રાજેશ એક્સપોર્ટ્સ પર સેબીની તવાઈ, ૧૦૦માંથી ૯૯ લેખે પાંચ વર્ષમાં કુલ ૧૫ લાખ કરોડથી વધુની આવક ખોટી બતાવી રોકાણકારોને ૧૨,૭૨૬ કરોડનો ફટકો માર્યો હોવાનો સેબીનો આક્ષેપ : ગીતાજંલિ મોમેન્ટમાં શૅર મંદીની સર્કિટમાં બંધ, કંપનીમાં LICનું હોલ્ડિંગ ૧૦.૮ ટકાનું :
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- રિલાયન્સ ઢીલા વલણને જાળવી રાખતાં ૧૩૦૦ની અંદર ઊતરી ગઈ, થંગમયિલ જ્વેલરી ૭૨૮ની તેજીમાં
- HPCLના ઑર્ડરમાં અગરવાલ ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં
- ભેલને ૨૦૦૦ કરોડનો વિદેશી કૉન્ટ્રૅક્ટ મળ્યો, શૅર ચાર ટકા ઘટીને બંધ થયો
ઈરાન સાથે શાંતિ વાર્તા ફરી શરૂ કરવા અમેરિકા ઉત્સુક બન્યું છે. એના ભાગરૂપે ઇઝરાયલ તરફથી લેબૅનન સાથે સીઝફાયરની જાહેરાત થઈ છે. શાંતિ વાર્તાની વારતા હવે કેવી આગળ વધે છે એ જોવું રહ્યું. બ્રેન્ટ ક્રૂડ એક ટકો ઘટી ૯૭ ડૉલરની અંદર આવ્યું છે. એશિયન કરન્સી માર્કેટમાં ઊથલપાથલ છે. ઇન્ડોનેશિયન રૂપૈયો ડૉલર સામે ઑલટાઇમ તળિયે ગયો છે. સાઉથ કોરિયન વૉનમાં ૨૦૦૯ પછીની બૉટમ બની છે. યેનને સપોર્ટ આપવામાં જપાને ગત મહિને ૭૩ અબજ ડૉલર ખર્ચી નાખ્યા છે. ડૉલર સામે રૂપિયો ૯૫.૭૨ના આગલા બંધ સામે ૯૬ નજીક સરકતાં ૯૫.૮૨ થઈ રનિંગમાં ૯૫.૭૯ રહ્યો છે. કરન્સીની અફરાતફરી પાછળ ગઈ કાલે લગભગ તમામ અગ્રણી એશિયન બજાર માઇનસ થયાં છે. સાઉથ કોરિયા બે ટકા નજીક, તાઇવાન પોણાબે ટકા, જપાન તથા હૉન્ગકૉન્ગ દોઢેક ટકો, ઇન્ડોનેશિયા સવા ટકાથી વધુ તો સિંગાપોર એક ટકો ડાઉન હતું. એક માત્ર થાઇલૅન્ડ નવી મલ્ટીયર ટૉપ બનાવી અડધો ટકો સુધર્યું છે. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં અડધો ટકો નરમ હતો. અન્ય બજાર સાધારણથી પોણા ટકા જેવા ઉપર જણાયાં છે. બિટકૉઇન નવા મલ્ટીયર બૉટમ બનાવવાની ઉતાવળમાં હોય એમ નીચામાં ૬૧,૩૫૧ની ચાર માસની બૉટમ બનાવી રનિંગમાં ૬૩,૨૨૪ ડૉલર રહ્યો છે. ૬૦,૦૭૪ ડૉલરનું લેવલ તૂટતાં એમાં નવી મલ્ટીયર બૉટમ બનવાની છે.
આગલા દિવસે હજાર પૉઇન્ટ પ્લસની બે બાજુની વધઘટ બાદ ૩૦૪ પૉઇન્ટ નરમ રહેલો સેન્સેક્સ ગઈ કાલે ૪૧૦ પૉઇન્ટ માઇનસ, ૭૩,૯૩૬ ખૂલી છેવટે ૧૪ પૉઇન્ટ સુધરીને ૭૪,૩૬૦ તથા નિફ્ટી ૧૧ પૉઇન્ટ વધી ૨૩,૪૧૬ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૩,૮૦૭ તથા ઉપરમાં ૭૪,૫૪૪ થયો હતો. આજે, શુક્રવારે રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગનું આઉટકમ છે. વ્યાજદર યથાવત રહેવાની વ્યાપક ધારણા રખાય છે. બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૪માંથી ૭ શૅરના સુધારા વચ્ચે ૧૨૨ પૉઇન્ટ પ્લસ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅર પ્લસમાં આપી સામાન્ય વધ્યો છે. IT ઇન્ડેક્સ આગલા દિવસના ધબડકા બાદ ગઈ કાલે ૧૩૮ પૉઇન્ટ ઘટ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બે ટકા, કૅપિટલ ગુડ્સ એક ટકો, રિયલ્ટી-પાવર-ઑટો-ઑઇલ અડધો ટકા જેવા વધ્યા છે. મેટલમાં ૦.૯ ટકાની નરમાઈ હતી.
ADVERTISEMENT
એટર્નલ ત્રણ ટકા વધી ૨૫૪ બંધમાં બન્ને બજાર ખાતે ઝળકી હતી. ટાઇટન ૩.૪ ટકા વધી ૪૨૨૭ થઈ છે. કોલ ઇન્ડિયા બે ટકા, ICICI બૅન્ક ૦.૯ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ દોઢ ટકા, ITC સવા ટકો, સિપ્લા પોણાબે ટકા વધી છે. ઇન્ફોસિસ ૧.૮ ટકા ગગડી ૧૨૦૧ રહી છે. બજાજ ફિનસર્વ ૧.૧ ટકા, અલ્ટ્રાટેક એક ટકો, હિન્દાલ્કો સવા ટકા, JSW સ્ટીલ પોણો ટકો નરમ હતી. રિલાયન્સ નીચામાં ૧૨૯૩ બતાવી ૦.૭ ટકા ઘટી ૧૩૦૪ બંધમાં બજારને ૫૧ પૉઇન્ટ નડી છે. TCS આગલા દિવસના સાડાઆઠ ટકાના કડાકા બાદ નજીવી ઘટીને ૨૨૪૦ નીચે ગઈ છે. થંગમયિલ જ્વેલરી બુલસના જોરમાં ૫૬૪૯ની નવી ટોચે જઈ સવાપંદર ટકા કે ૭૨૮ રૂપિયા ઊછળીને ૫૫૨૨ બંધ થઈ છે.
મુંબઈની હેક્સેજન ન્યુટ્રેશનનો પ્યૉર OFS ઇશ્યુ આજે
આજે, શુક્રવારે બે નવાં ભરણાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના અંધેરી-વેસ્ટની હેક્સેજન ન્યુટ્રેશન એકના શૅરદીઠ ૪૫ની અપરબૅન્ડમાં ૧૩૯ કરોડનો ઇશ્યુ આજે કરવાની છે. ઇશ્યુની સાઇઝ જોતાં લાગે છે કે આ ભરણું SMEની જગ્યાએ મેઇન બોર્ડમાં, ખોટી જગાએ આવી ગયું છે. QIB પોર્શન ૫૦ ટકા તથા રિટેલ પોર્શન ૩૫ ટકા છે. ૧૯૯૩માં સ્થપાયેલી આ કંપની રિસર્ચ ડ્રીવન ન્યુટ્રેશન કંપની હોવાનો દાવો કરે છે. ૨૦૨૪-૨૫ના વર્ષે પોણાનવ ટકા વધારામાં ૩૩૧ કરોડ આવક ઉપર લગભગ ૧૦૦ ટકા વધારામાં ૨૪૩૮ લાખ નેટ નફો કર્યા પછી ગત વર્ષે ૯ માસમાં કંપનીએ ૨૭૫ કરોડની આવક ઉપર ૨૭૦૩ લાખનો ચોખ્ખો નફો બતાવ્યો છે. દેવું ૯ માસમાં ૫૦ ટકા વધી ૩૯૭૯ લાખ થયું છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે એટલે ૧૩૯ કરોડ રૂપિયા પ્રમોટર્સ કેલકર ફૅમિલીના ઘરમાં જવાના છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ૪૮થી ૯૨ પૈસાની છે. ઇશ્યુ બાદ ૧૨૨૯ લાખની ઇક્વિટી યથાવત રહેશે. ગ્રેમાર્કેટમાં પ્રિમિયમ ૧૦થી શરૂ થઇ હાલ ૧૧.૫૦ ચાલે છે.
જયપુરની જેનઝાઇ (GENXAI) ઍનલિટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૧૬ની અપરબૅન્ડમાં ૫૫ કરોડનો NSE SME IPO આજે કરશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની એન્ટરપ્રાઇસ પર્ફોર્મન્સ ઍનલિટિક્સ સર્વિસીસ ક્ષેત્રે પ્રવૃત્ત છે. ૨૦૨૪/૨૫માં ૧૯ ટકા વધારામાં ૨૪૮૮ લાખની આવક ઉપર ૧૪૭ ટકા વધારામાં ૬૫૫ લાખ નફો બતાવ્યા પછી કંપનીએ ગત વર્ષે ૯ માસમાં ૬૪૪૭ લાખની આવક તથા ૧૩૩૧ લાખ ચોખ્ખો નફો દેખાડી ચમત્કાર કર્યો છે. દેવુ ૯ માસમાં ૧૨૧ ટકા વધી ૧૬૦૭ લાખ થયું છે. ગ્રે માર્કેટમાં ૧૩થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૧૫ થયા બાદ હાલ ૮ જેવું છે.
SBI કાર્ડ્સ સતત છઠ્ઠા દિવસે ઘટીને છ વર્ષના તળિયે
ભેલને નાઇજીરિયા તરફથી ૨૦૦૦-૨૫૦૦ કરોડનો નવો કૉન્ટ્રૅક્ટ મળ્યો હોવાના અહેવાલ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૧૧ થઈ ચાર ટકા ગગડી ૩૮૯ બંધ થયો છે. મુંબઈની અગરવાલ ઇન્ડસ્ટ્રિલ કૉર્પોરેશનને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી બિટુમેના બલ્ક સપ્લાય માટે ૪૭૭ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ઉપરમાં ૫૦૩ થઈ ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૧૦૨૩ હતો. તાતાની ટ્રેન્ટ લિમિટેડ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે નીચામાં ૨૩૫૧ બતાવી નજીવો ઘટી ૨૮૩૭ રહ્યો છે. NSE લિસ્ટેડ ઈટુઈ નેટવર્ક્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૯૩૦ બતાવી પાંચ ટકા વધી ૪૩૧૩ બંધ હતો. મુંબઈની જ્હોન કોકરિલ ઇન્ડિયા ૧૨૫૦-૧૩૦૦ કરોડના ઑર્ડરના કરન્ટના નવા શિખર સાથે આગલા દિવસે ૨૦ ટકાના ઉછાળા બાદ ગઈ કાલે ૧૦,૦૨૪નું શિખર બતાવી ૨.૨ ટકા કે ૧૯૭ રૂપિયા વધી ૯૩૧૦ રહી છે. તો બુધવારે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનારી એમ્કે ગ્લોબલ ગઈ કાલે ઉપર ૩૨૫ થઈ નજીવી સુધરી ૨૯૭ બંધ હતી. પતંજલિ ફૂડ્સ ૪૨૪ની બે વર્ષની બૉટમ બનાવી ૨.૮ ટકા ઘટી ૪૨૯ થઈ છે. બાલાજી એમાઇન્સ ઉપરમાં ૨૧૫૫ દેખાડી ૧.૧ ટકા ઘટી ૨૦૯૯ હતી. ઓલા ઇલેક્ટ્રિક આગલા દિવસે ૧૦ ટકાનો જમ્પ માર્યા પછી વળતા દિવસે ઉપરમાં ૪૫ થઈ સવા ટકો ઘટી ૪૩ બંધ આવી છે. વોડાફોન ૧૫.૨૦ની ૨૦ માસની ટૉપ બનાવી અડધો ટકો વધી ૧૫ નજીક હતી. SBI કાર્ડ્સ ૫૮૭ની છ વર્ષની બૉટમ બનાવી એક ટકો ઘટી ૫૯૦ બંધ થઈ છે. ભાવ ૧૦ જૂન ૨૦૨૫ના રોજ ૧૦૨૩ના શિખરે હતો. ઑલટાઇમ હાઈ ૧૧૬૪ની છે.
સુરતની વાહ કેમિકલ્સનો SME IPO પ્રથમ દિવસે પાર થયો
ગઈ કાલે બે SME IPO ખુલ્યા એમાં મુંબઈના અંધેરી-ઈસ્ટની UHM વેકેશનનો ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપરબૅન્ડ સાથે કુલ ૩૬૦૨ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રિટેલમાં ૧૭ ટકા સહિત કુલ ૨૨ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ એકાએક ૩૪થી શરૂ થયું છે, હાલ રેટ ૩૩ ચાલે છે. બીજી કંપની સુરતની વાહ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવનો ૧૩૪૫ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રિટેલમાં એક ગણા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. તેમાં અગાઉનું ૧૪વાળુ પ્રીમિયમ ઘટીને અત્યારે ૧૧નું છે. મેઇન બોર્ડમાં હરિયાણાની CMR ગ્રીન ટેક્નૉલૉજીસનો બેના શૅરદીઠ ૧૯૨ની અપરબેન્ડ સાથે ૬૩૧ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ ૬૭ રૂપિયા આસપાસ છે.
મુંબઈના નરીમાન પૉઇન્ટની ઓરિયેટ ટ્રેડનું લિસ્ટિંગ આજે, શુક્રવારે થવાનું છે. ૭૦ના શૅરદીઠ ગ્રે માર્કેટમાં ૧૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહી એક રૂપિયો થયા પછી હાલ રેટ ૧ જેવો છે. આગલા દિવસે સાડાચાર ટકા લિસ્ટિંગ લૉસ આપનાર જયપુરની રાજનંદિની ફૅશન ગઈ કાલે ૫૭ના તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા ૬૮ના નવા તળિયે જઈ પાંચ ટકા વધી ૭૫ રહી છે. યશ્વી જ્વેલર્સ ૮૯ની ટૉપ બનાવી ૩.૫ ટકા ઘટી ૮૫ હતી. MR મણિવેલી ફૂડ્સ નીચામાં ૩૯ થઈ ૨.૩ ટકા વધી ૪૨ બંધ આવી છે. Q લાઇન બાયોટેક સવાબે ટકા વધી ૪૭૧, બાયોમેડીકા લૅબોરેટરી ૧૧૭ના શિખરે જઈ પાંચ ટકા વધી ત્યાં જ તો ઑટો ફર્નિશ લિમિટેડ ત્રણ ટકા વધીને ૪૫ રૂપિયા બંધ થઈ છે.
રાજેશ એક્સપોર્ટ્સ સામે ૧૫ લાખ કરોડની હિસાબી ગોલમાલનો આરોપ
ગોલ્ડ-ડાયમન્ડ જ્વેલરી ક્ષેત્રે પ્રવૃત્ત બૅન્ગલોરની ગુજ્જુ કંપની રાજેશ એક્સપોર્ટસ સેબીના સપાટે ચડી છે. સેબીએ વિસ્ફોટક ઇન્ટરિમ રિપોર્ટ જારી કરી કંપનીના ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન રાજેશ જસવંતરાય મહેતા ઉપર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીના કહેવા પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫નાં પાંચ વર્ષના ગાળામાં કંપનીએ કુલ મળીને આશરે ૧૫.૧૫ લાખ કરોડ રૂપિયાની રેવન્યુ ખોટી દર્શાવી છે જે તેની કુલ આવકના ૯૯ ટકાથીય વધુ છે. મતલબ કે આ પાંચ વર્ષના ગાળામાં કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે જે કોઈ રેવન્યુ બતાવી છે એમાંથી ૯૯ ટકા બોગસ રેવન્યુ છે. કંપની હિસાબી ગોલમાલ અને તરકટી કામકાજના કારણે રોકાણકારોને ૧૨,૭૨૬ કરોડનો ફટકો પડ્યો હોવાનો સેબીનો આરોપ છે. કંપનીની આવકના આંકડા ચકરાવે ચડાવે એવા છે, જેમ કે ગત વર્ષે તેની કન્સોલિડેટેડ આવક અગાઉના વર્ષના ૪.૨૩ કરોડથી ૮૪ ટકા વધીને ૭.૭૯ લાખ કરોડ નજીક રહી છે. આટલી મોટી આવક છતાં નેટ નફો આ ગાળામાં ૧૮ ટકા વધી ૯૫ કરોડ રૂપિયા ઉપરથી ૧૧૨ કરોડે પહોંચ્યો છે, માંડ દોઢ પૈસાનો નફો? ફક્ત ૦.૦૧૪ ટકાનું જ નેટ માર્જિન? આ કેવું?
૨૦ જૂન ૧૯૬૪માં જન્મેલા રાજેશ મહેતા મૂળ મોરબીના જૈન ફૅમિલીમાંથી આવે છે. રાજેશ એક્સપોર્ટસ ૩૨ વર્ષ જૂની કંપની છે. કંપનીની ૨૯૫૩ લાખની ઇક્વિટી સામે રિઝર્વ હાલ ૫૦૬૧ કરોડની છે. કંપનીમાં પ્રમોટર મહેતા ફૅમિલીનું હોલ્ડિંગ ૫૪.૫ ટકાનું છે, એમાંથી રાજેશ મહેતા પાસે ૪૧.૨૫ ટકા માલ છે. LIC પાસે ૧૦.૮ ટકા હિસ્સો છે. શૅર ગઈ કાલે માંડ ૩૬૦૦ શૅરના વૉલ્યુમે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૫ નીચે જઈ ત્યાં જ બંધ હતો. બાવીસ ડિસેમ્બરે ભાવ ૨૩૯ની વર્ષની ટોચે તો ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ૧૦૨૮ના બેસ્ટ લેવલે ગયો હતો. ફેસવૅલ્યુ એકની છે. હાલ માર્કેટકૅપ ૩૦૮૯ કરોડ જેવું છે.
