Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > G20 બાદ નિફ્ટી ૨૦ હજારને પાર : સિલે​ક્ટિવ સ્ટૉક્સ જમા કરવાનો સમય

G20 બાદ નિફ્ટી ૨૦ હજારને પાર : સિલે​ક્ટિવ સ્ટૉક્સ જમા કરવાનો સમય

18 September, 2023 02:47 PM IST | Mumbai
Jayesh Chitalia

બજાર સમય-સંજોગ અનુસાર વધઘટ કર્યા કરશે

પ્રતીકાત્મક તસવીર સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


લાંબા ગાળાના સ્ટૉક્સ ભેગા કરવાનો સમય પાકી ગયો છે, ઇકૉનૉમીની ગતિ સાથે ચોક્કસ સ્ટૉક્સ ચાલવાના એ નક્કી છે. બજાર સમય-સંજોગ અનુસાર વધઘટ કર્યા કરશે. બાકી G20ની બેઠકે ઘણા સંકેતો આપ્યા છે, આર્થિક આંકડા પણ ઘણા નિર્દેશો આપી રહ્યા છે. નિફ્ટીએ ૨૦ હજારની અને સેન્સેક્સે ૬૭ હજારની સપાટી વટાવીને ઘણું બધું કહી દીધું છે

વીતેલું સપ્તાહ તેજી બાબતે રોમાંચક રહ્યું. ૨૦૦૭ બાદ પહેલી વાર માર્કેટ સતત ૧૧ દિવસ પૉઝિટિવલી આગળ વધ્યું. નિફ્ટીએ પ્રથમવાર ૨૦,૦૦૦ના લેવલને અને સેન્સેક્સે ૬૭ હજાર ઉપરના લેવલને પાર કરી નવી ઊંચાઈના ઇતિહાસ તરફ કૂચ આગળ વધારી છે. હવે પછી વધઘટ કહો કે કરેક્શન; રિકવરી, ચાલ્યા કરે એ જુદી બાબત છે. G20એ ભારત માટે નવી આશા જગાડી છે. ભારતે વિશ્વ સમક્ષ પોતાની સક્ષમતા પુરવાર કરી છે, જેને સારો પ્રતિભાવ મળ્યો છે. આર્થિક પરિબળોમાં સતત સુધારો જોવાતો જાય છે. ઑગસ્ટમાં રીટેલ ફુગાવામાં ઘટાડો થયો, ઉત્પાદનમાં વૃ​દ્ધિ નોંધાઈ છે. સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સેન્સેક્સ ૩૨૦ પૉઇન્ટ અને નિફ્ટી ૮૯ પૉઇન્ટ વધીને રેકૉર્ડ લેવલે બંધ રહ્યા. રોકાણકારોની ઇ​ક્વિટીની સંપત્તિમાં ૧૩ લાખ કરોડથી વધુ વૃ​દ્ધિ નોંધાઈ છે, મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે રોકાણ પ્રવાહ આવતો રહ્યો છે, જયારે કે ફૉરેન ઇન્વેસ્ટર્સ તરફથી પ્રૉફિટ બુકિંગ પણ થયું છે. હાલ તો સારાં પરિણામોની ધારણા, ગ્લોબલ આશાવાદ, આર્થિક પ્રગતિના ડેટાને પગલે માર્કેટ બુલિશ રહેશે, જોકે અમુક અંશે પ્રૉફિટ બુકિંગ પણ થઈ શકે.


હવે લાંબા ગાળાની વાત કરીએ, શૅરબજારમાં કે મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં રોકાણ કરતા વર્ગે એક વાત આગામી પાંચથી દસ વરસ માટે ખાસ સમજી લેવી જોઈએ, આગામી દાયકો ફાઇનૅ​ન્શિયલ સેક્ટરનો છે, જેમાં ખાસ કરીને બૅન્કિંગ સેક્ટરનો. એમાં પણ વિશેષ કરીને ખાનગી ક્ષેત્રની બૅન્કોનો; પરંતુ હા, બધી નહીં, ચોક્કસ ખાનગી બૅન્કોનો. જો તમારે લાંબા ગાળાનું રોકાણ પ્લાન કરવું હોય તો આવી મજબૂત બૅન્કોના સ્ટૉક્સ જમા કરતા જાઓ, એનાં કારણો-પરિબળો સમજવા જોઈએ, યાદ રહે, માત્ર કારણો કે પરિબળો કોઈ ગૅરન્ટી નથી. સમય-સંજોગો મુજબ ધારણા-આશાઓમાં ક્યાંક ચોક્કસ ફેરફાર થઈ શકે.


બૅન્ક સ્ટૉક્સ પર બૅકિંગ રખાય

તાજેતરમાં કોટક મહિન્દ્ર બૅન્કને ટોચ પર લઈ જનાર એના ફાઉન્ડર-પ્રમોટર ઉદય કોટકે એના વડા તરીકે રાજીનામું આપ્યું ત્યારે ઘણા અહેવાલ પ્રગટ થયા, જેમાં એક વિશેષ માહિતી રોકાણકારો માટે ધ્યાન ખેંચે એવી હતી. જેમણે આ બૅન્કના શૅરમાં ૧૯૮૫માં માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યુ હતું અને આ શૅર આજસુધી જાળવી રાખ્યા હોત તો આ દસ હજાર રૂપિયાના ૩૦૦ કરોડ રૂપિયા થઈ ગયા હોત. તાજેતરમાં એચડીએફસી બૅન્ક અને એચડીએફસીનું મર્જર થયું ત્યારે પણ આવા જ વૃ​દ્ધિના ઉત્તમ દાખલા જોવા મળ્યા હતા. આ જ બાબત આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ઍ​ક્સિસ બૅન્કને પણ લાગુ પડી શકે. આ જ દિશામાં કંઈક અંશે હાલ આઇડીએફસી બૅન્ક પણ આગળ વધી રહી છે. જાહેર ક્ષેત્રમાં આવી બૅન્કમાં અમુક અંશે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ખરી. આ જ બાબત હાલ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે પણ ચોક્કસ અંશે લાગુ પડે છે. આનાં કારણો પણ જાહેર છે. 


પીએસયુ સ્ટૉક્સ તરફ નજર કરો

હાલ માર્કેટમાં એવું જોવાયું છે કે ટ્રેડર્સ વર્ગ જાહેર સાહસોના શૅર તરફ આકર્ષાયા છે, કારણ કે સરકારે જાહેર ખર્ચ વધારી રહી હોવાથી પીએસયુ શૅરોમાં લેવાલી છે, ખાસ કરીને ડિફેન્સ, પાવર, એનર્જી અને રેલવે સ્ટૉક્સ માટે બુલિશ માનસ વધ્યું છે. જોકે આની સામે ઓવરવૅલ્યુએશન બાબતે સાવચેત રહેવાની સલાહ પણ છે. તાજેતરમાં સુવિખ્યાત ફન્ડ મૅનેજર-માર્કેટ એક્સપર્ટ પ્રશાંત જૈને પણ પીએસયુ સ્ટૉક્સ માટે ઊંચો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોવિડના સમયમાં આ સ્ટૉક્સ મહદંશે અન્ડરવૅલ્યુ રહ્યા હતા. પોસ્ટ કોવિડ બાદ આ સ્ટૉક્સનો ખરો સમય શરૂ થયો છે. આમાંથી ચોકકસ સ્ટૉક્સ મોટે ભાગે ઇકૉનૉમિક સેન્ટ્રિક રહ્યા હોવાથી હવે એનું મહત્ત્વ વધશે, કારણ કે હવે ઇકૉનૉમીએ પણ ઝડપ પકડી છે. સામાન્ય રીતે પીએસયુ શૅરો પ્રત્યે બજાર બહુ આશાવાદી હોતું નથી, એને સરકારી શૅરનું લેબલ લાગતું હોવાથી એ વધુ આકર્ષણ ઊભું કરતા નથી. જોકે હવે ચિત્ર બદલાઈ રહ્યું છે ત્યારે આવા સ્ટૉક્સ પર ધ્યાન આપવાનો સમય છે.

