Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રોકડા અને બ્રૉડર માર્કેટમાં સુધારા વચ્ચે બજારની નરમાઈમાં સુધારો

રોકડા અને બ્રૉડર માર્કેટમાં સુધારા વચ્ચે બજારની નરમાઈમાં સુધારો

Published : 10 December, 2025 09:22 AM | IST | Mumbai
Anil Patel

ઇન્ડિગો ૯ મહિનાનું બૉટમ બતાવીને પોણો ટકો વધીને બંધ : લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ ગ્રેમાર્કેટમાં મિશો, એક્વસ અને વિદ્યા વાયર્સમાં પ્રીમિયમ ડાઉન : કોફૉર્જમાં બ્રોકરેજ હાઉસિસના બુલિશ વ્યુ વચ્ચે શૅર ૪ ટકા ગગડ્યો : ઓલા ઇલેક્ટ્રિક ઑલ ટાઇમ નવા તળિયે જઈને સુધરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ભારતીય ચોખાની આયાત પર એક્સ્ટ્રા ટૅરિફ નાખવાની ટ્રમ્પની ધમકી, રાઇસ શૅરો ઘટ્યા પછી બાઉન્સબૅક
  2. ફિઝિક્સવાલામાં સારા પરિણામનો ઊભરો આવીને શમી ગયો
  3. તાતા ટેલિ જંગી વૉલ્યુમ સાથે પોણાઅઢાર ટકા ઊછળી

ફેડની મીટિંગ માથે છે ત્યારે મંગળવારે મોટા ભાગનાં એશિયન બજાર નરમ જોવાય છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, ઇન્ડોનેશિયા પોણો ટકો, તાઇવાન ચાઇના અને સાઉથ કોરિયા સાધારણ ડાઉન થયા છે. થાઇલૅન્ડ અડધા ટકા નજીક તો જપાન નહીંવત્ પ્લસ હતું. યુરોપ પણ નહીંવત્ વધઘટે મિશ્ર વલણમાં રનિંગમાં  દેખાયું છે. બ્રૅન્ટ ક્રૂડ ઢીલા ટોનમાં સાડાબાસઠ ડૉલરની નીચે આવી ગયું છે. હાજર સોનું મામૂલી તો કૉમેક્સ સિલ્વર અડધો ટકો ઉપર હતી. બિટકૉઇન ૯૦ની અંદર-બહાર થયા કરે છે, રનિંગમાં ૯૦,૪૨૬ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૬૮,૩૦૩ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૬૯,૬૦૧ વટાવી રનિંગમાં ૧૨૫૨ પૉઇન્ટ વધી ૧,૬૯,૫૫૬ દેખાયું છે. ૩ ઑક્ટોબરના રોજ બનેલી ૧,૬૯,૯૮૯ની ઑલટાઇમ હાઈ બહુ નજીકમાં ભેદાશે એમ લાગે છે.

ચાલુ વર્ષે છેલ્લે-છેલ્લે ઑલટાઇમ હાઈનાં શુકન દેખાડી દલાલ સ્ટ્રીટ રિવર્સ ટ્રેન્ડમાં આવી ગઈ છે. ૧લી ડિસેમ્બરના રોજ સેન્સેક્સ ૮૬,૧૫૯ અને નિફ્ટી ૨૬,૩૨૬ના સર્વોચ્ચ શિખરે ગયો ત્યારે નવા બેસ્ટ લેવલની હારમાળા સાથે ૨૦૨૫ની વિદાય ૮૭,૦૦૦ના સેન્સેક્સથી થવાની વાતો પાક્કી મનાતી હતી. હવે હાલત એ છે કે શૅરઆંકમાં ૮૪,૦૦૦નું લેવલ પણ ટકશે કે કેમ એની શંકા છે. બજાર ગઈ કાલે વધુ ખરડાયું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૬૦ પૉઇન્ટ જેવો નરમ, ૮૪,૭૪૩ નીચે ખૂલી છેવટે ૪૩૬ પૉન્ટની નબળાઈમાં ૮૪,૬૬૬ અને નિફ્ટી ૧૨૧ પૉઇન્ટના ઘટાડે ૨૫,૮૪૦ બંધ થયો છે. આરંભથી અંત સુધી રેડઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૪,૩૮૩ તથા ઉપરમાં ૮૪,૯૪૮ થયો હતો. બજારની માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે એ એક આશ્વાસન છે. NSEમાં વધેલા ૧૯૮૯ શેર સામે ૧૧૨૮ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા વધી ૪૬૪.૯૪ લાખ કરોડ થયું છે. ગઈ કાલે પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, રિયલ્ટી એકાદ ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો, ટેલિકૉમ ૦.૯ ટકા, સ્મૉલકૅપ સવા ટકો પ્લસ થયો છે સામે IT ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતો. BSE ખાતે ૫૯ શૅર નવી ટોચે ગયા હતા, સામે ૪૯૨ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. બૅન્ક નિફ્ટી ફ્લૅટ બંધ થયો છે.



ઇન્ડિગોમાં ખરાબીએ વિરામ લીધો છે. ભાવ ગઈ કાલે નીચામાં ૪૮૨૦ થઈ બાઉન્સબૅકમાં ૫૦૧૫ દેખાડી છેવટે પોણો ટકો વધી ૪૯૬૩ બંધ થયો છે. એની હરીફ સ્પાઇસ જેટ ૩૫ થઈ ૫.૬ ટકાની આગેકૂચમાં ૩૪.૩૧ હતી. એશિયન પેઇન્ટ્સ નીચામાં ૨૭૯૦ બતાવી ૪.૬ ટકા કે ૧૩૫ રૂપિયા તૂટીને ૨૭૯૧ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને બાવન પૉઇન્ટ નડી છે. અન્ય પેઇન્ટ્સ શૅરમાં રેટિના પેઇન્ટ્સ ૧૦ ટકા ઊછળી ૬૮ હતી. એક્ઝોનોબલ ૨.૨ ટકા તથા ઇન્ડિગો પેઇન્ટ્સ અડધો ટકા વધી છે. ICICI બૅન્ક એક ટકા તથા HDFC બૅન્ક ૦.૬ ટકા ઘટતાં બજારને અનુક્રમે ૮૮ પૉઇન્ટ તથા ૮૦ પૉઇન્ટનો માર પડ્યો છે. રિલાયન્સ ૦.૯ ટકા નરમ થઈ છે. જિયો ફાઇનૅન્સ ૧.૪ ટકા કપાઈ હતી.


ટેક મહિન્દ્ર બે ટકા, HCL ટેક્નો ૧.૮ ટકા, વિપ્રો દોઢ ટકા, TCS ૦.૯ ટકા, ઇન્ફી ૦.૭ ટકા ઘટી છે. અન્યમાં તાતા સ્ટીલ, મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, સનફાર્મા, તાતા મોટર્સ પેસેન્જર, અલ્ટ્રાટેક, મારુતિ, ડૉ. રેડ્ડીઝ લૅબ, JSW સ્ટીલ, હિન્દાલ્કો લગભગ ૨.૧ ટકા, અદાણી એન્ટર. દોઢ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકો, અદાણી પોર્ટ્‍સ ૧.૧ ટકા વધીને સુધારામાં મોખરે હતી. આજે બુધવારે મિશો, એક્વસ તથા વિદ્યાવાયર્સનું લિસ્ટિંગ થવાનું છે, હાલ પ્રીમિયમ ઘટીને મિશોમાં ૩૫, એક્વસમાં ૩૦ તથા વિદ્યાવાયર્સમાં ૪ રૂપિયા બોલાય છે. 

જે. પી. મૉર્ગન અને મૅક્વાયરનો ટેકો મળતાં કાયનેસ ૧૪ ટકા ઊછળી


કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના આકરા રિપોર્ટમાં એક સપ્તાહમાં ૩૦ ટકા તૂટી ૩૭૪૬ના ૧૬ મહિનાના તળિયે પહોંચી ગયેલી કાયનેસ ટેક્નૉલૉજીઝમાં જે. પી. મૉર્ગને ૭૫૫૦ તથા મૅક્વાયર દ્વારા ૭૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થતાં ખરાબી અટકી છે. શૅર ગઈ કાલે ૭ ગણા કામકાજે ઉપરમાં ૪૫૦૦ બતાવી ૧૪ ટકા કે ૫૩૬ રૂપિયા ઊંચકાઈ ૪૩૩૫ બંધ થયો છે. બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિક ૩૩.૧૭ની નવી ઑલટાઇમ બૉટમ દેખાડી સાડાછ ગણા વૉલ્યુમે સવા ટકો સુધરી ૩૪.૫૭ રહી છે. IT કંપની કોફૉર્જમાં નોમુરા તથા એમ્કે ગ્લોબલે ૨૦૦૦ અને નુવામાએ ૨૨૫૦ તો મોતીલાલ ઓસ્વાલે ૩૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર જોકે ગઈ કાલે બમણા કામકાજે નીચામાં ૧૮૫૬ થઈને ચાર ટકા ગગડી ૧૮૭૩ બંધ થયો છે.

ટ્રમ્પ તરફથી નવા ધાંધિયામાં ભારતીય ચોખાની અમેરિકા ખાતે થતી આયાત ઉપર ટૅરિફ નાખવાની ધમકી અપાઈ છે. એના પગલે ગઈ કાલે રાઇસ એક્સપોર્ટર્સ કંપની એલટી ફૂડ્સ સાત ગણા વૉલ્યુમે નીચામાં ૩૬૨ થઈ અડધો ટકો ઘટી ૩૯૧, ચમનલાલ સેટિયા ૨૪૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ બે ટકા વધી ૨૬૦, KRBL ચારગણા કામકાજે ગગડી ૩૭૦ થયા બાદ અઢી ટકા વધી ૩૯૦ તો કોહિનૂર ફૂડ્સ ૨૪.૪૧ની વર્ષની બૉટમ બનાવી બે ટકા વધી ૨૭.૬૯ બંધ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ફિઝિક્સવાલાનો ત્રિમાસિક નફો ૭૦ ટકા વધીને ૭૦ કરોડ રૂપિયા આવતાં શૅર ૧૪૬ નજીક જઈ નહીંવત્ ઘટી ૧૩૮ રહ્યો છે. જ્યારે ફ્યુજિયામા પાવર સિસ્ટમ્સે ૯૭ ટકાના વધારામાં ૬૩ કરોડ જેવો ત્રિમાસિક નફો બતાવતાં ભાવ ૨૦૯ વટાવી બે ટકા વધી ૨૦૩ થયો છે. સ્વિગી લિમિટેડે ૧૦,૦૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી કરતાં ભાવ ત્રણ ગણા કામકાજે નીચામાં ૩૮૦ થઈ ૩ ટકા વધી ૩૯૮ હતો. 

ડિફેન્સ ઇન્ડેક્સ નેગેટિવ બ્રેકઆઉટ આપીને છેવટે સુધારામાં બંધ

ડેઇલી ચાર્ટ ઉપર નબળાઈ બતાવતાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજથી નીચે ૭૩૬૩ થયો હતો. જોકે પાછળથી બાઉન્સબૅકમાં તે ઉપરમાં ૭૫૯૧ બતાવી ૦.૯ ટકા વધી ૭૫૭૭ બંધ થયો છે. ચાર્ટવાળા કહે છે કે ૭૩૦૦નો સપોર્ટ તૂટતાં અહીં મોટી ખરાબી જોવાશે. ગઈ કાલે ડિફેન્સ ઉદ્યોગના ૨૨માંથી શૅર પ્લસ હતા. સિકા ઇન્ટરપ્લાન્ટ ૯૨૩ વટાવી ૭.૭ ટકાની તેજીમાં ૯૦૫ બંધ આપી મોખરે હતી. યુનીમેક ૨.૮ ટકા, ગાર્ડનરિચ ૩.૪ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૨.૭ ટકા તથા એસ્ટ્રામાઇક્રો ત્રણ ટકા મજબૂત હતી. તાતા ટેલિસર્વિસિસ જે આગલા દિવસે ૪૪.૬૦ના વર્ષના તળિયે જઈ ૪૫.૬૮ બંધ રહી હતી એ ગઈ કાલે ૪૯ ગણા વૉલ્યુમે શાર્પ બાઉન્સ બૅકમાં ૫૪.૬૩ થઈ ૧૭.૮ ટકા ઊછળી ૫૩.૮૧ બંધ આવી છે. એરિસ લાઇફ સાયન્સ ૪૨ ગણા કામકાજે ઉપરમાં ૧૭૩૭ બતાવી ૧૦.૭ ટકાના જમ્પમાં ૧૭૦૧ હતી. પેનોરામા સ્ટુડિયોઝ મંદીની ચાલમાં ૪૦ની અંદર બાવીસ મહિનાના તળિયે જઈને ૧૦.૫ ટકા તૂટી ૪૧.૬૦ બંધ આવી છે.

અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા ૧૪૦ નીચે નવું ઐતિહાસિક બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ તથા રિલાયન્સ પાવર અડધો ટકો વધી ૩૫ ઉપર રહી છે. દ્રોણાચાર્ય એરિઅલ વધુ એક ૧૦ ટકાની તેજીની સર્કિટ મારી ૪૮.૬૪ થઈ ગઈ છે. તાજેતરમાં ૩ ડિસેમ્બરના રોજ ભાવ ૩૨.૬૮ના વર્સ્ટ લેવલે ગયો હતો. આરતી સર્ફકરન્ટ ૮ ગણા કામકાજમાં નીચામાં ૩૮૨ થઈ અડધો ટકો ઘટી ૩૯૦ રહ્યો છે. ભરૂચની શ્લોકા ડાઇઝ જે ૯૧ના ભાવે SME IPO સપ્ટેમ્બર આખરમાં લાવી મિડ ઑક્ટોબરમાં લિસ્ટેડ થઈ હતી એ ગઈ કાલે ૩૧.૫૩ના વર્સ્ટ લેવલે જઈને ૧૦ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. બે મહિનામાં રોકાણકારોની ૬૬ ટકા તૂટી અહીં સાફ થઈ ગઈ છે. 

હૈદરાબાદી નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસ સહિત આજે ૪ ભરણાં

આજે ચાર ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં હૈદરાબાદની નેફ્રોકૅર હેલ્થ સર્વિસિસ બેના શેરદીઠ ૪૬૦ની અપર બૅન્ડમાં ૫૧૮ કરોડ નજીકની ઑફર ફૉર સેલ સહિત કુલ ૮૭૧ રૂપિયાનો ઇશ્યુ કરવાની છે. ૨૦૧૦માં સ્થપાયેલી કંપનીએ ગયા વર્ષે ૩૪ ટકા વધારામાં ૭૭૦ કરોડ આવક ઉપર ૯૧ ટકા વૃદ્ધિદરથી ૬૭ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૪૮૪ કરોડ તથા ચોખ્ખો નફો સવાચૌદ કરોડ જેવો થયો છે. દેવું ૨૦૭ કરોડ છે. ઇશ્યુ ઘણો મોંઘો જણાય છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. બીજી કંપની નવી દિલ્હી ખાતેની પાર્ક મેડીવર્લ્ડ બેના શેરદીઠ ૧૬૨ની અપર બૅન્ડમાં ૧૫૦ કરોડની OFS સહિત કુલ ૯૨૦ કરોડનો ઇશ્યુ આજે લાવશે. ૨૦૧૧માં સ્થપાયેલી કંપનીએ ગયા વર્ષે ૧૩ ટકા વધારામાં ૧૪૨૬ કરોડ આવક ઉપર ૪૦ ટકા વૃદ્ધિદરથી ૨૧૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. પ્રથમ ૬ મહિનામાં આવક ૮૨૩ કરોડ અને નફો ૧૩૯ કરોડ રહ્યો છે. દેવું ૭૩૪ કરોડ છે. ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૨૯ છે. કર્ણાટકાના હાવેરી ખાતેની યુનિસેમ ઍગ્રિટેક આજે પાંચના શૅરદીઠ ૬૫ની અપરબૅન્ડમાં કુલ ૨૧૪૫ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરશે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની સીડ્સ ડેવલપમેન્ટ, પ્રોસેસિંગ અને સેલિંગના બિઝનેસમાં છે. ગયા વર્ષે ૧૩ ટકા વધારામાં ૬૯૦૮ લાખની આવક ઉપર ૯૮ ટકા વૃદ્ધિદરથી ૪૨૭ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવક ૬૧૩૪ લાખ અને નફો ૩૫૦ લાખ થયો છે. દેવું ૬ મહિનામાં ૧૧૯૦ લાખથી વધીને ૨૫૪૪ લાખ થઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી, મૅન્ગલોરની શીપવેલ્સ ઑનલાઇન એકના શેરદીઠ બારના ભાવથી કુલ ૫૬૩૫ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની ડિજિટલ ફ્રેઇટ ફૉર્વડિંગ તેમ જ એન્ટરપ્રાઇસ સાસસૉલ્યુશન્સ ક્ષેત્રે પ્રવૃત્ત છે. ગયા વર્ષે ૧૨ ટકા વધારામાં ૧૦૯ કરોડ નજીકની આવક ઉપર ૯૪ ટકા વૃદ્ધિદરથી ૧૨૨૦ લાખ નેટ નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪૧૭૧ લાખની આવક તથા ૪૬૮ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૪૦ કરોડથી વધુનું છે. મૂળ આ કંપની સપ્ટેમ્બર ૨૫ની આખરમાં ઇશ્યુ લાવવાની હતી, પણ છેલ્લી ઘડીએ અકળ કારણસર ભરણું મોકૂફ રખાયું હતું. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. 

સાધારણ રિસ્પૉન્સ છતાં રિદ્ધિ ડિસ્પ્લેમાં એકાએક ૨૪નું પ્રીમિયમ

અમદાવાદી કોરોના રેમેડીઝનો ૧૦ના શેરદીઠ ૧૦૬૨ના ભાવનો ૬૫૫ કરોડ પ્લસનો પ્યૉર OFS ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮ ગણો તથા બેન્ગલુરુની વેકફિટ ઇનોવેશન્સનો એકના શેરદીઠ ૧૯૫ના ભાવનો ૧૨૮૯ કરોડનો ઇશ્યુ કુલ ૩૭ ટકા ભરાયો છે. હાલ કોરોનામાં ૨૫૭ તથા વેક ફિટમાં ૨ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. આ ઉપરાંત સોમવારે જે ૩ SME IPO ખૂલ્યા હતા એમાં રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સનો શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૨૪૬૮ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૨ ટકા, મુંબઈના અંધેરી-ઈસ્ટની પ્રોડોક્સ સૉલ્યુશન્સનો ૧૦ના શેરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭૬૦ લાખનો ઇશ્યુ કુલ ૫૦ ટકા તથા થાણેની કેવી ટૉયઝનો ૧૦ના શેરદીઠ ૨૩૯ના ભાવનો ૪૦૧૫ લાખનો ઇશ્યુ કુલ ૧૩.૩ ગણો ભરાઈ ચૂક્યો છે. હાલ કેવી ટૉયઝમાં પ્રીમિયમ વધીને ૮૫ તથા રિદ્ધિમાં ૨૪ રૂપિયા ચાલે છે.

આ સિવાય ગઈ કાલે ત્રણ SME IPO પૂરા થયા છે. એમાં મુંબઈના ગોરેગામની સ્કેલસૉસ અર્થાત્ એન્કમ્પાસ ડિઝાઇનો ૧૦ના શેરદીઠ ૧૦૭ના ભાવનો ૪૦૨૧ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ સવાબે ગણો, બેન્ગલુરુથી મેથડબ સૉફ્ટવેરનો શૅરદીઠ ૧૯૪ના ભાવનો ૧૦૩ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૨૧ ગણા સહિત કુલ ૨૯ ગણા અને ગુરુગ્રામની ફ્લાયવિંગ્સ સિમ્યુલેટર્સનો શેરદીઠ ૧૯૧ના ભાવનો ૫૭૦૫ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ પોણાબે ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. મેથડહબમાં ૨૩વાળું પ્રીમિયમ વધી હાલ ૨૮ ચાલે છે. અમદાવાદી નિયોકૅમ શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૮ ખૂલી ૧૧૨ બંધ થતાં ૧૪ ટકા લિસ્ટિંગ ગેઇન તથા હેલ્લોજી હૉલિડેઝ શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૧૮ ખૂલી ૧૨૪ બંધ રહેતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન એમાં મળેલ છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2025 09:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK