Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > બજારની સળંગ સાતમા દિવસની આગેકૂચમાં નિફ્ટી ૨૦,૦૦૦ની ઝાંખી કરાવી નવી ટોચે બંધ

બજારની સળંગ સાતમા દિવસની આગેકૂચમાં નિફ્ટી ૨૦,૦૦૦ની ઝાંખી કરાવી નવી ટોચે બંધ

12 September, 2023 05:56 PM IST | Mumbai
Anil Patel

નિફ્ટી મીડિયા સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ કૅપમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો જારી ઃ સ્મૉલ કૅપ, મિડ કૅપ, બ્રૉડર માર્કેટ, કૅપિટલ ગુડ્સ, ઑટો, પીએસયુ બૅન્ક નિફ્ટીમાં સર્વોચ્ચ સપાટીનો શિરસ્તો આગળ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સપ્ટેમ્બર માસમાં બજારના ગણેશ બરાબર પાંસરા બેઠા લાગે છે. બજાર ચાલુ મહિને હજી સુધી એક પણ વખત રેડ ઝોનમાં બંધ થયું નથી. સેન્સેક્સ સળંગ સાતમા દિવસની આગેકૂચમાં સોમવારે ૫૨૮ પૉઇન્ટની મજબૂતીમાં ૬૭,૧૨૭ બંધ થયો છે. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૦,૦૦૮ની લાઇફ ટાઇમ હાઈ બનાવી ૧૭૫ પૉઇન્ટની તેજીમાં ૧૯,૯૯૬ની વિક્રમી સપાટીએ રહ્યો છે. સેન્સેક્સ ૨૦૮ પૉઇન્ટ જેવો પ્લસમાં ૬૬,૮૦૮ નજીક ખૂલી આરંભથી અંત સુધી પૉઝિટિવ પકડ જાળવી નીચામાં ૬૬,૭૩૬ અને ઉપરમાં ૬૭,૧૭૨ દેખાયો હતો. બજારનું માર્કેટ કૅપ સર્વોચ્ચ સપાટીની હારમાળામાં ૩૨૪.૨૬ લાખ કરોડના નવા શિખરે પહોંચી ગયું છે. નિફ્ટી મીડિયાના સામાન્ય ઘટાડાને બાદ કરતાં બન્ને બજારના તમામ સેક્ટોરલ વધીને બંધ થયા છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રૉડર માર્કેટ આખલા દોડ જારી રાખતાં નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી પોણાથી સવા ટકો પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણ ટકાથી વધુ, ઑટો ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧૪૨ પૉઇન્ટ જેવા સાધારણ સુધારામાં નવી વિક્રમી સપાટીએ ગયા છે. પાવર યુટિલિટી ઇન્ડેક્સ બેથી અઢી ટકા નજીક, ટેલિકૉમ ઇન્ડેક્સ ૨.૩ ટકા, એફએમસીજી પોણા ટકાથી વધુ, મેટલ ઇન્ડેક્સ એક ટકા નજીક, આઇટી ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ, રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૯ ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક એક ટકા નજીક વધ્યા છે. હેલ્થકૅરમાં અડધા ટકાનો તો બૅન્ક નિફ્ટીમાં ૪૧૪ પૉઇન્ટ કે ૦.૯ ટકાનો વધારો જોવાયો છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં મિશ્ર વલણમાં એશિયા ખાતે ગઈ કાલે તાઇવાન પોણા ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ તો જપાન અને થાઇલૅન્ડ ૦.૪ ટકા ડાઉન હતા. સામે ચાઇના પોણા ટકા જેવું, ઇન્ડોનેશિયા અડધો ટકો અને સિંગાપોર તથા સાઉથ કોરિયા સાધારણ સુધર્યા હતા. યુરોપ રનિંગમાં બહુધા અડધા ટકાની આસપાસ ઉપર દેખાયું છે. લંડન ફુત્સી નહીંવત્ પ્લસ હતો. 


મેઇન બોર્ડમાં મુંબઈની રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ શૅરદીઠ ૪૪૧ની ઇશ્યુ પ્રાઇસ સામે પોણાબે રૂપિયાના નજીવા લિસ્ટિંગ ગેઇનમાં ૪૪૩ બંધ થતાં પહેલાં નીચામાં ૪૩૨ થઈ હતી. વડોદરાની રત્નવીર પ્રિસિઝન શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨૮ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૩૪ બંધ થતાં ૩૧ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે ચેન્નઈની બેઝિલિક ફ્લાય ૯૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૭૧ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૮૪ ઉપર બંધ થતાં અહીં ૧૯૩ ટકાનો કે શૅરદીઠ ૧૮૭ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. 



નિફ્ટી ખાતે અદાણી મોખરે, મારુતિ અને ઍક્સિસ બૅન્ક ઑલટાઇમ હાઈ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૮ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર વધ્યા છે. પાવરગ્રીડ ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ સવાબે ટકા વધી ૨૬૪ વટાવી ગયો છે. ઍક્સિસ બૅન્ક બે ટકાની તેજીમાં ૧૦૦૦ અને મારુતિ સુઝુકી બે ટકા નજીક કે ૨૦૨ના જમ્પમાં ૧૦,૫૩૫ની વિક્રમી સપાટીએ બંધ રહી છે. એનટીપીસી એક ટકો વધી ૨૪૩ના અને એચસીએલ ટેક્નૉ દોઢ ટકો વધી ૧૨૮૧ના ઊંચા શિખરે ગયા છે. સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા, તાતા મોટર્સ અને તાતા સ્ટીલ ૧.૨ ટકા, નેસ્લે ૧.૨ ટકા વધ્યા છે. રિલાયન્સ એક ટકાના સુધારામાં ૨૪૭૪ બંધ આપી બજારને સર્વાધિક ૭૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. વિપ્રો, ટીસીએસ, જેએસડબ્લ્યુ સ્ટીલ તથા આઇટીસી એક ટકો પ્લસ હતા. જિયો ફાઇનૅન્શિયલ સારા બજારમાં સવા ટકો કપાઈ ૨૫૦ હતો.


નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ સાતેક ટકાની તેજીમાં ૮૮૨ અને અદાણી એન્ટર પોણાચાર ટકાના ઉછાળે ૨૬૧૫ બંધ આપી બેસ્ટ ગેઇનર બન્યા છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર આઠેક ટકા, અદાણી ટ્રાન્સ પાંચ ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી ગ્રીન ૧.૪ ટકા, અદાણી વિલ્મર અઢી ટકા, એસીસી ૧.૨ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૭ ટકા, એનડીટીવી પોણાછ ટકા મજબૂત હતા. ક્વિન્ટ ડિજિટલ ત્રણ ટકા બગડી ૧૫૯ હતી. અપોલો હૉસ્પિટલ સવાબે ટકા, યુપીએલ અને હિન્દાલ્કો ૧.૮ ટકા, એચડીએફસી લાઇફ ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૧ ટકા, ડિવીઝ લૅબ, આઇશર અને બજાજ ઑટો એક-એક ટકો પ્લસ થયા છે. કોલ ઇન્ડિયા ૧.૧ ટકા, ઓએનજીસી ૦.૬ ટકા, લાર્સન અને બજાજ ફાઇ. સાધારણ નરમ બંધ આવ્યા છે. 
પીએસયુ શૅરોની વધતી બોલબાલા, બીએસઈ નવા શિખર સાથે મજબૂત 

પીએસયુ શૅરોમાં તોફાની તેજી સાથે સંબંધિત આંક દોઢ ટકો વધી નવી વિક્રમી સપાટીએ ગયો છે. ‘એ’ ગ્રુપ ખાતે સૌથી વધુ ઝળકેલા પાંચમાંથી ૪ શૅર પીએસયુના હતા. આઇટીઆઇ, સતલજ જલવિદ્યુત અને ઇરકોન ૨૦-૨૦ ટકા તથા રેલવિકાસ નિગમ સાડાસોળ ટકાના ઉછાળે નવી ટોચે બંધ રહ્યા છે. આ ઉપરાંત જીએમડીસી, ગુજ. ઇન્ડ. પાવર, આઇઆરએફસી, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, આઇઓબી, રેલટેલ, નૅશનલ ફર્ટિ, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આરસીએફ, પંજાબ સિંઘ બૅન્ક, યુકો બૅન્ક, કોન્કર, રાઇટસ, પીએનબી, એનએચપીસી, સેન્ટ્રલ બૅન્ક, એમએસટીસી, એન્ડ્રુએલ જેવી જાતો ત્રણથી બાર ટકા ઊંચકાઈ હતી. વધુમાં ભારત ઇલે, ભારત અથમૂવર, ભેલ, કૅનેરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, ચેન્નઈ પેટ્રો, કોલ ઇન્ડિયા, ગેઇલ, ગુજ. ઇન્ડ પાવર, જીએમડીસી, હિન્દુ. ઍરોનૉટિક્સ, ઇરકોન, આઇઆરએફસી, આઇટીઆઇ, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, એનએચપીસી, એનએમડીસી, એનટીપીસી, પાવર ફાઇનૅન્સ, પીએનબી, પીટીસી, ઇન્ડિયા, રેલટેલ, આરઈસી, રાઇટસ, રેલવિકાસ નિગમ, શિપિંગ કૉર્પોરેશન, સતલજ જલ વિદ્યુત, સોનાટા સૉફ્ટ જેવી જાતોમાં ગઈ કાલે નવી ટૉપ જોવા મળી છે. 


બીએસઈ લિમિટેડ માથે બાયબૅક વચ્ચે ૧૪૩૮ની નવી વિક્રમી સપાટી બનાવી ૩.૪ ટકાની આગેકૂચમાં ૧૩૬૯ થયો છે. આ કાઉન્ટર મહિનામાં ૫૨.૪ ટકા અને ત્રણ માસમાં ૧૪૭ ટકા વધી ગયું છે. એમસીએક્સ સારા બજારમાં એક ટકાની નરમાઈમાં ૧૮૮૮ અને એલઆઇસી પોણા ટકો સુધરીને ૬૭૯ નજીક બંધ આવ્યો છે. 
બૅન્કિંગના ૩૮માંથી ૩૨ શૅર પ્લસ, કર્ણાટકા બૅન્કમાં મલ્ટિયર ટૉપ બની 

બૅન્ક નિફ્ટી એક ટકા નજીક કે ૪૧૪ પૉઇન્ટ વધી ૪૫,૫૭૧ થયો છે. બંધન બૅન્કની નહીંવત્ પીછેહઠ સિવાય અત્રે બાકીના ૧૧ શૅર પ્લસ હતા. પીએસયુ નિફ્ટી બારેબાર શૅરની મજબૂતીમાં ૩.૧ ટકા ઊછળી ૪૮૫૪ની વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. બૅન્કિંગના ૩૮માંથી ફક્ત ૬ શૅર ઘટ્યા છે. ઇક્વિટાસ અને આઇડીબીઆઇ બૅન્ક સર્વાધિક એકાદ ટકો અને તામિલનાડુ બૅન્ક અડધો ટકો નરમ હતી. કર્ણાટકા બૅન્ક ૨૪૪ની નજીક ગઈ છે. કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા તથા આઇઓબી સવાછ ટકા, પંજાબ સિંઘ બૅન્ક સાડાપાંચ ટકા અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાપાંચ ટકા મજબૂત હતી. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકો વધી ઑલટાઇમ હાઈની નજીક સરક્યો છે. અત્રે ૧૩૯માંથી ૯૮ શૅર પ્લસ હતા. નાહર કૅપિટલ ૧૫.૨ ટકા, ઇન્ફિબીમ ૧૪.૩ ટકા, આઇઆરએફસી ૧૦ ટકા, રેલીગેર સવાનવ ટકા, સુમિત સિક્યૉ. ૭.૨ ટકા, ૩૬૦ વન પોણાછ ટકા, કેમ્સ ૫.૭ ટકા, એચડીએફસી ઍસ્ટેટ મૅનેજમેન્ટ ૫ ટકા, ધાની સર્વિસિસ ૫ ટકા ઝળક્યા હતા. 
ઑટો બેન્ચમાર્ક ૧૬માંથી ૧૫ શૅરની મજબૂતી સાથે ૫૭૯ પૉઇન્ટ કે દોઢ ટકો ઊછળી ૩૭,૦૬૧ની વિક્રમી સપાટીએ બંધ હતો. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ૩૭૩૭ની ઑલટાઇમ હાઈ બાદ ૧૧.૪ ટકા કે ૩૭૭ના જમ્પમાં ૩૬૯૧ થયો છે. ટીવીએસ મોટર્સ અડધો ટકો વધી ૧૪૮૯ અને મારુતિ સુઝુકી બે ટકા ઊછળી ૧૦,૫૩૫ના બેસ્ટ લેવલે બંધ આવ્યા છે. મહિન્દ્ર, બજાજ ઑટો, આઇશર, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ એક-દોઢ ટકો અપ હતા. 

એડીએફ ફૂડ્સ એક્સ-સ્પ્લિટ થતાં પોણાતેર ટકાની તેજી સાથે નવા શિખરે 
આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૨૬ શૅરના સુધારામાં ૧૯૮ પૉઇન્ટ વધી ૩૨,૮૯૬ની વર્ષની ટોચે બંધ રહ્યો છે. ઇન્ફી અડધો ટકો, ટીસીએસ અને વિપ્રો એક ટકા, એચસીએલ ટેક્નો દોઢ ટકા, ટેક મહિન્દ્ર અને લાટિમ અડધો ટકો વધ્યા છે. સાઇડ કાઉન્ટર્સમાં ક્રેસેન્ડા સોલ્યુ ૧૦ ટકા ઊંચકાઈ ૨૭ વટાવી ગયો છે. સુબેક્સ ૪ ટકા, સિએન્ટ પોણાત્રણ ટકા અને ઓરિઅન પ્રો અઢી ટકા અપ હતા. ટેલિકૉમમાં આઇટીઆઇ ૨૦ ટકા, બીએસઈના સત્તાવાળાના રખોપા ધરાવતી જીટીએલ ઇન્ફ્રા પોણાદસ ટકા, પોડાફોન સાડાસાત ટકા, રેલટેલ છ ટકા, તાતા ટેલિ સાડાપાંચ ટકા ઊંચકાઈ છે. પીવીઆર આઇનોક્સ ત્રણ ટકા ગગડી ૧૭૯૨ રહી છે.

એડીએફ ફૂડ્સ ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૨૬૨ની વિક્રમી સપાટી બનાવી પોણાતેર ટકાના ઉછાળે ૨૫૬ બંધ આપી એફએમસીજી ઇન્ડેક્સ ખાતે ટૉપ ગેઇનર બની છે. ઇમામી ૫.૪ ટકા, દાલમિયા શુગર સવાપાંચ ટકા, શ્રીરેણુકા શુગર પોણાપાંચ ટકા વધ્યા હતા. શુગર સેક્ટરના ૩૫માંથી ૨૪ શૅર ગઈ કાલે પ્લસ થયા છે. હેરિટેજ ફૂડ્સ સાત ટકા ખરડાઈ ૨૫૩ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૪૭,૯૪૮ની વિક્રમી સપાટી બાદ ૧૪૨ પૉઇન્ટના સામાન્ય સુધારે ૪૭,૭૪૬ બંધ થયો છે. એના ૨૪માંથી ૧૪ શૅર પ્લસ હતા. પ્રાજ ઇન્ડ. ૧૪ ટકાની તેજીમાં ૫૯૦, થર્મેક્સ ૪ ટકાના જમ્પમાં ૩૦૩૮ તથા એબીબી ઇન્ડિયા સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૪૬૨૨ના બેસ્ટ લેવલે બંધ આવ્યા છે. ભેલ ૧૪૯ નજીક નવું મલ્ટિયર શિખર હાંસલ કરી પ્રૉફિટ બુકિંગમાં પોણાચાર ટકા ગગડી ૧૪૦ની અંદર ગયો છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2023 05:56 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK