Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનાના રોકાણકારો માટે બજેટમાં જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત

સોનાના રોકાણકારો માટે બજેટમાં જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત

14 March, 2023 03:40 PM IST | Mumbai
Paresh Kapasi | paresh.kapasi@mid-day.com

અત્યાર સુધીના નિયમ મુજબ ત્રણ વર્ષની ખરીદી બાદ સોનાનું વેચાણ કરવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ટૅક્સ રામાયણ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


રોકાણ હોય કે વપરાશ હોય કે પછી રિવાજનો ભાગ હોય, સોનું ભારતીયોના જીવનનું અભિન્ન અંગ છે. રોકાણની દૃષ્ટિએ સોનામાં પ્રવાહિતા, સલામતી, વળતર અને ફુગાવાની સામે રક્ષણ એ બધા લાભ મળે છે. આવી આ મૂલ્યવાન ધાતુનું મહત્ત્વ સમજીને સરકારે હવે ફિઝિકલ સોનાનું ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીટમાં અને ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીટનું ફિઝિકલ સોનામાં રૂપાંતર કરવા માટે સુવિધા પૂરી પાડી છે. આ રૂપાંતરને કૅપિટલ ગેઇન ટૅક્સમાંથી બાકાત રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. એનો અર્થ એવો થયો કે તમે ફિઝિકલ ગોલ્ડને ડિજિટલ ગોલ્ડમાં કે ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતરિત કરો તો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ નહીં પડે. અત્યાર સુધીના નિયમ મુજબ ત્રણ વર્ષની ખરીદી બાદ સોનાનું વેચાણ કરવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. આ ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે.

ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીટ



ઇલેક્ટ્રૉનિક ગોલ્ડ રિસીટ (ઈજીઆર) એ એક પ્રકારની ડિપોઝિટરી ગોલ્ડ રિસીટ છે. એનું સ્ટૉક એક્સચેન્જ પર ટ્રેડિંગ થઈ શકે છે. વૉલ્ટ મૅનેજર પાસે ફિઝિકલ સોનું જમા કરાવવામાં આવે ત્યારે તેઓ ઈજીઆર ઇશ્યુ કરે છે. આપણે જે રીતે સ્ટૉક એક્સચેન્જ પર સ્ટૉક્સની ખરીદી અને વેચાણ કરીએ છીએ એ જ રીતે ઈજીઆરનું પણ ખરીદી અને વેચાણ થઈ શકે છે. જો ફિઝિકલ ગોલ્ડને ઈજીઆરમાં ફેરવવું હોય તો નિર્ધારિત વૉલ્ટ મૅનેજરની પાસે એની ડિપોઝિટ કરાવવાની હોય છે અને ત્યાંથી ઈજીઆર ઇશ્યુ થાય છે. આ જ રીતે જ્યારે ઈજીઆર જમા કરવામાં આવે ત્યારે વૉલ્ટ મૅનેજર એની સામે ફિઝિકલ ગોલ્ડ આપે છે. વ્યક્તિગત કરદાતા (રોકાણનો બિઝનેસ નહીં કરતા હોય એવા) તરીકે જ્યારે તમે ત્રણ વર્ષ રાખી મૂક્યા બાદ ઈજીઆરનું વેચાણ કરો છો ત્યારે તમને ઇન્ડેક્શેશનનો લાભ આપીને ૨૦ ટકાના દરે કરવેરો ભરવો પડે છે. કોઈ પણ ઍસેટના મૂલ્યમાં ફુગાવાને કારણે જે ભાવવૃદ્ધિ થાય એની અસર ઇન્ડેક્શેશનની ગણતરી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે અને રોકાણકારોને એનો લાભ મળે છે. જો ઈજીઆર ત્રણ વર્ષ કરતાં ઓછા સમય સુધી રાખવામાં આવી હોય તો સંબંધિત કરદાતાને લાગુ પડતા ઇન્કમ ટૅક્સ સ્લૅબ અનુસાર કરવેરાનો દર લાગુ પડે છે. 


