° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


નિફ્ટી પ્રથમ ટ્રાયલમાં જ ૧૬૦૦૦ની પાર, સેન્સેક્સ અને માર્કેટ કૅપ ઑલટાઇમ હાઈ

04 August, 2021 08:47 AM IST | Mumbai | Anil Patel

મુંબઈના બિલ્ડર્સ મજબૂત, ગોદરેજ, સનટેક, લોઢા ગ્રુપ, કાર્દા કન્સ્ટ્રક્શન્સ, હબટાઉન, મહિન્દ્ર લાઇફ નવા ઊંચા શિખરે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બજારની ધારણાથી વિપરીત ૮૭૩ પૉઇન્ટની છલાંગ : સ્મોલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, આઇટી, રિયલ્ટી, એફએમસીજી ઇત્યાદિ આંક બેસ્ટ લેવલે : મુંબઈના બિલ્ડર્સ મજબૂત, ગોદરેજ, સનટેક, લોઢા ગ્રુપ, કાર્દા કન્સ્ટ્રક્શન્સ, હબટાઉન, મહિન્દ્ર લાઇફ નવા ઊંચા શિખરે : ગ્રે માર્કેટમાં નવા આઇપીઓનાં પ્રીમિયમ ગગડ્યાં : ટેક્સટાઇલ્સ શૅરોમાં ટનાટન તેજી: સેન્સેક્સ આ સપ્તાહે ૫૪૦૦૦ કુદાવશે કે પછી અટવાશે?

મંગળવારે સિંગાપોર નિફ્ટી માઇનસમાં ચાલતો હતો તે જોતાં બધા કહેતા હતા કે માર્કેટ સાધારણ નરમ ખૂલશે, સાંકડી વધ-ઘટે બંધ રહેશે. ને થયું સાવ ઊલટું. બજાર સીધું પોણા બસ્સો પૉઇન્ટ પ્લસમાં ખૂલ્યું, ખૂલ્યા પછી પર્વતારોહણની ચાલમાં ૫૩૮૮૮ નજીક પહોંચ્યું ત્યારે કેટલાકને લાગ્યું કે આજે જ ૫૪ થઈને રહેશે કે શું? છેલ્લે ૮૭૩ પૉઇન્ટની છલાંગમાં ૫૩૮૨૩ ઉપર બંધ થયું. નિફ્ટી જે ઘણા વખતથી ૧૬૦૦૦ની નજીક જઈને ઘુંટાતો હતો તે પ્રથમ ટ્રાયલમાં જ ૨૪૫ પૉઇન્ટના જમ્પમાં ૧૬૧૩૧ નજીક બંધ આવ્યો છે. આ સાથે બજારનું માર્કેટ કૅપ પણ ૨.૩૧ લાખ કરોડના ઉમેરામાં ૨૪૦ લાખ કરોડની પાર થઈ ગયું છે. આ બધી ઘટના બજારના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધાઈ છે. જોકે માર્કેટ કૅપમાં રસાકસી રહી છે એટલે અંશે ગઈ કાલની તેજી મુખ્યત્વે ફ્રન્ટલાઇન અને બ્લુચિપ શૅરો પૂરતી સીમિત હોવાનું કહી શકાય. મેઇન બેન્ચ માર્કની સાથે-સાથે સ્મૉલ કૅપ, મિડ કૅપ બીએસઈ અને એનએસઈ-૫૦૦, રિયલ્ટી, આઇટી, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ટેક્નૉલૉજીસ, એફએમસીજી, કન્ઝયુમર ડિસ્ક્રિશનરી ગુડ્સ અૅન્ડ સર્વિસિસ, બૅઝિક મટીરિયલ્સ, ઇન્ડસ્ટ્રીઝ ઇત્યાદિ સેક્ટોરલ નવી ઊંચી સપાટીએ ગયા છે.

સેન્સેક્સના ૩૦માંથી ૨૭ અને નિફ્ટીના ૫૦માંથી ૪૪ કાઉન્ટર પ્લસ હતા. ટાઇટન તેમ જ એચડીએફસી (જેના પરિણામ સાધારણ રહ્યાનો વસવસો વ્યક્ત થતો હતો.) પોણાચારથી ચાર ટકાની તેજીમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. (એવું એકાએક શું બની ગયું?) નિફ્ટી ખાતે જેએસડબ્લ્યુ સ્ટીલ પોણો ટકો તથા શ્રી સિમેન્ટ ૦.૩ ટકાની નરમાઈમાં વર્સ્ટ પર્ફોમર થયા છે. બજારમાં ગાંડપણ છે, ગાંડપણ શરૂ થયું છે કે તેની ચરમસીમા પર છે તેની ખબર નથી, પરંતુ ગાંડપણની અવસ્થામાં કોઈ પણ લૉજિક કે કોઈ પણ થિયરી કામ લાગતા નથી.

આજે ૪ ઑગસ્ટના રોજ ચાર આઇપીઓ એકીસાથે ખૂલી રહ્યા છે, જે કુલ મળીને ૩૬૧૩ કરોડનું ભંડોળ લઈ જશે. આમાંથી કેટલા કંપનીમાં જશે અને કેટલા પ્રમોટર્સ તથા તેમના સગાં-સ્નેહી તથા સહયોગીના ઘરમાં જશે એ પૂછશો નહીં. આ ઉપરાંત બીજા અડધો ડઝનથી વધુ ભરણાં એકદમ નજીક કતારમાં છે. ત્યાર પછીની પાઇપલાઇન પણ એકદમ ફુલ છે (કેમકે રોકાણકારો કૂલ નથી) આની એક આડઅસરમાં જે ભરણાં રહ્યાં છે તેમના પ્રીમિયમ ગ્રે માર્કેટમાં ગઈ કાલે એકાએક ગગડ્યા છે. કાર ટ્રેડનું પ્રીમિયમ ૭૧૦ હતું, હાલ ૬૪૦માં સેલર છે. રોલેક્સ જેના રેટ ૫૭૦ થયા હતા તેમાંય ૪૩૫માં વેચું છે. ગ્લેનમાર્ક ૮૦ સંભળાય છે. દેવયાની ૬૦ ઉપરથી નીચે ઊતર્યા બાદ વધીને ૬૪ બોલાતી હતી. ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સમાં પણ ૪૩૦માં સેલર ફરી રહ્યા છે.

હેવીવેઇટસની આગેકૂચમાં આઇટી ઇન્ડેક્સ સતત નવી વિક્રમી સપાટીએ

બીએસઈ તેમ જ નિફ્ટી ખાતેનો આઇટી બેન્ચમાર્ક ગઈ કાલે પણ નવી વિક્રમી સપાટીએ ગયો છે. જેમાં હેવીવેઇટ્સની હૂંફની મોટી ભૂમિકા રહી છે. બીએસઈનો આઇટી આંક ૫૦માંથી ૨૪ શૅરના સથવારે ૩૧૬૩૬ના બેસ્ટ લેવલે જઈ અંતે સવા ટકો કે ૩૯૧ પૉઇન્ટ વધી ૩૧૫૮૭ બંધ હતો. ટીસીએસ લગભગ પોણા બે ગણા કામકાજમાં ૩૨૯૦ થઈ બે ટકા વધીને ૩૨૮૧ રૂપિયા બંધ હતો. ઇન્ફી ૧૬૫૯ની નવી વિક્રમી સપાટી બતાવી ૧.૬ ટકા વધી ૧૬૫૭ રૂપિયા જોવાયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કૅપ પ્રથમવાર ૭ લાખ કરોડ રૂપિયાને આંબી ૭.૦૫ લાખ કરોડ છેવટે નોંધાયું છે. આ બન્ને શૅરના કારણે આઇટી ઇન્ડેક્સને ૩૫૦ પૉઇન્ટનો તથા સેન્સેક્સને ૧૪૭ પૉઇન્ટનો ફાયદો થયો હતો. ટેક મહિન્દ્ર સવા ટકો, વિપ્રો ૬૦૫ નજીક નવું શિખર મેળવી સવા ટકો વધી ૫૯૯ રૂપિયા, એમ્ફેસિસ ૨૭૩૫ની સર્વાચ્ચ સપાટી બાદ બે ટકા વધી ૨૬૮૩ રૂપિયા બંધ હતા.

સાઇડ કાઉન્ટર્સમાં ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૯ રૂપિયા નજીક બંધ થયો છે. ફર્સ્ટ સોર્સ સૉલ્યુશન્સ પરિણામના પગલે દોઢા કામકાજમાં ૨૧૫ નજીક જઈને ૪.૫ ટકા ઊંચકાઈ ૨૦૮ બંધ હતો. તાતા એલેક્સી, નીટ લિમિટેડ, નેલ્કો, આરપીએસજી વેન્ચર્સ, કેપીઆઇટી ટેક્નૉલૉજીસ એક્સેલ્યા, ક્વીક હીલ જેવી જાતો એકથી ત્રણેક ટકા સુધરી હતી. બ્રાઇટકૉમ ગ્રુપ નબળા રિઝલ્ટ પાછળ પાંચ ટકાની મંદીની સર્કિટે ૪૬ની અંદર બંધ હતો. કો-ફોર્જ, એપટેક, ઇન્ફીબીમ અઢીથી સાડા ત્રણ ટકા કટ થયા હતા. પર્સિસ્ટન્ટ, માસ્ટેક, ઇન્ટલેક્ટ ડિઝાઇન, વકરાંગી, તાન્લામાં દોઢ-બે ટકાની નરમાઈ દેખાઈ છે. આઇટીની હૂંફમાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પણ નવા શિખરે ગયો છે.

ગ્લોબ ટેક્સટાઇલ્સ એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં વધ્યો

એનએસઈ ખાતે લિસ્ટેડ ગ્લોબ ટેક્સટાઇલ્સમાં શૅરદીઠ બે બોનસ તથા ૧૦ની ફેસવૅલ્યુવાળા શૅરનું બે રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ ૪ ઑગસ્ટ હોવાથી શૅર ગઈ કાલે એક્સ-બોનસ તથા એક્સ સ્પ્લિટ થયો છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૩.૪૫ રૂપિયા બંધ આવ્યો છે. વિભાજન બોનસની અસર પૂર્વે ગઈ કાલે ભાવ ૧૯૨ રૂપિયા હતો. આજે એક શૅરધારક પાસે ૧૫ શૅર થઈ ગયા, ૧૩.૪૫ના બંધ ભાવ પ્રમાણે વૅલ્યુ આશરે ૨૦૨ રૂપિયાની થઈ. બોનસ-શૅર વિભાજન પછી બહુધા શૅર ઘટે છે. અહીં ઊલટું થયું છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૪ ટકા જેવું છે. કંપનીનો આઇપીઓ જૂન-૨૦૧૭માં ૧૦ના શૅર દીઠ ૫૧ રૂપિયાના ભાવે આવ્યો હતો લિસ્ટિંગ એક-દોઢ ટકો ડિસ્કાઉન્ટમાં થયું હતું.

ટેક્સટાઇલ્સ સેગમેન્ટના શૅર કેટલાક વખતથી જોરમાં છે. ગઈ કાલે ઉદ્યોગની ૧૪૬ જાતો વધી છે સામે ઘટેલા શૅરની સંખ્યા ૪૬ની હતી. સંખ્યાબંધ કાઉન્ટર લગભગ રોજ નવા ઊંચા શિખર બનાવી રહ્યા છે. ગઈ કાલે આરવી ડેનિમ, અંબિકા કૉટન, અંજનિ સિન્થેટિક્સ, બિન્ની મિલ્સ, સેન્ચ્યુરી એન્કા, જીટીએન ઇન્ડ., ઇન્ડોકાઉન્ટ ઇન્ડ., એચપી કૉટન, લોયલ ટેક્સટાઇલ્સ, લક્ષ્મી મિલ્સ, નાહર સ્પિનિંગ, નાહર પોલિ., નીતિન સ્પિનર્સ, પશુપતિ સ્પિનિંગ, રઘુવીર સિન્થેટિક્સ, રૂપા અૅન્ડ કંપની, આર અૅન્ડ બી ડેનિમ ઇત્યાદી એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. નાહર પોલિ., સરલા પોલિ., રૂબી મિલ્સ, ઓર્બિટ એક્સ, ધનલક્ષ્મી રોટો, પીબીએમ પોલિ., અંજલિ સિન્થે, એસવીપી ગ્લોબલ, સિયારામ સિલ્ક, હિન્દુ. સ્પિ. મિલ્સ જેવી જાતો સાતથી વીસ ટકા ઊંચકાઈ હતી. પાયોનિયર એમ્બ્રોઇડરી ૧૧ ટકા તૂટ્યો હતો. નીતિન સ્પીનર્સમાં સવા સાત ટકાની ખરાબી હતી.

વોડાફોન લથડ્યો, ૧૩ માસના તળિયે ગયો ઃ તેજસ નેટ સતત તેજીમાં

કુમારમંગલમ બિરલાએ વોડાફોનના જીવન-મરણનો મામલો સરકાર ઉપર છોડીને પરોક્ષ રીતે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. બ્રિટિશ પેરન્ટસે તો ક્યારનું એના નામનું નાહી નાખ્યું છે અને વોડાફોન ઇન્ડિયામાં કરેલા રોકાણને સંપૂર્ણપણે માંડવાળ કરી દીધું છે. સરવાળે ગઈ કાલે વોડાફોન-આઇડિયા ૭.૧૭ના તળિયે ગયો હતો જે જૂન ૨૦૨૦ પછીની બૉટમ છે. ભાવ અંતે ૧૧.૩ ટકા તૂટી ૭.૩૨ રૂપિયા બંધ રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને ૧૦૩ કરોડ શૅરના કામકાજ થયાં છે. ૩૦ માર્ચ ૨૦૨૦ના રોજ વોડાફોનનો શૅર ૩.૧૦ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયો હતો, આ બુરા દિવસ ફરી આવી રહ્યા લાગે છે. તેજસ નેટ હાલમાં તાતા ઉપર સવાર છે. સતત ચોથા દિવસે ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધીને ૨૮૫ બંધ આવ્યો છે. તાતા કમ્યુનિકેશન્સ પરિણામની પૂર્વસંધ્યાએ ૧૫૨૧ની નવી ઊંચી સપાટી બતાવી ૨.૪ ટકાની મજબૂતીમાં ૧૫૧૫ રહ્યો છે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીસ ૩૧૮ના બેસ્ટ લેવલની સાવ નજીક જઈને અઢી ટકાની મજબૂતીમાં ૩૦૯ હતો. જીટીપીએલ હેથવે ૨.૮ ટકા, ઓન મોબાઇલ ૨.૨ ટકા તથા વિન્દ્ય ટેલિ પોણો ટકા અપ હતા. અનિલ ગ્રુપની આર.કોમ સવાચાર ટકા ખરડાઈ હતી. એચએફસી એલમાં ૩.૩ ટકા તથા આઇટીઆઇમાં દોઢ ટકાની નરમાઈ હતી, એમટીએનએલ એક ટકો ઘટીને ૨૧ રૂપિયા હતો. બાય ધ વે અનિલ ગ્રુપ ખાતે રિલાયન્સ પાવર તથા રિલાયન્સ નેવલ પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ દોઢથી બે ટકાની રેન્જમાં ડાઉન હતા.

સનટેક રિયલ્ટી, કાર્દા કન્સ્ટ્ર., ડીએલએફ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, મહિન્દ્ર લાઇફ નવા શિખરે

રિયલ્ટી શૅરોની આગેકૂચ જારી રહેતાં રિયલ્ટી ઇન્ડેક્સ સતત નવી મલ્ટિયર ટૉપ બતાવી રહ્યો છે. સનટેક રિયલ્ટી ૪૧૫નું નવું શિખર બનાવી ૪૦૫ની નવી ટોચે બંધ રહ્યો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧૬૯૮ના શિખરે જઈ સહેજ વધીને ૧૬૬૦, ડીએલએફ ૩૫૭ નજીકની નવી ટોચે જઈ એક ટકો વધી ૩૫૫, મહિન્દ્ર લાઇફ સ્પેસ ૮૨૨ની ઊંચી સપાટી બનાવી પોણા બે ટકા ઘટી ૭૯૨ રૂપિયા બંધ હતી. મહારાષ્ટ્ર સ્થિત કાર્દા કન્સ્ટ્રકશન્સ શૅરદીઠ ચાર બોનસ તથા બે રૂપિયાના શૅરના એકમાં વિભાજનની રેકૉર્ડ ડેટ ૧૩ ઑગસ્ટ નજીક આવવાની સાથે અઢીગણા કાળકાજમાં પાંચ ટકાની તેજીની સર્કિટ મારીને ૨૧૦ના બેસ્ટ લેવલે ગયા પછી બે ટકાની આગેકૂચમાં ૨૦૪ બંધ રહ્યો છે. પાંચ દિવસ પૂર્વે ભાવ ૧૮૦ આસપાસ હતો. રિયલ્ટી સેગમેન્ટ ખાતે ૬૪ શૅર વધ્યા હતા, ૪૧ જાતો ડાઉન હતી.  નૅશનલ સ્ટાન્ડર્ડ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬૬૭ રૂપિયા, અજમેરા પાંચ ટકા ઊંચકાઈ ૩૩૬ રૂપિયા, અનંતરાજ પાંચ ટકા વધી ૬૯ રૂપિયા, ગણેશ હાઉસિંગ પાંચ ટકા વધી ૧૧૪ રૂપિયા બંધ હતા, સામે પાર્શ્વનાથ કન્સ્ટ્રકશન્સ અને પાર્શ્વનાથ પાંચ-પાંચ ટકા ગગડ્યા છે. ઓબેરોય રિયલ્ટી ૨.૮ ટકાના ઘટાડે ૭૧૯ રૂપિયા બંધ હતા. હબટાઉન પાંચ ટકા વધીને

૪૨ નજીક સરક્યો છે. લોઢા ફેમ મેક્રોટેક ડેવલપર્સ ૯૪૫ નજીકની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૪ ટકા વધી ૯૩૨ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે.

04 August, 2021 08:47 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

ઈ-કૉમર્સ વિશેના પ્રસ્તાવિત નિયમો અંગે  સરકારમાં મતમતાંતર છે : અધિકારીઓ

અધિકારીએ કહ્યું હતું કે સરકારની વર્તમાન ઈ-કૉમર્સ નીતિ નાના વેપારીઓને નુકસાન પહોંચાડી રહી હોવાનો ડર વિનાકારણે ફેલાવવામાં આવી રહ્યો છે. 

23 September, 2021 02:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુચ્યુઅલ ફન્ડને સેબીએ આપેલા બૂસ્ટરથી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બદલાશે

ઇક્વિટી માર્કેટ હાલ ભલે વૉલેટાઇલ હોય. સેબી તરફથી આવેલા આ અહેવાલને પગલે મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓને વધુ લાભ થશે.

23 September, 2021 01:53 IST | Mumbai | Jayesh Chitalia

વૈશ્વિક અર્થતંત્ર કોરોનાની અસરથી બહાર આવી રહ્યાના સંકેત મળ્યા છે: શક્તિકાંત દાસ

રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રમાં માળખાકીય ફેરફારો કર્યા અને ગરીબોને વધુ અસર કરી

23 September, 2021 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK