BSE લિમિટેડ ૪૦૦૦ની અંદર, પાંચ મહિનાના તળિયે : CDSLમાં આઠ મહિનાની નીચી સપાટી : MCX ત્રણમાં એના શિખરથી ૩૬ ટકા કે ૨૬૦૦ રૂપિયા જેવો લથડ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
BSE લિમિટેડ ૪૦૦૦ની અંદર, પાંચ મહિનાના તળિયે : CDSLમાં આઠ મહિનાની નીચી સપાટી : MCX ત્રણમાં એના શિખરથી ૩૬ ટકા કે ૨૬૦૦ રૂપિયા જેવો લથડ્યો : અદાણીના ૧૧માંથી ૧૦ શૅર માઇનસમાં, ઇન્ડસઇન્ડ બૅન્ક સતત નવા તળિયાની શોધમાં : ફોર્બ્સ ઍન્ડ કંપની અર્થાત્ ફોર્બ્સ ગોકાકમાં FII દ્વારા એક ટકા માલ વેચાયો, શૅર ગગડીને મલ્ટિયર તળિયે પહોંચી ગયો : બોડલ કેમિકલ્સમાં ઍન્ટિ ડમ્પિંગ ડ્યુટીની તેજી, જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અઢીસો ટકાનું ડિવિડન્ડ બેકાર ગયું : બજારની મંદીથી આવક અને નફો ઘટવાની આશંકામાં સ્ટૉક બ્રોકિંગ શૅરોમાં વેચવાલી ઊપડી : એક્સ-રાઇટ થતાં ગોરેગામની એબી ઇન્ફ્રા બિલ્ડ NSE ખાતે ૯ ટકા તૂટીઃ નેપ્સ ગ્લોબલનું લિસ્ટિંગ આજે
‘ધોતિયું ખોલી નાખ્યું એટલે ભારત ઢીલું પડી ગયું, ટૅરિફ ઘટાડવા સરેન્ડર થઈ ગયું...’ આ ભાષા અમારી નથી. નરેન્દ્ર મોદીના પરમ સખા ડોનલ્ડ ટ્રમ્પ આમ કહી રહ્યા છે. જાહેરમાં ખુલ્લેઆમ વિશ્વગુરુની આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે અને ૫૬ ઇંચની છાતી પીટનારા મોઢામાં મગ ભરીને બેસી રહ્યા છે. NDTV પ્રૉફિટવાળાએ તો ટ્રમ્પની ટૅરિફ લઈ ભારતને થનારા ફાયદા ગણાવવાનું શરૂ કરી દીધું છે. બાય ધ વે, એના માલિક ગૌતમ અદાણી છે એટલે આ ચૅનલની મજબૂરી અમે સારી રીતે સમજી શકીએ છીએ. કોઈ ગમે તે કહે, બજાર બગડવાનું છે, વધુ ને વધુ ખરડાવાનું છે એ તમે લખીને રાખજો. આમેય, ઓબેસિટી અવેરનેસના નામે સરકાર ખાસ ઝુંબેશ હાથ ધરી ચૂકી છે, શરૂઆત બજારથી થઈ ગઈ છે. શૅરબજારની ચરબી ઓગળવા માંડી છે.
ADVERTISEMENT
ચાલુ નવું સપ્તાહ ૪ દિવસના કામકાજનું છે. શુક્રવારે માર્કેટ બંધ રહેવાનું છે. સપ્તાહનો આરંભ ઘટાડાથી થયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૪૦ પૉઇન્ટ જેવો પ્લસમાં ૭૪૪૭૫ ખૂલી ઉપરમાં ૭૪૭૪૧ વટાવી ગયો હતો, પરંતુ બે વાગ્યા પછીના બગાડમાં બજાર નીચામાં ૭૪૦૨૨ થઈ અંતે ૨૧૭ પૉઇન્ટ ઘટી ૭૪૧૧૫ બંધ થયું છે. નિફ્ટી ૨૨૬૭૭ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૨૪૨૯ થઈ ૯૨ પૉઇન્ટ ઘટી ૨૨૪૬૦ થયો છે. FMCG ઇન્ડેક્સ હિન્દુસ્તાન લીવર જેવા હેવીવેઇટ્સની તાકાત પર ૭૬માંથી ૬૨ શૅર ઘટ્યા છે. એમાંય રિયલ્ટી, ઑઇલ ગૅસ એનર્જી, પાવર, કૅપિટલ ગુડ્સ, પીએસયુ બૅન્ક નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબ્લસ, સ્મૉલકૅપ જેવાં સેક્ટોરલ તો પોણાબેથી સવાબે ટકાની રેન્જમાં સાફ થયાં છે. મેટલ ઇન્ડેક્સ સતત પાંચ દિવસના સુધારા બાદ એક ટકો પીગળ્યો છે. ઑટો સવા ટકો રિવર્સ થયો છે. માર્કેટ બ્રેડ્થ ભારે બગાડમાં હતી. NSEમાં વધેલા ૬૦૭ શૅર સામે ૨૩૦૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૪૩ લાખ કરોડ રૂપિયા ઘટીને ૪૯૩.૮૬ લાખ કરોડની અંદર ઊતરી ગયું છે.
વિશ્વબજારોમાંય સારાવાટ નહોતી. એશિયા ખાતે સાઉથ કોરિયા તેમ જ જપાન સાધારણ સુધર્યા હતા. અન્યથા થાઇલૅન્ડ બે ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ બે ટકા નજીક, ઇન્ડોનેશિયા તથા તાઇવાન અડધો ટકો, સિંગાપોર અડધા ટકા નજીક નરમ હતું. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ડાઉન જોવા મળ્યું છે. મૉર્ગન સસ્ટૅન્લીવાળા કહે છે કે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ૫૦૦ ઇન્ડેક્સ કમસે કમ પાંચ ટકા ઘટવાનો છે. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલર ઉપર મક્કમ હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન નીચામાં ૮૦૨૨૩ ડૉલર બતાવી રનિંગમાં સવાબે ટકા વધી ૮૨૫૭૮ ડૉલર ચાલતો હતો.
પ્રાઇમરી માર્કેટમાં પીડીપી શિપિંગનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૧૨૬૫ લાખ રૂપિયાનો BSE SME IPO પ્રથમ દિવસે કુલ ૨૪ ટકા જેવો ભરાયો છે. કાલબાદેવીની નેપ્સ ગ્લોબલનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૧૮૮ લાખનો BSE SME ઇશ્યુ આજે લિસ્ટેડ થશે. કલકત્તાની સુપર આયર્ન ફાઉન્ડ્રી ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૬૮૦૫ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ મંગળવારે કરવાની છે. કેટલાંક સેન્ટર્સમાં ૫થી ૭ રૂપિયાનાં પ્રીમિયમ બોલાવી ભરણામાં ફૅન્સી જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ફિચના નેગેટિવ આઉટલૂકમાં અદાણીના શૅરો ઉપલા મથાળેથી ગગડ્યા
ઇન્ડસઇન્ડ બૅન્કમાં યુબીએસ, જેફરીઝ, નુવામા, બોફા ઇત્યાદિ દ્વારા ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે, પણ સિટીવાળા ૧૩૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનાકૉલને વળગી રહ્યા છે. શૅર ગઈ કાલે ૮૮૬ની પોણાત્રણ વર્ષનું બૉટમ બનાવી પોણાચાર ટકા ગગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. લાર્સન વર્ષના નવા તળિયે જવાની તૈયારીમાં હોય એમ નીચામાં ૩૧૬૯ થઈ બે ટકાના ઘટાડે ૩૧૭૯ના બંધમાં બજારને ૬૭ પૉઇન્ટ નડ્યો છે. નિફ્ટી ખાતે તાતાની ટ્રેન્ટ ચાર ટકા કે ૨૦૦ રૂપિયા તથા ONGC ૪.૨ ટકા ડૂલ થઈ ઘટવામાં મોખરે હતી. બજાજ ઑટો અઢી ટકા, આઇશર સવાબે ટકા, હીરો મોટોકૉર્પ ૧.૯ ટકા, ભારત પેટ્રોલિયમ ૦.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક, પોણાબે ટકા, ટાઇટન ૦.૭ ટકા, ઝોમાટો અઢી ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા નજીક, વિપ્રો સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૨ ટકા ડાઉન હતા. રિલાયન્સ ૦.૯ ટકા ઘટી ૧૨૩૮ થઈ છે.
પાવરગ્રિડ કૉર્પોરેશન ત્રણેક ટકાની મજબૂતીમાં ૨૭૧ બંધ આપી બન્ને બજારમાં ઝળકી છે. હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા પ્લસ હતી. ઇન્ફી એક ટકો, નેસ્લે અને એશિયન પેઇન્ટ્સ અડધો ટકો સુધર્યા હતા. ટીસીએસ અડધો ટકો નરમ હતી. ઇન્ફીમાં CLSA તરફથી ૧૯૭૮ની ટાર્ગેટ પ્રાઇસથી શૅરમાં અપગ્રેડેશન આવ્યું છે. સનફાર્મામાં HSBC ગ્લોબલ દ્વારા ૨૨૮૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૨૦૦૦ કરવામાં આવી છે. શૅર ઉપરમાં ૬૪૩ વટાવ્યા બાદ નહીંવત્ સુધારામાં ૧૬૧૨ બંધ આવ્યો છે.
રેટિંગ એજન્સી ફિચ તરફથી અમેરિકા ખાતે કાનૂની કાર્યવાહીના જોખમને ધ્યાનમાં લેતાં અદાણી એનર્જીને લઈ નેગેટિવ આઉટલૂક જારી કરાયો છે. શૅર ૭૯૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૭૩૮ થઈ દોઢ ટકાના સુધારે ૭૫૯ બંધ હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨૨૮૭થી ગગડી એક ટકો ઘટી ૨૨૨૫ હતો. અદાણી પોર્ટ્સ ઉપરમાં ૧૧૬૮ થયા બાદ નહીંવત્ ઘટાડામાં ૧૧૪૨, અદાણી પાવર ૫૩૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાધારણ ઘટી ૫૦૫, અદાણી ગ્રીન ૮૭૧ નજીક ગયા પછી દોઢ ટકો ઘટીને ૮૨૫, અદાણી ટોટલ ૬૨૬ના ઉપલા મથાળેથી ૫૯૯ થઈ સાધારણ ઘટાડે ૬૦૫, અદાણી વિલ્મર ઉપરમાં ૨૬૫ થઈ સવાત્રણ ટકા ગગડી ૨૫૨ બંધ હતો. NDTV અઢી ટકા, એસીસી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ બે ટકા ડાઉન હતો.
શોરૂમ પર દરોડા અને જપ્તીમાં ઓલા ઇલેક્ટ્રિક ઑલટાઇમ તળિયે
જેનસોલ એન્જિનિયરિંગની નાણાભીડ ઉગ્ર બની રહી છે. એમાં પ્રમોટર્સે ૯ લાખ શૅર કે ૨.૪ ટકા માલ ઑફ-લોડ કર્યો હોવાના અહેવાલે છે. સરવાળે શૅર સવાયા વૉલ્યુમે પાંચ ટકાની નીચલી સર્કિટે ૩૦૫ થઈ ત્યાં જ બંધ થયો છે. RRP સેમિકન્ડક્ટર્સમાં સટ્ટાકીય તોફાનનું જોર યથાવત્ રહેતાં ભાવ એક વધુ ઉપલી સર્કિટમાં બે ટકા વધી ૪૭૮ નજીક નવા શિખરે જઈ ત્યાં બંધ આવ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક તરફથી સંબંધિત સત્તાવાળાની જરૂરી પરવાનગી લીધા વગર આડેધડ શોરૂમ શરૂ કરાયા હોવાથી રાજ્ય સરકારોએ આવા શોરૂમ પર દરોડા પાડી વાહનો જપ્ત કરી કંપની સામે કાનૂની કારવાઈ હાથ ધરી હોવાના અહેવાલ છે. શૅર ૫૩ના વર્સ્ટ લેવલે જઈ સાડાપાંચ ટકા તૂટી ૫૩.૪૪ બંધ થયો છે. કહેવાય છે કે કંપનીએ એના ૯૫ ટકા શોરૂમ આ રીતે મનસ્વી રીતે શરૂ કર્યા છે. ફોર્બ્સ ઍન્ડ કંપનીમાં FII તરફથી એક ટકો માલ બજારમાં વેચાયાની અસરમાં ભાવ ૨૬૭ના વર્ષના તળિયે જઈ સાડાછ ટકા વધુ ગગડી ૨૭૨ રહ્યો છે.
આવાસ ફાઇનૅન્શિયર્સ ૩૦ ગણા જંગી વૉલ્યુમે ૧૮૪૫ થઈ પોણા ટકાના સુધારામાં ૧૭૧૪ હતો. સરકારે ટ્રાઇક્લોરો આઇસોસાયન્યુરિક ઍસિડની જપાન તથા ચાઇનાથી કરવામાં આવતી આયાત પર ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે એના પગલે આ પ્રોડક્ટસની એકમાત્ર ઉત્પાદક ઇન્ડિયન કંપની બોડલ કેમિકલ્સ ૧૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૮ થઈ ૧૫.૬ ટકાના ઉછાળે ૬૫ ઉપર બંધ રહી છે. ફેસવૅલ્યુ બેની છે. ચાલુ મહિને ૪ માર્ચે ભાવ ૫૦ નીચે વર્ષના તળિયે ગયો હતો. શૅર વર્ષ પૂર્વે ૯૭ની ટોચે હતો. જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટસ દ્વારા પાંચના શૅરદીઠ સાડાબાર રૂપિયાનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ઉપરમાં ૧૦૪૬ થઈ ૨.૩ ટકા ઘટી ૧૦૧૦ બંધ હતો. બજારની ખરાબી અને ઘટતા વૉલ્યુમથી આવક નફામાં એકંદર માઠી અસર થવાની આશંકામાં સ્ટૉક બ્રોકિંગ શૅર ગઈ કાલે ઘટ્યા છે. જિયોજિત પોણાછ ટકા, દૌલત અલ્ગો સવાપાંચ ટકા, અરિહંત કૅપિટલ આઠ ટકા, આમન્ડ્સ પાંચ ટકા, શૅર ઇન્ડિયા ૫.૫ ટકા, SMC ગ્લોબલ પોણાછ ટકા, એન્જલવન અઢી ટકા, મોતીલાલ ઓસવાલ સવા બે ટકા ખરડાયો હતો.
રાઇસ શૅરોમાં સુધારાની સોડમ આવી, પણ ટકી ન શકી
સરકારે બકોન રાઇસ અર્થાત્ કણકી કે ટુકડી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં આવા ચોખાની નિકાસ પર બેન મુકાયો હતો. આની અસરમાં ગઈ કાલે રાઇસ શૅરોમાં પ્રારંભે ફૅન્સી દેખાઈ હતી, પરંતુ પછીથી એ બહુધા ધોવાઈ ગઈ હતી. કેઆરબીએલ ૨૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકો ઘટી ૨૬૭, દાવત ફેમ એલટી ફૂડ્સ ઉપરમાં ૩૬૨ બતાવી સવા ટકો ઘટી ૩૪૬, ચમનલાલ સેટિયા ૩૧૮ નજીક જઈ પોણો ટકો ઘટીને ૨૯૬, કોહિનૂર ફૂડ્સ ૩૬ થયા બાદ પોણાબે ટકા ગગડી ૩૫ની ઉપર તથા ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ૧૦૯ થઈ સવા ટકો ઘટીને ૧૦૭ બંધ રહ્યો છે. જ્યારે GRM ઓવરસીઝ સાડાછ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૬૯ વટાવી અંતે ત્રણ ટકાની તેજીમાં ૨૫૭ રહ્યો છે. સર્વેશ્વર ફૂડ્સ પોણાઆઠની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પાંચ ટકા બગડી ૭ નીચે હતો. ફેસવૅલ્યુ એકની છે. આરટી એક્સપોર્ટ્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૮ થઈ ત્યાં જ રહ્યો છે.
આઇઓએલ કેમિકલ્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં મંગળવારે એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે સહેજ ઘટી ૩૪૫ હતો. ગોરેગામ-વેસ્ટની એ. બી. ઇન્ફ્રાબીલ્ડ આઠ શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ ૧૮ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે BSE ઉપર નજીવો ઘટીને ૮૨ તો NSE ખાતે ૯ ટકા તૂટીને ૮૩ નીચે બંધ આવી છે. વિપુલ ઑર્ગેનિક્સ ૧૦ના શૅરદીઠ ૪૬ના ભાવે ત્રણ શૅરદીઠ એકના પ્રમાણમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે ૩ ગણા વૉલ્યુમે નીચામાં ૧૫૧ બતાવી ૧૦.૩ ટકા ગગડી ૧૫૨ બંધ થયો છે.
BSE લિમિટેડ ખરડાયેલા માનસમાં ૩૯૭૬ની પાંચ મહિનાનું બૉટમ બનાવી ૪.૩ ટકા લથડી ૩૯૯૯ રહી છે. તો એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી CDSL લિમિટેડ પણ ૧૧૦૨ની આઠેક મહિનાની નીચી સપાટી નોંધાવી ૪ ટકા તૂટીને ૧૧૦૭ હતી. ત્રણેક મહિના પૂર્વે મિડ-ડિસેમ્બરમાં ભાવ ૧૯૯૦ના શિખરે ગયો હતો. MCX મહિનામાં ૨૨ ટકા બગડી ૪૪૮૫ની સાત મહિના પ્લસની નીચી સપાટી બનાવી ૩.૨ ટકા તૂટી ૪૫૧૩ બંધ હતી. ૬ ડિસેમ્બરે શૅર ૭૦૪૭ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો.