સોનાનું ઈજીઆરમાં રૂપાંતર કરવામાં આવે એની પહેલાં જ્યારે સોનું ખરીદવામાં આવ્યું હોય એ વખતના ભાવને ગણતરીમાં લેવામાં આવે છે. હોલ્ડિંગ પિરિયડ એટલે કે સોનું કેટલો સમય રોકાણકાર પાસે રહ્યું એની ગણતરી કરવા માટે ઈજીઆરમાં રૂપાંતર થવા પહેલાંનો સમયગાળો પણ ગણી લેવામાં આવે છે. 

ઉપરોક્ત તમામ મુદ્દાઓને એક ઉદાહરણ દ્વારા સમજીએ... 


અમૃતભાઈએ ૧ મે, ૨૦૧૩ના રોજ પ્રતિ ૧૦ ગ્રામ ૩૦,૦૦૦ રૂપિયાના ભાવે ફિઝિકલ ગોલ્ડ ખરીદ્યું હતું. તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં આ સોનાનું ઈજીઆરમાં રૂપાંતર કરવા માગે છે. તેઓ સેબીમાં રજિસ્ટર્ડ વૉલ્ટ મૅનેજર પાસે જઈને રૂપાંતર કરાવી શકે છે. બજેટમાં પ્રસ્તાવિત સુધારા અનુસાર અમૃતભાઈને ઈજીઆરમાં રૂપાંતર કરાવતી વખતે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ નહીં પડે. 

સ્થિતિ ૧ – 

રૂપાંતર કરાવ્યા બાદ અમૃતભાઈ ૧ જૂન, ૨૦૨૪ના રોજ ઈજીઆરનું વેચાણ કરે છે. એ વખતે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૦,૦૦૦ રૂપિયા છે. ઈજીઆરના વેચાણ વખતે કૅપિટલ ગેઇન્સ કેટલો થયો એની ગણતરી ૫૦,૦૦૦ (ઇન્ડેક્શેશનનો બેનિફિટ ધ્યાનમાં લીધા બાદ) પર કરવાની રહેશે. હોલ્ડિંગનો પિરિયડ ફિઝિકલ ગોલ્ડની ખરીદીની તારીખ (૧ મે, ૨૦૧૩)થી ઈજીઆરના વેચાણ સુધી (૧ જૂન, ૨૦૨૪)નો રહેશે. આ સ્થિતિમાં કૅપિટલ ગેઇન્સ લૉન્ગ ટર્મ ગણાશે અને એના પર ૨૦ ટકા લેખે કરવેરો ચૂકવવાનો આવશે.  

સ્થિતિ ૨ – 

અમૃતભાઈએ ઈજીઆરનું વેચાણ કર્યું નહીં, પરંતુ એનું ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર કર્યું. એ રૂપાંતર બાદ એમણે ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ ૯૦,૦૦૦ રૂપિયાના ભાવે એનું વેચાણ કર્યું. પ્રસ્તાવિત સુધારા મુજબ ઈજીઆરનું ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે અમૃતભાઈએ કોઈ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવો નહીં પડે. 

સોનાના વેચાણ પરના કૅપિટલ ગેઇનની ગણતરી કરવા માટે ઇન્ડેક્શેશન બેનિફિટ બાદની ૬૦,૦૦૦ રૂપિયાની રકમ ધ્યાનમાં લેવાની રહેશે. હોલ્ડિંગનો સમયગાળો ફિઝિકલ ગોલ્ડની ખરીદીની તારીખ (૧ મે, ૨૦૧૩)થી ઈજીઆરના વેચાણ સુધી (૩૧ માર્ચ, ૨૦૧૫)નો હશે.

બજેટ દ્વારા કરાયેલા આ સુધારાને પગલે રોકાણકારોને ડિજિટલ ગોલ્ડમાં રુચિ જાગશે એવું અત્યારે લાગી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 03:40 PM IST | Mumbai | Paresh Kapasi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK