબજાર મજબૂત, સોના-ચાંદીમાં કરન્ટ, ક્રૂડ નરમ
  3. કરાચી શૅરબજાર ૧,૮૩,૯૬૪ના બેસ્ટ લેવલે જઈને રનિંગમાં ૩૪૦૧ પૉઇન્ટ પ્લસ

અમેરિકાએ વેનેઝુએલામાં જે કંઈ કર્યું એ કોઈ ફિલ્મથી કમ નથી. વેનેઝુએલામાં ઘૂસીને તેના રાષ્ટ્રપતિ માદુરોને બંદી બનાવી ઉઠાવી જવાનો સીન મિર્ઝાપુર કે ગૅન્ગ ઑફ વસેપુર બનાવનારાને નવી પ્રેરણા આપશે એમાં કોઈ શક નથી. ટ્રમ્પની આ હીરોગીરી કે વિલનગીરી જે કહો એ, પણ એનાથી વિશ્વસ્તરે ગજબની સનસની પેદા થઈ છે. મજાની વાત એ છે કે ટ્રમ્પના આ કૃત્ય કે અપકૃત્યને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને વેનેઝુએલિયન વિપક્ષી નેતા મારિયા મચાડોએ સ્વતંત્રતાની ઘડીના આગમન તરીકે બિરદાવ્યું છે. હવે જોવાનું છે કે આ વિપક્ષી મૅડમ અમેરિકન પપેટ બની સતાસ્થાને બિરાજે છે કે નહીં. અને તે સત્તાસ્થાને આવે તો ત્યાંની જનતા તેમને વધાવે છે કે સડકો ઉપર ઊતરી આવે છે એ પણ જોવાનું છે. વેનેઝુએલા પાસે ૩૦૩ કરોડ બેરલનો તેલ-ભંડાર છે જે વિશ્વના કુલ તેલ-ભંડારના ૨૦ ટકા થવા જાય છે. વેનેઝુએલા ક્રૂડની વિકાસના મામલે વિશ્વમાં બીજા નંબરે છે. એણે ૨૦૧૮થી અમેરિકન ડૉલર અને પેટ્રોડૉલરથી છેડો ફાડીને યુઆન, રૂબલ, યુરો મતલબ કે ડૉલર સિવાયની કોઈ પણ કરન્સીમાં ક્રૂડ વેચવાની શરૂઆત કરી હતી. અમેરિકા માટે આ મોટું જોખમ હતું. હવે જોખમ દૂર થયું છે, તેલનો ભંડાર અમેરિકાના કબજામાં આવી ગયો છે. સવાલ છે કે ટ્રમ્પ આટલેથી અટકશે? બિલકુલ નહીં, તે હવે દુનિયાને વધુ નચાવશે. રશિયા અને ચીન શું કરશે? ચૂપચાપ તો નહીં જ બેસી રહે.

વેનેઝુએલિયન એપિસોડ બાદ સોમવારે તમામ અગ્રણી વિશ્વબજારો વધ્યાં છે. એશિયા ખાતે સાઉથ કોરિયા સવાત્રણ ટકા, તાઇવાન અઢી ટકા, સિંગાપોર અડધા ટકાથી વધુની આગેકૂચમાં નવા બેસ્ટ લેવલે બંધ થયાં છે. જપાન સવાત્રણ ટકા, ચાઇના ૧.૪ ટકા, થાઇલૅન્ડ ૧.૬ ટકા, ઇન્ડોનેશિયા ૦.૯ ટકા અપ હતું. યુરોપિયન બજાર રનિંગમાં અડધાથી સવા ટકા સુધી વધેલાં દેખાયાં છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૮૩,૯૬૪ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૩૪૦૧ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૮૨,૪૩૬ ચાલતું હતું. બિટકૉઇન એક ટકો વધીને ૯૨,૪૪૧ ડૉલર થયો છે. બ્રૅન્ટક્રૂડ દોઢ ટકો ગગડીને ૬૦ ડૉલર નીચે ઊતરી ગયું છે. હાજર સોનું સવા બે ટકા વધીને ૪૪૩૦ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ અઢી ટકા વધીને ૪૪૩૫ ડૉલર, ચાંદી હાજરમાં ૪ ટકા વધીને ૭૫.૮૦ ડૉલર, કૉમેક્સ સિલ્વર સવાછ ટકા ઊછળીને ૭૫.૫૦ ડૉલર થયું છે.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૨૨ પૉઇન્ટના ઘટાડે ૮૫,૬૪૦ ખૂલી ૩૨૨ પૉઇન્ટ ઘટીને ૮૫,૪૩૯ તથા નિફ્ટી ૭૮ પૉઇન્ટ ઘટી ૨૬,૨૫૦ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૮૫,૮૮૩ અને નીચામાં ૮૫,૩૧૫ થયો હતો. નિફ્ટી ૨૬,૩૭૩ની નવી વિક્રમી સપાટી બનાવી નીચામાં ૨૬,૨૧૦ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૪૫,૦૦૦ કરોડ ઘટીને ૪૮૦.૮૦ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. માર્કેટબ્રેડ્થ બગડી છે. NSEમાં વધેલા ૧૨૦૮ શૅર સામે ૧૯૪૩ જાતો ઘટી છે.


બિઝનેસ અપડેટમાં મજા ન આવતાં HDFC બૅન્ક ૨.૪ ટકા ગગડી ૯૭૮ બંધ થઈ બજારને ૩૦૨ પૉઇન્ટ ભારે પડી છે. સ્ટેટ બૅન્ક ૧૦૧૫ની ટૉપ બનાવી અડધો ટકા સુધરી ૧૦૦૫ હતી. મારુતિ ૧૭,૩૭૧ના બેસ્ટ લેવલે જઈને એક ટકો વધીને ૧૭,૧૫૦ રહી છે. લાર્સન ૪૧૯૫ નજીક નવી ટોચે જઈને સાધારણ ઘટીને ૪૧૪૬ થઈ છે. ભારત ઇલે. ૨.૭ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકા, નેસ્લે ૨.૭ ટકા, આઇશર બે ટકા પ્લસ હતી. બજાજ ફાઇનૅન્સ સવા ટકો, શ્રીરામ ફાઇનૅન્સ ૦.૭ ટકા, મેક્સ હેલ્થકૅર ૧.૧ ટકા, એટર્નલ પોણો ટકા ઘટી છે. CSB બૅન્ક ૫૭૪ નજીકની ટૉપ હાંસલ કરીને ૧૩.૮ ટકા ઊછળીને ૫૪૮ થઈ છે. ઑટો ઇન્ડેક્સ, બૅન્કેક્સ, ફાઇનૅન્સ, બૅન્ક નિફ્ટી, પીએસયુ બૅન્ક નિફ્ટી જેવાં સેક્ટોરલ ઇન્ટ્રા-ડેમાં નવી ટોચે ગયાં હતાં. 

ગૅબિયન ટેક્નૉલૉજીઝનો ઇશ્યુ આજે, SRM કૉન્ટ્રૅક્ટર્સની ફૅન્સી ફળશે


આજે નવી દિલ્હી ખાતેની ગૅબિયન ટેક્નૉલૉજીઝ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૮૧ની અપરબૅન્ડમાં ૨૯૧૬ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. કંપની સ્ટીલ ગૅબિયન્સ બનાવે છે. ગૅબિયન્સનો ઉપયોગ મુખ્યત્વે કિલ્લેબંધી કે ફોર્ટિફિકેશન્સ કરવા માટે થાય છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૪ ટકા ઘટાડામાં ૧૦૧ કરોડ પ્લસની આવક ઉપર ૧૪ ટકા વધારામાં ૬૬૩ લાખનો નેટનફો કર્યો છે. ચાલુ વર્ષે નવેમ્બર સુધીના ૮ મહિનામાં આવક ૬૦૬૬ લાખ અને નફો ૪૩૦ લાખ થયો છે. દેવું આઠ મહિનામાં ૪૬૭૧ લાખથી વધીને ૫૨૦૫ લાખ થયું છે. ૨૯૧૬ લાખના ઇશ્યુના ભંડોળમાંથી કંપની ૨૨૧૧ લાખ વર્કિંગ કૅપિટલ માટે વાપરશે. પ્લાન્ટ મશીનરી પેટે ફક્ત ૧૦૬ લાખ ખર્ચવાની છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૩૫૮ લાખ થશે. પ્રમોટર્સની સરેરાશ પડતર બહુધા ઝીરોથી માંડી સવાબે રૂપિયા આસપાસની છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૬.૬નો તથા ચાલુ વર્ષના ૮ મહિનાની કમાણી ઍન્યુલાઇઝડ કરતાં ૧૭ પ્લસનો પીઇ બતાવે છે. ગૅબિયન ટેક્નૉલૉજીઝ જેવા જ કામકાજ કે બિઝનેસમાં પ્રવૃત કંપની SRM કૉન્ટ્રૅક્ટર્સ છે એના શૅરનો ભાવ હાલ ૫૩૧ જેવો ચાલે છે. જમ્મુ ખાતેની આ કંપની ૧૦ના શૅરદીઠ ૨૧૦ના ભાવથી ૧૩૦ કરોડનો ઇશ્યુ લઈ માર્ચ ૨૦૨૪ની આખરમાં મૂડીબજારમાં આવી હતી. ધંધો સમાન હોવા છતાં SRMનો બિઝનેસ ગૅબિયન કરતાં ક્યાંય મોટો છે. એણે ગયા વર્ષે કુલ ૫૩૩ કરોડની આવક ઉપર ૫૦ કરોડથી વધુ નફો મેળવી શૅરદીઠ ૨૧.૮૬ની EPS દર્શાવી છે. ગૅબિયનની EPS આનાથી ત્રીજા ભાગની પણ નથી. SRMનો શૅર ૨૦૨૪ની ૩ એપ્રિલે લિસ્ટિંગમાં ૨૩૬ ઉપર બંધ થયો હતો. લિસ્ટિંગ બાદ ભાવ ૩ જૂને ૧૪૩ નીચે ઑલટાઇમ તળિયે ગયો હતો. ત્યાંથી સુધારાની ચાલમાં ૨૦૨૫ની ૧૭ નવેમ્બરે ૬૫૨ના શિખરે ગયો હતો. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૩૦થી વધુ છે. ગૅબિયનમાં હાલ ૩૦નું પ્રીમિયમ બોલાય છે. 

