ML મહિન્દ્રા બુલરન જાળવી રાખતાં ૪૮૪ રૂપિયા ઊછળી લાઇફટાઇમ હાઈ થઈ: ઝી એન્ટરટેઇનમેન્ટ સતત ત્રીજા દિવસે ડાઉન
પ્રતીકાત્મક તસવીર
નેટ પ્રૉફિટમાં ૨૪૩ ટકાના વધારા પાછળ નાયકા પંચાવન માસની ટોચે જઈને પ્રૉફિટ બુકિંગનો ભોગ બની ઃ પ્રોટીન eGov ટેક્નૉલૉજીઝનો ચોખ્ખો નફો ૭૫ ટકા ગગડતાં શૅર ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર ઃ માથે પરિણામ વચ્ચે સેલોવર્લ્ડ ૧૨૬ ગણા વૉલ્યુમે ૧૫.૭ ટકાની તેજીમાં ઃ SML મહિન્દ્રા બુલરન જાળવી રાખતાં ૪૮૪ રૂપિયા ઊછળી લાઇફટાઇમ હાઈ થઈ ઃ ઝી એન્ટરટેઇનમેન્ટ સતત ત્રીજા દિવસે ડાઉન
રિઝર્વ બૅન્કે વ્યાપક ધારણા પ્રમાણે વ્યાજદર યથાવત રાખ્યો છે. અપેક્ષિત જીડીપી કે આર્થિક વિકાસ દર ૬.૬ ટકાથી વધારીને ૬.૭ ટકાનો તથા ફુગાવાનો અંદાજ ૫.૧ ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યો છે. મજાની વાત એ છે કે આ બધું તેણે ફુગાવાની ખાસ કરીને ક્રૂડ ઇન્ફલેશન વિશે ચિંતા કરતાં-કરતાં કર્યું છે. દરમ્યાન સેબીએ અમલી બનાવેલી ક્લોઝિંગ ઑક્શન સેસની નવી તઘલખી યોજનાના પગલે BSE તથા NSE વચ્ચે મેઇન ઇન્ડેક્સ તેમ જ સેક્ટોરલ સહિત સંખ્યાબંધ શૅરમાં ભાવફરકની સ્થિતિ હજી થાળે પડી નથી. સેન્સેક્સ આગલા બંધથી ગઈ કાલે ૬૨૬ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૯,૦૫૫ ખૂલી અેને જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી નીચામાં ૭૮,૨૮૬ની અંદર જઈ છેવટે ૧૫૨ પૉઇન્ટના સુધારામાં ૭૮,૫૮૧ બંધ થયો છે. સામે નિફ્ટી આગલા બંધથી ૫૪ પૉઇન્ટ પ્લસ, ૨૪,૬૬૯ ખૂલી ઉપરમાં ૨૪,૬૭૭ તથા નીચામાં ૨૪,૪૯૮ દેખાડી પોણાદસ પૉઇન્ટના પરચૂરણ સુધારે ૨૪,૬૨૫ નજીક બંધ આવ્યો છે. બાય ધ વે, ક્લોઝિંગ ઑક્શન સિસ્ટમ્સની અસર બાદ કરીએ તો નિફ્ટી ૩.૨૫ વાગ્યે ૨૪,૫૭૦ હતો અર્થાત આગલા બંધથી નિફ્ટી જે ૪૫ પૉઇન્ટ માઇનસ હતો અે આ નવી સિસ્ટમ્સ હેઠળ ગણતરીની મિનિટમાં જ પંચાવન પૉઇન્ટ વધી ગયો હતો.
ADVERTISEMENT
પ્રોવિઝનલ ફીગર પ્રમાણે BSEનું માર્કેટકૅપ ૨.૭૭ લાખ કરોડ વધી ૪૯૨.૨૭ લાખ કરોડ તથા NSEનું માર્કેટકૅપ ૨.૪૧ લાખ કરોડ વધીને ૪૯૨.૩૮ લાખ કરોડ થયું છે. NSEનું માર્કેટકૅપ ગઈ કાલે નવા શિખરે ગયું છે. સેન્સેક્સના ૦.૨ ટકાના તથા નિફ્ટીના ૦.૦૪ ટકાના સુધારા સામે ઑટો ઇન્ડેક્સ ૧.૪ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા, રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૨ ટકા પ્લસ થયા છે. NSE ખાતે બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા, નિફ્ટી મીડિયા ૧.૬ ટકા નરમ હતો. PSU બૅન્ક નિફ્ટી પોણો ટકો વધ્યો છે.
બ્રેન્ટ ક્રૂડ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિના નવા તમાશા વચ્ચે ઘટી નીચામાં ૭૭ થયા બાદ આગલા બંધથી સવા ટકો વધીને ૮૦.૭ ડૉલર દેખાયું છે. મોટા ભાગનાં એશિયન શૅરબજાર વધ્યાં છે. સિંગાપોર તથા થાઇલૅન્ડ અડધો ટકો નરમ હતું. સામે જપાન સાડાત્રણ ટકા, સાઉથ કોરિયા ૩.૬ ટકા, તાઇવાન પોણાત્રણ ટકા, ચાઇના દોઢ ટકો મજબૂત હતું. યુરોપ રનિંગમાં ફ્લૅટ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૩૯ના આગલા બંધ સામે તગડા સુધારામાં ૯૪.૯૨ ખુલ્યા પછી ૯૫.૧૨ આસપાસ રહ્યો છે.
નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, ગ્રાસીમ પોણાત્રણ ટકા, JSW સ્ટીલ ૨.૩ ટકા, હિન્દાલ્કો બે ટકા તથા NTPC ૧.૮ ટકા વધીને મોખરે હતી. સેન્સેક્સમાં અલ્ટ્રાટેક બે ટકા, NTPC ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક પોણાબે ટકા, મહિન્દ્રા ૧.૭ ટકા, ઇન્ડિગો ૧.૩ ટકા વધીને મોખરે રહી છે. રિલાયન્સ એક ટકા નજીકની નબળાઈમાં ૧૨૮૧ બંધ આપી બજારને ૬૮ પૉઇન્ટ નડી છે. TCS નિફ્ટી ખાતે બે ટકા નજીક તો સેન્સેક્સમાં સવા ટકા નજીક ઘટી ટૉપ લુઝર બની છે. HCL ટેક્નૉલૉજીઝ ૧.૧ ટકા ઘટી છે. નિફ્ટી ખાતે ઘટાડામાં આગળ રહેલા અન્ય શૅરમાં અપોલો હૉસ્પિટલ્સ ૧.૬ ટકા, સનફાર્મા સવા ટકો, HCL ટેક્નૉલૉજીઝ દોઢ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૧.૨ ટકા ડાઉન હતી.
ઔરંગાબાદની LAPL ઑટોમોટિવનો SME ઇશ્યુ આજે
આજે, ગુરુવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદની LAPL ઑટોમોટિવ ૧૦ના શૅરદીઠ ૯૪ની અપરબેન્ડમાં કુલ ૩૨ કરોડનો BSE SME IPO કરશે. માર્કેટમેકર્સ માટે બે કરોડના શૅર રિઝર્વ્ડ છે. ભારણામાં QIB પોર્શન ૪૯.૮ ટકા, રીટેલ પોર્શન ૩૪ ટકા છે. ૨૦૦૪માં સ્થપાયેલી આ કંપની વિવિધ પ્રકારનાં ઑટો કમ્પોનન્ટ્સ તેમ જ એસેસરીઝ બનાવે છે. ગત વર્ષે ૪૧ ટકા વધારામાં ૯૪૩૨ લાખની આવક ઉપર ૭૧ ટકાના વૃદ્ધિદરથી ૮૬૩ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૧૫૭૯ લાખથી ખાસ્સું ઘટીને ૭૮૪ લાખ રહ્યું છે. ઇશ્યુમાંથી ૧૯૫૬ લાખ નવા યુનિટની સ્થાપનામાં તથા ૪૭૯ લાખ દેવાની ચુકવણીમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બાવીસથી શરૂ થઈ હાલમાં ૨૬ બોલાય છે.
દરમ્યાન મેઇન બોર્ડમાં નવી દિલ્હીની અર્ડી ઇન્ડસ્ટ્રીઝનો બેના શૅરદીઠ ૫૩ની અપરબેન્ડમાં ૪૨૬ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩.૩ ગણા સહિત કુલ ૩.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધી ૧૪ ચાલે છે. બૅન્ગલોર અર્બનની એજસ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૨૪ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૯ ગણો ભરાયો છે. જ્યારે વાપીની અનાવિલ વાયરનો ૧૦ના શૅરદીઠ ૨૭૦ના ભાવનો ૧૭૮ કરોડનો NSE SME IPO અેના આખરી દિવસે રીટેલમાં ૧૦૫ ગણા સહિત કુલ ૧૫૦ ગણો પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ આગળના ૮૦ સામે હાલ ત્યાં જ ચાલે છે. એજસમાં પહેલેથી ગ્રેમાર્કેટ ખાતે કોઈ કામકાજ નથી. દરમ્યાન કુલ ૧૦૯ ગણા ભરાઈ ગયેલા GV ઇલેક્ટ્રિકલ્સમાં હાલ ૨૪નું પ્રીમિયમ છે. ભરણું ૭ ઑગસ્ટે બંધ થવાનું છે.
મનીપાલ હેલ્થમાં શૅરદીઠ ૭૭ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે મેઇન બોર્ડમાં મનીપાલ હેલ્થ બેના શૅરદીઠ ૫૯૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૩૫થી શરૂ થઈ સતત ગગડતા રહી નીચામાં બે રૂપિયા થયા બાદ છેલ્લે બોલાતા ૪ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૬૫૫ ખૂલી ૬૬૭ બંધ થતાં ૧૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૯૨૭૫ કરોડનું આ ભરણું રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ ૫.૧ ગણું ભરાયું હતું. SME સેગમેન્ટમાં HR હાઇજીન ૧૦ના શૅરદીઠ ૮૮ની ઇશ્યુ પ્રાઇસ સામે પહેલેથી છેલ્લે સુધી ચાલતા બે રૂપિયાના પ્રીમિયમ સામે BSEમાં ૯૦ ખૂલી ૮૮ બંધ રહેતાં ઝીરો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૫૪ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં પોણાસાત ગણો અને કુલ ૬.૭ ગણો ભરાયો હતો. મેઇન બોર્ડની જુનિયર ગ્રીન એનર્જી તથા MV ઇલેક્ટ્રોસિસ્ટમ્સ ઉપરાંત SME સેગમેન્ટની ધવલ પૅકેજિંગ અને વનએન્ડિંગ ટેક્નૉલૉજીઝનું લિસ્યિંગ આજે, ગુરુવારે છે. હાલ જુનિયરમાં ૧૭ રૂપિયા, MV ઇલેક્ટ્રોસિસ્ટમ્સમાં ૧૦૨ રૂપિયા, ધવલ પૅકેજિંગમાં ૧૦ રૂપિયા તેમ જ વનએન્ડિંગમાં ૭ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
આગલા દિવસે ૬૪ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૪૯૩ બંધ રહેલી પૂજા પ્રિસિશન ગઈ કાલે ૫૦૪ની ટૉપ બતાવી નજીવી ઘટી ૪૯૩ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ અન્ય શૅરમાં પ્રોપશૉપ ઇવેન્ટ્સ નીચામાં ૫૬ બનાવી નજીવી ઘટી ૫૯, અૅડ્વાન્સ ટેકનોફોર્જ ૮૦નું તળિયું દેખાડી પાંચ ટકા તૂટી ત્યાંજ, સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સ ૧૧૦ની બૉટમ બનાવી ૧.૮ ટકા સુધરી ૧૧૭ બંધ હતી.
માર્જિનમાં ઘટાડાના પગલે કલ્યાણ જ્વેલર્સ ઝંખવાઈ
ટેલિકૉમ જાયન્ટ ભારતી અૅરટેલની ત્રિમાસિક આવક ૧૮ ટકા વધીને ૫૮,૫૩૯ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૩૭ ટકા વધીને ૮૧૬૭ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૨૦૨૭ થઈ સાધારણ વધી ૧૯૬૨ બંધ હતો. કલ્યાણ જ્વેલર્સની જૂન ક્વૉર્ટરની આવક ૪૫.૭ ટકા વધી ૧૦,૫૮૯ કરોડ થઈ છે. નફો ૩૨ ટકા વધારામાં ૩૪૯ કરોડ રહ્યો છે. ઑપરેટિંગ માર્જિન સવા ટકો ઘટી ૬ ટકા નોંધાયું છે. ભાવ ગઈ કાલે નીચામાં ૫૬૨ દેખાડી ૪.૪ ટકા ઘટી ૫૬૮ થયો છે. નાયકાએ ધારણા કરતાં સારો દેખાવ કરતાં ૨૯ ટકા વધારામાં ૨૭૮૨ કરોડની આવક અને ૨૪૩ના તગડા વૃદ્ધિદરથી ૮૦ કરોડ નેટ નફો હાંસલ કર્યો છે. માર્જિન બે ટકા વધી સાડાઆઠ ટકા થયું છે. શૅર સવાછ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૪૮ની ટૉપ બનાવી ૩.૧ ટકા ગગડી ૩૩૪ બંધ રહ્યો છે. FMCG કંપની મારિકો લિમિટેડે ૨૩ ટકા વધારામાં ૩૯૫૭ કરોડની આવક ઉપર ૨૫ ટકા વધારામાં ૬૩૦ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૮૮૧ થઈ ૨.૮ ટકા ઘટી ૮૫૪ થયો છે.
કેસ્ટ્રોલ ઇન્ડિયાએ ૨૫ ટકા વધારામાં ૧૮૭૧ કરોડની આવક ઉપર ૪૨.૫ ટકા વધારામાં ૩૪૭ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ સવાછ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૧૯૫ થઈ અઢી ટકા વધી ૧૯૧ હતો. આલ્કલી એમાઇન્સની ત્રિમાસિક આવક ૩૦.૨ ટકા વધી ૫૨૮ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૯૧.૪ ટકાના વધારામાં ૯૪૬૦ લાખ નોંધાયો છે. ભાવ ઉપરમાં ૧૯૯૯ થઈ એક ટકો સુધરી ૧૯૪૩ હતો. શૅર પરિણામ બાદ આગલા દિવસે પણ ૫.૬ ટકા કે ૧૦૨ રૂપિયા વધ્યો હતો. પ્રોટીન eGov ટેક્નૉલૉજીઝની આવક ૧૯ ટકા વધીને ૨૫૧ કરોડ થઈ છે પણ નેટ પ્રૉફિટ ૭૫.૪ ટકા ગગડી ૫૯૦ લાખ થયો છે. શૅર પાંચ ગણા કામકાજે નીચામાં ૫૭૦ થઈ ૮ ટકા તૂટી ૫૭૨ બંધ થયો છે.
સોનાટા સૉફ્ટવેર પરિણામની પૂર્વસંધ્યાએ બગડી
MCX દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૮૮ ટકાના વધારામાં ૭૦૨ કરોડની આવક તથા ૧૦૩ ટકા વધારામાં ૪૧૩ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે છતાં શૅર ૧૪ ગણા કામકાજે નીચામાં ૨૫૬૫ થઈ સવાત્રણ ટકા ગગડી ૨૬૦૦ નજીક બંધ થયો છે. માર્ચ ક્વૉર્ટરની તુલનામાં આવક ૨૨ ટકા તથા નફો ૨૧ ટકા ઘટ્યો અે બજારને ગમ્યું નથી. BSE લિમિટેડે ૬૩ ટકાના વધારામાં ૧૫૬૬ કરોડની આવક ઉપર ૬૨ ટકા વધારામાં ૮૭૪ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. અેનો ભાવ પણ નીચામાં ૩૪૯૦ થઈ ૨.૩ ટકા ઘટીને ૩૫૩૪ રહ્યો છે. સેલો વર્લ્ડના રિઝલ્ટ ૭મીએ છે. શૅર ગઈ કાલે ૧૨૬ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૪૦૯ થઈ ૧૫.૭ ટકાની તેજીમાં ૩૯૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. તાજેતરમાં ૨૪ જુલાઈએ ૩૩૭ની અંદરનું વર્સ્ટ લેવલ અેમાં બન્યું હતું. શિલ્પા મેડિકૅર ૧૧.૩ ટકા, SLM મહિન્દ્રા ૮.૯ ટકા કે ૪૮૪ રૂપિયા, હિન્દુસ્તાન કૉપર ૮.૪ ટકા તથા PTC ઇન્ડિયા સવાઆઠ ટકા વધી હતી.
મેપમાય ઇન્ડિયાની આવક ૧૫ ટકા વધી ૧૪૦ કરોડ નજીક ગઈ છે. સામે નેટ નફો સાડાઆઠ ટકા વધી ૪૯૭૦ લાખ આવ્યો છે. અેમાં શૅર બમણા કામકાજે પોણાઆઠ ટકા લથડી ૧૦૪૭ નીચે બંધ રહ્યો છે. કેએશબી લિમિટેડે ૬૦૧ કરોડની ફ્લૅટ રેવન્યુ ઉપર ૨૩ ટકા ઘટાડામાં ૩૯૮૦ લાખ નેટ નફો બતાવતાં ભાવ દોઢા કામકાજે ૭.૪ ટકા તૂટી ૭૯૦ થયો છે. સેબી તરફથી શિક્ષાત્મક પગલાં જાહેર થવાના લીધે ઝી એન્ટરટેઇનમેન્ટ ઘટાડાની હૅટ-ટ્રિકમાં પાંચ ટકા બગડી ૯૪ બંધ આવી છે. સોનાટા સૉફ્ટવેર પરિણામની પૂર્વસંધ્યાએ ૪.૪ ટકા ખરડાઈ ૩૩૫ બંધ હતી.