એફપીઆઇનો ભારતીય ઇ​ક્વિટીમાં રસ

સૌથી રસપ્રદ અને મહત્ત્વની વાત એ છે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) માટે ભારતીય ઇ​ક્વિટી સૌથી વધુ આકર્ષક રહી છે, ખાસ કરીને ઇમર્જિંગ દેશોમાં. છેલ્લા છ મહિનામાં એફપીઆઇ તરફથી રોલિંગ બેસિસ પર ભારતીય ઇ​ક્વિટી માર્કેટમાં ૨૦.૬ અબજ ડૉલરનું રોકાણ થયું છે, જે ૨૮ મહિનામાં સૌથી ઊંચું છે. વીતેલાં ૧૫ વરસમાં નવ વખત રોલિંગ મન્થ્લી ઇન્વેસ્ટમેન્ટ ૨૦.૯ અબજ ડૉલરથી વધુ થયું છે. માત્ર આ ઑગસ્ટની ગણતરી કરીએ તો એફપીઆઇ તરફથી ૧.૫ અબજ ડૉલર (૧૨,૨૬૨ કરોડ રૂપિયા)નું રોકાણ થયું છે. જે સાથે પૂર્ણ વરસનું રોકાણ અત્યાર સુધીનું ૧૬.૬ અબજ ડૉલર પહોંચ્યું છે, એશિયામાં આ રોકાણ સૌથી વધુ છે. આનું એક રસપ્રદ તારણ એ પણ જોવા મળે છે કે ૨૦૨૨માં એફપીઆઇ ૧૬.૭ અબજ ડૉલર બહાર લઈ ગયા હતા, એ આ આઠ મહિનામાં પરત આવી ગયા.  એક અંદાજ મુજબ ભારતીય ઇ​ક્વિટી ૨૦૨૩માં ૧૩ ટકા ગ્રોથ નોંધાવાશે, જે ઇમર્જિંગ દેશોમાં સૌથી વધુ હશે. એફપીઆઇનો ભારતીય ઇ​ક્વિટીમાં વધતા રસ માટે ભારતીય કંપનીઓની આશાસ્પદ અને વિકાસલક્ષી કામગીરી પણ જવાબદાર છે. આપણી કંપનીઓના અર્નિંગ આંકડા રોકાણકારોને આકર્ષવામાં નિમિત્ત બને છે. છેલ્લા છ માસમાં સેકન્ડરી માર્કેટમાં તેમના તરફથી ૮૭ ટકા રોકાણ આવ્યું છે, છેલ્લાં પાંચ વરસમાં પ્રાઇમરી માર્કેટમાં ૩૦ અબજ ડૉલરનું રોકાણ આવ્યું હતુ અને સેકન્ડરી માર્કેટમાં ૧૦ અબજનું રોકાણ બહાર ચાલ્યું ગયું હતું. આમ હવે ચિત્ર બદલાયું છે.

એક અભ્યાસ મુજબ હાલમાં એફપીઆઇ મોટે પાયે પાવર, કૅપિટલ ગુડસ, આઇટી, કન્ઝ્યુમર સર્વિસ અને હેલ્થકૅર સ્ટૉક્સ વધુ પસંદ કરે છે. તેમનું વધુ રોકાણ આ સેક્ટરમાં થઈ રહ્યું છે. જયારે કે મેટલ્સ, ફાઇનૅ​ન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑઇલ-ગૅસ, ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં તેઓ વેચવાલ બન્યા છે.

આ સપ્તાહમાં ચોક્કસ અંશે પ્રૉફિટ બુકિંગ આવે તો નવાઈ નહીં. બાકી જેમણે લૉન્ગ ટર્મ અભિગમ રાખ્યો છે, તેઓ કરેક્શનમાં શૅરો ખરીદવાનું પસંદ કરી શકે. મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે કરો કે સીધા માર્કેટમાં કરો, પરંતુ રોકાણ કરવાનો-જાળવી રાખવાનો ઉત્તમ સમય છે. હવે ફેડરલ રિઝર્વની મીટિંગ પર નજર રહેશે.

 

18 September, 2023 02:47 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK