૧ એપ્રિલ, ૨૦૨૩થી કરવેરાની દૃષ્ટિએ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ અને ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સમાન સ્તરે આવી ગયાં છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
લોકસભામાં ફાઇનૅન્સ બિલ ૨૦૨૩ પસાર થઈ ગયું હોવાથી બજેટમાં કરાયેલી જોગવાઈઓ હવે અમલી બની જશે. ફન્ડની ૩૫ ટકા કરતાં ઓછી રકમનું ઇક્વિટીમાં રોકાણ કરનારા ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફન્ડ્સને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એલટીસીજી)નો જે કરલાભ આપવામાં આવતો હતો એ હવે સરકારે દૂર કરી દીધો છે. એને પગલે હવે ૧ એપ્રિલ, ૨૦૨૩થી કરવેરાની દૃષ્ટિએ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ અને ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સમાન સ્તરે આવી ગયાં છે. બીજા શબ્દોમાં કહીએ તો ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સને અત્યાર સુધી એલટીસીજી બાબતે મળતો કરલાભ હવે નહીં મળે.
અત્યાર સુધી ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફન્ડમાં તમારો હોલ્ડિંગ પિરિયડ ૩૬ મહિના કરતાં ઓછો હોવાની સ્થિતિમાં શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન (એસટીસીજી) ટૅક્સ લાગુ થતો હતો. આવકવેરા કાયદાની જોગવાઈ મુજબ કરદાતાને લાગુ પડતા ટૅક્સ-સ્લૅબના આધારે એસટીસીજી ટૅક્સ ભરવો પડતો. આથી જેઓ ઉપલા ટૅક્સ-બ્રૅકેટમાં આવતા હોય તેમણે ૩૦.૯ ટકા જેટલો કરવેરો ભરવાનો આવતો. હોલ્ડિંગ પિરિયડ ૩૬ મહિના કે એનાથી વધુ હોવાની સ્થિતિમાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થતો. ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦ ટકાના દરે એલટીસીજી ટૅક્સ અને એના પર ૪ ટકાના દરે હેલ્થ ઍન્ડ એજ્યુકેશન સેસ તથા સરચાર્જ લાગુ થતા. બિનરહીશ ભારતીયો માટે ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં મળતા કૅપિટલ ગેઇન્સને ૧૦ ટકાના દરે એલટીસીજી ટૅક્સ અને ૩૦ ટકાના દરે એસટીસીજી ટૅક્સ લાગુ થતો જે ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (ટીડીએસ) તરીકે કાપી લેવાતો.
ADVERTISEMENT
અત્યાર સુધી મળી રહેલો ઇન્ડેક્સેશનનો લાભ
ખરીદી વખતના મૂલ્ય પર ફુગાવાને લીધે કેટલી અસર થઈ એ જાણીને ઇન્ડેક્સેશનનો લાભ આપવામાં આવે છે. આવકવેરા ધારાની કલમ ૪૮ હેઠળ ફુગાવાના આંકના આધારે ઇન્ડેક્સેશનના લાભની ગણતરી કરવામાં આવે છે. ઇન્ડેક્સેશના લાભને લીધે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સની જવાબદારી ઘટી જાય છે. જોકે હવે ૧ એપ્રિલ, ૨૦૨૩થી સરકારે ઇન્ડેક્સેશનનો લાભ કાઢી નાખ્યો છે. આથી ઉક્ત જણાવ્યું એ સ્વરૂપના ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં મળતા કૅપિટલ ગેઇન્સ પર કરદાતાના ટૅક્સ સ્લૅબ અનુસાર કરવેરો લાગુ પડશે.
આ પણ વાંચો: બૅન્ક-અકાઉન્ટ ટ્રાન્સફર કરનારને કાબૂમાં રાખવા મહારેરાએ બહાર પાડ્યું પરિપત્રક
ફેરફારની અસર
કેટલાક રોકાણકારો કરવેરાના લાભને કારણે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરતા હતા, પરંતુ હવે એ નીકળી જવાને લીધે આવા રોકાણનું મહત્ત્વ ઘટી ગયું છે. ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે હવે લાભ રહ્યો નથી. અહીં નોંધવું ઘટે કે ૩૧ માર્ચ, ૨૦૨૩ પહેલાં ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં કરાયેલા રોકાણને નવી જોગવાઈઓ અસર નહીં કરે. ૧ એપ્રિલ, ૨૦૨૩ પછીનાં રોકાણોને જ એ લાગુ થશે.
ઉક્ત ફેરફારને પગલે તથા કેન્દ્રીય બૅન્કે વ્યાજદરમાં વધારો કર્યો હોવાથી ફિક્સ્ડ ડિપોઝિટ અને નાની બચત યોજનાઓ ફરી આકર્ષક બનશે. આથી લૉન્ગ ટર્મ ડેટ ફન્ડ્સમાંથી લોકો નાણાંનો ઉપાડ કરે એવી શક્યતા છે. ટૂંકા ગાળા માટે રોકાણ કરનારાઓ પહેલાંની જેમ જ લિક્વિડ ફન્ડ્સ, અલ્ટ્રા શૉર્ટ ટર્મ ફન્ડ્સ, લો ડ્યુરેશન ફન્ડ્સ, મની માર્કેટ ફન્ડ્સ જેવી શ્રેણીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
બદલાયેલા સંજોગોમાં ભારતીય ડેટ માર્કેટમાં રોકાણ
રોકાણકારો પોતાને જોઈતી નાણાકીય પ્રવાહિતાના આધારે ટૂંકાથી મધ્યમ ગાળાના ડેટ ફન્ડ્સમાં રોકાણ કરી શકે છે. જોકે તેમણે એ ધ્યાન રાખવું કે ડેટ ફન્ડ્સમાં કરાતું રોકાણ પણ સંપૂર્ણપણે જોખમમુક્ત હોતું નથી. જો મૂડી સલામત રાખવી હોય તો ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવી, પરંતુ એમાં પણ બૅન્કની પસંદગી સમજદારીપૂર્વક કરવી. અહીં એ પણ જણાવવું રહ્યું કે કરવેરાનો આ ફેરફાર ફક્ત ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફન્ડ્સને નહીં, ગોલ્ડ ફન્ડ્સ, ફન્ડ ઑફ ફન્ડ્સ અને ઇન્ટરનૅશનલ ફન્ડ્સને પણ લાગુ પડે છે. કરવેરાની દૃષ્ટિએ નૉન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ તરીકે વર્ગીકૃત કરાયેલી યોજનાઓને નવો નિયમ લાગુ પડે છે. છેલ્લે ઉમેરવાનું કે જેઓ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનને લગતો લાભ લેવા માગતા હોય તેઓ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવા ૩૧મી માર્ચ સુધી બાકી રહેલા દિવસોનો ઉપયોગ કરી શકે છે.