દેવયાની એન્ટરપ્રાઇઝ સાડાપાંચ ટકા, સેફાયર ફૂડ્સ ૭.૪ ટકા તૂટી

મુંબઈના અંધેરી, ચકાલા ખાતેની ઓરિએન્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ શૅરદીઠ એકના મેઇડન બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૪૬૧ થઈ ૮.૫ ટકા ઊછળીને ૪૪૧ બંધ થઈ છે. જયપુરની સિલ્ગો રીટેઇલ ૧૦ શૅરદીઠ ત્રણ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થઇ છે. શૅર ઉપરમાં ૭૯.૪૮ થઈ અઢી ટકા ઘટીને ૭૯ નજીક હતો. આ કંપની ૧૦ના શૅરદીઠ ૩૬ના ભાવથી પાંચ કરોડ રૂપિયાનો NSE SME ઇશ્યુ ઑક્ટોબર ૨૦૧૮ના આરંભે લાવી હતી. ઇશ્યુ કુલ સવા ગણો પણ રીટેલમાં ૫૦ ટકા જ ભરાયો હતો. લિસ્ટિંગ ૩૬ પ્લસના ભાવે થયું હતું. શૅર ૨૦૨૩ની ૨૭ માર્ચે ૧૪.૨૫ના ઑલ ટાઇમ તળિયે ગયા પછી વધઘટે સુધારાની ચાલમાં તાજેતરમાં ૨૯ ડિસેમ્બરે ૮૭ ઉપર વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીએ નવેમ્બર ૨૦૨૦માં ૪ શૅરદીઠ એક બોનસ આપેલું છે. મુંબઈની જીએમ બ્રુઅરીઝ પરિણામની પૂર્વસંધ્યાએ ગઈ કાલે ઉપરમાં ૧૨૫૦ થઈ સવાત્રણ ટકા વધીને ૧૨૪૮ રહી છે.

સેફાયર ફૂડ્સના મર્જરની જાહેરાત પછી ડિમાન્ડમાં રહેલી દેવયાની ઇન્ટરનૅશનલ ગઈ કાલે ૧૪૯ વટાવ્યા બાદ સાડાપાંચ ટકો ગગડી ૧૪૦ રહી છે, સેફાયર ફૂડ્સ વધુ ખરડાઈને ૭.૪ ટકા ગગડી ૨૩૪ હતી. બૉશ લિમિટેડ આગલા દિવસના સવાનવ ટકા કે ૩૩૩૭ રૂપિયાના ઉછાળા બાદ ગઈ કાલે એક ટકો ઘટીને ૩૯,૦૫૫ રૂપિયા હતો. શુક્રવારે ૮૮ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૨૮ બંધ રહેલી e2E ટ્રાન્સપોર્ટેશન ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૧૧ થઈ ત્યાં જ રહી છે. ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ આગલા દિવસની ૯ ટકા તેજી બાદ ગઈ કાલે નીચામાં ૩૨૨ થઈ ૩.૫ ટકા બગડી ૩૨૪ બંધ આવી છે. બિઝનેસ અપડેટ જારી થયા પછી વિશ્લેષકો દ્વારા ડીમાર્ટ ફેમ એવન્યુ સુપર માર્ટમાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ નબળાં રહેવાની દહેશત સાથે ૪૧૭૫ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૩૯૨૫ કરવામાં આવી છે. એના પગલે શૅર ૧૩ ગણા કામકાજે ૩૬૪૬ બંધ આવ્યો છે. પરિણામ દસમીએ છે. 

જેફરીઝના વરતારાનો હરખ દેખાડી ઑઇલ-ગૅસ શૅરો લપસ્યા

વેનેઝુએલાનો અમેરિકાએ કબજો લેતાં જેફરીજ માને છે કે ત્યાં અમેરિકાની પપેટ ગવર્નમેન્ટ અસ્તિત્વમાં આવશે. આથી વેનેઝુએલિયન ઑઇલ એક્સપોર્ટસ ઉપરના અમેરિકન અંકુશ દૂર થશે. આનાથી રિલાયન્સ અને ONGC લાભમાં રહેવાની ધારણા છે. આ થિયરી બજારમાં ફરતી થતાં ગઈ કાલે રિલાયન્સે ૧૬૧૧ વટાવી ઑલટાઇમ હાઈ બનાવી હતી, પરંતુ શૅર ત્યાંથી ગગડી નીચામાં ૧૫૭૫ થઈ છેવટે એકાદ ટકો ઘટીને ૧૫૭૭ બંધ થયો છે. ONGC ૬ ગણા કામકાજે ૨૪૬ વટાવી નીચામાં ૨૩૬ની અંદર જઈને દોઢ ટકા ઘટી ૨૩૮ રહ્યો છે. ઑઇલ ઇન્ડિયા ૪૩૨ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બાદ તૂટી ૪૧૫ થઈ સવાબે ટકા બગડી ૪૧૯ હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ઉપરમાં ૨૯૧૩૫ થયા પછી ત્યાંથી લપસી ૨૮,૪૫૩ બતાવી અંતે ૩૪૧ પૉઇન્ટ કે સવા ટકો ઘટી ૨૮,૫૬૯ રહ્યા છે. એના ૧૦માંથી ૧૦ શૅર ડાઉન હતા. અદાણી ટોટલ ૧.૮ ટકા, ગેઇલ ૧.૩ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ બે ટકા ઘટી છે. હિન્દુસ્તાન પેટ્રો ૫૦૮ ઉપર નવું શિખર મેળવી ૦.૭ ટકા ઘટી ૪૯૨ થઈ છે. ભારત પેટ્રો ૦.૯ ટકા ઘટી ૩૭૮ તો ઇન્ડિયન ઑઇલ ૧.૧ ટકા ઘટી ૧૬૫ હતી. એનર્જી ઇન્ડેક્સ ૧૨,૫૩૭ની ઐતિહાસિક ટોચે જઈને ૩૪માંથી પચીસ શૅરની નરમાઈમાં એક ટકો ઘટી ૧૨,૩૧૬ રહ્યો છે. ગાંધાર ઑઇલ રિફાઇનરી ૨૭૪ ગણા વૉલ્યુમે ૧૭૭ વટાવી ૧૦.૨ ટકા ઊછળી ૧૬૭ બંધમાં અહીં ટૉપ ગેઇનર બની હતી. સામે જિંદલ ડ્રિલિંગ ૭.૩ ટકા, પનામા પેટ્રોકેમ ૩ ટકા, દીપ ઇન્ડસ્ટ્રીઝ ૪ ટકા, સાંડૂર મૅન્ગેનીઝ બે ટકા ડૂલ થઈ છે. MRPL સવા ટકો ઘટી ૧૪૯ તો ચેન્નઈ પેટ્રો ઉપરમાં ૮૪૮ થયા બાદ દોઢ ટકા ઘટી ૮૧૪ જોવાઈ છે. ઑઇલ-ગૅસ તેમ જ હાઇડ્રોકાર્બન સેક્ટરના શૅરમાં ગઈ કાલે પ્રારંભિક સુધારા બાદ જે પીછેહઠ થઈ હતી એ ખાસ સૂચક છે. વેનેઝુએલા ઉપર અમેરિકન આધિપત્યથી ભારત લાભમાં રહેશે એનું તારણ કાઢવામાં ઉતાવળ કરવાની જરૂર નથી, કેમ કે અમેરિકામાં ટ્રમ્પનું શાસન છે અને ભારત પ્રત્યે ટ્રમ્પનો હાલનો અભિગમ કેવો છે એ બધા જાણે છે. ઍનલિસ્ટો અને ચૅનલિયા પંડિતોની વાતોમાં હું આવું નહીં.

