આ પહેલા આરબીઆઈએ મે મહિનામાં અને જૂન મહિનામાં કુલ ૦.૯૦ ટકાનો વધારો કર્યો હતો
આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસની ફાઇલ તસવીર
ભારતીય રિઝર્વ બૅન્ક (Reserve Bank of India - RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ આજે રોજ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા પછી પોલિસી વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એટલે રેપો રેટ ૪.૯% થી વધીને ૫.૪% થઈ ગયો છે.
આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસ (Shaktikant Das)એ જણાવ્યું હતું કે, ‘અમે ઉચ્ચ ફુગાવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છીએ અને નાણાકીય બજારો પણ અસ્થિર છે. વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાણાકીય નીતિ સમિતિએ બેન્ચમાર્ક દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.’
ADVERTISEMENT
આજના વધારા સાથે રેપો રેટમાં આ સતત ત્રીજો વધારો છે. આ પહેલા આરબીઆઈએ મે મહિનામાં અને જૂન મહિનામાં કુલ ૦.૯૦ ટકાનો વધારો કર્યો હતો. એટલે કે છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં ૧.૪ ટકાનો વધારો થયો છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ઊંચા મોંઘવારી દરને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ રેપો રેટમાં ૨૫ થી ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
ગવર્નરે એમ પણ કહ્યું કે, ‘મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે નરમ નીતિના વલણને પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે અને મંદીનું જોખમ વ્યક્ત કર્યું છે.’
શક્તિકાંત દાસે જણાવ્યું કે, ‘આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ૭.૩ ટકા જાળવી રાખ્યું છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો ૬.૭ ટકા રહેવાનું અનુમાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફુગાવાની આગાહી ૬.૭ ટકા પર જાળવી રાખવામાં આવી છે, જે સામાન્ય ચોમાસા અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $૧૦૫ પર રહેવાની સંભાવનાને આધારે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો અસંતોષકારક સ્તરે છે. સમિતિનો અંદાજ છે કે ફુગાવો છ ટકાથી ઉપર રહેશે.’

