Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બન્ને બાજુ હજારી ઊથલપાથલ દાખવી બજાર ૩૦૪ પૉઇન્ટ નરમ

બન્ને બાજુ હજારી ઊથલપાથલ દાખવી બજાર ૩૦૪ પૉઇન્ટ નરમ

Published : 04 June, 2026 09:22 AM | IST | Mumbai
Anil Patel

ITમાં બે દિવસની મજબૂતી એક જ દિવસમાં મોટા ભાગે સાફ થઈ ગઈ, આંક ૧૫૦૯ પૉઇન્ટ કે પાંચ ટકા તૂટ્યો : માર્કેટકૅપમાં ૭૪,૬૭૭ કરોડના ધોવાણ સાથે સાડાઆઠ ટકાના કડાકામાં TCS સેન્સેક્સ, નિફ્ટી, IT ઇન્ડેક્સ તથા ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. નવા ઑર્ડરના કરન્ટમાં જ્હોન કોકરિલ ઇન્ડિયા વૉલ્યુમ સાથે ૧૫૧૯ રૂપિયાની તેજીમાં નવા શિખરે
  2. થંગમયિલ જ્વેલરી નવા શિખર સાથે વધુ ૧૮૫ રૂપિયા ઝળકી
  3. સ્ટૉક બ્રોકિંગ કંપની એમ્કે ગ્લોબલ ઉપલી સર્કિટમાં 

ટ્રમ્પના ટૅરિફનાં તોફાન ફરી શરૂ થઈ ગયાં છે. આ અશાંત અને ઉત્પાતિયો જીવ દુનિયાને શાંતિથી જીવવા નહિ દે એ વાત નક્કી છે. ઈરાનના મામલે શાંતિથી જીવવા નહિ દે એ વાત નક્કી છે. ઈરાનના મામલે પણ વાતાવરણ ડહોળાયેલું છે. શાંતિની વાતોનાં વડાં કરતાં-કરતાં અમેરિકાનાં છમકલાં વધવા માંડ્યાં છે. શાંતિ સ્થપાય એ પહેલાં અમેરિકા-ઈરાન વચ્ચે ફરી એક યુદ્ધ થઈને જ રહેશે એમ લાગે છે. બ્રેન્ટ ક્રૂડ ૯૮ ડૉલર નજીક પહોંચી ગયું છે. સોના-ચાંદી અડધાથી એક ટકો ઘટ્યાં છે. બિટકૉઇન ઘટતો રહી નીચામાં ૬૫,૬૦૦ ડૉલર થઈ સવાચાર ટકાની ખરાબીમાં ૬૭,૧૦૦ ડૉલર અંદર રનિંગમાં રહ્યો છે. ફેબ્રુઆરીમાં ૬૨,૩૫૩ ડૉલરનું જે મલ્ટીયર બૉટમ બન્યું હતું એ તૂટશે એમ લાગે છે. એશિયા ખાતે ગઈ કાલે સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ રજામાં હતાં. અન્યત્ર મિશ્ર વલણ જોવાયું છે. જપાન ૬૮,૭૬૦ની નવી વિક્રમી સપાટી બતાવી ત્રણેક ટકા વધીને ૬૮,૭૧૮ બંધ થયું છે. સિંગાપોર ૫૧૫૧ નજીક સર્વોચ્ચ સપાટી હાંસલ કરી અડધો ટકો વધીને ૫૧૨૮ વટાવી ગયું છે. તાઇવાન ૪૬,૫૫૨ની ઑલટાઇમ હાઈ બાદ બે ટકા ઊંચકાઈ ૪૬,૪૫૯ હતું. ચાઇના નહીંવત સુધર્યું છે. સામે હૉન્ગકૉન્ગ દોઢ ટકા તથા ઇન્ડોનેશિયા ચાર ટકાથી વધુ ડાઉન થયાં છે. યુરોપ ખાતે રનિંગમાં જર્મન ડેક્સ એક ટકો તથા અન્ય બજાર સામાન્યથી અડધો ટકો ઢીલાં હતાં. ડૉલર સામે રૂપિયો ૯૫.૨૮ના આગલા બંધ સામે ગગડી ૯૫.૮૦ બતાવી ૯૫.૭૧ આસપાસ રહ્યો છે. ચાલુ

કૅલેન્ડર વર્ષના પ્રથમ પાંચ માસમાં ૨.૬૫ લાખ કરોડની નેટ વેચવાલી કરનાર FII ભારતીય શૅરબજારથી રાબેતા મુજબ ખફા છે. જૂન માસના પ્રથમ બે દિવસમાં એણે પોણાતેર હજાર કરોડ રૂપિયાની રોકડી કરી લીધી છે.



સેન્સેક્સ આગલા બંધથી ૧૪૨ પૉઇન્ટ નરમ, ૭૪,૫૦૮ નીચે ખૂલી છેવટે ૩૦૪ પૉઇન્ટ ઘટી ૭૪,૩૪૬ તથા નિફ્ટી ૭૮ પૉઇન્ટ ઘટી ૨૩,૪૦૫ ગઈ કાલે બંધ થયો છે. બજાર પ્રારંભિક નબળાઈમાં આગલા બંધથી ૧૧૫૮ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૭૩,૪૯૨ થયું હતું. બીજું સત્ર રિકવરીનું હતું. એમાં સેન્સેક્સ નીચલા મથાળેથી ૧૦૨૪ પૉઇન્ટ વધી ઉપરમાં ૭૪,૫૧૬ થયો હતો. નિફ્ટી નીચામાં ૨૩,૧૫૧ દેખાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી બજાર નીચે ગયા પછી સારું એવું બાઉન્સબૅક થાય છે એ એક સારી વાત છે, પરંતુ દર વખતે લોઅર બૉટમ બની રહી છે એ મોટી ચિંતાનો વિષય છે. આગળ ઉપર બહુ મોટી ખરાબી આવે તો નવાઈ નહીં. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૭૯ શૅર સામે ૧૯૧૫ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૧.૬૮ લાખ કરોડ ઘટી ૪૬૧.૦૬ લાખ કરોડ રહ્યું છે.


બજારનાં બહુમતી ઇન્ડાઇસિસ ઘટ્યાં છે. ITમાં બે દિવસની મજબૂતી તકલાદી હોય એમ ગઈ કાલે પાંચ ટકા કે ૧૫૦૯ પૉઇન્ટનો ધબડકો થયો છે. રિયલ્ટી દોઢ ટકા, FMGC એકાદ ટકો તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધો ટકો નરમ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ નવા શિખરે જઈ બે ટકા પ્લસ હતો. PSU બૅન્ક નિફ્ટી પોણાબે ટકા, બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા, હેલ્થકૅર અડધો ટકો અપ હતો. સેન્સેક્સ અને નિફ્ટી ખાતે TCS ૮.૪ ટકા, ટેક મહિન્દ્રા સવાછ ટકા, HCL ટેકનો ૫.૩ ટકા, ઇન્ફોસિસ ૩.૮ ટકા, વિપ્રો પોણાત્રણ ટકા ડૂલ થઈ વર્સ્ટ પર્ફોર્મર બન્યાં છે. TCSની ખરાબી બજારને ૧૭૭ પૉઇન્ટ તથા નિફ્ટીની બૂરાઈ ૧૪૩ પૉઇન્ટ નડી છે. વિપ્રો સિવાયના ૪ શૅર કુલ ૪૩૧ પૉઇન્ટ નડ્યા છે.

ITC નવા તળિયાની શોધ સાથે ચાર વર્ષના વર્સ્ટ લેવલે


જ્હોન કોકરિલ ઇન્ડિયાને JSW વિજયનગર મેટલિક્સ તરફથી ૧૨૫૦-૧૩૦૦ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ગઈ કાલે ૯૧૧૩નું શિખર બનાવી ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ હતો. અગાઉ CMIFPE લિમિટેડ તરીકે ઓળખાતી મુંબઈની આ કંપનીના શૅરની ફેસવૅલ્યુ ૧૦ની તથા બુકવૅલ્યુ ૪૨૬ની છે. ઇક્વિટી માત્ર ૪૯૪ લાખ છે. વિદેશી પ્રમોટર ૭૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. આનંદરાઠી વેલ્થ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે નીચામાં ૧૭૨૧ બતાવી પોણો ટકો સુધરી ૧૭૮૫ રહી છે. તાતાની ટ્રેન્ટ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ એકાદ ટકો વધીને ૪૨૫૮ હતી.

ITC ૨૭૫ની ચાર વર્ષની બૉટમ બનાવી સવાબે ટકા ગગડી ૨૭૭ બંધ થઈ છે. એટર્નલ, લાર્સન, અદાણી એન્ટરપ્રાઇઝ, જિયો ફાઇનૅન્શિયલ, SBI લાઇફ, તાતા કન્ઝ્યુમર, HDFC લાઇફ એકથી દોઢ ટકો ડાઉન હતી. હેવીવેઇટ રિલાયન્સ સાધારણ ઘટી ૧૩૧૩ રહી છે. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ અઢી ટકા, તાતા મોટર્સ પૅસેન્જર બે ટકા, મેક્સ હેલ્થકૅર ૧.૮ ટકા વધી સુધારામાં મોખરે હતી. સેન્સેક્સ ખાતે ઇન્ડિગો ૧.૬ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા તથા ICICI બૅન્ક ૧.૩ ટકા વધી છે. HDFC બૅન્ક ૦.૭ ટકા વધી ૭૫૪ રહી છે. આઇટી ઇન્ડેક્સના ૮૦માંથી માત્ર ૧૦ શૅર સુધર્યા હતા. નેટવર્ક પીપલ સાડાચાર ટકા વધી ૧૩૯૫ થઈ છે. TCS ૮.૪ ટકા કે ૨૦૬ રૂપિયાના કડાકામાં સેન્સેક્સ, નિફ્ટી, IT ઇન્ડેક્સ તેમ જ ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે. પર્સિસ્ટન્ટ ૭ ટકા, લાટિમ ૬.૭ ટકા અને કોફોર્જ ૬.૫ ટકા ડૂલ થઈ હતી. ઓલા ઇલેક્ટ્રિક ૪ ગણા કામકાજમાં ૧૦ ટકા ઊછળી ૪૪ થઈ છે. IFCI ૮૨ નજીક નવી ટોચે જઈ ૧૨ ટકા ઊછળી ૮૦ના બંધમાં બે ગ્રુપમાં ઝળકી છે. KPR મિલ્સ ૧૦ ટકા કે ૧૦૧ રૂપિયા ઊછળી ૧૧૦૧ હતી. 

મુંબઈની UHM વેકેશન ૧૬૬ના ભાવે આજે SME IPO લાવશે

આજે, ગુરુવારે બે SME IPO ખૂલવાના છે. મુંબઈના અંધેરી-ઈસ્ટની UHM વેકેશન લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપર બૅન્ડમાં કુલ ૩૬ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. એમાંથી ૭ કરોડ OFS પેટે પ્રમોટર લઈ જશે. ભરણામાં QIB પોર્શન માંડ સવા ટકા સ્થપાયેલી આ કંપની ટ્રાવેલ-ટુરિઝમ સેક્ટરમાં કામકાજ કરે છે. ૨૦૨૪-૨૫ના વર્ષે ૩૧ ટકા વધારામાં ૪૦૨૦ લાખની આવક ઉપર ૩૬ ટકા વધારામાં ૭૧૮ લાખ નેટ નફો કર્યા પછી કંપનીએ ગત વર્ષે ૧૧ માસમાં ૪૫૨૯ લાખની આવક અને ૮૦૫ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. દેવું માત્ર છ લાખનું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૬૬૫ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૨૩ પૈસા છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી.

બીજી કંપની સુરતની વાહ (VAHH) કેમિકલ્સ ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૧૩ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરશે. QIB પોર્શન નથી. રિટેલ પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની ટેક્સટાઇલને લગતાં વિવિધ ઑક્ઝિલિયરી કેમિકલ્સનું ઉત્પાદન અને ટ્રેડિંગ કરે છે. કંપનીએ છેલ્લાં બે વર્ષના કામકાજના આંકડા આપ્યા છે. ગત વર્ષે લગભગ ૮૨ ટકાના વધારામાં ૪૩૧૯ લાખની આવક ઉપર ૯૭ ટકા વૃદ્ધિદરથી ૫૦૯ લાખ નેટ નફો ગત વર્ષે બતાવી દીધો છે. દેવું ૧૧૩૧ લાખ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૮૩૧ લાખ થશે. ગ્રે માર્કેટમાં ફૅન્સી જમાવવાની રમત શરૂ થઈ ગઈ છે. પ્રીમિયમ ૧૫થી શરૂ થયા બાદ હાલ ૧૪ ચાલે છે.

વોડાફોન ૨૦ માસની ટોચે, પતંજલિ ફૂડ્સ બે વર્ષના તળિયે

વોડાફોનમાં રેટિંગ એજન્સી ઇકરા તરફથી ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આઉટલુક પણ અપગ્રેડ કર્યો છે. એના પગલે શૅર સવાયા કામકાજમાં ૧૫ની ઉપર ૨૦ માસની ટૉપ બનાવી પાંચેક ટકા ઊછળીને ૧૫ નજીક બંધ થયો છે. હીરો મોટોકૉર્પનું વેચાણ ગત મહિને ૧૨ ટકા વધી ૫.૦૭ લાખ નંગને વટાવી ગયું છે. શૅર ગઈ કાલે જોકે નીચાં ૪૮૧૯ થઈ ૦.૭ ટકા ઘટીને ૪૮૪૩ બંધ રહ્યો છે. મે માસના નબળા વેચાણમાં આગલા દિવસે ૧૦૮૦ રૂપિયા ગગડેલી ફોર્સ મોટર્સ ગઈ કાલે વધુ ૧.૯ ટકા કે ૩૩૦ રૂપિયા બગડી ૧૭,૫૦૬ બંધ થઈ છે.

જ્વેલરી કંપની થંગમયિલ જ્વેલરી બુલરન જાળવી રાખતાં અઢી ગણા કામકાજે ૪૮૧૭ના બેસ્ટ લેવલે જઈ ચાર ટકા કે ૧૮૫ની તેજીમાં ૪૭૭૫ થઈ છે. ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ બે ટકા વધી ૪૩૨ વટાવી ગઈ છે. થાણેની રુબીકૉમ રિસર્ચ ઉપરમાં ૧૩૩૮ થઈ પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં પોણાપાંચ ટકા ગગડી ૧૨૫૧ રહી છે. બાલાજી એમાઇન્સ ૨૧૯૦ની ૧૬ માસની નવી ટૉપ દેખાડી સવાપાંચ ટકાની આગેકૂચમાં ૨૧૨૨ થઈ હતી. ઠાકર ઍન્ડ કંપની આગલા દિવસની પોણાતેર ટકાની તેજી આગળ વધારતાં ઉપરમાં ૧૬૮૦ થઈ સાડાઆઠ ટકા ઊછળી ૧૫૬૦ વટાવી ગઈ છે.

સ્યૉક બ્રોકિંગ કંપની એમ્કે ગ્લોબલ ૨૬ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૯૭ થઈ છે. એંજલ વન સવાબે ટકા, મોતીલાલ ઓસવાલ પોણાબે ટકા, ગ્રોફેમ બિલ્યન બ્રેઇન્સ તથા દામ કૅપિટલ એક-એક ટકો નરમ હતી. પતંજલિ ફૂડ્સ દોઢા વૉલ્યુમે ૪૩૧ની બે વર્ષની બૉટમ બનાવી સવાબે ટકા ઘટી ૪૪૧ રહી છે. બાવીસ જુલાઈએ શૅર ૬૫૩ના વર્ષના શિખરે હતો.

રાજનંદિની ફૅશનનું લિસ્ટિંગ પણ ડિસ્કાઉન્ટમાં ગયું

મેઇન બોર્ડમાં મહિનાથી વધુના વેકેશન પછી પ્રથમ ઇશ્યુ ગઈ કાલે આવ્યો છે. હરિયાણાની CMR ગ્રીન ટેક્નૉલૉજીસનો બેના શૅરદીઠ ૧૯૨ની અપર બૅન્ડમાં ૬૩૧ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે રિટેલમાં સવાબે ગણા સહિત કુલ બે ગણાથી વધુ ભરાયો છે. ગ્રે માર્કેટમાં ૨૪થી શરૂ થયેલું પ્રીમિયમ વધી ૬૩ થયા બાદ હાલ ૬૨ બોલાય છે.

SME સેગમેન્ટમાં બે ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. હૈદરાબાદની મેરીટ્રોનિક્સ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૪૯ના ભાવનો ૭૦ કરોડનો BSE SME ઇશ્યુ આખરી દિવસે રિટેલમાં ૨૯૩ ગણા સહિત કુલ ૩૧૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૪૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઉપરમાં ૯૩ થઈ હાલમાં ૭૮ બોલાય છે. લિસ્ટિંગ સોમવારે અપેક્ષિત છે. અમદાવાદી SMR જ્વેલ્સનો ઇશ્યુ પ્રથમ ટ્રાયલમાં ફ્લૉપ જતાં એની મુદત લંબાવાઈ ૩ જૂન કરાઈ હતી. પ્રાઇસ બૅન્ડ ઘટાડવી પડી હતી જે મુજબ ૧૦ના શૅરદીઠ ૧૨૮ની અપર બૅન્ડ સાથે ૬૪ કરોડનું આ BSE SME ભરણું ગઈ કાલે આખરી દિવસે રિટેલમાં ૨૯ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. QIB પોર્શન ૫.૪ ગણો છલકાતાં ભરણું માંડ પાર થયું છે.

જયપુરની રાજનંદિની ફૅશન ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૮થી શરૂ થઈ નીચામાં ૬ અને ઉપરમાં ૧૦ થયા બાદ છેલ્લે બોલાતાં ૬ના પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૬૩ ખૂલી ૬૦ બંધ રહેતાં એમાં ૪.૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. આગલા દિવસે પોણાપાંચ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૮૭ બંધ થયેલી યશ્વી જ્વેલર્સ ગઈ કાલે ૮૯.૩૮ની ટૉપ બતાવી ૧.૮ ટકા વધી ૮૮ તથા પોણાસત્તર ટકા લિસ્ટિંગ લૉસમાં ૭૬ નીચે બંધ થયેલી હરિકાન્તા ઓવરસીઝ ૭૨નું નવું બૉટમ બતાવી પાંચ ટકા ગગડી ૭૨ બંધ રહી છે. MR મણિવેણી ફૂડ્સ ૩૭ના નવા તળિયે જઈ પાંચ ટકાના ઉછાળે ૪૧ થઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 09:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK