તેમનું કહેવું છે કે આ કાયદાનો કેમ અમલ કરવો અને એની સામે કેવો ઊહાપોહ થશે એ મૂંઝવણ હોવાથી નવા GSTનું અમલીકરણ માત્ર મુલતવી રહ્યું છે, રદ નથી થયું
પ્રતીકાત્મક તસવીર
આખા દેશના અનાજ અને કઠોળના વેપારીઓમાં વ્યાપેલો ખળભળાટ અને ફફડાટ હાલપૂરતો ટળી ગયો છે. પચીસ કિલોથી ઉપરના દરેક પ્રકારના અનાજ પર પાંચ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લેવાનો પ્રસ્તાવ અને મેટ્રોલૉજીનો કાયદો હાલ એક મહિના માટે મુલતવી રહ્યો છે. જોકે અનાજના વેપારીઓને સરકાર અને GST કાઉન્સિલ પર હવે વિશ્વાસ નથી. મુંબઈના અનાજના વેપારીઓ કહે છે કે ‘આ પહેલાં સરકાર ૨૦૨૨માં જ અનાજ અને કઠોળ પર કોઈ પણ ભોગે GST લાદવા તૈયાર હતી, પરંતુ વેપારીઓના ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને નાણાપ્રધાને એ સમયે કાયદો હળવો કરીને પીછેહઠ કરી હતી. જોકે સરકારી બાબુઓ બધી જ આઇટમો પર GST લાદવાના મૂડમાં હોવાથી આ બજેટ પછી અનાજ અને કઠોળ પર GST લાદવાની પૂરેપૂરી તૈયારીમાં જ છે. અત્યારે તો આ કાયદાનો કેમ અમલ કરવો અને એની સામે કેવો ઊહાપોહ થશે એ મૂંઝવણમાં હોવાથી નવા GSTના અમલીકરણને મુલતવી રાખવામાં આવ્યું છે, નહીંતર રદ કરવામાં આવ્યો હોત. આથી મુલતવી રાખવાના નિર્ણયની અમારા પર કોઈ અસર થઈ નથી.’
અનાજ અને કઠોળ પરના GSTના ૮ જુલાઈના પ્રસ્તાવથી દેશભરના વેપારીઓ અજાણ હતા. જોકે મુંબઈના ૧૨૫ વર્ષ જૂના અનાજના વેપારીઓના સંગઠન ધ ગ્રેન રાઇસ અૅન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશ (ગ્રોમા)એ બધા વેપારીઓને જગાડ્યા હતા. ૨૬ જુલાઈએ સરકારી અધિકારીઓ સાથે એક ઝૂમ મીટિંગમાં દિલ્હીના મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સના ડિરેક્ટર આશુતોષ અગ્રવાલને ચિતાર આપવામાં આવ્યો હતો કે આ કાયદો આવતાં કેવાં ગંભીર પરિણામો આવશે, તેમણે એ સમયે ફેરવિચારણાનું આશ્વાસન આપ્યું હતું અને એને પરિણામે અત્યારે આ કાયદાના અમલીકરણને એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી સરકારનાં મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ એકબીજાના સંપર્કમાં ન હોવાથી સમન્વય ન હોવાથી હાલમાં આ કાયદો મુલતવી રાખવામાં આવ્યો છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર તરફથી વેપારી કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ બોર્ડની સમયસર મીટિંગ થતી નથી તેમ જ તેમના સભ્યો તરફથી કોઈ જાતની ચર્ચાવિચારણા કે સજેશન મગાવવામાં આવતાં ન હોવાથી બજારમાં વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે. હજી આ વિઘ્ન ફક્ત એક મહિના માટે જ પાછળ ઠેલાયું છે, પૂરી રીતે સમાપ્ત થયું નથી. દેશભરમાં વેપારીઓનો વિરોધ વંટોળ ઊભો થતાં હાલ આ આફત ટળી ગઈ છે. GSTના અધિકારીઓને બેહિસાબ સત્તા અપાતાં હવે તેમને વેપારીઓ જાણે વ્યાપાર કરીને કોઈ ગુનો કરતા હોય એવો અહેસાસ થવા લાગ્યો છે એટલે તેઓ કોઈ પણ રીતે વેપારીઓને કાયદાની આંટીઘૂંટીમાં ફસાવીને તેમની પાસેથી ટૅક્સ વસૂલ કરવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજમાં છે. એને કારણે આવનારો સમય વેપારીઓ માટે કપરો સાબિત થઈ શકે એમ છે. આથી અમારી સંસ્થા સતત લાગતાંવળગતાં મંત્રાલયો અને પ્રધાનો સમક્ષ રજૂઆત કરી રહી છે. જો તેઓ અમારી અને ગ્રાહકોની વ્યથાને સમજી નહીં શકે અને તેમના વલણમાં અક્કડ રહેશે તો અમારી પાસે શટર ડાઉન કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચતો નથી.’

