° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


ટૂંકી વધ-ઘટે અથડાઈને બજારે સુધારો જાળવ્યો, માર્કેટ કૅપ સર્વોચ્ચ શિખરે

12 January, 2022 01:28 PM IST | Mumbai | Anil Patel

બ્રોડર માર્કેટ અને રોકડામાં મિશ્ર વલણના પગલે માર્કેટ બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ રહી : અદાણી એન્ટર બે લાખ કરોડનું માર્કેટ કૅપ વટાવનારી ગ્રુપની ચોથી કંપની બની : પેટીએમ પૉઝિટિવ ન્યુઝ વચ્ચે પણ નવા નીચા તળિયે , પૉલિસી બાઝાર તેની સાથે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દિવસ દરમ્યાન ૪૦૦ પૉઇન્ટની સાંકડી રેન્જમાં ઉપર-નીચે થઈ શૅરબજાર મંગળવારે ૨૨૧ પૉઇન્ટ તથા નિફ્ટી ૫૨ પૉઇન્ટ વધીને બંધ આવ્યા છે. આ સાથે બીએસઈનું માર્કેટ કૅપ ૨૭૫.૨૦ લાખ કરોડ અને એનએસઈનું માર્કેટ કૅપ ૨૭૩.૦૩ લાખ કરોડને વટાવી નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર વધ્યા હતા. એચસીએલ ટેક્નૉલૉજીઝ સવાચાર ટકાથી વધુની તેજીમાં બન્ને મેન બેન્ચ માર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. તાતા સ્ટીલ સવા ત્રણ ટકાની ખરાબીમાં સેન્સેક્સ ખાતે અને જેએસડબ્લ્યુ સ્ટીલ સાડા ત્રણ ટકા ખરડાઈને નિફ્ટી ખાતે ટૉપ લૂઝર રહ્યા છે. આઇટી ઇન્ડેક્સ એક ટકાથી વધુ અપ હતો સામે મેટલ ઇન્ડેક્સ વર્સ્ટ પર્ફોર્મર જોવા મળ્યો છે. બૅન્ક નિફ્ટી ૯૪ પૉઇન્ટ આગળ વધ્યો છે. તેના બારમાંથી સાત શૅર પ્લસ હતા. એયુ સ્મૉલ બૅન્ક સાડાપાંચ ટકા નજીકની તેજીમાં ૧૩૦૧ બંધ આપીને મોખરે હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી ૧૦ શૅરની નરમાઈમાં છ પૉઇન્ટ જેવો નજીવો ઢીલો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ૨૨ શૅર ડાઉન હતા. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૨.૮ ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૨.૩ ટકા, ઇન્ડિયન બૅન્ક તથા યુનિયન બૅન્ક ૧.૯ ટકા જ્યારે સેન્ટ્રલ બૅન્ક અને આઇડીબીઆઇ બૅન્ક દોઢ ટકો ઢીલા હતા. ફાઇનૅન્સ સ્પેસમાં ધનવર્ષા ૧૩.૩ ટકા, ઇન્ડોસ્ટાર સાડાસાત ટકા, આવાસ ફાઇ. છ ટકા, જીઆઇસી હાઉસિંગ ૪ ટકા ઊંચકાયા છે. પૂનાવાલા ફિનકાર્પ ૪.૮ ટકા ગગડીને ૨૭૪ હતો. એચડીએફસી સવાયા કામકાજમાં બે ટકા જેવી મજબૂતીમાં ૨૭૧૧ નજીક બંધ આવી સેન્સેક્સને સર્વાધિક ૮૧ પૉઇન્ટ ફળ્યો છે.
વામા ઇન્ડસ્ટ્રીઝમાં બમણા કામકાજ સાથે પાંચ ટકાની તેજીની સર્કિટ 
આઇટી સોફ્ટવેર કંપની વામા ઇન્ડસ્ટ્રીઝ ગઇ કાલે સરેરાશ કરતાં બમણા કામકાજમાં પાંચ ટકાની તેજીની સર્કિટમાં સવાબાર રૂપિયા બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. કંપનીએ સિંગાપોર ખાતે ૧૦૦ ટકા માલિકીની સબસિડિયરી તથા નોર્થ અમેરિકા ખાતે ઑફશોર ડિલિવરી સેન્ટર સ્થાપ્યાં છે. તાજેતરમાં તેણે સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ તથા ડિફેન્સ રિસર્ચ ડિપાર્ટમેન્ટ સાથે ડેટા સેન્ટરની કામગીરી શરૂ કરી છે. ફાઇવ-જી ટેક્નૉલૉજીઝના સથવારે આઇઓટી બિઝનેસને લઈ તેની મહત્વાકાંક્ષી વિકાસ યોજના છે. મંગળવારે જેપી પાવર અઢીગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે સવાદસના નવા શિખરે જઈ તેની નજીક બંધ આવ્યો છે. ઝી મીડિયા છ ગણા વૉલ્યુમમાં ૧૮ નજીક નવી ટૉપ બનાવી ત્રણેક ટકા વધીને સાડા સત્તર આસપાસ હતો, જ્યારે ઝી લર્ન સવાપાંચ ટકા ગગડી ૧૭ની અંદર ઊતરી ગયો છે. કૉફી ડે એન્ટરપ્રાઇઝીસ સાતગણા કામકાજ સાથે ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને બાવન રૂપિયા નજીક પહોંચ્યો છે.  
વોડાફોનમાં સરકાર લાર્જેસ્ટ શૅરહોલ્ડર થશે, ભાવ તૂટ્યો
વોડાફોન દ્વારા સ્પેક્ટ્રમ તેમ જ એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પેટે સરકારના લેણાંને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાનું નક્કી થયું છે. આના કારણે કંપનીમાં સૌથી વધુ ૩૫.૮ ટકાનું હોલ્ડિંગ સરકારનું થઈ જશે. કન્વર્ઝન એટપા ર એટલે કે ૧૦ રૂપિયાના શૅરદીઠ ૧૦ના ભાવે થવાનું છે. આના પગલે શૅર ૧૪.૮૫ના આગલા બંધ સામે ગઈ કાલે નીચામાં ૧૦.૫૦ થઈ ૨૦.૫ ટકાની ખરાબીમાં ૧૧.૮૦ બંધ રહ્યો છે, વૉલ્યુમ ચારગણું હતું. એક રીતે કહીએ તો મૅનેજમેન્ટનો આ સ્માર્ટ મૂવ છે. એજીઆર, સ્પેક્ટ્રમની ચુકવણીના માથાના દુખાવો આનાથી લગભગ દૂર થશે. કંપની તેની ગ્રાહકદીઠ સરેરાશ આવક (એઆરપીયુ) અને સબસ્ક્રાઇબર્સ બેઝ્ડ વધારવા પૂરતું ધ્યાન આપી શકશે. ફાઇવ-જી માટે જરૂર રોકાણ કરી શકશે. કંપનીમાં સરકાર સૌથી મોટી શૅરહોલ્ડર બની રહી છે તે પણ એક રીતે પૉઝિટિવ ફૅક્ટર કહી શકાય. આજના કડાકા પછી શૅર નીચલા મથાળેથી ઝડપથી બાઉન્સબૅક થશે એમ લાગે છે. અન્ય ટેલિકૉમ શૅરમાં ભારતી અૅરટેલ સહેજ ઘટીને ૭૦૪ નજીક, એમટીએનએલ  ૪.૨ ટકા ઘટી ૩૩, તાતા ટેલિ રાબેતા મુજબ ઉપલી સર્કિટમાં ૨૯૧ના બેસ્ટ લેવલે, તેજસ નેટ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૪૬૯ બંધ હતા.. 
પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસ સુધર્યો, ઇન્ફી અને વિપ્રો સુસ્ત
ઇન્ફી, ટીસીએસ તથા વિપ્રોનાં પરિણામ ૧૨ જાન્યુ.ના રોજ છે. ઇન્ફી ગઈ કાલે ઉપરમાં ૧૮૭૦ થઈ સાધારણ વધી ૧૮૫૬ રૂપિયા, ટીસીએસ ઉપરમાં ૩૯૨૬ બતાવી એક ટકો વધીને ૩૯૧૮ રૂપિયા તો વિપ્રો ૬૯૪ના આગલા લેવલે બંધ હતા. માઇન્ડ ટ્રીના પરિણામ ગુરુવારે છે, ભાવ અડધો ટકો વધીને ૪૫૮૦ બંધ હતો, જ્યારે એચસીએલ ટેક્નો ગઈ કાલે બે ગણા કામકાજમાં ૧૩૪૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૩ ટકા ઊંચકાઈને ૧૩૪૪ હતો, તેના પરિણામ ૧૪મીએ છે. શૅરદીઠ એક બોનસ તથા ૧૫૦ રૂપિયાના ઇન્ટરિમની જાહેરાત બાદ બજારની નારાજગીમાં ૨૫ ટકા જેવો તૂટી ગયેલો હિન્દુજા ગ્લોબલ ગઈ કાલે ત્રણ ગણા કામકાજ સાથે ઉપરમાં ૩૧૦૯ થઈ છ ટકા કે ૧૭૨ રૂપિયાના બાઉન્સ બૅકમાં ૩૦૧૧ બંધ હતો. કંપની તરફથી શૅરદીઠ ૪૦૦૦ રૂપિયાની વન-ટાઇમ આવક સામે માત્ર ૧૫૦ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર થતાં ભાવ ૩૯૪૮ની ઑલટાઇમ હાઈથી બે એક દિવસમાં જ તૂટી ૨૭૨૭ના તળિયે આવી ગયો હતો. કંપનીએ વધુ ખુવારી ટાળવા ૧૪મીએ બાયબૅક માટે બોર્ડ મીટિંગ બોલાવી છે. તેની અસર ગઈ કાલે દેખાઈ છે.  
એબી કોટસ્પિન ૨૦૨૨ની પ્રથમ લિસ્ટેડ કંપની બની
પંજાબના ભટિન્ડાની એબી કોટસ્પિન ૨૦૨૨ના વર્ષે લિસ્ટેડ થનારી પ્રથમ કંપની બની છે. ૧૦ના શૅરદીઠ ૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવ મંગળવારે ૩૮.૫૦ ખૂલી ઉપરમાં ઉપલી સર્કિટે ૪૦.૪૦ અને નીચામાં ૩૮ થઈ અંતે ૪૦.૪૦ બંધ હતો જે ૧૫.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન બતાવે છે. બુધવારે ટાઇમસ્કેન લૉજિસ્ટિક્સ તથા એક્સેન્સિવ એજ્યુ.ના લિસ્ટિંગ છે. ટાઇમ સ્કેનના લિસ્ટિંગમાં ધમાલ થવાની છે. દરમ્યાન મેકવાયરના ડાઉન ગ્રેડિંગમાં ગગડીને પેટીએમ સોમવારે ઓલટાઇમ તળિયે ગયા પછી ગઈ કાલે પણ ૧૧૧૩નું નવું બૉટમ બતાવી ૩.૩ ટકા ઘટી ૧૧૧૯ બંધ રહ્યો છે. ભાવ વૉલ્યુમ સાથે અહીં ઘટતા જાય છે. તેની સાથે પૉલિસી બાઝાર, જેની બેના શૅરની ઇશ્યુ પ્રાઇસ ૯૮૦  રૂપિયા હતી તે ગઈ કાલે ૮૫૭નું સૌથી નીચું તળિયું દેખાડી ૪.૩ ટકા ખરડાઈને ૮૬૦ રહ્યો છે. ગોરેગામની સુપ્રિયા લાઇફ ૫૪૫ નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૪.૫ ટકા તૂટી ૫૦૫ હતી. રેટગેઇન ટ્રાવેલ ૪૩૫ના બેસ્ટ લેવલ બાદ પોણો ટકો વધીને ૪૨૭ તથા એચ.પી. એડ્હેસિવ્સ નીચામાં ૪૫૦ થઈ ૩.૪ ટકા ઘટી ૪૬૧ હતો. ક્લેરા ઇન્ડ. પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૩ નજીક નવી ટોચે બંધ હતી. વ્હેરલેઝમાં પાંચ ટકાની મંદીની સર્કિટે ભાવ ૨૧૭ હતો. આશકા હૉસ્પિટલ્સ નવા ખેલમાં ઉપલી સર્કિટની હેટટ્રિક મારી ૧૦ ટકાના ઉછાળે ૭૭ને વટાવી ગઈ છે તો ઇકેઆઇ એનર્જી તેજીની સર્કિટમાં ૫૪૪ના ઉછાળે ૧૧૪૩૬ની વિક્રમી સપાટીએ પહોંચી છે. 
અદાણી એન્ટર અને અદાણી ગ્રીન તગડા ઉછાળે નવા શિખરે 
અદાણી ગ્રુપની ફ્લેગશિપ અદાણી એન્ટર. ત્રણગણા કામકાજમાં ૧૮૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૫.૩ ટકાની મજબૂતીમાં ૧૮૪૪ બંધ રહી છે. આ સાથે તેનું માર્કેટ કૅપ ૨.૦૩ લાખ કરોડ આવી ગયું છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટસ ૩.૬ ટકા વધી ૭૬૫ રૂપિયા, અદાણી પાવર અડધો ટકો ઘટી ૧૦૮ રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન ૧.૯ ટકા વધી ૧૮૬૦ રૂપિયા, અદાણી ગ્રીન છ ગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૮૨ના બેસ્ટ લેવલે તો અદાણી ટોટલ સવા ટકાના સુધારામાં ૧૭૮૪ બંધ હતા. મુકેશ અંબાણીની રિલાયન્સ સવાયા કામકાજમાં પોણો ટકો વધી ૨૪૫૫ રહી છે જ્યારે ગ્રુપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા. ૧૦૩૧ની નવી ઊંચી સપાટી બનાવી ૩ ટકા વધી ૯૮૭ હતી. જસ્ટ ડાયલ આઠેક ગણા વૉલ્યુમમાં ૯૦૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬.૪ ટકાની તેજીમાં ૬૬૩ થયો છે. નેટવર્ક ૧૮ મીડિયા બે ટકા, ટીવી ૧૮ બ્રોડકાસ્ટ પોણા બે ટકા, હેથવે કેબલ અડધો ટકો, ડેન નેટવર્ક એક ટકો, સ્ટર્લિંગ અૅન્ડ વિલ્સન અડધો ટકો, જીટીપીએલ હેથવે ૨.૮ ટકા ડાઉન હતા. હેથવે ભવાની પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૪ નજીક બંધ હતી. અૅમેઝૉન સુપ્રીમ કોર્ટમાં જવાના અહેવાલ પાછળ ફ્યુચર ગ્રુપના શૅર પોણાથી બે ટકા જેવા ઢીલા હતા. ફ્યુચર રીટેલ અપવાદ તરીકે નહીંવત્ નરમ હતો. જ્યારે ફ્ચુચર એન્ટરનો ડીવીઆર ૩ ટકા ધોવાયો છે. 
મેટલ શૅરોમાં સાર્વત્રિક ખરાબી, ઇન્ડેક્સ ૫૪૮ પૉઇન્ટ ગગડ્યો 
જેફરીઝ તરફથી તાતા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં અને કોટક ઇન્સ્ટિટ્યુનલ દ્વારા સેઇલમાં ડાઉન ગ્રેડિંગ આવ્યા છે. આ ઉપરાંત મોટા ભાગના વિશ્લેષકો માને છે કે સ્ટીલ શૅરોમાં નજીકનું ભાવિ ખાસ પ્રોત્સાહક નથી. આની અસરમાં મંગળવારે બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૧૦ શૅરની ખરાબીમાં ૨.૮ ટકા કે ૫૪૮ પૉઇન્ટ પીગળ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરની નબળાઈમાં બે ટકા ડૂલ થયો છે. જિંદલ સ્ટીલ તથા સેઇલ પાંચેક ટકા નજીક, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણા ચાર ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, વેદાન્તા અઢી ટકા, હિન્દુસ્તાન ઝીંક પોણા બે ટકા, હિન્દાલ્કો ૧.૪ ટકા, હિન્દુ. કોપર એક ટકો ઘટ્યા છે. માઇનિંગ સેગમેન્ટમાં એમઓઆઇએલ પોણા ત્રણ ટકા વધીને ૧૭૨ હતો. ઓરિસ્સા મિનરલ્સ દોઢ ટકા, એનએમડીસી અઢી ટકા, ડેક્કન ગોલ્ડ સવાત્રણ ટકા ડાઉન હતા. જીએમડીસી સામા પ્રવાહે ૮૯ની નવી ટૉપ બનાવી સાડા છ ટકાની તેજીમાં ૮૬ રહ્યો છે, કામકાજ નવ ગણા હતા. કોલ ઇન્ડિયા સવા ટકાથી વધુની નરમાઈમાં ૧૫૯ નીચે જોવાયો છે. નાલ્કો સાડાત્રણ ટકા ગગડીને ૧૦૮ હતો. 

12 January, 2022 01:28 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા મહારેરા પ્રમોટરોથી નવાં ફૉર્મ દ્વારા માહિતી માગે છે

રિયલ એસ્ટેટ ક્ષેત્રે હવે ગ્રાહકોના હિતનું ઘણી સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

15 January, 2022 05:58 IST | Mumbai | Parag Shah

News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 

15 January, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધી

પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધી : વેપારખાધ વધીને ૨૧.૬૮ અબજ ડૉલર થઈ

15 January, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK