Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધના પગલે વિશ્વબજારો ધૂળધાણી બજારમાં હજારી ધબડકા યથાવત્

યુદ્ધના પગલે વિશ્વબજારો ધૂળધાણી બજારમાં હજારી ધબડકા યથાવત્

Published : 05 March, 2026 09:29 AM | IST | Mumbai
Anil Patel

આજે રાજસ્થાનના ભીલવાડાની એ​લ્ફિન ઍગ્રો ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૪૭ના ભાવથી પચીસ કરોડનો BSE SME ઇશ્યુ કરશે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ બે દિવસમાં ૨૧૭૧ પૉઇન્ટ ગગડીને ૭૯,૧૧૬ બંધ : માર્કેટકૅપ બે દિવસમાં ૧૬.૩૨ લાખ કરોડ રૂપિયા ધોવાયું : BSEમાં એક શૅર વર્ષની ટોચે ગયો, સામે ૧૪ જાતોમાં નવાં બૉટમ બન્યાં : ખરાબ બજારમાં શુગર શૅરો ડિમાન્ડમાં : લાર્સન બે દિવસમાં ૧૦ ટકા જેવો ડૂલ : સાઉથ કોરિયન માર્કેટ બે દિવસમાં ૨૦ ટકા ખરડાયું : ડૉલર સામે રૂપિયો ૯૨.૩૧ના નવા વરવા વર્સ્ટ લેવલે ગયો

અમેરિકા-ઈરાન વચ્ચેનો જંગ પાંચમા દિવસમાં પ્રવેશ્યો છે. ટ્રમ્પ કહે છે કે આ યુદ્ધ પાંચેક સપ્તાહ ચાલી શકે છે. જોકે ત્યાર પછી શું? કાયમી શાંતિ નજીકમાં દેખાતી નથી. યુદ્ધના પગલે ક્રૂડ ૮૫ ડૉલર ભણી સરક્યું છે, ૧૦૦ ડૉલર થવાના વરતારા વધી ગયા છે. સરકાર કહે છે આપણે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે પચીસ દિવસનો સ્ટૉક મોજૂદ છે. બાય ધ વે, નિયમ તો ૭૫ દિવસનો સ્ટૉક રાખવાનો હતો એનું શું થયું એ સવાલ નિરુત્તર છે. એલએનજીની સપ્લાય ખોરવાઈ છે, ભાવમાં ભડકો છે. ઘરઆંગણે સપ્લાય ઘડાડવાની કવાયત હાથ ધરાઈ ચૂકી છે. નિકાસ-વેપાર ઠપ્પ છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવા માંડ્યું છે. કાર્ગો મળતાં નથી. ડૉલર સામે રૂપિયો ગગડી ૯૨.૩૧ના સૌથી નીચા તળિયે પહોંચ્યો છે. એશિયા ખાતે સાઉથ કોરિયન સ્ટૉક માર્કેટ આગલા દિવસના સવા સાત ટકાના ધોવાણ બાદ ગઈ કાલે નીચલી સર્કિટ તોડી ૬૯૮ પૉઇન્ટ કે બાર ટકાના ઐતિહાસિક કડાકામાં ૫૦૯૩ બંધ થયું છે. એની કરન્સી વીકમાં ડૉલર સામે ૧૭ વર્ષની નીચી સપાટી બની છે. થાઇલૅન્ડ ૫.૬ ટકા, જપાન ચાર ટકા, તાઇવાન ૪.૪ ટકા, ઇન્ડોનેશિયા ૪.૬ ટકા, સિંગાપોર ૨.૧ ટકા, હૉન્ગકૉન્ગ ૨.૧ ટકા, ચાઇના એક ટકો, ઑસ્ટ્રેલિયા બે ટકા સાફ થયું છે. યુરોપ આગલા દિવસના સવાબેથી સાડાત્રણ ટકાની ખરાબી બાદ ગઈ કાલે રનિંગમાં અડધાથી સવા ટકો ડાઉન હતું. પાકિસ્તાની શૅરબજાર આગલા દિવસના ૫૦૦૦ પૉઇન્ટથી વધુના ધબડકા બાદ ગઈ કાલે  રનિંગમાં ૧૧૩૬ પૉઇન્ટ ઘટી ૧,૫૫,૯૯૫ દેખાતું હતું. બિટકૉઇન બે ટકા જેવી મજબૂતીમાં ૬૯,૬૩૪ ડૉલર ચાલતો હતો. સોનું સવા ટકા જેવું વધીને હાજરમાં ૫૧૫૭ ડૉલર તો વાયદામાં ૫૧૮૦ ડૉલર અને ચાંદી પોણાબે ટકા વધીને ૮૫ ડૉલર હતી. ઇન્ડ​સ્ટ્રિયલ મેટલમાં ટીન ૯ ટકા, કૉપર અને ઝિન્ક સવા ટકો નરમ તો ઍલ્યુમિનિયમ પોણાબે ટકા અપ હતું.



ઘરઆંગણે સેન્સેક્સ સોમવારના ૧૦૪૮ પૉઇન્ટના ગબડા બાદ ગઈ કાલે ૧૭૧૦ પૉઇન્ટ નીચે ૭૮,૫૨૯ ખૂલી છેવટે ૧૧૨૩ પૉઇન્ટ ગગડી ૭૯,૧૧૬ તથા નિફ્ટી સોમવારના ૩૧૩ પૉઇન્ટની ખરાબી બાદ વધુ ૩૮૫ પૉઇન્ટ બગડીને ૨૪,૪૮૦ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૮,૪૪૩ અને ઉપરમાં ૭૯,૪૮૦ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૮,૪૪૩ અને ઉપરમાં ૭૯,૫૨૭ થયો હતો. નિફ્ટી નીચામાં ૨૪,૩૦૫ દેખાયો છે. વર્સ્ટ માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૬૭૫ શૅર સામે ૨૫૮૧ જાતો ઘટી છે. BSEમાં ભાવની રીતે ૫૩ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ટોચે ગયા હતા. સામે ૧૪ ગણી વધુ કે ૭૧૯ જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. માર્કેટ કૅપ ૯.૭૨ લાખ કરોડના વધુ ધોવાણમાં ૪૪૭.૧૮ લાખ કરોડ થઈ ગયું છે. બે દિવસમાં કુલ ૧૬.૩૨ લાખ કરોડ સ્વાહા થયા છે. સોમવારે ઑટો, એનર્જી, ઑઇલ-ગૅસ, કૅપિટલ ગુડસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બેથી સવાબે ટકા સાફ થયા હતા. ગઈ કાલે મેટર ઇન્ડેક્સ ચાર ટકા કે ૧૬૨૦ પૉઇન્ટ, PSU બૅન્ક નિફ્ટી ૩.૨ ટકા, બૅક નિફ્ટી ૧.૮ ટકા ૧૦૮૪ પૉઇન્ટ, નિફ્ટી મીડિયા ત્રણ ટકા, રિયલ્ટી ૩.૨ ટકા, ઑટો અઢી ટકા, પાવર ૨.૬ ટકા, યુટિલિટીઝ ૨.૨ ટકા, ઑઇલ-ગૅસ ૩.૬ ટકા, એનર્જી સવાબે ટકા, નિફ્ટી કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ ૧.૮ ટકા ડૂલ થયો છે. કૅપિટલ ગુડ્સ અઢી ટકા ડાઉન હતો.


ખરાબ બજારમાં શુગર શૅર એકંદર ડિમાન્ડમાં હતા. ઉદ્યોગના ૩૫માંથી ૨૯ જાતો વધી છે. ઉગર શુગર ૧૦.૨ ટકા, SBEC શુગર ૧૧.૬ ટકા, બજાજ હિન્દુસ્તાન ૧૧.૬ ટકા, રાજશ્રી શુગર ૭.૭ ટકા, અવધ શુગર ૪.૬ ટકા, રાણા શુગર ૧૨.૫ ટકા, ઇ​ન્ડિયા સુક્રોઝ ૭.૯ ટકા, શક્તિ શુગર ૯.૭ ટકા, કે. એમ. શુગર ૧૦ ટકા, દ્વારકેસ ૯ ટકા, રેણુકા શુગર ૭.૮ ટકા, પોની ઇરોડ ૧૦.૨ ટકા, બલરામપુર ૭ ટકા, દાલમિયા શુગર ૬.૧ ટકા મીઠી બની છે. અહીં બે ડઝન શૅર સાડાત્રણ ટકાથી વધુ ઊંચકાયા હતા.

વર્ષમાં ૭૦,૪૮૩ ટકા ઊછળેલી શ્રી અધિકારી બ્રધર્સ આજે એક્સ-​સ્પ્લિટ


અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજી શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયાના વિભાજનમાં શુક્રવારે એક્સ-બોનસ તથા એક્સ ​સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૫૬ થઈ ૩.૫ ટકા ઘટી ૧૩૨૧ હતો. મુંબઈના નરીમાન પૉઇન્ટ LKP ફાઇનૅન્સની એક શૅરદીઠ ૪ શૅરના મેઇડન બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપર ૧૦૧૪ બતાવી સાધારણ સુધરી ૯૭૫ થયો છે. ભાવ વર્ષ પહેલાં ૨૯૫ની અંદર હતો. ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૧૮૦ના બેસ્ટ લેવલે ગયો હતો. મુંબઈની શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક તરીકે ઓળખાતી હતી તે એક્વીલોન નેક્સસ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-​સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ઉપર ૧૦૯૫ થઈ પાંચ ટકા તૂટી ૧૦૮૬ હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભાવ ૨૨૬૦ની વિક્રમી સપાટીએ ગયો હતો. શૅર વર્ષ પહેલાં ૪૩૫ હતો. ૧૦ના શૅરની બુક વૅલ્યુ હાલ માત્ર ૯૧ પૈસા છે. કંપનીએ ગયા વર્ષે ૬૧૧ લાખની આવક ઉપર ૨૨૩૯ લાખની નેટલૉસ કરી છે. છેલ્લાં પાંચ વર્ષની કુલ ચોખ્ખી ખોટ ૧૧,૧૨૪ લાખ રૂપિયે પહોંચી છે સામે આવક કુલ મળીને પાંચ વર્ષમાં માંડ ૮૮૭ લાખ થઈ છે. ઇ​ક્વિટી ૨૫૩૭ લાખ છે, સામે રિઝર્વ માઇનસ ૩૬૮૧ લાખ છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૯.૧ ટકા છે, એમાંથી ૧૬.૭ ટકા માલ ગિરવે છે. EPS પાંચ વર્ષથી સતત નેગેટિવ છે, કંપની પાંચ વર્ષથી સતત નેગેટિવ છે, કંપની પાંચ વર્ષથી સતત ખોટમાં છે, નેટવર્થ માઇનસમાં છે, પણ શૅર વર્ષમાં હાલ ૧૫૨ ટકા તથા ત્રણ વર્ષની રીતે ૭૦,૪૮૩ ટકા વધેલો છે. સુરતની ટેક્સટાઇલ કંપની મીરા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ-​સ્પ્લિટ થશે. શૅર ૬.૮ ટકા વધીને ૬૭ નજીક બંધ રહ્યો છે. કંપની મે ૨૦૧૭માં ૧૦ના શૅરદીઠ ૭૬ના ભાવે ચાર કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી. ડિસેમ્બર ૨૦૧૯માં ૫ શૅરદીઠ ૭ શૅરનું બોનસ આપ્યું હતું. શૅર ચાલુ વર્ષે ૨૯ જાન્યુઆરીના રોજ ૧૦૩ની સવા વર્ષની ટોચે ગયો હતો. ૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભાવ ૫૪ના વર્ષના તળિયે હતો.

PNGS રેવા ડાયમન્ડમાં પ્રારંભિક નબળાઈ બાદ ૧૧ ટકા લિસ્ટિંગ ગેઇન

પુણેના ગોવિંદનાથ ગાડગિલ ગ્રુપની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી ૧૦ના શૅરદીઠ ૩૮૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થઈ ઉપરમાં ૨૧ થયેલું પ્રીમિયમ ગગડીને છેલ્લે ખોલાતા ૨૦ના ડિસ્કાઉન્ટ સામે ગઈ કાલે ૩૭ ખૂલી નીચામાં ૩૫૯ અને ઉપર ૪૩૩ થઈ ૪૧૪ બંધ રહેતાં એમાં ૧૧.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગ્રુપ કંપની PNGS ગાર્ગી ફૅશન જ્વેલરી ૭૩૩ની સવા વર્ષની બૉટમ બતાવી ૪.૯ ટકા તૂટી ૭૩૪ હતી. ૨૦ જાન્યુઆરી ૨૦૨૫માં ભાવ ૧૫૧૭ના શિખરે ગયો હતો. મુંબઈના અંધેરી (વેસ્ટ)ની યાપ ડિજિટલનો ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવનો NSE SME ઇશ્યુ આજે લિસ્ટેડ થવાનો છે. ગ્રેમાર્કેટમાં એક જ દિવસ માટે ૪ થયેલું પ્રીમિયમ પછીથી ઝીરો ચાલે છે. રાજકોટની ઓ​મ્નિટેક એન્જિનિયરિંગનો પાંચના શૅરદીઠ ૨૨૭ના ભાવનો મેઇન બોર્ડનો ઇશ્યુ પણ આજે લિસ્ટિંગમાં જશે. ૧૭થી શરૂ થઈ ૧૫ થયેલું પ્રીમિયમ પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ફેરવાયા બાદ હાલમાં ૧૦નું ડિસ્કાઉન્ટ બોલાય છે. દરમ્યાન સોમવારે એકસાથે જે પાંચ ભરણાં લિસ્ટેડ થયાં હતાં એમાંથી મેઇન બોર્ડમાં મુંબઈના ચર્ચગેટની સ્લીનમેક્સ એ​ન્વિરો એનર્જી ૭૬૨ની અંદર જઈ ૧૭.૩ ટકા કે શૅરદીઠ ૧૮૫ની લિસ્ટિંગ લૉસમાં ૮૬૮ બંધ થયા બાદ ગઈ કાલે સવા ટકો ઘટી ૮૫૬ તથા ગોંડલની શ્રીરામ ટ્વીસ્ટેક્સ ૬૭ના તળિયે જઈ ૨૯.૪ ટકા કે શૅરદીઠ ૩૦.૬૫ રૂપિયાની લિસ્ટિંગ લૉસમાં ૭૩.૪૫ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકા તૂટી ૭૦ નીચે બંધ રહી છે. SME સેગમેન્ટમાં ગુડગાંવની એકૉર્ડ ટ્રાન્સફૉર્મર ૧૪૧ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૨.૫૦ બંધ થયા પછી ગઈ કાલે ૨.૪ ટકા ‍વધી ૫૪ નજીક ગાઝિયાબાદની કિયાસા રીટેલ આઠ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૧૭ નીચે બંધ થયા પછી પાંચ ટકા તૂટી ૧૧૧ તથા ફરીદાબાદની મોબિલાઇસ એપલૅબ ૧૫.૯ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૬૭.૩૦ બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકા ગગડી ૬૪ બંધ આવી છે. ગૌડિયમ NF દોઢ ટકો ઘટી ૮૦ તથા મણિલમ ઇન્ડસ્ટ્રીઝ બે ટકા વધીને ૫૫ બંધ રહી છે.

રાજસ્થાનની લ્ફિન ઍગ્રો આજે ૪૭ના ભાવે મૂડીબજારમાં

આજે રાજસ્થાનના ભીલવાડાની એ​લ્ફિન ઍગ્રો ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૪૭ના ભાવથી પચીસ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. કંપની ઘઉં તથા સોજીનો આટો (લોટ) તથા મસ્ટર્ડ ઑઇલ બનાવીને વેચે છે. ગયા વર્ષે ૧૭ ટકા વધારામાં ૧૪૬ કરોડ પ્લસની આવક ઉપર ૩૮ ટકા વધારામાં ૫૦૮ લાખ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં કંપનીએ ૧૧૮ કરોડ નજીકની આવક ઉપર પાંચેક કરોડ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું ગયા વર્ષે ૬૦ ટકા વધી ૧૨૧૯ લાખ થયા પછી નવ મહિનામાં ઔર વધી ૧૨૬૯ લાખે પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૧૯૩૩ લાખ વર્કિંગ કૅપિટલમાં બાકીનાં નાણાં ઇશ્યુ એક્સપેન્સ તથા ઇતર ખર્ચમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.

દરમ્યાન ગઈ કાલે પુણેની કન્ટ્રોલ ઇલેક્ટ્રૉનિક્સ બનાવતી સેડમેક મેક્ટ્રોનિક્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫૨ના ભાવનો ઘણો મોંઘો ૧૦૮૭ કરોડનો પ્યૉર ઑફર ફોર સેલ ઇશ્યુ રીટેલમાં ત્રણ ટકા સહિત કુલ ૨૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૩૦થી શરૂ થયું હતું એ ગગડતું રહી પાંચ રૂપિયા થઈ ગયા પછી હાલ ૩ ડિસ્કાઉન્ટ બોલાય છે. છેલ્લાં પોણાબે વર્ષમાં કંપનીએ જબરી સુપર કમાણી બતાવી છે છતાં ઇશ્યુ પ્રાઇસ ગયા વર્ષના પ્રૉફિટ પ્રમાણે ૧૨૭નો તથા ચાલુ વર્ષના નવ મહિનાની અર્નિંગ પ્રમાણે ૩૨.૬નો અતિ ઊંચો PIE બતાવે છે. સામે એનાથી ક્યાંય મોટી અને સારી એવા બૉશ લિમિટેડ હાલ ૩૯ના, શેફલર ઇ​ન્ડિયા ૫૮ના, ઝેડ એફ કમર્શિયલ ૫૭ના PIEમાં મળે છે. થાણેના ભિવંડીની એસટેક ઈ-કૉમર્સનો શૅરદીઠ ૧૧૨ના ભાવનો ૪૯ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૧.૨ ગણા સહિત કુલ સવા ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રિમિયમ પહેલેથી ઝીરો છે. મુંબઈના ઘાટકોપર (વેસ્ટ)ની સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૩૬૨૯ લાખનો NSESME ઈશ્યુ સોમવારે રીટેલમાં ૭૮ ટકા સહિત કુલ ૧.૩ ગણા રિસ્પૉન્સમાં પૂરો થઈ ગયો છે. પ્રીમિયમ નથી. લિસ્ટિંગ શુક્રવારે થવાનું છે.

સેન્સેક્સમાં માત્ર અને નિફ્ટીમાં શૅર સુધર્યા

સેન્સેક્સ ખાતે વધેલા ૩ અને નિફ્ટીમાં પ્લસ થયેલા ૪ શૅરમાંથી ભારતી ઍરટેલ દોઢા વૉલ્યુમે ૧૮૧૫ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈ ૧૯૧૫ થઈ ૧.૮ ટકા વધીને ૧૯૦૭ બંધમાં ઝળકી હતી. કોલ ઇન્ડિયા ૨.૧ ટકા, ઇન્ફોસિસ દોઢ ટકા, ટેક મહિન્દ્ર અડધો ટકો વધીને બંધ થયો છે. તાતા સ્ટીલ સવાયા કામકાજે નીચામાં ૧૯૪ બતાવી ૩.૮ ટકા તૂટી ૧૯૭ નજીક રહ્યો છે. મેટલ ઇન્ડેક્સમાં ૧૩ શૅરમાંથી એકમાત્ર નાલ્કો ૨.૯ ટકા પ્લસ હતો. લાર્સન સોમવારના પાંચ ટકાના ધોવાણ બાદ ગઈ કાલે પણ ૪.૫ ટકા બગડી ૩૮૮૨ બંધમાં બજારને ૧૮૨ પૉઇન્ટ નડ્યો છે. અલ્ટ્રાટેક ૭.૩ ટકા કે ૪૧૬ રૂપિયા, તાતા મોટર્સ પૅસેન્જર ૫.૨ ટકા, SBI લાઇફ પાંચ ટકા, JSW સ્ટીલ ૪.૩ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૪ ટકા, ગ્રાસિમ ૩.૪ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૩ ટકા, ઇન્ડિગો ૨.૯ ટકા, બજાજ ફિનસર્વ ૨.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૪ ટકા, NTPC ૩ ટકા, ટ્રેન્ડ ૨.૪ ટકા, મહિન્દ્ર ૨.૧ ટકા, HDFC લાઇફ ૩.૨ ટકા, મેક્સ હેલ્થકૅર પોણાત્રણ ટકા, આઇસર અઢી ટકા, સિપ્લા પોણાત્રણ ટકા નરમ હતી. HDFC બૅન્ક નીચામાં ૮૪૭ થઈ દોઢ ટકા ઘટી ૮૬૮ રહેતાં સેન્સેક્સને ૧૭૨ પૉઇન્ટનો માર પડ્યો છે. કોટક બૅન્ક ૨.૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૬ ટકા, સ્ટેટ બૅન્ક સવા ટકો તથા ICICI બૅન્ક પોણો ટકો માઇનસ થઈ છે. રિલાયન્સ આગલા દિવસની અઢી ટકા પ્લસની બૂરાઈ બાદ ગઈ કાલે નીચામાં ૧૩૦૭ બતાવીને એકાદ ટકા ઘટી ૧૩૪૫ હતો. TCS એક ટકા, વિપ્રો ૧.૮ ટકા અને HCL ટૅક્નો અડધો ટકો નરમ હતો.

BSE લિમિટેડ અડધા ટકાથી વધુના ઘટાડે ૨૬૨૭ અને MCX ૦.૮ ટકા ઘટી ૨૪૮૦ હતી. સોમવારે ૨૧.૨૧ના ઑલટાઇમ તળિયે ગયેલી ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે ત્રણેક ટકા વધીને ૨૪.૭૭ થઈ છે. અદાણીની NDTV ૭૭ના મલ્ટિયર તળિયે જઈને પોણાત્રણ ટકા ગગડી ૭૭.૨૫ હતી. પેટ્રોનૅટ એલએનજી પોણાદસ ટકા તૂટી ૨૭૯ના બંધમાં એ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. ગેઇલ ૭ ટકા જેવી પીગળી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 09:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK