આજે આપણે મહારેરાના વધુ એક પરિપત્રક વિશે વાત કરીશું. આપણે જાણીએ છીએ કે દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે એક અલાયદું બૅન્ક ખાતું ખોલાવવાનો નિયમ છે
પ્રતીકાત્મક તસવીર
જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કોઈએ ઘર ખરીદ્યું ન હોય અથવા કોઈને ફાળવણી કરવામાં આવી ન હોય એવા જ પ્રોજેક્ટ્સનું ડી-રજિસ્ટ્રેશન કરાવી શકાય છે એ મતલબના મહારેરાના પરિપત્રક વિશે આપણે ગયા વખતે વાત કરી. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ડી-રજિસ્ટ્રેશનની બાબતમાં ત્રસ્ત કે અસરગ્રસ્ત વ્યક્તિ મહારેરા સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે એ પણ આ પરિપત્રકમાં કહેવામાં આવ્યું છે.
આજે આપણે મહારેરાના વધુ એક પરિપત્રક વિશે વાત કરીશું. આપણે જાણીએ છીએ કે દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે એક અલાયદું બૅન્ક ખાતું ખોલાવવાનો નિયમ છે. કોઈ પ્રોજેક્ટ માટેનું નિર્ધારિત ખાતું બીજી બૅન્કમાં કે બીજી શાખામાં ટ્રાન્સફર કરવામાં આવે એના વિશે આ પરિપત્રકમાં વાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અહીં એ પણ જણાવવું રહ્યું કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓ કે જેમને ફાળવણી થઈ છે એવા લોકો પાસેથી પ્રાપ્ત થયેલી રકમનો ૭૦ ટકા હિસ્સો શેડ્યુલ્ડ બૅન્કના નિર્ધારિત ખાતામાં જમા કરવાનો હોય છે. આ જ રકમમાંથી બાંધકામનો અને જમીનનો ખર્ચ પૂરો કરવાનો હોય છે. જે પ્રોજેક્ટ માટે નાણાં મળ્યાં હોય એમાં જ નાણાંનો ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. સંબંધિત બૅન્ક ખાતામાંથી એન્જિનિયર, આર્કિટેક્ટ અને પ્રૅક્ટિસિંગ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ નાણાંનો ઉપાડ કરી શકાય છે. ઉપાડાયેલી રકમના પ્રમાણનો તાળો પ્રોજેક્ટમાં પૂરા થયેલા કામની સાથે મળવો જરૂરી છે.
આમ છતાં વાસ્તવમાં જોવા મળ્યું હતું કે બિલ્ડરો સંબંધિત સત્તાવાળાઓની જાણ બહાર જ નિર્ધારિત બૅન્ક ખાતું એકમાંથી બીજી બૅન્કમાં કે બીજી શાખામાં ટ્રાન્સફર કરતા હતા. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમની વિરુદ્ધ જનારી આ પ્રવૃત્તિને અટકાવવા માટે મહારેરાએ નવું પરિપત્રક બહાર પાડ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે મહારેરાની પરવાનગી લીધા બાદ જ નિર્ધારિત બૅન્ક ખાતાનું એકથી બીજી બૅન્કમાં કે શાખામાં ટ્રાન્સફર કરી શકાય છે.
મહારેરાનું કહેવું છે કે પ્રોજેક્ટ સમયસર પૂરો થાય અને એના પર સત્તાવાળાઓની દેખરેખ તથા ચાંપતી નજર રહે અને સત્તાવાળાઓ આવશ્યક સુધારાત્મક પગલાં લઈ શકે એ દૃષ્ટિએ નિર્ધારિત ખાતું મહત્ત્વપૂર્ણ બને છે.
ઉક્ત પરિપત્રકને પગલે હવે પ્રમોટરે બૅન્ક ખાતામાં ફેરફાર કરવા માટે પોતાના સંબંધિત લૉગિનમાં કરેક્શન મૉડ્યુલમાં કેટલાક દસ્તાવેજો સુપરત કરવા જરૂરી બને છે. આ દસ્તાવેજો અહીં જણાવ્યા મુજબ છેઃ
બૅન્ક ખાતું બદલવા કે ટ્રાન્સફર કરવા પાછળનું યોગ્ય કારણ દર્શાવતું પ્રમોટરના લેટરહેડ પરનું સેલ્ફ ડિક્લેરેશન ઍનેક્શર એમાં દર્શાવાયેલા સ્વરૂપમાં યોગ્ય રીતે નૉટરાઇઝ કરાયેલું ડિક્લેરેશન-કમ-અન્ડરટેકિંગ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી મેળવાયેલું નવીનતમ પ્રમાણપત્ર તથા પરિપત્રકમાં જણાવ્યા મુજબના અન્ય આવશ્યક દસ્તાવેજો ઉક્ત દસ્તાવેજો કરેક્શન મૉડ્યુલમાં સુપરત કરવાના હોય છે, જેના માટે મહારેરા મંજૂરી આપે છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ એકનાં નાણાં બીજામાં વાળવામાં આવ્યાં હોવાને લીધે અટકી પડેલાં હોવાથી મહારેરાએ આ નવું પરિપત્રક તત્કાળ અસરથી અમલી બનાવ્યું છે.


