જૅપનીઝ નિક્કીમાં ૨૦૧૧ પછીનો સૌથી મોટો બે દિવસનો કડાકો : તાઇવાન સાડાચાર ટકા તો સાઉથ કોરિયા પોણાચાર ટકા ડૂલ : ડિવીઝ લૅબ નિફ્ટી ખાતે તો સેન્સેક્સમાં HDFC બૅન્ક ટૉપ ગેઇનર
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ
અમેરિકા ખાતે આર્થિક ડેટા નબળા આવ્યા છે. PMIની રીતે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ધારણા કરતાં વધુ ઢીલો પડ્યો છે. સરવાળે ઇકૉનૉમી મંદીમાં સરી પડવાનો હાઉ જાગ્યો છે. કૉર્પોરેટ પરિણામોને લઈને માનસ આમેય ખરડાયેલું હતું એ હવે વધુ બગડવાની આશંકા જાગી છે, જેમાં ગુરુવારની મોડી રાતે ડાઉ ઇન્ડેક્સ એક ટકો તો નૅસ્ડૅક સવાબે ટકા ઘટીને બંધ થયાં છે. અમેરિકામાં રિસેશનનો હાઉ જાગતાં શુક્રવારે દુનિયાભરનાં શૅરબજારો પૅનિકના માહોલમાં જોવાયા છે. જપાન ખાતે વ્યાજદરમાં વધારાનું ચક્ર શરૂ થયું છે એની અસર ભેળવાતાં નિક્કી ઇન્ડેક્સ ગઈ કાલે ૨૨૧૭ પૉઇન્ટ કે સવાછ ટકા ખાબક્યો છે જે બે વર્ષનો સૌથી મોટો કડાકો છે. અન્યમાં તાઇવાન સાડાચાર ટકાથી વધુ, સાઉથ કોરિયા પોણાચાર ટકા, હૉન્ગકૉન્ગ બે ટકાથી વધુ, સિંગાપોર સવા ટકા નજીક, ચાઇના એક ટકો બગડ્યું હતું. યુરોપ રનિંગમાં એકથી દોઢ ટકા કપાયું છે. લંડન ફુત્સી અડધો ટકો નીચે હતો. જૅપનીઝ બજાર આગલા દિવસે અઢી ટકા જેવું ડાઉન હતું. એને ગણતરીમાં લઈએ તો ૨૦૧૧ પછી બે દિવસમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વાર ત્યાં નોંધાયો છે. હમાસ કમાન્ડરની હત્યાના તનાવમાં બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડૉલરે ટકેલું હતું. કૉમેક્સ ગોલ્ડ સવા ટકા અને સિલ્વર પોણાબે ટકા ઝમકમાં હતા. કરાચી શૅરબજાર પણ અવળી ચાલમાં રનિંગમાં પોણો ટકો કે ૬૦૧ પૉઇન્ટ પ્લસ દેખાયું છે. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૭૦૮ પૉઇન્ટ નીચે, ૮૧,૧૫૯ ખૂલી આખો દિવસ રેડઝોનમાં રહી ૮૮૫ પૉઇન્ટના ઘટાડે ૮૦,૯૮૨ તથા નિફ્ટી ૨૯૩ પૉઇન્ટ ખરડાઈ ૨૪,૭૧૮ અંદર બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૮૦,૮૬૯ અને નિફ્ટી ૨૪,૬૮૭ દેખાયો હતો. બજારનું માર્કેટકૅપ ૪.૪૬ લાખ કરોડ ઘટી ૪૫૭.૧૭ લાખ કરોડ રહ્યું છે.




