પાકિસ્તાની શૅરબજાર બે દિવસમાં ૩૪૦૦ પૉઇન્ટ લથડ્યું : પરિણામની પૂર્વસંધ્યાએ રિલાયન્સ નહીંવત્ પ્લસ, મારુતિમાં નજીવી પીછેહઠ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાકિસ્તાની શૅરબજાર બે દિવસમાં ૩૪૦૦ પૉઇન્ટ લથડ્યું : પરિણામની પૂર્વસંધ્યાએ રિલાયન્સ નહીંવત્ પ્લસ, મારુતિમાં નજીવી પીછેહઠ : ટૅન્કઅપ એન્જિનિયર્સનો ઇશ્યુ ૩ ગણો ભરાઈ જતાં ગ્રે માર્કેટમાં ૭નું પ્રીમિયમ, એથર એનર્જીમાં પ્રીમિયમ વધુ દબાયું : સિમેન્ટ ઉદ્યોગના ૪૨માંથી ૩૧ શૅર પ્લસ, અલ્ટ્રાટેક તથા જેકે સિમેન્ટ નવા શિખરે : પરિણામના વસવસામાં હિન્દુસ્તાન યુનિલીવર બન્ને બજારમાં ટૉપ લૂઝર : લૌરસ લૅબનો નફો ત્રેવડાયો, શૅર અડધો ટકો ઘટીને બંધ
વિશ્વબજારોની પીછેહઠ, પહલગામ ખાતે આતંકવાદી હુમલો તથા ડેરિવેટિવ્ઝમાં એપ્રિલ વલણનું સેટલમેન્ટ જેવા ઘટનાક્રમમાં ઘરઆંગણે બજારની ૭ દિવસની રઈલી અટકી છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૮ પૉઇન્ટ જેવો મામૂલી નરમ, ૮૦,૦૫૮ ખૂલી છેવટે ૩૧૫ પૉઇન્ટની નરમાઈમાં ગુરુવારે ૭૯,૮૦૧ બંધ થયો છે. નિફ્ટી ૮૨ પૉઇન્ટ ઘટી ૨૪,૨૪૭ હતો. આરંભથી અંત સુધી મહદઅંશે માઇનસ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૮૦,૧૭૪ તથા નીચામાં ૭૯,૭૨૪ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીના મુકાબલે રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં ઓછું ઘટ્યું છે, પણ બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ નરમ હતાં. રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક ૧.૪ ટકા બગડ્યો છે. FMCG આંક પોણો ટકો ઢીલો થયો છે. સામે હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો તો નિફ્ટી ફાર્મા એક ટકો પ્લસ હતો. એક નિફ્ટી, આઇટી, ઑટો, ઑઇલ-ગૅસ, કૅપિટલ ગુડ્સ જેવા સેક્ટોરલ નહીંવતથી સાધારણ કમજોર હતાં. માર્કેટ બ્રેડ્થ રસાકસી સાથે નજીવી નેગેટિવ બાયસમાં હતી. NSEમાં વધેલા ૧૪૦૪ શૅર સામે ૧૪૪૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૮૪,૦૦૦ કરોડના ઘટાડામાં ૪૨૯.૬૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ADVERTISEMENT
પહેલગામના આતંકવાદી હુમલા પછી સરકાર આકરા પાણીએ છે. નરેન્દ્ર મોદીએ ગુનેગારોને ધરતીના પાતાળમાંથી શોધી કાઢી સજા કરવાના સોગંદ લીધા છે. પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધ કાપી નાખવામાં આવ્યા છે. જળ સમજૂતી કરાર રદ કરાયો છે. માહોલ ઘણો ગરમ છે. આની અસરમાં પાકિસ્તાની શૅરબજાર બુધવારે ૧૩૦૩ પૉઇન્ટ તૂટી ૧,૧૭,૨૨૬ બંધ થયા પછી ગઈ કાલે વધુ લથડ્યું છે. કરાચી શૅરબજારમાં આંક નીચામાં ૧,૧૪,૬૬૧ થઈ ૨૦૯૮ પૉઇન્ટ કે પોણાબે ટકા ખાબકી ૧,૧૫,૧૨૮ દેખાયો છે. ગઈ કાલે એશિયા ખાતે જપાન અડધો ટકો અને ચાઇના નહીયવત્ પ્લસ હતું. સામે તાઇવાન અને હૉન્ગકૉન્ગ પોણો ટકો, થાઇલૅન્ડ અડધો ટકો તથા અન્યત્ર સાધારણ નબળાઈ હતી. યુરોપ પણ રનિંગમાં નહીંવત્થી સામાન્ય નરમાઈ બતાવતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૪,૧૩૩ ડૉલરની ઊંચી સપાટીથી નીચામાં ૯૧,૭૩૩ ડૉલર દેખાડી રનિંગમાં સવા ટકાની પીછેહઠમાં ૯૨,૫૭૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટક્રુડ ૬૬ ડૉલરની ઉપર ટકેલું હતું.
ટેન્કઅપ એન્જિનિયર્સનો શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૧૯૫૩ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ત્રણ ગણો ભરાઈ ગયો છે. ભરણું આજે બંધ થશે. ગ્રે માર્કેટમાં ૭નું પ્રીમિયમ બોલાવા માંડ્યું છે. મેઇન બોર્ડમાં એથર એનર્જીનો ઇશ્યુ ૨૮મીએ આવશે. પ્રીમિયમ દબાઈને ૬ થઈ ગયું છે. સતત ખોટ કરતી આ કંપની એકના શૅરદીઠ ૩૨૧ના ભાવે ૨૯૮૧ કરોડનો ઇશ્યુ લાવી રહી છે. સોમવારે અમદાવાદની આઇવેર સપ્લાય ચેઇન ૧૦ના શૅરદીઠ ૯૫ના ભાવથી ૨૭૧૩ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. કંપની લૉજિસ્ટિક બિઝનેસમાં છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી. મંગળવારે એક વધુ અમદાવાદી કંપની અરુણયા ઑર્ગેનિક્સ ૧૦ના શૅરદીઠ ૫૮ના ભાવથી ૩૩૯૯ લાખનો NSE SME IPO કરવાની છે.
બજાજ ફાઇનૅન્સ નવી ટોચથી નરમ, બજાજ ફીનસર્વ નવા શિખરે
ઇન્ડસઇન્ડ બૅન્ક સવાત્રણ ટકા વધી ૮૨૦ નજીકના બંધમાં બન્ને બજાર ખાતે બેસ્ટ ગેઇનર બની છે. અલ્ટ્રાટેક ૧૨,૧૮૮ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાબે ટકા વધી ૧૨,૧૬૦ના બંધમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતો. ગઈ કાલે સિમેન્ટ ઉદ્યોગના ૪૨માંથી ૩૧ શૅર પ્લસ હતા. સૌરાષ્ટ્ર સિમેન્ટ સવાઅગિયાર ટકા, કેસોરામ ઇન્ડ. પાંચ ટકા, કાકટિયા સિમેન્ટ્સ સવાચાર ટકા, દાલમિયાં ભારત ૪ ટકા, નુવાકો વિસ્ટા સાડાત્રણ ટકા મજબૂત હતી. જેકે સિમેન્ટ ત્રણ ટકા વધી ૫૨૩૩ના શિખરે બંધ હતો. એસીસીનો નફો ૨૦ ટકા ઘટી ૭૫૧ કરોડ આવ્યો છે. શૅર ૨૧૨૩ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૨૦૫૩ થઈ પોણા ટકાના સુધારે ૨૦૬૮ બંધ હતો. અન્યમાં ગ્રાસિમ દોઢ ટકો, તાતા મોટર્સ તથા ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો, સિપ્લા ૧.૨ ટકા, તાતા કન્ઝ્યુમર એક ટકો વધી હતી.
બજાજ ફાઇનૅન્સ ૯૭૧૦ નજીક ઑલટાઇમ હાઈ બનાવી નહીંવત ઘટાડે ૯૨૯૮ રહી છે. બજાજ ફીનસર્વ ૨૧૩૪ની ટોચે જઈ સાધારણ સુધારામાં ૨૧૦૬ હતી. હીરો મોટોકૉર્પ સહેજ વધેલો હતો, બજાજ ઑટો પોણો ટકો ઘટી છે. વેચાણ ત્રણ ટકા વધવા છતાં માર્ચ ક્વૉર્ટરનો નફો પોણાચાર ટકા ઘટી ૨૪૬૪ કરોડ આવતાં હિન્દુસ્તાન યુનિલીવર ૨૪૮૬ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૩૧૭ થઈ ૪ ટકા ગગડી ૨૩૨૫ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની છે. ભારતી ઍરટેલ બે ટકા, ICICI બૅન્ક દોઢ ટકો, ઝોમાટો સવા ટકો, આઇશર મોટર્સ દોઢ ટકો, ONGC તથા શ્રીરામ ફાઇનૅન્સ એક-એક ટકો નરમ હતા.
પરિણામની પૂર્વસંધ્યાએ રિલાયન્સ નહીંવત સુધરીને ૧૩૦૨ નજીક તો મારુતિ સુઝુકી પરચૂરણ ઘટાડે ૧૧,૯૦૦ બંધ રહી છે. સાધારણ પરિણામમાં અસાધારણ તેજી દાખવનારી HCL ટેક્નૉલૉજીઝ વળતા દિવસે અડધો ટકો ઘટી છે. ટેક મહિન્દ્ર એક ટકા નજીક વધી છે, પરંતુ ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો નહીંવતથી સામાન્ય ઘટાડે બંધ હતા. લાર્સન તથા સ્ટેટ બૅન્ક લગભગ યથાવત રહ્યા છે.
સિન્જેન ઇન્ટરનૅશનલ નબળાં રિઝલ્ટમાં ૧૩ ટકા લથડી
BSE લિમિટેડ ૬૫૬૪ના બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધી ૬૪૯૩ ઉપર બંધ આવી છે. MCX પોણાબે ટકા વધી ૬૨૪૦ હતી. લૌરસ લૅબનો નફો ત્રેવડાઈને ૨૩૪ કરોડ થવા છતાં શૅર ૬૬૦ના બેસ્ટ લેવલે જઈ અડધા ટકાના ઘટાડે ૬૪૭ બંધ રહ્યો છે. મોરપેન લૅબ ૭ ગણા વૉલ્યુમે સવાચૌદ ટકા ઊછળી ૬૨ ઉપરના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સમી હોટેલ્સ ૧૧.૩ ટકા, KIOCL ૧૧.૨ ટકા, MMTC ૧૧ ટકા તથા ન્યુજેન ૧૦.૮ ટકા ઊછળ્યા છે.
સિન્જેન ઇન્ટરનૅશનલે સ્ટૅન્ડએલોન ધોરણ ૯.૭ ટકાની આવકવૃદ્ધિ સામે નેટ નફામાં ૮ ટકાથી વધુનો ઘટાડો બતાવતાં શૅર ૧૩ ટકા જેવા કડાકામાં ૬૫૪ નીચે બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. વિજ્યા ડાયગ્નોસ્ટિક સવાપાંચ ટકા અને કેનફીન હોમ્સ પાંચ ટકા બગડી છે. રોકડામાં એલ્ડેકો હાઉસિંગ, રેપ્રો ઇન્ડિયા તથા GSS ઇન્ફોટેક ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ હતા. અમદાવાદી રાજેશ પાવર ૧૩૧૦ની ઑલટાઇમ હાઈ બનાવી સાડાત્રણ ટકા ગગડી ૧૨૧૫ થઈ છે. મુંબઈના થાણેની RRP સેમિકન્ડક્ટર્સમાં બેફામ સટ્ટાખોરી ચાલુ છે. ભાવ ઉપલી સર્કિટની હારમાળામાં બે ટકા વધી ૮૧૪ના બેસ્ટ લેવલે બંધ થયો છે. વૉલ્યુમ રાબેતા મુજબ બે શૅરનું હતું. સેબી અને બજારના સત્તાવાળાની ઊંઘ ક્યારે ઊડે છે એ જોવું રહ્યું.
વ્હર્લપૂલ ૧૪ ગણા જંગી વૉલ્યુમે સવાનવ ટકાની તેજીમાં ૧૧૮૮ બંધ થયો છે. જેન સોલ એન્જિનિયર્સ પાંચ ટકાની મંદીની સર્કિટનો શિરસ્તો જાળવી રાખતાં ૯૬ની અંદર નવા તળિયે બંધ હતી. જીએસકે ફાર્મા ૩૧૪૭ના શિખરે જઈ સવાબે ટકા વધી ૨૯૧૭ નજીક સરકી છે. મફીનગ્રીન ફાઇનૅન્સ ૧૮ ગણા કામકાજે ૧૯.૬ ટકાના જમ્પમાં ૮૦ વટાવી ગઈ છે. વિમતા લૅબ ૧૦ ટકા, હેસ્ટર બાયો અને થારોકૅર સાડાનવ ટકા, સુવેન લાઇફ સાડાસાત ટકા મજબૂત હતા.


