દાખલા તરીકે નવું ઘર લેવા માટે લેવાતી હોમ-લોન અથવા ઘરમાં ડ્યુરેબલ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે કરાતો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણે નાણાકીય સાક્ષરતા વિશે વાત કરી, કારણ કે એ જ્ઞાન વર્તમાન યુગમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણે એના ચાર મુખ્ય ઘટકો વિશે આજે વાત કરીશું.
બજેટિંગ
ADVERTISEMENT
નાણાકીય વ્યવહારોના સંચાલન માટે બજેટિંગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને એનાથી ખર્ચની આદતો પર એક પ્રકારે નિયંત્રણ રહે છે. બજેટિંગ નાણાકીય આયોજનનો મુખ્ય હિસ્સો હોય છે. એમાં સૌથી પહેલાં આવકની નોંધ લેવાની હોય છે અને દરેક પ્રકારના ખર્ચ પર નજર રાખતાં-રાખતાં ખર્ચની નોંધ લેવાની હોય છે. બજેટિંગમાં વણલખ્યો નિયમ એ છે કે ખર્ચ ક્યારે પણ આવક કરતાં વધારે હોવા જોઈએ નહીં. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે પહેલાં બચત કરી લેવી અને પછી જે વધે એમાંથી ખર્ચ કરવો. બજેટ બનાવવાથી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ખર્ચનું આયોજન કરી શકાય છે અને એને પગલે બચત કરવાનું સહેલું બને છે. બજેટિંગ કરવામાં આવે ત્યારે પરિવારે પોતાનાં નાણાકીય લક્ષ્યો સાથે બાંધછોડ કરવાની જરૂર પડતી નથી. આમ, સમગ્ર પરિવારની નાણાકીય સલામતી અને નાણાકીય સ્વાતંત્ર્ય માટે બજેટિંગ અગત્યની ભૂમિકા ભજવે છે.
કરજ
પરિવારની કેટલીક જરૂરિયાતો માટે લેવામાં આવતું ધિરાણ એટલે કરજ. દાખલા તરીકે નવું ઘર લેવા માટે લેવાતી હોમ-લોન અથવા ઘરમાં ડ્યુરેબલ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે કરાતો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ. સામાન્ય સંજોગોમાં કરજને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. અહીં નોંધવું રહ્યું કે કાર, ઘરની ખરીદી, ઉચ્ચ શિક્ષણની ફી વગેરે મોટા ખર્ચ રોકડમાં કરી શકાતા નથી.
આવા સંજોગોમાં લોન લેવાનો રસ્તો અનુકૂળ થાય છે. જોકે દરેકે સારા અને ખરાબ ખર્ચ વચ્ચે તફાવત કરવાનો હોય છે. કરજ દરેક વખતે લેવાનું યોગ્ય નથી. શક્ય હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળવું જોઈએ. આમ કરજનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. જે ખર્ચ ટાળી શકાય છે એને માટે લેવાતું કરજ ખરાબ કહેવાય છે. દા. ત. મોંઘાં વસ્ત્રો લેવા માટે અથવા મોંઘાં ગૅજેટ્સ લેવા માટેનું કરજ. આવશ્યક અને બિનજરૂરી ખર્ચ વચ્ચે તફાવત કરવો જોઈએ. આમ કરવાથી કરજના દેવા હેઠળ ડૂબી જતાં બચી શકાય છે.
બચત
બચત કરવાથી વર્તમાન સુરક્ષિત થાય છે અને ભવિષ્ય જોખમાતું નથી. એનાથી પરિવારનું નાણાકીય કલ્યાણ થાય છે, યોગ્ય નાણાકીય આયોજન કર્યું હોય તો લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકાય છે. ખર્ચ પર કાબૂ રહે તો બચત આપોઆપ થઈ જાય છે. બચત મારફત તમે મહત્ત્વપૂર્ણ નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરી શકો છો; જેમાં ઘરની ખરીદી, સંતાનોનું ઉચ્ચ શિક્ષણ, નિવૃત્તિ માટેની બચત વગેરેનો સમાવેશ થાય છે.
કોઈ પણ વ્યક્તિનું જીવન એક સીધી લાઇનમાં ચાલતું જ નથી, વચ્ચે-વચ્ચે અણધાર્યા બનાવો બનતા હોય છે. આવા વખતે તાકીદનું ભંડોળ કામ લાગે છે. એમાં ઓછામાં ઓછા ૬ મહિનાની આવક જેટલી રકમ હોવી જોઈએ.
બચત કરવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી એમાં સાતત્ય જાળવી રાખવાનું છે. આ સાતત્ય માટે નાણાકીય શિસ્ત હોવી જોઈએ. એના દ્વારા જ સંપત્તિસર્જન કરી શકાય.
રોકાણ
બચતનું જ્યારે રોકાણ કરવામાં આવે ત્યારે જ એક નાણાકીય પ્રક્રિયા પૂરી થાય છે. રોકાણ કરવા માટે અનેક ઍસેટ્સ ઉપલબ્ધ છે. એના દ્વારા લાંબા ગાળે સંપત્તિસર્જન થવા ઉપરાંત વધારાની આવક પણ મળે છે. રોકાણ માટે ઉપલબ્ધ ઍસેટ્સમાં ઇક્વિટી, ડેટ સાધનો, મ્યુચ્યુઅલ ફન્ડ, રિયલ એસ્ટેટ અને સોનાનો સમાવેશ થાય છે.
છેલ્લે એટલું કહેવાનું કે શાળાકીય જીવનથી જ નાણાકીય સાક્ષરતાના પાઠ પઢાવવામાં આવવા જોઈએ. જોકે જાગ્યા ત્યારથી સવારની જેમ એની શરૂઆત ગમે ત્યારે કરી શકાય છે. જો ૫૦ વર્ષની ઉંમરે એ જ્ઞાન મળ્યું હોય તો ત્યારે પણ શરૂઆત કરી શકાય છે. એનો પ્રારંભ જેટલો જલદી થાય એટલું વધારે સારું કહેવાય.