ITમાં હેવીવેઇટ્સની પાછળ સાર્વત્રિક માનસ બગડ્યું

આવતા સોમવારે, ૧૨ જાન્યુઆરીએ TCSનાં પરિણામ છે. HCL ટેક્નૉલૉજી પણ એ જ દિવસે રિઝલ્ટ આપવાની છે. ઇન્ફીનાં પરિણામ ૧૪મીએ છે. માથે રિઝલ્ટ વચ્ચે ગઈ કાલે IT ઇન્ડેક્સ ૫૦૭ પૉઇન્ટ કે ૧.૪ ટકો નરમ પડ્યો છે. એના ૭૭માંથી ૫૯ શૅર માઇનસ હતા. ગઈ કાલે HCL ટેક્નૉલૉજીઝ બે ટકા, ઇન્ફોસિસ ૨.૧ ટકા, TCS ૧.૧ ટકા ઘટ્યો છે. ટેક મહિન્દ્ર પણ પોણો ટકા નરમ હતો. આ ૪ IT શૅર બજારને ૧૬૯ પૉઇન્ટ નડ્યા છે. વિપ્રો ૨.૨ ટકા ઘટીને ૨૬૩ હતો. ITમાં નબળા માનસ વચ્ચે નેટવેબ ટેક્નૉલૉજીઝ ૩૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૪૩૩ વટાવી ૮.૩ ટકા કે ૨૫૨ રૂપિયાની મજબૂતીમાં ૩૨૭૭ બંધ આપી ઝળકી હતી. અમદાવાદી સિલ્વર ટચ ટે ટેક્નૉલૉજીઝમાં બોનસ માટે સોળમીએ બોર્ડ મીટિંગ જાહેર થયેલી છે. શૅર એનો કરન્ટ જાળવી રાખતાં ૧૩૭૭ના શિખરે જઈને ૮.૩ ટકા વધી ૧૩૫૬ રહ્યા છે. ઓરિએન્ટ ટેક્નૉલૉજીઝ એક્સ બોનસ થતાં બમણા કામકાજે ઊછળી ૪૬૧ વટાવી ૮.૫ ટકા વધીને ૪૪૧ થઈ એની નવાઈ છે. અન્યમાં રાશિ પેરિફેરલ્સ ૫.૮ ટકા તથા સિએન્ટ ૩.૬ ટકા ઊંચકાઈ હતી. ટેલિકૉમમાં ઇન્ડસ ટાવર દોઢ ટકા, વોડાફોન ૩ ટકા, વિન્દય ટેલી બે ટકા, સ્ટરલાઇટ ટેક્નો દોઢ ટકા નરમ હતી.

મેટલ ઇન્ડેક્સ ૩૭૯૯૭ની નવી લાઇફટાઇમ હાઈ બનાવી ૦.૬ ટકા કે ૨૨૦ પૉઇન્ટ વધીને ૩૭,૮૭૬ રહ્યા છે. NSEનો મેટલ ઇન્ડેક્સ પણ ૧૧,૫૩૨ના બેસ્ટ લેવલ બાદ ૬૯ પૉઇન્ટ સુધરી ૧૧,૪૯૧ હતો. તાતા સ્ટીલ ૧૮૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકાની આગેકૂચમાં ૧૮૬ હતી. સેઇલ ૧૫૧ની નવી ટૉપ દેખાડી ૨.૩ ટકા વધી ૧૫૦ રહી છે. વિશ્વબજારમાં ઍલ્યુમિનિયમ ૩૦૦૦ ડૉલરની મલ્ટિયર ટોચે જતાં હિન્દાલ્કો ૯૩૮ની વિક્રમી સપાટી બતાવી અડધો ટકો વધી ૯૩૧ તો નાલ્કો ૩૩૫ નજીક નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી નજીવો સુધરી ૩૩૧ રહી છે. હિન્દુસ્તાન કોપર ૫૭૦ની ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરીને બે ટકા વધી ૫૫૩ થઈ છે. ૭ એપ્રિલે શૅર ૧૮૪ની અંદર હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૬૨૮ના લેવલે ફ્લૅટ હતી. વેદાન્તા ૬૨૪ની લાઇફટાઇમ હાઈ બતાવી નજીવા ઘટાડે ૬૧૫ રહી છે. NMDC ૮૫ની ઉપરની ટૉપ બનાવ્યા બાદ પોણો ટકો ઘટી ૮૪ થઈ છે. જિંદલ સ્ટેનલેસ ૮૭૦ ઉપરનો નવો ઊંચો ભાવ દેખાડી સવા ટકો વધી ૮૬૬ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 09:15 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK