Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં આ સપ્તાહે એક્સપાયરી : ૨૭મીથી ૫૦ ટકા ટૅરિફના અમલ પર સૌની નજર

બજારમાં આ સપ્તાહે એક્સપાયરી : ૨૭મીથી ૫૦ ટકા ટૅરિફના અમલ પર સૌની નજર

Published : 26 August, 2025 09:28 AM | Modified : 30 August, 2025 06:58 AM | IST | Mumbai
Kanu J Dave | feedbackgmd@mid-day.com

IT શૅરોમાં ઉછાળો, પેપર શૅરોમાં સરકારી મહેરબાનીની જોરદાર અસર, નિફ્ટી ફિફ્ટીમાંથી બે શૅરો આઉટ-બે ઇન, આજથી HDFC બૅન્ક-કરૂર વૈશ્ય બૅન્ક એક્સ-બોનસ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


IT સેક્ટરના નેતૃત્વ હેઠળ તેજીની ગાડી સોમવારે ધીમી ગતિએ આગળ વધી હોવા છતાં નિફ્ટી 25000થી નીચે જ બંધ થયો હતો. જોકે સેક્ટરવાઇઝ પેપર શૅરોમાં આયાતો ઉપર સરકારે લાદેલાં નિયંત્રણોને પગલે સારો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ટોચના પાંચ ગેઇનર્સમાંથી ચાર IT  કંપનીઓ હતી. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) 2.88 ટકા વધી 3142.10 થયો હતો. જે.પી મૉર્ગને 3650 રૂપિયાથી ટાર્ગેટ વધારીને 3800 કર્યો છે. ઇન્ફોસિસ 3.08 ટકાના ગેઇને 1533.30 રહ્યો હતો. બ્રોકરેજ ફર્મ ઇન્વેસ્ટેકે 1655 રૂપિયાનું લક્ષ્ય બતાવ્યું છે. HCL ટેક 2.64 ટકા સુધરી 1505 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. વિપ્રો 2.32 ટકા વધી 254.40 બોલાતો હતો. બ્રોકરેજિસ IT  સેક્ટર પર પૉઝિટિવ થયા હોવાથી નિફ્ટી IT ઇન્ડેક્સ 2.37 ટકા સુધરી 36280 થયો હતો. આ ઇન્ડેક્સના દસેદસ શૅરો વધ્યા હતા. આજથી HDFC બૅન્ક (શૅરે શૅર બોનસ) બાદ અને કરૂર વૈશ્ય બૅન્ક (પાંચે એક શૅર) એક્સ બોનસ થશે. HDFC બૅન્કનો ભાવ 1969ના સ્તરે યથાવત્ હતો. કરૂર વૈશ્ય 2.11 ટકા વધી 263.65 રૂપિયા બોલાતો હતો.

ઑગસ્ટ-વલણના હવાલા અને ટૅરિફમાં કડકાઈ મહત્ત્વનાં પરિબળો



નિફ્ટી ફિફ્ટી 98 પૉઇન્ટ વધીને 24968 અને સેન્સેક્સ 329 પૉઇન્ટ વધીને 81636 બંધ હતા. બન્ને બેન્ચમાર્ક સત્ર દરમ્યાન સાંકડી રેન્જમાં અથડાયા હતા. આ સપ્તાહે બુધવારે ગણેશચતુર્થીની રજા અને એના પહેલાંના અને પછીના દિવસે બન્ને એક્સચેન્જોમાં એફઍન્ડઓમાં ઑગસ્ટ-વલણની એક્સપાયરી આવતી હોવાને કારણે અને ૨૭મીથી ટ્રમ્પની ભારતીય માલો પર ૫૦ ટકા ટૅરિફનો અમલ થવાનું લગભગ નિશ્ચિત મનાતું હોવાને કારણે બજાર દિશાવિહોણું થઈ ગયું છે અને સેક્ટરમાં સ્પેસિફિક મૂવ જ જોવા મળે છે.


માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

BSEના 4386 ટ્રેડેડ શૅરોમાંથી 1888ના ભાવમાં સુધારો, 2309માં ઘટાડો અને 189માં યથાવત્ સ્થિતિ હતી. NSEમાં 3111માંથી 1412 ઍડ્વા​ન્સિંગ, 1612 ડિક્લાઇનિંગ અને 87 શૅરો અનચેન્જ્ડ હતા. BSEમાં 164 અને NSEમાં 76 શૅરો 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા તો સામે 84 અને 35 શૅરો આવી બૉટમે હતા. સર્કિટનું સ્ટૅટિસ્ટિક્સ જોઈએ તો BSEમાં 0 ઉપલી અને 6 નીચલી સર્કિટે તો NSE ખાતે આ સંખ્યા અનુક્રમે 114 અને 85 હતી. 


સરકાર પેપર ઇન્ડસ્ટ્રી પર મહેરબાન, માર્ચ 2026 સુધી એમઆઇપીની જાહેરાત

સરકારે કેટલાંક આયાત-ધોરણો કડક કર્યા પછી પેપર કંપનીઓમાં તીવ્ર ઉછાળો જોવાયો હતો. જે. કે. પેપર 16.58ના માતબર ગેઇને 406.50 રૂપિયા થઈ ગયો હતો. તામિલનાડુ ન્યુઝ પ્રીન્ટ ઍન્ડ પેપર્સ લિમિટેડ (TNPL) પણ 9.09ટકા વધી 167.50 રૂપિયા બંધ હતો. સેશષાયી પેપર 5.40 ટકાની વૃદ્ધિ સાથે 277.15 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. વેસ્ટકૉસ્ટ પેપર મિલ્સ 543.80 રૂપિયા બંધ આવ્યો એમાં સાડાબાર ટકાનો સુધારો નોંધાયો હતો. સરકારે અમુક પ્રકારના પેપર બોર્ડની આયાત માટે ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધી વર્જિન મ​​​લ્ટિ લેયર પેપર બોર્ડની કૉસ્ટ ઇન્શ્યૉરન્સ અને ફ્રેઇટ (CIF) ધોરણે મેટ્રિક ટનદીઠ 67220 રૂપિયાની લઘુતમ ભાવમર્યાદા લાદી હોવાથી પેપર શૅરોમાં કરન્ટ જોવાયો હતો. ઇમામી પેપર મિલ્સ 20 ટકાની ઉપલી સર્કિટે 116.52 રૂપિયા બંધ હતો. માલુ પેપર મિલ્સ 11.22 ટકા વધી 42.24 રૂપિયા અને આંધ્ર પેપર 10.48ના ગેઇને 81.70 રૂપિયાના સ્તરે બંધ હતા. સંગલ પેપર્સ 8.26 ટકા  સુધરી 207 રૂપિયા, પદમજી પેપર સાડાસાત ટકા સુધરી 142.50  રૂપિયા અને રુચિરા પેપર આઠ ટકાના ઉછાળે 151 રૂપિયા પર પહોંચ્યો હતો.

નિફ્ટીના પ્રતિનિધિ શૅરોની આવન-જાવન

નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૩૦ સપ્ટેમ્બરથી ઇન્ટરગ્લોબ એવિયેશન લિમિટેડ (ઇ​ન્ડિગો) અને હૉસ્પિટલ ચેઇન ઑપરેટર મૅક્સ હેલ્થકૅરનો સમાવેશ થશે. સામે આ ઇન્ડેક્સમાંથી ઇન્ડસઇન્ડ બૅન્ક અને હીરો મોટોકૉર્પને પડતાં મુકાશે. ઇન્ડસઇન્ડ બૅન્ક અને હીરો મોટોકૉર્પ નિફ્ટી મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સમાં જશે. હીરો મોટોકૉર્પ 1.38 ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક 1.57 ટકા વધી અનુક્રમે 5067 અને 772 રૂપિયાના લેવલે બંધ હતા.

સેક્ટર મૂવર્સ જોઈએ તો નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ 10 પૉઇન્ટ ઘટીને 55139, મિડકૅપ 100 ઇન્ડેક્સ 72 પૉઇન્ટ વધીને 57702ના સ્તરે બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 પા ટકો વધીને 67711, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ યથાવત્ રહી 26307 અને મિડકૅપ સિલેક્ટ 0.14 ટકાના મામૂલી સુધારાએ 12953 પર વિરમ્યા હતા. સોમવારના કામકાજમાં મૂડી બજાર સાથે સંકળાયેલા શૅરો દબાણ હેઠળ હતા. BSEનો શૅર 1.79 ટકા ઘટી 2291 રૂપિયા અને એન્જલ વન 2.90 ટકા તૂટી 2445 રૂપિયા, સીડીએસએલ 2.12 ટકા ડાઉન થઈ 1541 રૂપિયા તો એનએસડીએલ ઠેરનો ઠેર રહી 1275 જેવો  હતો. અન્ય શૅરોમાં વોડાફોન આઇડિયા 4.67 ટકા વધી 7.40 રૂપિયા તો યસ બૅન્ક 1.71 ટકા સુધરી 19.61 રૂપિયા બંધ હતા. વોડાફોનને કોઈ રાહત મળવાની વાયકા હતી. યસ બૅન્કમાં 25 ટકા સુધીનું રોકાણ કરવાની જપાનની સુમિટોમો બૅન્કને આરબીઆઇએ પરવાનગી આપી છે. પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ ફ્યુચર્સ અને ઑપ્શન્સના સોદાના બેન લિસ્ટમાંથી  બહાર નીકળવાની સંભાવના વચ્ચે 3.18 ટકા વધી 581.60 રૂપિયાના સ્તરે બંધ હતો. આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જિંદાલ સ્ટેનલેસ પણ એવી અપેક્ષાએ 2.72 ટકા અને 2.89 ટકા સુધરીને અનુક્રમે 44.97 અને 800 રૂપિયાના સ્તરે હતા. હ્યુન્દાઇ મોટરનું ક્રિકિલે ટ્રિપલ એ/સ્ટેબલ રેટિંગ જાળવી રાખ્યું હોવાથી શૅરનો ભાવ સાડાચાર ટકા વધીને 2472 રૂપિયા બંધ હતો.

વાયદાવાળા ઇન્ડેક્સોમાં રોલઓવર

ઑગસ્ટ-વાયદો આ સપ્તાહે પૂરો થવામાં છે ત્યારે આ વલણમાંથી ઉપલા સપ્ટેમ્બર વલણમાં પોઝિશન લઈ જવા માટેના ઇન્ડેક્સ આધારિત એફઍન્ડઓ કૉન્ટ્રૅક્ટ્સમાં રોલઓવરના પ્રમાણ પર નજર કરીએ તો નિફ્ટીમાં 62.51 ટકા, બૅન્ક નિફ્ટીમાં 23.87 ટકા, નિફ્ટી નેક્સ્ટ 50માં 38.96 ટકા, મિડકૅપ સિલેક્ટમાં 35.61 ટકા અને નિફ્ટી ફાઇનૅન્સમાં 16.61 ટકા પોઝિશન ઉપલા વલણમાં રોલઓવર થઈ હતી.

માર્કેટ કૅપિટલાઇઝેશન 451 લાખ કરોડ રૂપિયા

NSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 451.51 લાખ કરોડ રૂપિયા અને BSE લિસ્ટેડ શૅરોનું 455.02 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

એફઆઇઆઇની વેચવાલી

સોમવારે કૅશ માર્કેટમાં એફઆઇઆઇએ 2466 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી એની સામે સ્થાનિક સંસ્થાઓએ 3177 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2025 06:58 AM IST | Mumbai | Kanu J Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK