Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તનાવો વચ્ચેની આ તેજીમાં તમે તણાઈ રહ્યા છો કે કમાઈ રહ્યા છો?

તનાવો વચ્ચેની આ તેજીમાં તમે તણાઈ રહ્યા છો કે કમાઈ રહ્યા છો?

Published : 19 May, 2025 07:28 AM | Modified : 21 May, 2025 06:55 AM | IST | Mumbai
Jayesh Chitalia

વર્તમાન પડકારરૂપ સંજોગો વચ્ચે શૅરબજાર જે ચાલ ચાલી રહ્યું છે એ ઘણા સવાલ ઉઠાવી રહ્યું છે, શું અત્યારે જે મુજબ માર્કેટ ઊછળી રહ્યું છે એ વાજબી છે?

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વર્તમાન પડકારરૂપ સંજોગો વચ્ચે શૅરબજાર જે ચાલ ચાલી રહ્યું છે એ ઘણા સવાલ ઉઠાવી રહ્યું છે, શું અત્યારે જે મુજબ માર્કેટ ઊછળી રહ્યું છે એ વાજબી છે? થોડો વખત પહેલાં હેવી કરેક્શનના તબક્કામાંથી પસાર થયેલા બજારને એવાં તે કયાં પરિબળો મળી ગયાં? ગ્લોબલ ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ બનવા લાગ્યા? શું હવે વૅલ્યુએશન આકર્ષક છે? તનાવો વચ્ચેની આ તેજીમાં તણાઈ ન જવાય એ માટે સજાગ રહેવું પણ જરૂરી છે 

ભારત-પાક યુદ્ધવિરામ થયો છે કે નહીં એ પાકું માની શકાય કે કેમ એ સવાલ ભલે અધ્ધર રહ્યો, પરંતુ આ સંબંધી અહેવાલ અને ઓવરઑલ સંજોગોને ધ્યાનમાં રાખી શૅરબજારે સોમવારે  એટલો જંગી આવકાર આપ્યો હતો કે શૅરબજારના ઇતિહાસમાં એની નોંધ લેવી પડે. યસ, સેન્સેક્સ ૩૦૦૦ પૉઇન્ટ જેટલો અને નિફ્ટી ૯૦૦ પૉઇન્ટ જેટલા ઉછળા સાથે સેન્સેક્સ ૮૨ હજાર પાર અને નિફ્ટી ૨૫ હજાર નજીક પહોંચી ગયા હતા. એટલું જ નહીં, સ્મૉલ અને મિડકૅપ ઇન્ડેક્સ પણ અસાધારણ ઊછળ્યા હતા. એક જ દિવસનો આ ઉછાળો વિક્રમી હતો, એક જ દિવસમાં માર્કેટકૅપ ૧૬ લાખ કરોડ વધી ગયું હતું. આનો એક અર્થ એ પણ થાય કે માર્કેટને અનિશ્ચિતતાની જેમ યુદ્ધની સ્થિતિ પણ ગમતી નથી. બીજો અર્થ એ થાય કે બજારનો ભારત સરકારની આર્થિક મજબૂતી અને નિર્ણયશક્તિ પર વિશ્વાસ વધ્યો છે. ત્રીજો અર્થ એ થાય કે યુદ્ધ થાય તો પણ પ્રજા ભારતની જીત માટે આશાવાદી જ નહીં, બલકે કૉન્ફિડન્ટ રહી છે. જોકે મંગળવારે બજારે હેવી કરેક્શન આપી દીધું, વધ-ઘટ સાથે સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૫૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. જોકે સ્મૉલકૅપની વૃદ્ધિ ચાલુ રહી હતી. આ કરેક્શનનું મહદઅંશે કારણ પ્રૉફિટ બુકિંગ હતું, કારણ કે એક દિવસનો ઉછાળો ખરેખર પણ વન-ડેનો જ હતો. એની પાસે સતત વધવાનાં કારણ નહોતાં.



માર્કેટ વધે કે પ્રૉફિટ બુકિંગ આવ્યા કરશે


મંગળવારે બજારે આપેલું કરેક્શન મર્યાદિત રહ્યું હતું, બ્રૉડબેઝ્ડ સ્ટૉક્સમાં ઘટાડો થયો, પણ સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ ટકી રહ્યા હતા. બુધવારે સતત વૉલેટિલિટી વચ્ચે આખરમાં માર્કેટ પૉઝિટિવ બંધ રહ્યું. ગુરુવારે બજારે અણધાર્યો ઉછાળો બતાવ્યો, સેન્સેક્સ પુનઃ ૮૨ હજાર ઉપર બંધ રહ્યો અને નિફ્ટી ૨૫ હજારને પાર કરી બંધ રહ્યો હતો. આ ઉછાળાનાં ત્રણ મુખ્ય કારણો જોઈએ તો ભારત-યુએસ વચ્ચે હવે વેપારકરાર ઝડપી અમલમાં આવવાની આશા જાગી, આને પગલે માહોલ સકારાત્મક બન્યો હતો. બીજું, ક્રૂડ ઑઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવાયાની પણ અસર થઈ હતી. ઇન્ફ્લેશનના ઘટાડાને પગલે વ્યાજદરો હળવા થવાની આશા પણ નક્કર બની હતી જેણે માર્કેટને બૂસ્ટર આપ્યું હતું. આ ઉપરાંત ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII)ના રોકાણનો પ્રવાહ પૉઝિટિવ રહેતાં માર્કેટને વેગ મળવો સહજ હતું. જોકે શુક્રવારે બજારને નાનીસરખી બ્રેક લાગી હતી જે મહદઅંશે નફાના બુકિંગને કારણે ગણાતી હતી. મહત્ત્વની વાત એ હતી કે સેન્સેક્સ ૮૨ હજાર ઉપર અને નિફ્ટી ૨૫ હજાર ઉપર ટકી રહ્યા હતા. કૉર્પોરેટ પરિણામ જુઓ અને સિલેક્ટિવ બનો

હવે બજાર અને રોકાણકારો કંપનીઓનાં ચોથા ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો પર નજર રાખી બેઠા છે અને એના આધારે સ્ટૉક્સની વધ-ઘટ ચાલશે એવું માને છે. માર્કેટનો મૂડ સુધારવામાં ભારતના યુએસ અને ઈયુ (યુરોપિયન યુનિયન) સાથે વેપારકરારની સફળતાનો પણ ફાળો રહ્યો છે. યુકે અને ઈયુ સાથેના વેપારકરાર બરાબર આગળ વધ્યા તો ઉત્પાદન, ઇલેક્ટ્રૉનિક્સ, ફાર્મા, ઑટો સહિતનાં ચોક્કસ સેક્ટર્સને બૂસ્ટ મળી શકશે. ભારતે ડિફેન્સ સેક્ટરને વિશેષ મહત્ત્વ આપવાનું શરૂ કરતાં તાજેતરના માહોલમાં ડિફેન્સ સ્ટૉક્સમાં પણ કરન્ટ આવ્યો હતો જે હજી વધવાની શક્યતા છે. જોકે આના ચોક્કસ અર્થઘટન સમજીને જ આગળ વધાય, બાકી સાવચેત રહેવાય. બાય ધ વે, આવા સમયમાં સ્ટૉક્સ સિલેક્ટિવ બનવું જરૂરી છે.


કૉર્પોરેટ પરિણામોમાં જે સંકેતો છે એમાં મોટા ભાગની કંપનીઓનાં નફા અને આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે. આગામી સમય વધુ બહેતર બનવાનો આશાવાદ પણ વધ્યો છે. એપ્રિલ મધ્યથી લઈ અત્યાર સુધીમાં FII તરફથી ભારતીય માર્કેટમાં અંદાજિત ૫.૮ અબજ ડૉલરનો રોકાણપ્રવાહ આવ્યો છે. એટલું જ નહીં, એ ચાર સપ્તાહથી સાતત્યપૂર્ણ રહ્યો છે. આપણે ગયા વખતે કરેલી વાતચીતને કંઈક અંશે દોહરાવીએ તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હાલ યુએસ કરતાં ઇમર્જિંગ માર્કેટ્સ, એમાં પણ ખાસ કરીને ભારતીય માર્કેટમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઇન્ડિયા ડેડિકેટેડ ફન્ડ ભારત તરફ વધુ ઝૂકેલું છે. બીજી બાજુ, ભારતમાં સ્થાનિક રોકાણપ્રવાહ પણ જળવાઈ રહ્યો છે.

બજારની વધ-ઘટની પૅટર્નને સમજવી પડે

આમ એક ટ્રેન્ડ હવે એ જોવા મળે છે કે બજાર ક્યારેક ઊછળે છે અને ક્યારેક તૂટે છે અર્થાત જે પણ થાય છે એ મોટું-મોટું થાય છે. અલબત્ત, માર્કેટના વધતા કદ તેમ જ ઇન્ડેક્સના કદને ધ્યાનમાં રાખતાં ટકાવારીની દૃષ્ટિએ બજાર ન બહુ વધ્યું, ન બહુ તૂટ્યું ગણાય, સિવાય કે એ સતત વધે યા સતત ઘટે. જેથી રોકાણકારોએ આવા સમયમાં લાંબા ગાળાના અભિગમને પકડી રાખવામાં જ શાણપણ ગણાય. તેમ છતાં, ક્યારેક વન-ડેમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરી પ્રૉફિટ ઉપાડી લેવાય. આ માટે માર્કેટ પર બારીક નજર સાથે અલર્ટ રહેવું જરૂરી બને. ઘણી વાર આ માર્કેટ વન-ડે મૅચ જેવી હોય છે. 

થોડા જ દિવસો પહેલાં સ્થાનિક રોકાણકારો યુદ્ધના માહોલને લઈને વિશેષ સાવચેત થઈ ગયા હતા, મજાની વાત એ છે કે આ માહોલમાં પણ વિદેશી રોકાણકારોની ખરીદીનો પ્રવાહ ચાલુ હતો. માર્કેટ કરેક્શન કરતાં રિકવરી તરફી વધુ રહ્યું હતું. બીજી તરફ યુએસ-ચીન વેપારયુદ્ધ પણ જાણે શાંત પડ્યું હોય એવા અહેવાલ ફરતા થયા હતા. આ બન્ને દેશો વચ્ચે ચોક્કસ પ્રકારની સમાધાનકારી વાટાઘાટ થઈ રહી હોવાના સમાચારે ગ્લોબલ ઇકૉનૉમીને કંઈક અંશે રાહત આપી હોવાને કારણે પણ શૅરબજારને નવું બળ મળ્યું હતું. ટ્રમ્પે આક્રમક ઢબે શરૂ કરેલું ટૅરિફ યુદ્ધ જાણે ઠંડું પડી રહ્યું હોય એવી લાગણી વહેતી થતાં માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. આવું જ યુએસ-ભારતનું પણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. 

એ ખરું છે કે માર્કેટ ફરી ઝડપી વધી રહ્યું હોવાનું લાગી શકે, એનો આશાવાદ પણ બહુ ઊંચો લાગી શકે, આવા સમયમાં નકારાત્મક યા શંકાને બદલે શિસ્તનો વિચાર કરવો જોઈએ. માર્કેટમાં ઘેલા બનવું જોઈએ નહીં તેમ જ ભયભીત પણ બનવું નહીં, પરંતુ શિસ્તબદ્ધ બનવું અને વૅલ્યુએશન પર વિશેષ નજર રાખવી.

સંકેતો અને ઘટના સમજવાં રહ્યાં

પ્રૉફિટ બુકિંગ તરત આવતું રહેશે.

ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત ખરીદી વિશે બજારમાં અનિશ્ચિતતા.

ઇન્ફ્લેશનના ઘટાડા સહિત દેશનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ સારાં.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩ અબજ ડૉલર જેટલું ફન્ડ ઊભું કરવાની વિચારણા કરી રહી છે.

રીટેલ અને હોલસેલ ફુગાવાનો દર આ વખતે નીચો આવતાં વ્યાજદરમાં કાપની શક્યતા વધી છે.

યુદ્ધના સંકેતોને આધારે બજાર વધ-ઘટ કરશે.

ભારતીય માર્કેટ કેમ બહુ નહીં તૂટે?

આ વિષયમાં માર્કેટના અનુભવીઓના વિચારો-મતો જાણવા-સમજવા જેવા છે. ભારતીય શૅરબજાર બહુ નહીં તૂટવા માટે આ વર્ગ શ્રેણીબદ્ધ કારણોમાં કહે છે કે ‘સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો મોટા ઘટાડામાં ખરીદી કરવાનું રાખે છે, બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટ્યા છે, રૂપિયાનું ડૉલર સામે તૂટવાનું પણ ઘટ્યું છે. યુએસ સહિત અન્ય દેશો સાથે ભારતના વેપાર કરાર સારા રહેવાની આશા છે, કૉર્પોરેટ પરિણામ એકંદરે બહેતર રહેશે, ફિસ્કલ ડેફિસિટ નિયંત્રણમાં છે, પ્રવાહિતાનું સ્તર સારું છે, ફુગાવો નીચો જતાં વ્યાજદર કાપ આવી શકે, આર્થિક વિકાસની ગતિ ઊંચાઈ તરફ જઈ રહી છે, માત્ર એ ધીમી પડી છે. રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ઇમર્જિંગ માર્કેટ-ઇકૉનૉમીમાં ભારતના સંજોગો બહેતર છે અને ભાવિ માટે ઊંચો આશાવાદ હોવાથી ગ્લોબલ રોકાણકારો ભારતની બજાર પર સતત નજર રાખે છે અને રોકાણપ્રવાહ ઠાલવે છે. દરમ્યાન બૅન્ક ઑફ અમેરિકા (BOFA) સિક્યૉરિટીઝના સર્વેક્ષણ મુજબ એસિયન માર્કેટ્સમાં ભારત હાલ ટોચ પર છે. અગાઉનું જપાનનું સ્થાન ભારતે લીધું છે. ફન્ડ મૅનેજર્સના સર્વે અનુસાર અત્યારના ગ્લોબલ ટ્રેડ ટેન્શન વચ્ચે ભારત સૌથી ફેવર્ડ નેશનમાં છે, ત્યાર બાદ જપાન અને ચીન આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 06:55 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK