RBI MPC Meeting August 2025: ભારતીય રિઝર્વ બેંકે ઓગસ્ટ ૨૦૨૫ની નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ 5.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લીધો; આરબીઆઇ એમપીસી સંબંધિત તમામ અપડેટ્સ જાણો
આરબીઆઇ ગર્વનર સંજય મલ્હોત્રા નાણાકીય નીતિ સમિતિની મિટિંગમાં (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)ના ગવર્નર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra)એ આજે મુંબઈ (Mumbai)માં મુખ્ય નીતિ દરોની જાહેરાત કરી. આરબીઆઇ (RBI) ગવર્નરે કહ્યું કે નાણાકીય નીતિ સમિતિ (Monetary Policy Committee - MPC)એ તટસ્થ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થતંત્ર (Indian Economy)ની વર્તમાન પરિસ્થિતિ અને દેશમાં હાજર ક્ષમતાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો (RBI MPC Meeting August 2025) નક્કી કરવામાં આવ્યા છે.
સંજય મલ્હોત્રાએ રેપો રેટ (RBI Repo Rat)માં ઘટાડો કરવાની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, હાલમાં પોલિસી રેટ સાથે જોડાયેલી લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. અગાઉ, તેમણે જૂન નાણાકીય નીતિમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ નીતિમાં પણ, કેન્દ્રીય બેંકે તેમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હાલમાં તે 5.50 ટકા પર છે. તમને જણાવી દઈએ કે, રેપો રેટ એ દર છે જેના પર બેંકોને જરૂર પડે ત્યારે RBI પાસેથી લોન મળે છે. જો રેપો રેટ ઘટે છે, તો બેંકોને સસ્તા દરે લોન મળે છે અને તેઓ ગ્રાહકોને સસ્તા વ્યાજ દરે લોન આપી પણ શકે છે. પરંતુ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી, તેથી EMIમાં તાત્કાલિક રાહતની કોઈ આશા નથી.
ADVERTISEMENT
ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા, RBI ગવર્નર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra)એ જણાવ્યું હતું કે FY26 માટે વૃદ્ધિ આગાહી 6.5 ટકા પર જાળવી રાખવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય નીતિ સમિતિ (MPC)એ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણ દર અથવા રેપો રેટને 5.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
ફુગાવા પર બોલતા, આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે તેનો અંદાજ 3.7 ટકાથી ઘટાડીને 3.1 ટકા કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૫થી, આરબીઆઈએ પોલિસી રેટમાં ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જૂનમાં તેની છેલ્લી પોલિસી સમીક્ષામાં, તેણે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.5 ટકા કર્યો હતો.
પોતાના સંબોધનમાં, RBI ગવર્નરે જણાવ્યું હતું કે મુખ્ય ફુગાવો 4 ટકાની આસપાસ સ્થિર છે, જ્યારે ગ્રામીણ વપરાશ અસ્થિર છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવો (છૂટક ફુગાવો) નાણાકીય વર્ષ 26 માટે 3.1 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે છૂટક ફુગાવો નાણાકીય વર્ષ ૨૭ માટે 4.9 ટકા રહેવાનો અંદાજ છે.
સરકારે કેન્દ્રીય બેંકને ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત છૂટક ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકા પર રહે તે સુનિશ્ચિત કરવાનું કામ સોંપ્યું છે. MPCની ભલામણના આધારે, રિઝર્વ બેંકે ફેબ્રુઆરી અને એપ્રિલમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો અને જૂનમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, જ્યારે છૂટક ફુગાવામાં ઘટાડો થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીથી છૂટક ફુગાવો 4 ટકાથી નીચે ચાલી રહ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો અને અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે જૂનમાં તે છ વર્ષના નીચલા સ્તરે 2.1 ટકા પર પહોંચી ગયો હતો.


